ગમતાનો ગુલાલ (સુરેશ જાની)


ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને

ગમતાંનો કરીએ ગુલાલ

      વાત ગમી જાય એવી તો છે જ. કવિની એ કવિતાના શબ્દો એટલા સરળ છે કે, કોઈ રસ દર્શન પણ જરૂરી નથી. પણ આ કવિતા આજે સાંભળતાં જરાક જૂદા વિચારો ઉદભવ્યા.

      નેટ જગતની શરૂઆત ક્યારે થઈ , એની તવારીખ તો ખબર નથી પણ ૨૦૦૫માં એમાં પ્રવેશ કરેલ આ લેખકે એ ગુલાલની ઉછામણીની શરૂઆત ત્યારથી જોયેલી છે. એ પહેલાં પ્રિન્ટ મિડિયામાં કોઈનું પીરસેલું જ જમવું પડતું. પોતાનું લખાણ છપાય, એવાં તો  સપનાં પણ આવતાં  ન હતાં! બહુ ઉત્સાહી હોય તે, અખબારો કે સામાયિકોનાં ચર્ચા પત્રોમાં પત્રો લખીને મોકલતા. નસીબ વાળાના પત્રો છપાતા અને કોઈકની પર ચર્ચા જામી જતી.

    પણ નેટ  પર પોતાની રચના મૂકવાની સ્વતંત્રતા મળ્યા પછી, એ જમાના જૂની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી ગયું. પોતાનાં સર્જન પ્રસિદ્ધ કરવાની કે બીજાનાં સર્જન પર પ્રતિભાવ આપવાની આ ‘મફત’ સવલતનો ખૂબ વ્યાપ આ પંદરેક વર્ષમાં થઈ ગયો. બ્લોગ અને વેબ સાઈટો પર અબીલ, ગુલાલ અને કદીક કાદવ પણ ઉછાળવાની શરૂઆત થઈ ગઈ.

      એ  જ ગાળામાં રીતસરના ચર્ચા મંડપની શરૂઆત પણ ગૂગલના ‘ઓરકુટ’થી થઈ હતી. પણ એની ઘણાં પહેલાં આ જણને બહુ જૂના બ્લોગ ‘ફોર એસ વી.’ પર ‘વાતચીત’ વિભાગની ખબર પડી હતી. એ નવી નક્કોર સવલતનો બહુ જ રસપૂર્વક ઉપયોગ પણ કરેલો. એમાં વિભાગવાર ચર્ચા માટે વ્યવસ્થિત માળખું હતું અને તેમાં વિષયવાર વિચારોનું મજાનું આદાન-પ્રદાન થતું હતું.

   પછી તો ચર્ચાનો ચોરો બહુ વધ્યો – ફેસબુક, વોટ્સેપ, ટ્વિટર, લિન્ક્ડ ઈન, ઈન્સ્ટાગ્રામ અને બીજા વળી કેટલાય ચોરા પર ગુલાલના ઢગલે ઢગલા ઊછળવા લાગ્યા! શબ્દો જ નહીં – ચિત્રો અને વિડિયો પણ ધડાધડ ફેંકાવા લાગ્યા. એનો શિષ્ઠ શબ્દ છે – ફોર્વર્ડ! સહેજ કાંક ગમી ગયું અને…… ફોર્વર્ડ ; ગુલાલ ફટ કરીને વેરી દીધો! આવા સોશિયલ મિડિયા પર એટલું બધું મટિરિયલ પીરસાય છે કે, ‘ડિલિટ’ બટન પણ ઘસાઈ જાય!

    અમારા જેવા વયસ્કો માટે તો બગીચાનો બાંકડો કે ગામનો ચોરો હવે વાદળોમાં મ્હાલતો થઈ ગયો છે!  હવે ગુલાલી રંગ વાદળોમાં એટલો બધો ફેલાઈ ચૂક્યો છે કે, એનું વાદળત્વ જોખમમાં હોય તેમ લાગે છે! કદાચ ગુલાલી વરસાદ પણ પડવા માંડે! ‘બુઢ્ઢા થઈ જવું , એ શું ચીજ છે?’ એમ બોલનાર  સ્વ. રમેશ પારેખને સ્વર્ગમાં અફસોસ થતો હશે કે, ‘થોડો મોડો વિદાય થયો હોત તો હું પણ ‘ગમતાંનો ગુલાલ’ વાદળોમાં કર્યા પછી વાદળવાસી થાત!’

       સંઘરી રાખવા કરતાં ગમતું વહેંચવું, એ સારી ચીજ તો ગણાય જ, પણ હવે એનો અતિરેક થઈ રહ્યો છે. ગંદકી પણ એ વહેંચણીમાંથી બાકાત નથી રહી.

            ખેર… એકલતાના આ ઈલાજનો વાંધો નથી પણ કદાચ આપણે વિચાર શૂન્યતા અને સર્જન શૂન્યતાના નવા તબક્કે આવીને ઊભા છીએ – એમ આ લખનારનું માનવું છે.

      એ નિર્વેદનો માહોલ પ્રવર્તમાન હતો ત્યાં જ કવિની આ બીજી કવિતા એ જ આલ્બમમાંથી વહેતી થઈ.

કોકના તે વેણને વીણી વીણીને વીરા! ઊછી- ઉધારાં ન કરીએ;

હૈયે ઊગે એવી હૈયાની વાતને, ફૂલ જેમ ફોરમની – ધરીએ.

     અને કદાચ એ કવિતામાં જ આ વિષાદનો ઉકેલ છે. નિર્ભેળ નિજાનંદની એ વાત છે. સ્વગૌરવનો મહિમા છે. ‘દાદ અને વાહ વાહ’ ની ખેવના વિના,  પોતાના સ્વ-સ્વરૂપને ખીલવા દેવાની શક્યતા એમાં પોરસાઈ છે. એમાં પોતાના તુંબડે તરવાની ગરિમા છે.

    બ્લોગ, વેબ સાઈટ કે સોશિયલ મિડિયાનો વિરોધ નથી પણ એને એક નવો વળાંક આપવાનો સમય પાકી ગયો છે. એમ ન બને કે, ગુલાલ બહુ ઉછાળવા કરતાં એક સરખા વિચારો ધરાવતા સજ્જનો અને સન્નારીઓની ક્લબો વાદળોમાં શરૂ થાય?

તમે આ બાબતમાં શું વિચારો છો?

(સુરેશ જાની)

2 thoughts on “ગમતાનો ગુલાલ (સુરેશ જાની)

 1. અનુભવેલી વાત ની યાદ માણવાની મઝા આવી…ઉંમરમા નાના પણ બ્લોગ ક્ષેત્રે મોટા ગજાના એવા તમે સહતંત્રી તરીકે હતા એટલે ગાજરની પપુડી ન વાગે તો ચાવી જવાની નોબત ન આવી ! તમારી પાસે શીખ્યા અને કેટલી વાતના કાઠા ચઢતા નથી તમારી આધ્યાત્મિક સાધનામાંથી ઘણું શીખ્યા પણ હજુ લાઇક અને પ્રતિભાવની અપેક્ષા રહે ! તો વિતરાગ ભય ક્રોધ…દૂરની વાત. આ બધુ છતા મિત્રો એવા સારા મળ્યા કે ખામી માફ કરે છે.પ્રતિક્રમણ વગર…!
  ‘પણ એને એક નવો વળાંક આપવાનો સમય પાકી ગયો છે. એમ ન બને કે, ગુલાલ બહુ ઉછાળવા કરતાં એક સરખા વિચારો ધરાવતા સજ્જનો અને સન્નારીઓની ક્લબો વાદળોમાં શરૂ થાય?
  તમે આ બાબતમાં શું વિચારો છો?’ એક એવા વળાંક પર. ઊભા રહી. વિચારવું. આગળનું. પાછળનું. વિસ્ફારિત આંખે. પંખી પંપાળવું. ચાંગળું છાંટી. ધબકારા ગણવા. ખખડાટમાં ચોંકવું. ટેકરીની ટોચે. વાડની ઓથે. સૂર્યની લોલીપોપ ચગળવી. કડવા મીઠા. ઘૂંટ ઉતારવા. ગર્જતાં અંધારે…! આ વર્તુલના વળાંકે પુનઃ પુનઃ એક સ્થાને અવાય છે તો નવા વર્તુલ વળાંકને બદલે અદલે ચઢાણ શરુ કરીએ ?
  જે નક્કી કરો તે કબુલ કબુલ કબુલ
  બ્લોગ વિશ્વમાં કાંઈક લંગડાતે ડગે પ્રારંભ કર્યો હતો. આજે અમે ૮૦ મું વર્ષ પસાર કરી રહ્યા. અમે કાંઈક થાક અનુભવી રહ્યા છીએ. પરંતુ અનેક મિત્રોના ટેકા છૂપું છૂપું આગળ વધવા અણસાર કરી રહ્યા છે અને હવે તો વો અફ્સાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા…

  Like

 2. ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને

  ગમતાંનો કરીએ ગુલાલ !
  અને એવો જ વિચાર :
  જોનાર તો દે આંખો જ માત્ર ;
  શું દેખવું એ કથવા ન પાત્ર !
  સૌ વાચક પોતાની મતિ પ્રમાણે ગોળ કે ખોળ શોધી લે!
  પણ મારો પ્રશ્ન અને ચિંતા સમગ્ર સોસ્યલ મીડિયા તરફ છે : જે તે , જેવું તેવું લખાય અને પછી એ સાહિત્ય બની જાય! ફ્રીઝમાં બાસુંદી સાથે દવાઓ પણ રાખીએ છીએ ( મિલ્ક ઓફ મેગ્નેશિયા ) પણ ભાણામાં બાસુંદી સાથે કોઈ દવા કે મલમ ચટણી બનીને પિરસાય તેનો ભય છે… !!

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s