મોદીની હવેલી -૮ (પૂર્વી મલકાણ)


૮. પૂળો

साहिल के सुकूं से किसे इन्कार है लेकिन

तूफ़ान से लड़ने में मज़ा और ही कुछ है.

પૂળા કે પૂળો આ શબ્દ આમ તો ગ્રામ્ય છે, પણ ખેડુ લોકો માટે તો આ રોજિંદો શબ્દ. પાક ઉતર્યા પછી ખેતરમાં જે સૂકા ઠીંઠવા રહે તેને કાપીને તેનાં ભારા કરાય છે તેને કહેવાય પૂળા. આ પૂળા તે ખેડુલોકોનાં પાળીતા ગાય-ભેંસ માટેનું ચારણ બનતાં. આવા પૂળા તે સૂકી લાકડીઓનાં યે બને. આજનાં સમયે આપણે આ લાકડીઓનાં પૂળાને ફાયરવૂડ તરીકે ઓળખી શકીએ છીએ. આ પૂળાઓને સંબંધિત આપણે ત્યાં અમુક વ્યાખ્યાંઓ પણ છે. દા.ત મૂકો વાતનો પૂળો – એટ્લે કે જે વાત વધી જતી હોય તેને ત્યાં જ કાપી નાખ, પૂળો કર – એટ્લે કે કોઈક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય કે સગપણમાં વચ્ચે આવતી હોય તો સળગાવી કાઢ જેથી તેનો નિકાલ થાય, લાકડાનાં ઠીંઠવા ને ઘાસનાં પૂળાનો ભરોસો નો હોય- એટ્લે કે આ બંને વચ્ચે અગ્નિ છુપાયેલ હોય છે, જો આ બંને ઘસાશે તો અગ્નિનાં ચકમક ઝરશે ને એમાંથી આગ ફાટતાં વાર નહીં લાગે. આમ પૂળા આપણાં જીવનમાં અનેક વ્યાખ્યાંરૂપે સમાયેલ છે, પણ આ શબ્દ મારા જીવનમાં યે ભાગ ભજવશે તેનો ખ્યાલ ન હતો. અગાઉ મે જણાવ્યું કે મને વાંચવાનો શોખ બહુ હતો, તેથી મારા મોટા ઘરમાં ( બગસરામાં ) મારા વાંચન પર બહુ રોક લગાવવામાં આવતી જેને હું ધ્યાનમાં લેતી ન હતી. હવે ગામડાની છોકરીએ જે શીખવાનું છે તે ઘરકામ મૂકી થોથા વાંયચ વાંયચ કરે તે કેમનું ચાલે? એટ્લે મારા મોટી બા અને મારા ભાભુ બંને જણાં મારા મમ્મીને ખીજાય ને કહે કે, આ છોકરીને વાંયચવાનાં વ્યસને લગાડી છે તો સાસરે કેમ કરીને જાશે? જુઓ તમે અત્યારથી એની દોર ખેંચશો નહીં તો છોકરી ચોક્કસ બગડી જાવાની. આમ મમ્મીને વારંવાર સાંભળવું પડતું હોય કવચિત એ એની ધીરજ ખોઈ બેસતી, તેથી મને એ સમજાવતી કે જો તારે વાંચવું હોય તો રાજકોટમાં વાંચજે અહીં નહીં, પણ મમ્મીની વાત ને હું એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખતી. મારી આ ન સાંભળવાની આદતને કારણે મારા મોટી બા કહેતા કે; એ પૂરવી તારા થોથામાં પૂળો મૂયક તો કાંક કામ થાય. પણ મોટી બાનું બોલવું એ જુદું હતું, ને સાચેસાચ કરવું એ જુદું હતું. પણ એ સમયે પણ મારા જીવનમાં આવ્યો જ્યારે મારે સાચે જ મારા એ ચોપડામાં પૂળો મૂકવો પડ્યો હોય.

પોરબંદરવાળા મારા ફૈબાનાં પરિવારની બદલી રાજકોટમાં થઈ હતી. રાજકોટમાં તેમનો પરિવાર મોટો. ચાર દેરીયા -જેઠીયા ને એની વચ્ચે ૭ છોકરા હતાં. ભર્યા ભર્યા પરિવારમાં કદીક બે વાસણ ખખડે ય ખરાં, પણ અંતે એ વાસણો આખરે એક જ છાજલીએ ભેગાં થાય. પણ એક સમયે આ ખખડવાનો અવાજ વધી ગયો તે મારા ફૈબાને આવ્યો ગુસ્સો. તે એમણે બગસરા ફોન કરીને કહ્યું કે હું છોકરાઓ સાથે આવું છું. બેનું દીકરીયું આનંદિત થઈને આવે તો માબાપને બહુ ગમે પણ જો રિસામણે આવે તો મગજ ને લોહી બેય પર ભાર આવી જાય. મોટી બાએ બધી જ વાત સાંભળી અને ફૈબાને ઘરે આવી જવાનું કીધું, સાથે અમારે ત્યાં યે ફોન કરીને જણાવ્યું. મોટી બા ની વાત સાંભળી મારા પપ્પા ફૈબાને ઘેર ગયાં અને કહ્યું કે બગસરા નીકળે તે પહેલાં ઘરે આવી જાય પછી નીકળે. પપ્પાની વાત સાંભળી ફૈબા બસ સ્ટેશને જતાં પહેલાં ઘેર આવ્યાં. મમ્મીએ એમને બહુ સમજાવ્યાં કે; આ વરસાદ બહુ છે બેન, તમે બગસરા નો નીકળો. જો રિસામણે જ જાવું તો આ ભાઇનું ઘર ક્યાં ખોટું છે, આયાં રોકાઈ જાવ પણ ફૈબા માન્યાં નહીં. મમ્મીને ફૈબાની એ હા -ના ની વચ્ચે એવું નક્કી થયું કે મારે ય ફૈબાની સાથે બગસરા જાવું એટ્લે ફૈબાનાં છોકરાવનું ધ્યાન રખાય. હવે પૂર્વીબેનની ઉંમરે ય એવડી મોટી નહીં પણ ફૈબાનાં છોકરાવની સરખામણીમાં જરીક ફેર પડે બસ એવડી જ. પણ બગસરા જાવું એટ્લે મારે માટે આંકડે મધ જેવી સ્થિતિ ને એમાં યે ફૈબાની ચકલી તો મારી ખાસ બેનપણી એટ્લે અમે ય દોડાદોડી કરીને કપડાંનો થેલો ભર્યો ને માથે મૂકી ચાર-પાંચ વાર્તાની ચોપડીઓ ને સાથે સ્કૂલનું લેશને ય થતું રહે તે માટે ઇતિહાસ, ભૂગોળ ને ગુજરાતીની ચોપડી. આમ કપડાં કરતાં ચોપડીઓથી થેલો ભરી કાઢ્યો. ફૈબા સાથે માથાઝીંક કરતાં મમ્મી એ થેલાને જોવાનાં નોહતાં એટ્લે બીવાની કોઈ વાત નતી. કદાચ ચોમાસાને કારણે કપડાંની તંગી પડે તો ત્યાં ય ( બગસરામાં ) યે મારા થોડાઘણાં કપડાં તો હતાં જ ને, ન હોય તો ય શું સંધ્યાનાં કપડાં પહેરી લઈશું. આમ મારો થેલો ભરાય ત્યાં મમ્મી કહે કે, બેન જમવાનો સમય છે તે જમ્યાં વગર ના જવાય પણ ફૈબા માનેલાં નહીં, તે બધું યે જમવાનું મમ્મીએ ટિફિનમાં ભરી દીધું ને સાથે થોડો કોરો નાસ્તો યે આપ્યો જે અમે રસ્તામાં જ પૂરો કરી નાખ્યો.

ધોધમાર વરસાદની અંદર અમારી બસે ઘણાં ગામડાં પસાર કર્યા. આમ તો રસ્તો ખાલી સાડાત્રણ કલાકનો પણ ભારી વરસાદને કારણે ડ્રાઈવર બસ બહુ ધીમે ચલાવતો હતો. રસ્તામાં અમે બે-ત્રણ જગ્યાએ ઝાડો ય તૂટી પડેલાં જોયાં, રસ્તાની કોરે છલકાયેલાં પાણી જોયાં, નદી, વોંકળા ને નાળા ઉભરાયેલા યે જોયાં, પણ આ બધાંની વચ્ચે અમારી બસ ચાલી જતી હતી બસ. અમે જ્યારે નાની કુંકાવાવ પહોંચ્યાં ત્યારે ખબર પડી કે આગળનો રસ્તો બંધ છે. એ સમાચારથી પહેલાં તો વિચાર્યું કે કદાચ બસ આંહી ગામમાં જ રહેશે. પણ એવું થયું નહીં. ડ્રાઈવરનું યે માથું ફૈબાની જેમ ફરેલું હશે તે એણે બસ ચાલું કરી, કંડકટરે બહુ સમજાવ્યો પણ તે માન્યો નહીં. અમારી બસમાં રહેલાં અમુક લોકોને કદાચ કોઇક લોકોને ખ્યાલ આવી ગયો હશે તે તેઓ નાની કુંકાવાવમાં ઉતારવા લાગ્યાં. એટ્લે ફૈબાએ એમને પૂછ્યું તો તેઓ કહે ગામમાં કોકને ત્યાં રાતવાસો કરી લેશે. આમ આગળ જાવું ઠીક નથી, વરસાદનું જોર વધી ગ્યું છે ને રાજકોટથી આપણે નીકળા ઇ વાતને ય ચારેક કલાક તો થઈ ગ્યાં હશે. એમની વાત સાચી હતી, પણ અમે હતાં ૭ જણાં તે રાતવાસો રહીએ ક્યાં? કોના બારમાં જઈને ટીચાવું? એટ્લે અમે બસમાં બેસી રહ્યાં ને ડ્રાઇવરે બસ ઉપાડી.

નાની કુંકાવાવ પછી કાળુભાર નદી પરનો એક બેઠોપુલ પાર કરી અમારે નદીની સામીકોરનો રસ્તો લેવાનો હતો, પણ સખત વરસાદને કારણે બેઠોપુલ પાણીમાં ગરક થઈ ગયો. હવે અજાણી નદીમાં ઉતરવું કઈ રીતે? ને એ વખતે બસ દ્વારા બગસરા પહોંચવાનો રસ્તો એક જ હતો, કદાચ. તે ડ્રાઇવરે બસ ફેરવી નહીં. થોડીવારે અમારી બસની પાછળ બીજી બે-ત્રણ ગુજરાત સ્ટેટની બસ આવીને ઊભી રહી ગઈ એટ્લે રસ્તો થયો બંધ. હવે ડ્રાઈવર પાસે પાછલી કોરે બસ વાળવા માટે રસ્તો નોહતો. તે ડ્રાઇવરે બસ સાવ જ બંધ કરી દીધી ત્યાં જ ને અમે સલવાઈ ગ્યાં અંદર.

વરસાદનું જોર વધવા લાગ્યું હતું. અમારી સામે રહેલી કાળુભારમાં પાણી ઉપર આવી ગયાં હતાં, આગળનો થોડોઘણો દેખાતો રસ્તો ય દેખાતો બંધ થઈ ગયો, આજુબાજુના ઝાડવાનાં થડ પાણીમાં ડૂબવા લાગ્યાં. પાણીની રેલ વધતી વધતી અમારી બસ પાસે આવી ગઈ તી. ઠંડી તો કે મારું કામ એટ્લે અમે બારી કરી બંધ પણ તોયે ઠંડીમાં અમે ઠૂંઠવાઇ રહ્યાં. સાંજ પડવા આવી હતી ને ઠંડીને કારણે પેટમાં કૂકડાં યે બોલતાં તાં. બસમાં અમે ગણી ગણીને બારેક મુસાફરો હોઈશું, પણ પેટ તો બધાંનાં યે સરખા. પણ હજી તો કેટલોયે સમય અમારે કાઢવાનો હશે તેની ખબર નોહતી. અમારી બસનો કંડકટર બહુ હોંશિયાર માણસ હતો. તેણે અમારો સમય પસાર કરવા માટે વાર્તાઓ કહેવા માંડી. એની એ વાર્તાઓમાંથી ખાલી બે -ત્રણ વાતો એની યાદ છે. જેમાં એક વાત એ હતી કે, કોઈક એક રસ્તો હતો જેની પર કોઈક પીરની મજાર હતી, એ મજાર પાસે બસ પહોંચે ત્યારે ડ્રાઇવરે હોર્ન મારીને તે મજારને સલામી આપવાની. જો સલામી આપ્યાં વગર જો બસ નીકળી જાય તો તે બસને કોઈક નુકસાન થાય, બસનો એક્સિડંટ થાય અથવા તો બસ બંધ થઈ જાય એવું કશુંક, બીજી તેની વાતમાં કોઈક ચૂડેલ હતી જે દિવાસળીનું બોક્સ લેવા આવી હતી, પણ ડ્રાઇવરે કીધું કે; માડી હું બીડી નથી પીતો એટ્લે બાકસ નથી તે સાંભળતાં જ એ ભડકો થઈ ઊડી ગઈ. તેની ત્રીજી વાતમાં કોઈક રસ્તામાં લૂટારા આવી ગયેલાં ને તેઓ કેવી રીતે બચેલાં તેની વાત હતી. આ વાતો ક્યાં સુધી ચાલેલી તેની યાદ નથી. રાતના સમયે ફૈબાએ જ્યારે જમવાનું ખોલ્યું ત્યારે બાકી રહેલાં બે-ચાર લોકોયે એમાં આવી ગયેલાં, એ લોકો પાસે ય થોડુંઘણું ખાવાનું હતું. અમે બસમાં રહેલાં છાપાં ભેગા કર્યા તેનાં નાના નાના ટુકડાં કર્યા પછી એમની પાસે જે હતું તેનાં ને અમારા જમવાનાં ભાગ કર્યા. તે વખતે કંડકટરે અમને સમજાવ્યું કે છોકરાઓ સાવ ધીમે ધીમે ચાવીને ખાજો, વાતો વધુ કરજો ને જેટલો નાનો કોળીયો લેવાય તેટલો નાનો કોળીયો લેજો. કંડકટરની વાતને અમે બધાં યે ટેકો આપ્યો ને એજ રીતે અમે કર્યું. એ રાત્રે અમારું જમવાનું બહુ લાંબો સમય ચાલ્યું. પણ અમે બધાં યે નસીબદાર હતાં કે અમે અને અમારી સાથે રહેલાં લોકો સાવ જ ભૂખ્યા સૂતા નોહતાં. આમ તે રાતે મને બીજો પાઠ શીખવા મળેલો જેણે મારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો. જમીને અમે થોડીવાર પગ હલાવવા જ્યારે બસમાંથી નીચે ઉતર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે સમાંતરે જતી કાળુભાર નદીનાં પાણીનો વહાવ અમારી બસ પાસે આવી ગયા છે ને અમારી બસનાં ચારેય પૈડાં પાણીમાં ડૂબવા લાગ્યાં છે. અમે થોડીવાર માટે એ પાણીમાં ધબાધબ કરતાં પગલાં ભરતાં રહ્યાં. બસમાં પાછાં ચડ્યાં ત્યારે ઘણી બધી સીટો ખાલી હતી પણ ત્યાં જઈને સૂઈ ન શકાય કારણ કે ઠંડી વધુ લાગે. તેથી ફરી અમે બધાં પાછાં અમારી સીટ ઉપર આવી ગયાં પછી ફૈબાએ બેગ ખોલી એની સાડી અમને આપી. એ સાડીને અમે શાલની જેમ ઓઢીને ચપોચપ બેસ્યાં પણ ઠંડીનાં માર્યા કેમે ય રાત જાય નહીં. તે એવામાં ડ્રાઈવર આવીને ફૈબાને કહે કે; બેન હાલો તાપણી સળગાવીએ. ફૈબા કહે, ભાઈ પણ બસની બહાર ભીનું છે તો તાપણી કરવી ક્યાં? આ સાંભળી ડ્રાઈવર આગળનાં ભાગમાં રાખેલી પતરાંની બાલ્ટી લઈ આવ્યો ને તેમાં અમે ખાધેલાં તે છાપાનાં કકડાઓને ભેગાં કર્યા પછી અમને કહે, છોકરાવ બધી સીટો નીચે ફરી વળો જુઓ ક્યાંય છાપા દેખાય છે? હજી થોડાંક છાપા મળી જાય તો તો તાપણી જરા સરખી થાય ને થોડો ગરમાવો મળે. એ સાંભળી અમે બધી સીટોની નીચે વાંકા વળી વળીને જોવાં લાગ્યાં. જે અમને ખાસ મળ્યાં નહીં, પણ અમારી પાછળ બેસેલાં એક ભાઈ બેસેલાં તેમની પાસે ચક્રમ નામની પુસ્તિકાઓ હતી, જે તેણે ડ્રાઈવરને આપી. ડ્રાઇવરે તે ચોપડીનાં પાનેપાનાં છૂટા કર્યા ને એમાં થોડી આગ ભરી. પછી એ બાલ્ટી અમારી સીટો પાસે મૂકી. પણ આટલાં ક પાનાં ક્યાં સુધી રહે, ત્યાં ડ્રાઈવર બોલ્યો કે હજી થોડાંક પાનાં હોય તો સારું. ત્યાં ફૈબાને યાદ આવ્યું કે પૂર્વી પાસે તો ચોપડીયુ તો હશે જ એટ્લે તેણે મારો થેલો ખોલ્યો, જેમાંથી એક નહીં અનેક ચોપડીયું નીકળી. સ્કૂલની ચોપડીયુંને જુદી રાખી ફૈબા ડ્રાઇવરને કહે ભાઈ આમાંથી પાનાં કાઢી લ્યો. આ સાંભળી મારા હોંશ જ ઊડી ગયાં તેથી ત્યાં જ મારી ને ફૈબાની વચ્ચે હા -ના નું યુધ્ધ ત્યાં જ શરૂ થઈ ગયું, અંતે મારાથી થાકી મારા હાથમાં રહેલી ચોપડીઓને ખેંચતાં ફૈબા બોલ્યાં; એ બેબલી આ તારા ચોપડાને પૂળો મૂક તો આપણે બધાં યે સલામત રહીશું. મોટી બા એ કીધેલું તે દિવસે સાચું પડ્યું, મારા થોથાઓને ખરેખર જ પૂળો મૂકાઇ ગયો. મારા ઉતરેલા, રડું રડું થતાં મો ની કોઈ પરવા ન કરતાં બાકી રહેલાં લોકો આછી તાપણીનાં ગરમાવા ઉપર હાથ શેકતાં શેકતાં ક્યારે સૂઈ ગયાં તેની ન મને ખબર રહી ન તેમને.

બીજે દિવસે સવારે આંખ ખૂલી ત્યારે ય વરસાદ ધીમો ધીમો ચાલું હતો. બસનાં પૈડાં પાસેથી નદીનાં નીર નીકળી ગયેલાં ને અમારા ડ્રાઈવર ભાઈ ક્યાંય દેખાતાં ન હતાં. અમે કંડકટરને પૂછ્યું તે કહે, મને ય ખબર નથી હું યે ઉઠ્યો ત્યારે એ અહીં નોહતાં. અમે થોડીવાર તેમની રાહ જોઈ, ત્યાં કંડકટર આવીને કહે; બેન આપણે બસને લોક કરી દઈએ અને તોરી ગામ તરફ નીકળીએ ને સામાનને ય અહીં જ રહેવા દઈએ. કંડકટરની સલાહ માનીને અમે તોરી તરફ નીકળી પડ્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં કંડકટર પાસેથી જાણવા મળ્યું કે, અમે બગસરાથી ખાલી અમુક જ કી.મી દૂર હતાં, કદાચ થોડીવાર માટે અમને રસ્તો ખુલ્લો મળી ગયો હોત તો અત્યારે અમે બગસરામાં હોત, પણ એવું થયું નોહતું. વરસાદ હજીયે ચાલું હતો, ઠંડી યે હતી ને અમે ભૂખ્યાં પણ હતાં. રસ્તામાં ચાલતાં અનેક પાંદડા, અળસિયા, ગોકળગાય ને કાદવ અમારા પગ નીચે ચગદાતા રહ્યાં. સખત વરસાદને કારણે ઘણાં ઝાડો પડેલાં જોયાં. એમાંથી અમુક ઝાડોને દૂર કરવાની કોશિષ પણ કરી પણ અમુક ઝાડોનાં થડ બહુ મોટા હતાં, તેથી અમે તેની આરપાર કૂદતાં કૂદતાં આગળ વધતાં અથવા તો ઝાડની ડાળીઓને ઉપાડી સાઈડમાં ફેંકી રસ્તો કંઈક અંશે ચોખ્ખો કર્યાનો સંતોષ માનતાં. ભીના થતાં થતાં યે અમારું બોલવાનું અને રમવાનું ચાલું હતું કારણ કે કોઈ ઉપાય જ ન હતો અને ગમે તેમ તોરી ગામે પહોંચવું જરૂરી હતું જે બહુ દૂર નતું. અમારું ચાલવાનું ચાલું હતું, ત્યાં કંડકટર કહે; છોકરાઓ જુઓ આ વરસાદને કારણે આજુબાજુનાં ખેતરોમાંથી મગફળીનાં છોડવા રસ્તા પર આવી ગ્યાં છે, એને ઉપાડો ને એનાં મૂળીયાંમાંથી સિંગું કાઢી ખાવા માંડો ને માટી કે અળસિયા લાગ્યાં હોય તો જુઓ બધી જગ્યામાં પાણીનાં છમકલા છે, છોડવા એમાં નાખી થોડા હલાવશો તો માટી ને અળસિયા બેય નીકળી જાશે. આમ અમને કશુંક ચવડ ચવડ કરવા મળ્યું ને સાથે અમારા પગે ય ચાલતાં રહ્યાં. આ ચાલવાની યાત્રામાં અમે, કંડકટર અને રાતનાં સમયે અમારી સાથે જે હતાં એમાંથી ખાલી બે જણાં અમારી સાથે હતાં અને બીજા બે જણાં ગાયબ હતાં તેઓ ક્યાં હતાં તેની અમને ખબર નોતી.

અમે જ્યારે તોરી પહોંચ્યાં ત્યારે દિવસ સારો એવો માથે ચડી ગયો તો ને વરસાદ લગભગ બંધ જેવો થઈ ગયો હતો, ગામ પાસે અમે ચાની પતરાવાળી કેબિન જોઈ જે ખુલ્લી હતી અને અમે અમારો ડેરો ત્યાં જ જમાવી દીધો. અમે થાકેલાં હતાં, ભૂખ્યાં હતાં અને ભીના થયેલાં હતાં. અમારી સાથે કંડકટરને જોઈ ચા વાળાને ખ્યાલ આવી ગયો. થોડી પૂછપરછ બાદ તેણે અમારે માટે ગાઢી દૂધવાળી ચા બનાવી દીધી અને તેમની પાસે ખારી બિસ્કિટની જાર હતી જે તેણે અમારે માટે ખુલ્લી મૂકી દીધી ને ભીનું ડીલ કોરું કરવા પંચીયું આપ્યું.

અમારો એ નાસ્તો ચાલતો હતો ત્યાં એક છકડો પસાર થયો, થોડીવાર પછી એ ફરી પસાર થયો ને એ વારંવાર થતો રહ્યો. અમને પહેલાં તો ખ્યાલ ન આવ્યો તેથી લાગ્યું કે અહહા કેટલાં બધાં છકડા નીકળે છે, પણ પછીથી લાગ્યું કે આ એક જ છકડો છે જે બે-ત્રણ વાર નીકળો છે. અંતે એ અમારી કેબિન પાસે ઊભો રહ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે છકડાવાળો અને તેનો સાથી અમને જ શોધી રહ્યો હતો. તે છકડાવાળાને તો અમે ન ઓળખ્યો, પણ સાથીને અમે ઓળખી ગયાં તે ચેતનભાઈ હતાં. તેઓ બીજા કોઈક રસ્તેથી બસ પાસે પહોંચેલાં પણ બસ બંધ હતી તેથી તેમણે વિચાર્યું કે આ લોકો જે ગામ બગસરાની નજીક હશે તે તરફ જ ગયાં હશે આમ તેઓ અમને શોધતાં શોધતાં અમારા સુધી પહોંચેલાં. તેમની સાથેની વાતચીતમાં જાણ્યું કે, અમારી બસનો ડ્રાઈવર અને તે અન્ય વ્યક્તિ મધ્યરાત્રિનાં જ બગસરા તરફ નીકળી ગયેલાં ને વહેલી સવારે તેઓ બગસરા પહોંચી ગયાં. ત્યાં જઈ તેણે અમુબાપાની દુકાને જઈ અમારા ને બસ બંધ પડ્યાંનાં સમાચાર આપ્યાં. આ સમાચાર પછી મોટી બા એ બટેટાપૌવા સાથે બીજો નાસ્તો ને પાણીનો કુંજો તૈયાર કરાવ્યો ને ચેતનભાઈ સાથે મોકલાવ્યાં. અમે બટેટાપૌવાને બધાં સાથે મળીને ખાધાં પછી અમે છકડામાં બેસી પાછાં બસ પાસે પહોંચ્યાં. અમારો સામાન બસમાંથી લીધો છકડામાં ગોઠવ્યો અને ફરી બગસરા તરફ નીકળ્યાં. અમે છકડામાં જ્યારે અમારી યાત્રા શરૂ કરી ત્યારે કંડકટર અમારી સાથે હતાં કે નહીં તે વાત અત્યારે યાદ નથી.

અમે બગસરા પહોંચ્યાં ત્યારે ત્યાંની પરિસ્થિતી અલગ હતી. ત્યાં યે અમારી સાતલડીનાં પાણીએ તોફાન મચાવેલ. તે પોતાની વહેણની દિશા છોડીને મણિબજારનાં ઢાળ ચડવાનું શરૂ કરી ને અમારી દુકાન પાસે આવી ગયેલી. આ પાણી હજુ વધુ ઉપર ન આવે એટ્લે ગામનાં સરપંચનાં ઘરવાળાએ ચુંદડી ને શ્રીફળને સાતલડીમાં પધરાવેલાં ને માવડીને વિનંતી કરેલી કે, તે શાંત થઈ જાય. આમ મોટી બા, બાપુજી, ભાભુ પાસે કહેવા માટે ઘણું હતું તો અમારી પાસે ય કહેવા માટે ઘણું બધું હતું, આ કહેવાં સાંભળવાની વાતોમાં મને દુઃખ ખાલી એક જ વાતનું કે મારી મનગમતી ચોપડીઓને પૂળો મૂકાઈ ગયો હતો.

નોંધ:-

  1. તાપણી એટ્લે કે નાનકડી સગડી જેવું જેથી થોડો ગરમાવો રહે.

  2. છકડો એટ્લે એક જાતની રિક્ષા જેમાં ઓછામાં ઓછા ૬ જણાં બેસી શકે છે.

  3. પંચીયું એટ્લે પાતળો કપડાંનો કટકો.

  4. આ પ્રસંગ માટે બે મત છે. મારી ને મારી મમ્મીની યાદો પ્રમાણે ફૈબા રિસામણે જતાં હતાં, ફૈબા કહે છે કે તેઓ દિવાળી કરવાં જતાં હતાં. કારણ કોઈપણ હોય પણ અમારું અટકવું, બસમાં રાતવાસો કરવો અને બીજે દિવસે ઘરે પહોંચવું તે બધું જ સત્ય છે.

  5. ફૈબાનાં પાંચ બાળકો ચકલી, દડી, સાંગી, સેતા અને ગોરામાંથી આજે મારો સંબંધ કેવળ ચકલી અને ગોરા સાથે જ છે. ચકલી લંડનમાં રહે છે તેથી કવચિત લંડન જવાનું થાય ત્યારે તેની સાથે ય અલપઝલપ મુલાકાત થતી રહે છે. ગોરો રાજકોટમાં રહે છે, રાજકોટ જવાનું થાય ત્યારે તેને ય મળવાનું થઈ જાય છે, પણ દડી, સાંગી અને સેતા સાથે મારો કોઈ જ સંબંધ જળવાયો નથી.

© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ

purvimalkan@yahoo.com

પૂળો

 

પૂર

4 thoughts on “મોદીની હવેલી -૮ (પૂર્વી મલકાણ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s