દાદા હો દીકરી, દાદા હો દીકરી (લોકગીત)


( આ લોકગીતના શબ્દો પ્રદેશ-પ્રદેશમાં બદલાતા રહે છે. અતિશયોક્તિ અલંકારનો અતિશય ઉપયોગ થયો છે, પણ સંદેશ સ્પષ્ટ છે. યુ ટ્યુબમાં અનેક સ્વરોમાં એ સાંભળવા મળશે.)

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે

સૈયોં કે હમચી,   સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

1 thought on “દાદા હો દીકરી, દાદા હો દીકરી (લોકગીત)

 1. દાદા શબ્દ ઘણા માટે વપરાતો ! દાદા ધર્માધિકારી ,દાદા ખાચર , વીર લખાપીર દાદા ..દાદા ભગવાન .દાદા વાસવાણી ,ચોપડીવાળાં દાદા-દાદી, શ્રી હનુમાનજી દાદા,,ગણપતિ દાદા . દાદા.સંત દાદા મેકરણ જેવા અન્નપૂર્ણા. દાદા-દાદીની વાડીમાં નાતજાત ના ભેદભાવ વગર સર્વેને માટે ખુલ્લું અન્નક્ષેત્ર છે. અહી આવતા સાધુ, સંતો, ભકતો, અતિથિઓ સહિત તમામ વર્ગના લોકો શુધ્ધ, સાત્વિક અને શાકાહારી પ્રસાદ ગ્રહણ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આંગણે આવેલો પ્રત્યેક આગંતુક બપોરે કે સાંજે પ્રસાદ લીધા વગર ન જાય તેવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહી જલતી અખંડ જ્યોત પ્રત્યેકના દિલ માં અખંડ નિસ્વાર્થ સેવા ની ભાવના પ્રજ્વલ્લિત રાખે છે!
  .પણ અહીં પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન પરણાવતા. ગીતમાં એવું ભલે વાગડ પ્રદેશ માટે કહેવાયું હશે પણ આ સમસ્યા સર્વવ્યાપક છે.
  ફરી ફરી માણવા ગમતા આ ગીત ફરી ફરી સંદેશ આપે છે કે શું આટલી પ્રગતિ અને કન્યા કેળવણી પછી આપણે આપણા ઘરમાં આવતી કોડભરી કન્યાને પુત્રીવત્ ગણી કેમ અપનાવી નહીં શકતા હોઈએ ?
  હજુ પણ ગાતા આંખ ભીની થઈ જાય ! આ ગીતમા કરુણભાવ હોવા છતા વારંવાર સાભળવુ ગમે.ગીતના શ્બ્દો, ભાવ ગુંજ્યા .

  દાદા હો દીકરી, અમેરીકા માં ન દેજો રે સૈ…પૅરડી ફરી વાર

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s