નવનિર્માણ –(જીજ્ઞેશ અધ્યારૂ)


અચાનક તેની આંખ ખૂલી, સવાર થઈ ગઈ હતી. પ્રાતઃકર્મ પતાવીને ટ્રેનની બારીમાંથી તારાજ થયેલ વિસ્તારોને ‘અ’ જોઈ રહ્યો ત્યાં ભૂજ આવી ગયું. નિમણુંકપત્રમાંના સરનામે પહોંચીને તેણે જોયું તો હજી જૂજ લોકો જ આવ્યા હતા. એકાદ કલાક પછી તેના જેવા પચીસેક એન્જીનીયરો નવી નોકરીએ જોડાવા આવેલા. ભૂકંપ પછી ફરી બેઠા થવાનો પ્રયત્ન કરી રહેલ કચ્છ જિલ્લાના ગામડાઓમાં ફરીને એ બધાએ નષ્ટ થયેલી શાળાઓને ફરી બાંધવા અને નુકસાન પામેલી ઈમારતોની મરામત માટે કમર કસવાની હતી, શિક્ષણ વ્યવસ્થાની કરોડરજ્જુને તેમણે મજબૂત કરવાની હતી.

મુખ્ય અધિકારી આવ્યા, ખંડમાં શાંતિ પથરાઈ ગઈ. કોલેજમાંથી તાજા નીકળેલા આ યુવાનો તરફ જોઈને બોલ્યા, “આપણી પાસે આખો કચ્છ જીલ્લો છે, એકે એક ગામડામાં જઈને દરેક શાળાને જોઈ, નુકસાનનો અને બાંધકામમાં થનાર ખર્ચનો અંદાજ કાઢી, પ્રમાણિત કરાવી એ બાંધકામ કરાવવાનું છે. અને કામ ઝડપથી પણ ગુણવત્તા જાળવીને કરવાનું છે. આશા છે કે તમે બધા નવલોહીયાઓ આ કાર્યને ઉપાડી લેશો. બેસ્ટ ઑફ લક”

એ પછી આખી યોજનાની કાર્યપદ્ધતિ તેમને સમજાવાઈ, જે તે શાળાના આચાર્ય, તેના જેવા એન્જીનીયર, ગામના સરપંચ અને એક નાગરીક એમ ચાર સભ્યોની સમિતિ જરૂરી ખર્ચનો અંદાજ, સમય, કામની ગુણવત્તા તથા કામ પૂર્ણ થયાનું સંમતિપત્ર વગેરે માટે જવાબદાર રહેશે. દરેક એન્જીનીયરને એક એક તાલુકો આપવામાં આવ્યો, મોટા તાલુકાઓમાં બે કે ત્રણ એન્જીનીયરો હતા. તેના ભાગે છેવાડાનો એક તાલુકો આવ્યો. જરૂરી સરનામાં – ફોન નંબર વગેરે અપાયા. બીજા દિવસે પોતાને મળેલ તાલુકા તરફ તે રવાના થયો.

તાલુકા મથકે બેએક શાળાના શિક્ષકો તેને લઈ જવા રાહ જોઈને બેઠેલા. તેની પહેલી શાળાની મુલાકાત શરૂ થઈ. ઈમારતની હાલત બહુ સારી નહોતી. શાળા ખૂબ જૂની બાંધણીની હતી. સ્લેબમાં તિરાડો પડી ગયેલી. આચાર્યએ તેનું સ્વાગત કર્યું, ઠંડુ પાણી આવ્યું, સોડા આવી અને વાતો શરૂ થઈ ત્યાં સુધીમાં તો દાબેલી પણ આવી ગઈ. પેલા શિક્ષક પણ સાથે જ હતાં.

“શું લાગે છે?” આચાર્યએ પૂછ્યું.

“એસ્ટિમેટ કાઢવો પડશે, નુકસાન તો બહુ નથી, પણ તિરાડો ભરવાની અને એકાદ બે કૉલમ ઉમેરવાની જરૂર પડશે.”

“સાહેબ, ગમે તે કહો, આ મોકો છે, વ્યવસ્થિત કરી લઈએ, થોડાક નવા ઓરડા લેવા છે, આચાર્યના ઓરડામાં એ.સી., ટી.વી વગેરે વસાવવુ છે, તમે એસ્ટિમેટમાં એડજસ્ટ કરી દેજો. બીજુ સમજી લઈશું.” આચાર્ય બોલ્યા, તેણે પેલા શિક્ષક તરફ પ્રશ્નાર્થભાવે જોયું, તે ખંધુ હસ્યા. તેમનો સોનું ભરેલો દાંત મનની ચાડી ખાતો હોય તેમ ચમક્યો. નુકસાન અને કામના અંદાજીત ખર્ચની તૈયાર યાદી  ‘અ’ ને અપાઈ.

બીજી શાળાને નહીવત નુકસાન થયેલું, સાથે હતા એ શિક્ષક બોલ્યા, “ખાસ નુકસાન તો નથી પણ જો ગ્રાંટ મળતી હોય તો જવા નથી દેવી. તમારો પહેલો દિવસ છે, આપણે શાંતિથી વાત કરીશું.” એક મિત્ર નજીકમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, સાંજે તેના ઓરડે જઈને થોડો સમય રહેવાની વ્યવસ્થા ‘અ’ એ ગોઠવી લીધી. રાત્રે મિત્ર સાથે બેઠો.

“તને ખબર છે તમારા પ્રોજેક્ટમાં ભારે સેટિંગ ચાલે છે?” તેણે સહજભાવે કહ્યું.

“?”

“ખબર તો હશે જ… આ પહેલા બાજુના જીલ્લામાં પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. ચાર જણની કમિટિ બધું નક્કી કરે છે, બધા વહેંચી લે છે. શાળાઓમાં તો થોડું ઘણું દેખાડવા માટે થાય છે, બાકી તો… “

“રિપેરીંગ…?”

“રિપેરીંગ ઑન પેપર તો થશે જ, આચાર્ય તને કહેશે કે તેમને કેટલી ગ્રાંટ જોઈએ છે – એ ત્રણેય જણાએ નક્કી કરી રાખ્યું હશે. એમાં તારા ઉમેરીને એસ્ટિમેટમાં ઍડજસ્ટ કરવાના. વખત આવ્યે વહેંચી લેવાના. બાજુના જીલ્લામાં એન્જિનીયરોએ મહીનામાં બાઈક લઈ લીધી, ઘણાંએ તો ગાડી, જેવી જેની આવડત.” તેણે આંખ મારી, એ ખંધુ હસ્યો, પેલા શિક્ષકનો દાંત ચમક્યો.

બીજા દિવસે એ જ કાર્યક્રમ, શાળાઓ ફરવાની, કમિટીને મળવાનું, સમજવાનું. એક શિક્ષકે તેને વીસ લાખ મંજૂર કરાવવા કહ્યું, “કામતો દોઢેક લાખનું છે પણ આચાર્યના નવા પ્લોટમાં ઘર બંધાય છે.” પોતાના ટકા તેણે ઉમેરી દેવા. આચાર્યનો અને સરપંચનો સિક્કો તેને અપાઈ ગયો, કોની સહી કઈ રીતે કરવી તે સમજાવાઈ ગયું. અન્ય શાળાઓ પણ એ જ પદ્ધતિને અનુસરવા લાગી, આખી વ્યવસ્થા ગોઠવાયેલી હતી. ક્યાંક પંદર તો ક્યાંક પચીસ, કોઈકને ગાડી તો કોઈકને બંગલો – શાળાઓ બેઠી થાય કે ન થાય પણ બધાની અસંતૃપ્ત ઈચ્છાઓ આળસ મરડીને બેઠી થઈ ગયેલી. દિવસો વીતતા રહ્યા. શાળા ફર્યાના પુરાવારૂપે અઠવાડીયામાં આખા મહીનાની સહીઓથી તેની નોટ ભરાઈ ગઈ. એક શિક્ષકની બાઈક તેને કામચલાઊ મળી ગઈ અને એક સરપંચના ઘરમાં ઉપરના ઓરડે તે ગોઠવાઈ ગયો.

શહેરમાં તેના મિત્રો સતત આગળ વધી રહ્યા હતા, મલ્ટિનેશનલમાં નોકરીએ, વિદેશ જવાની તૈયારીમાં, કોઈક એમબીએ કરવા, કોઈક માસ્ટર્સમાં – બધા ગોઠવાઈ રહ્યા હતાં. પણ પોતાના માટે તેમાંથી કાંઈ પણ શક્ય નહોતું. એવું નહોતું કે આ બધું છોડીને ભાગી જવાની તેને ઈચ્છા નહોતી થઈ, પણ પોતે નિષ્ફળ કહેવડાવવા માંગતો નહોતો – નમાલો ન ગણાય એ માટે મન કઠણ કરીને વ્યવસ્થામાં ગોઠવાઈ જવાની ગણતરીએ એણે કામ ચાલુ રાખ્યું. અઠવાડીક મીટીંગ માટે ફરી જીલ્લામથકે જઈ આવ્યો.

એ મિટીંગમાં બધા કામ માટે ખૂબ ઉત્સાહી હતા. ઘણાંના એસ્ટિમેટ સહીસિક્કા સાથે આવી ગયા હતા, ઘણાં બાંકડાઓ પર બેસીને સિક્કાઓ મારી રહ્યા હતા. નવું અઠવાડીયું શરૂ થયું ત્યાં સુધીમાં તેણે પણ એસ્ટિમેટ બનાવવાનું શરૂ કરી દીધું. ફાઊન્ડેશનના હોલોબ્લોક, સળીયા, રેતી, સિમેન્ટ, મજૂરી… એક પછી એક માપ લખાતા ગયા, અને સામે ગાડીઓની, પ્લોટની, બાઈકની રકમ ઉતરતી રહી. તેણે ધ્રુજતા હૈયે બે એસ્ટિમેટ જમા કર્યા. કોઈને એ માપ કે રકમ જોવાની નવરાશ નહોતી, એ કાગળ ફાઈલોમાં પૂરાઈ ગયા, એ ફાઈલો ટેબલ પર ફરવા માંડી.

પોતાના વિસ્તારની ઘણી શાળાઓ તેણે ફરી લીધી, અનુભવ્યુ કે ભૂકંપ એક અનેરી તક હતી, ઘોડીયામાં સૂતેલા બાળકના નામે પણ એક પડી ગયેલું ઘર લખાયેલું. શાળાઓમાં નુકસાન થયું હોય તેના દસ, બાર, પંદર ગણા એસ્ટિમેટ બની રહેલા, વિરોધ કરે તો તેને કાઢીને બીજાને મૂકી શકાય એટલી સત્તા ધરાવતા લોકો સુધી આ આખી સાંકળ પહોંચતી હશે એમ તેને અનુભવાયુ, આ વ્યવહારીક પ્રણાલીમાં તે પણ ગોઠવાઈ ગયો. આવતા મહીને એક બાઈક લેવાનું તેણે નક્કી કર્યું.

એક આચાર્યએ કહેલું, “સાહેબ, પહેલાના જમાનાઓમાં ક્યાં આવી શાળાઓ હતી? જેને ભણવું છે એ તો ઝાડ નીચે પણ ભણે છે અને જેને ભણાવવું છે એ ગમે તેવી પરિસ્થિતિમાં ભણાવે છે.” એક નષ્ટ થયેલી શાળાના શિક્ષકે કહેલું, “શું કરીએ? મોટી કંપનીઓના પટાવાળાથીય ઓછો પગાર શિક્ષકોને અપાય છે. સમાજની આવતી પેઢીમાં સંસ્કાર રેડતા લોકોને અવગણો તો તેમની પાસેથી શું આશા રાખો? શિક્ષક તરીકે રિટાયર થયા પછી શું કરવાનું? ગમે ત્યાં મળી જતા – પગે લાગતા વિદ્યાર્થીઓ સિવાય શું મેળવ્યાનો સંતોષ? એક શાળામાંથી રિટાયર થયેલ ગણિતના શિક્ષક કુટુંબનું ગાડું ચલાવવા પાકટ ઉંમરે તેમના જ એક વિદ્યાર્થીની પેઢીમાં હિસાબનીશ છે. અમારે એમના પગલે ન ચાલવું હોય તો આ જ મોકો છે.” ત્રણ અઠવાડીયા વીત્યા, વીતેલા અઠવાડીયે એ જીલ્લા મથકે પણ ગયો નહોતો. હવે ફક્ત પાંચેક શાળાઓની મુલાકાત જ બાકી હતી.

આજે દૂરની એક શાળામાં જવાનું નક્કી થયું. બે કલાકની બાઈકસવારી પછી તે પહોંચ્યો. એકથી સાત અને બાલમંદિર એમ બધામાં થઈને અઢીસોએક વિદ્યાર્થીઓ એમાં ભણતા હતા. આસપાસના ચાર ગામ વચ્ચે એક જ શાળા હતી. ઈમારતને પડેલો મરણતોલ ફટકો દેખાઈ આવતો હતો. મોટાભાગના ઓરડાઓની દિવાલો પડી ગયેલી, બાકી હતી એમાં વિશાળ ગાબડાં હતા. વરંડાના ત્રણેક થાંભલા સાવ તૂટી ગયેલા, બીજા બે પર તૂટેલો સ્લેબ લટકી રહ્યો હતો અને સળીયા વાંકા વળીને ડોકાઈ રહ્યા હતાં. ખૂણામાં તૂટેલી પાટલીઓનો ઢગલો હતો. પાસેના લીમડાના ઝાડ નીચે બે વર્ગો ચાલી રહ્યા હતાં. છત વગરના ઓરડાઓમાં પણ વર્ગ ચાલી રહ્યા હતા, ક્યાંકથી ગણિતના પહાડાઓ તો ક્યાંકથી કવિતાઓના સ્વર ગૂંજી રહ્યા હતા, મોટાભાગની શાળાઓમાં તેને ભયનો ઓછાયો દેખાયો હતો. આંચકાઓથી ગભરાઈને શિક્ષકો કે બાળકો, કોઈ ધ્યાન ન આપી શક્તા. મોટાભાગની શાળાઓ ઔપચારિકતા ખાતર ચાલતી. પણ અહીંનું વાતાવરણ અલગ લાગ્યું.. એક શિક્ષિકાએ તેનું અભિવાદન કર્યું. તે પાછળ પાછળ ચાલ્યો અને શાળાના મુખ્ય પ્રવેશદ્વારની સામે વરંડામાંજ ટેબલ ખુરશી મૂકીને ઓફિસની વ્યવસ્થા કરાઈ હતી ત્યાં એક લાકડાની ખુરશી પર બેઠો.

થોડી વારે એક આધેડ ઉંમરના બહેન પાસેના વર્ગમાંથી બહાર આવ્યા, એ આચાર્યા છે એવું ‘અ’ સમજ્યો, અવશપણે ઉભો થઈ રહ્યો અને નમસ્કારની મુદ્રામાં હાથ જોડાઈ ગયા.

“નમસ્કાર, હું સ્કૂલના રિપેરીંગ એસ્ટિમેટ માટે….”

“બેસો બેસો….”

એક નાની છોકરીએ આવીને પાણી આપ્યું. શાળા છૂટવાનો ઘંટ વાગ્યો, વાતાવરણમાં શાંત ચહલપહલ દેખાઈ, થોડીજ ક્ષણોમાં આખોય વિસ્તાર નિ:સ્તબ્ધ થઈ ગયો.

“અહીં કેવુંક નુકસાન છે?” તેણે પૂછ્યું.

“સારુ એવું, ઘણું તૂટ્યું છે. વર્ષોથી સ્કૂલ રિપેરીંગ વગરની હતી, કંપે પડ્યા ઉપર પાટુ માર્યું, જુઓને પાંચમાંથી બે ઓરડાની છત જ બચી છે, મોભ અને થાંભલાઓ તૂટ્યા છે.”

“તમારો અંદાજ શું છે? કેટલો એસ્ટિમેટ મંજૂર કરાવવો છે?”

“??”

પ્રશનસૂચક ચહેરાનો તેને અનુભવ નહોતો એટલે શું કહેવું એ તેને ખબર ન પડી. અત્યાર સુધી જે શાળાઓમાં એ ગયો ત્યાં બધે આખીય વ્યવસ્થા ગોઠવાયેલી હોય એમ બધા સમજદાર હતાં, પણ અહીં તેને એ સમજદારીનું તત્વ ગેરહાજર લાગ્યું.

“રિપેરીંગ કેટલા સુધી….”

“એ તો નુકસાન જોઈને તમે કહેશો ને…”

“સારુ.”

નોટપેડ કાઢીને તે ઉભો થયો. આ પહેલો પ્રસંગ હતો જ્યાં તે ખરેખર કામ કરવા જઈ રહ્યો હતો. આચાર્યા તેની પાછળ ચાલ્યા. નુકસાનની નોંધ કરવાનું શરૂ થયું. કોઈક દિવાલ ફરીથી કરાવવી પડે તેમ હતી, ક્યાંક તિરાડો પૂરવાની જરૂર હતી, ભયજનક સ્લેબ ઉતારીને ફરી કોલમ મૂકીને કરવા પડે તેમ હતા, બધુંય તેણે ટપકાવવા માંડ્યું. લેધરબેલ્ટ પર લટકતી નવીનક્કોર ટેપ કાઢીને તેણે જરૂરી માપ લીધાં. બીજે આ બધું તૈયાર મળતું અને તેણે કદી ઉલટતપાસ કરી નહોતી, કામ કરવાનો આ પ્રથમ અનુભવ હતો.

એક ઓરડા પાસે આવીને આચાર્યા અટક્યા, ખચકાટ સાથે બોલ્યા, “બીજે શું ચાલે છે એનાથી મતલબ નથી, પણ અહીં એમ નહીં થાય, અમને માફ કરજો.” અમને શબ્દ પર મૂકાયેલા ભારને તે પોતાના પર અનુભવી રહ્યો, પહેલી વાર ખોટું કર્યાનો અહેસાસ, જેને ખંખેરીને તે ઓરડામાં પ્રવેશ્યો. બીમ બરાબર ઓરડાની વચ્ચે તૂટ્યો હતો. એના બે મોટા ટુકડા ફર્શ પર પડ્યા હતા. જરૂરી નોંધ કરાઈ અને બંને વરંડામાંની ઓફીસ તરફ ચાલ્યા.

“તમે ત્યારે ક્યાં હતા?” અહીં તેણે આ પ્રશ્ન કેટલાયને પૂછ્યો હતો, વાત વધારવાની આ રીત હતી. પ્રશ્નમાં ભાવ નહીં, ફક્ત ઔપચારિકતા હતી.

“અમે ધ્વજવંદન કરીને પટાંગણમાં ઉભા હતા. એ પછી ધ્રુવના જીવનચરિત્રના એક નાનકડા નાટકની અમે રાહ જોતા હતા, ત્રીજા ચોથા ધોરણના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તૈયાર કરેલું, જે ઓરડો તમે છેલ્લે જોયો એમાં બધા તૈયાર થઈ રહ્યા હતા. નાટક શરૂ થવાનો ઘંટ વાગ્યો ને કુદરતે કોપ વરસાવ્યો. જૂનું મકાન હોવાથી દિવાલોના પથ્થર તરત તૂટવા લાગ્યા. છોકરાઓ નાસભાગ ન કરે એ માટે અમે તેમને મેદાનમાં જ રાખવાનો પ્રયત્ન કરતા રહ્યા. મને ઓરડામાંના બાળકોની ચિંતા હતી એટલે હું દોડીને ઓરડે પહોંચી, પણ ત્યાં સુધીમાં આંચકો બંધ થઈ ગયેલો,”

એ અટક્યા, અનિમેષ નયને જમીન તરફ તાકી રહ્યા, થોડી ક્ષણો પછી બોલ્યા,

“ત્રીજા ધોરણની બે છોકરીઓ સિવાય લગભગ બધા બહાર આવી ગયેલા. એ બેમાંથી એકના પગ પર કાટમાળ પડ્યો, એ ગંભીર રીતે ઘવાઈ અને બીજીના માથા પર બીમ તૂટીને પડ્યો, એનું માથું જ છૂંદાઈ ગયું.” તેમની આંખો ભરાઈ આવી, એ આંસુઓને રોકવાનો કોઈ પ્રયત્ન ન થયો. આ અનુભવ ‘અ’ ને માટે નવો હતો. કોઈ શાળામાં તેને ભાવુક થવાનો પ્રસંગ આવ્યો નહોતો. બધે વ્યવહારની જ વાતો થતી, સારી ખાતરબરદાસ થતી, સહીઓ લેવાતી – દેવાતી, સિક્કાઓ અપાતા અને ખંધા સ્મિત થતા. બધું વ્યવસ્થિત ચાલતું, અવ્યવસ્થાનો આ પહેલો પ્રસંગ હતો,

“આઈ એમ સોરી…”

“શાળાને બેઠી કરવામાં જે ખર્ચ થશે તેનો એસ્ટિમેટ કાઢો, કામ તમારી દેખરેખમાં જ થશે, પણ કામ એકદમ ચોક્કસ થવું જોઈશે. અહીં એક રૂપિયો પણ ખોટો થવાનો નથી. શાળા નહીં બંધાય કે રૂપિયા નહીં મળે તો વાંધો નહીં પણ. . . .” સ્વર મક્કમ હતો.

બાઈક શરૂ કરતા કરતા તેણે જોયું તો તેને આવકારવા આવ્યા હતા તે શિક્ષિકા આવી રહ્યા હતા.

“એસ્ટિમેટ બની જાય એટલે કહેજો, સહીસિક્કા માટે તમારે ધક્કો નહીં ખાવો પડે, હું જ આવી જઈશ. કામ શરૂ થશે ત્યારે તો તમે આવશો જ…”

“સારુ.”

“અને મેડમની વાતને નકારાત્મક નહીં લેતા, એ દુનિયાના વ્યવહારોમાં ગોઠવાયા નથી, ગોઠવાશે નહીં. વિદ્યા એમના માટે ધંધો નથી.”

“એક વાત કહેશો? આટલી બધી શાળાઓ જોઈ પણ કોઈ આચાર્યને વ્યવહારની વાતમાં લાગણી વચ્ચે લાવતા જોયા નથી. અહીં એવું કેમ?”

“ખબર નહીં સાહેબ, તમારે આ સવાલ ત્યાં પૂછવો જોઈએ કે અહીં… પણ જવા દો, જે ક્યારેક પ્રમાણીક કહેવાતા, આજે તેમને અવ્યવહારુ કહેવાય છે.”

“પેલી છોકરી એમની કોઈ સગી હતી? મારો અર્થ એમની પૌત્રી કે …”

“હા, હોવી જોઈતી હતી… તો કદાચ તમને એમની વાત વ્યવહારીક લાગત. જે મરી ગઈ એના ક્ષતવિક્ષત દેહને મેં આ હાથમાં ઉપાડ્યો હતો. તમને આશ્ચર્ય થશે, એ છોકરી અનાથ હતી, ધ્રુવનો ભાગ ભજવવાની હતી. કચ્છમાં હજારો લોકો મર્યા છે, કોણ કોને રડે? પણ એક અનાથ માટે આખી શાળા રડેલી. એ અમારા સૌનો જીવ હતી, શાળાનું હ્રદય… એને અમારે ફરી ધબકતું કરવું છે.”

એ રાત્રે એ શાળાનો વિગતે એસ્ટિમેટ બન્યો, અઠવાડીયાને અંતે તાલુકા મથકે જઈને તેણે જમા કર્યો પછી તેને હાશ થઈ, એક સારૂ કામ કર્યાનો સંતોષ થયો.

બીજા એસ્ટિમેટ્સ ફાડી નાંખવા તેણે હાથમાં લીધા, થોડોક ખચકાયો, ઑફીસની સામે બાઈકના શૉ-રૂમ તરફ જોયું અને એ જમા કરાવી દીધા. શૉ રૂમમાં લગાવેલી જાહેરાતમાં બાઈક પર બેસીને એક નાનકડી બાળકી સ્મિત કરી રહી હતી.

–     જિજ્ઞેશ અધ્યારૂ

1 thought on “નવનિર્માણ –(જીજ્ઞેશ અધ્યારૂ)

  1. સરકારી તંત્રની ગતિવિધિ -માણસમાં સહજ રહેતી સ્વાર્થી વૃત્તિ અને સંવેદનશીલ વ્યક્તિ તરીકેની મૂંઝવણ – આ બધું જ સરસ વાર્તા ની રીતે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s