હરીશ દાસાણીના બે કાવ્યો


આ માણસને મારી સાથે નહીં ફાવે.

પ્રેમ ન કરશે.

પ્રેમની પંડિતાઇ કરશે.

ના ઓગળશે.

ના પીગળશે.

કરમકપાળે હાથ દઇ કઠણાઇ કરશે.

સાચું ના એક આંસુ પડશે.

હોઠે  ના મરકલડું જડશે.

ખેતર વચ્ચે ઊભા ચાડિયાને શરમાવે તેવું હસશે.

આ માણસને મારી સાથે નહીં ફાવે.

નિયમો;  સિદ્ધાંતોની પોથી

વાતવાતમાં ઊભી કરશે.

માપી માપી લાગણી લખશે.

જોખી જોખી મિત્રો કરશે.

તોળી તોળી તાળી દેશે..

સંબંધ -ચોપાટો ગોઠવશે.

ફૂલીફાળકો થઇને ફરશે.

આ માણસને મારી સાથે નહીં ફાવે.

મોઢામાં મગ ભરી બેસશે.

મીંઢો થઇ સૌ સામે જોશે.

ભોજનમાં પતરાળી ગણશે.

ગણતાં કંઇ કડવું ગણગણશે.

પરેડમાં પુષ્પો રાખીને

સ્વાગત કરશે.

ઠંડા ઘા દેશે ને મલપશે.

સીધી વાતો ગૂંચવી દેશે.

બહાર ખીલીને અંદર બળશે.

આ માણસને મારી સાથે નહીં ફાવે.

(હરીશ દાસાણી. અંધેરી. મુંબઈ.)

આવું ન કર

ક્ષણના ઝરૂખામાં ખૂણે ઊભો રહી

આવી રીતે ના સતાવ.

મારી હયાતી પ્રમાણ તારા હોવાનું

લાખ ભલે જાતને છૂપાવ.

આંખોમાં તારી હું આંખો પરોવીને

રાતદિવસ જોતો હું હોઉં.

તેમ છતાં ડર આછો આછો લાગે

કે જાણે જાતને જ તેમાં હું ખોઉં.

સ્થિર કરી પાંપણો તારી સામે જ છું

ચાહે તો નજરો ચૂરાવ !

યાદ કયાંથી હોય તને તારી અંગુલિથી

ચેતનાનું સરોવર સર્જાય.

કાંકરીઓ ગોઠવીને રમતો તું મારામાં

ચણતર અનોખું થઇ જાય.

તારા એ સ્પર્શને પામવાને ઝંખું છું

કો’કવાર્ મળવા તો આવ.

મારી હયાતી પ્રમાણ તારા હોવાનું

લાખ ભલે ખુદને છૂપાવ !

(હરીશ દાસાણી. અંધેરી. મુંબઈ.)

5 thoughts on “હરીશ દાસાણીના બે કાવ્યો

 1. સ રસ વ્યંગોક્તિ
  ૧ યાદ આવે
  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
  – ખલીલ ધનતેજવી
  અને અમારી દીકરી યામિનીનું કાવ્ય
  અધ્યાત્મ તો એવું કહે છે કે જગતની કોઈપણ ચીજમાં રંગ નથી પાણી, હવા, અંતરિક્ષ – સમગ્ર જગત રંગહીન છે એટલે જ અંતહીન છે. જે દેખાય છે તે રંગ નથી પણ જેનો તે ત્યાગ કરે છે તે તેનો રંગ છે. માણસ પણ જે રંગ વિખેરે છે તે તેનો રંગ બની જશે. તમે તમારી પાસે જે રાખી લો છો તે તમારો રંગ નહીં હોય, તમે જે આપો છો તે તમારો રંગ બની જશે.

  ટહુકાઓને બાદ કરે જે ફાગણમાંથી
  એ માણસને બાદ કરી દો સગપણમાંથી !

  ગુલમહોરની નીચે ઊભો હોય કોઇની રાહ જુએ છે,
  એને પૂછો : ‘જોયું છે તેં ફૂલથી જે ઝાકળ ચુએ છે?’
  પાછું પૂછો : ‘નજરો એની લહેરાતા રંગો જુએ છે?’
  જવાબ બદલે કારણ શોધે કારણમાંથી !
  એ માણસને બાદ કરી દો સગપણમાંથી…

  કોઇ અજાણ્યું પંખી એને આંગણ આવે તોય ન નીરખે !
  એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે !
  એની આંખો, આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે.
  જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી !
  એ માણસને બાદ કરી દો સગપણમાંથી…

  પોતાના ને પોતાના ટોળામાં ફરતો લાગે છે,
  રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે.
  ભાવ વિનાના શબ્દો જાણે પથ્થર થઇને વાગે છે.
  બહાર કદીયે નહિ આવે જે દર્પણમાંથી !
  એ માણસને બાદ કરી દો સગપણમાંથી…યામીની વ્યાસ
  આ માણસને મારી સાથે નહીં ફાવે તો બાદ કરી દો સગપણમાંથી
  ………………………………….
  ૨ ‘આવું ન કર
  ક્ષણના ઝરૂખામાં ખૂણે ઊભો રહી..ં
  મઝાની રચના
  યાદ આવે
  મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં.

  Like

 2. કવિતા વિશે ભાવયિત્રી પ્રતિભાયુકત પ્રતિભાવો મેળવી આનંદમય.
  આપણા શબ્દો અને ભાવનાઓ કોઈ સુધી બરાબર પહોંચે છે એ પ્રતીતિ ઉત્સાહપ્રેરક.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s