મોદીની હવેલી -૯ (પૂર્વી મલકાણ)


૯- ઝાંઝર                                                          

નોંધ:- મારી બચપણની યાદનો આ અનુભવ ઘણાં અલગ અલગ માહોલમાંથી પસાર થયો છે. પણ મારી આજમાં હું જાઉં તે પહેલાં ગઇકાલમાં જવું જરૂરી છે. તેથી વાંચકોને વિનંતી છે કે ધીરે ધીરે વિવિધ સમયમાં વહે. કારણ કે આ એક જ વિષય એવો છે જે વારંવાર પોતાનું સ્થળ બદલે છે અને ફરી પોતાનાં મૂળ સ્થળમાં પહોંચે છે.

ઝાંઝર તારી ઝાંઝરીનાં ખનખન કરતાં શબ્દો સાંભળી સૌ વાહ વાહ કરે,
પણ તારા મૌનને સાંભળી શકે તેવું એકાદ જણ તો મળે.

ઉપરોક્ત વાક્ય એ ઝાંઝરમાં કેટલાં પ્રકાર હોય તે વાતને રજૂ કરે છે. ( ઝાંઝરીવાળી ઝાંઝર અને ઝાંઝરી વગરની ઝાંઝર ) જોવા જઈએ તો આ બંને ઝાંઝરને પોતાની ભાષા હોય છે, પોતાનો ભાવ હોય છે. પણ આ બંને ભાવને સમજી શકનારા આજે કેટલાં જણ બચ્યાં છે તે વિષે પ્રશ્ન છે. કારણ કે ઝાંઝરીવાળી ઝાંઝર એ કેવળ ગ્રામ્ય સંસ્કૃતિનાં ભાગ રૂપે રહી ગઈ છે અને ઝાંઝરી વગરની ઝાંઝર એ એન્કલેટ રૂપે આવી ગઈ છે, જે કેવળ ફેશનનાં ભાગ રૂપે છે. મારા મોટી બાની ઝાંઝર ઉપર આખી એક થિયેરી રહેતી. તેઓ કહેતા કે અમારા સમયમાં જ્યારે વહુવારુઓ ઘરમાં લગન કરીને આવતી ત્યારે સાસુ -સસરાનો ખાટલો ઘરમાંથી ઓસરીએ કે પરસાળે જતો જેથી કરીને વહુનાં ઝાંઝર કઈ વાતમાં ખનકે છે તેની ખબર પડતી, પુરુષ વડીલો પાસેથી પસાર થતી વખતે જે રીતે ઝાંઝરનો ઝમકાર કરતી તેનાંથી તેઓને ખબર પડી જતી કે વહુવારુઓ તેમનાં ઓરડામાં આવી છે કે, તેમની પાસેથી નીકળવાની છે, કામકાજ સિવાયે જે વહુની ઝાંઝર વધુ બોલ્યાં કરતી તે વહુ વધુ કામગરી કહેવાતી, ને વહુની ઝાંઝર ઓછી બોલતી તે વહુ આળસુ કહેવાતી. આખો દિવસ બોલતી રહેતી ઝાંઝર જ્યારે પોતાનાં ઓયડામાં જાતી ત્યારે ચૂપ થઈ જાતી. કારણ કે પિયાજી સાથે જે છેડછાડ થાય છે ઇનો અવાજ બાર નો પહોંચવો જોઈએ. જે ઝાંઝરનો અવાજ જો રાતનાં સમયે ઓયડાની બાર જાતી તો એ વહુ બહુ બળુકી કેવાતી. આમ જે ઝાંઝરની ભાષા અનોખી છે તેની ઉપર આપણાં લોકસાહિત્યએ પણ ઘણાં લોકગીતો આપ્યાં; જેમ કે ઝાંઝર ઘમકે ગોરી તે સવાલાખનું રે, ઝાંઝર તારું માડી કેવું ખનકે, ઝાંઝર તારી ઝાંઝરી કરે મધુરો નાદ, ઝાંઝરનાં ઝમકારે માડી તારો ગરબો રમતો જાય, ઝરમરનાં ઝાંઝર વાગે છે રાતડી આખી, ઝનનન ઝાંઝર બોલે, અલકમલકથી મલકતું આવ્યું ઝાંઝરડું રૂપાળું……વગેરે. 

આતો થઈ ઝાંઝર વિષેની વાતો પણ મારી પોતાની વાત કરું તો મારું એ સૌથી પ્રિય આભૂષણ હંમેશા ઝાંઝર જ રહી છે. એ વાત અલગ છે કે હાલની જિંદગીમાં હંમેશા બૂટ પહેરવા ટેવાયેલાં મારા પગને હવે ઝાંઝર નથી ફાવતાં તેથી જેની ઘૂઘરીઓમાં મારું બચપણ વીત્યું છે તે ઝાંઝરની આજે ય મને ઘણી કમી લાગે છે. તેમ છતાં યે મારે માટે ય એક સમય હતો જ્યારે મારી આ ઝાંઝરડીઓ સાથે અનેક ઝાંઝરડીઓ દિવસ -રાત મારી આસપાસ ગુંજતી હતી. મારી મમ્મીની યાદો મુજબ હું ૬ મહિનાની હતી ત્યારથી જ મારા પગમાં ઝાંઝરડીઓ પહેરાવી દેવામાં આવી હતી. મારી અગાઉ સંધ્યા અને રશ્મિબેને પણ આ ઝાંઝરડીઓ પહેરી હતી, પણ સમજણાં થયાં પછી મે ક્યારેય રશ્મિબેનનાં પગમાં ઝાંઝર જોયાં નથી. હા, મારી ને સંધ્યાની ઝાંઝરમાંથી કોની ઝાંઝરી વધુ ખનકે છે તે વિષે અમારી હંમેશા હોડ લાગતી. આ હોડમાં લડતાં ઝગડતાં અમે હંમેશા મોટી બા અને ભાભુને ખેંચી લાવતાં પણ અંતે એ બેય અમને ત્યાં જ લડતાં ઝગડતાં મૂકીને હાલતાં થઈ જાતાં. મોટી બા અને ભાભુનો મત અમારી બાજુ નો આવ્યો તેવી માન્યતાને મનમાં રાખી મારા અને સંધ્યાનાં ઝાંઝરવાળાં પગ ચંપલ કે સ્લીપર પહેર્યા વગર અમારા બગસરાની ગલીઓ ઘૂમવા નીકળી પડતાં એ આશા એ કે, કદાચ કોઈક અમને કહી દ્યે કે; એ છોકરીયું તમારી ઝાંઝરીયું તો બહુ મજાની છે. 

બગસરાનાં મોદીનાં ડેલામાં રહેલી અમારી એ હવેલી બે ભાગમાં પડતી હતી. મુખ્ય ડેલામાંથી પ્રવેશતાં પરસાળમાંથી ઘરમાં દાખલ થવાતું અને હવેલીમાં દાખલ થવાનો બીજો માર્ગ મણિબજારમાં આવેલી અમારી દુકાનમાંથી પડતો હતો. ( એ વખતે નવું બગસરા હતું નહીં, કેવળ એક જ બગસરા હતું.) મણિબજારમાં આવેલી અમારી એ દુકાનમાં મારા બાપુજીનો કરિયાણાંનો ધંધો હતો. કેવળ દુકાનની દૃષ્ટિએ કહીએ તો એ વખતે ( એટ્લે કે ૫૦ વર્ષ પહેલાં ) લગભગ ૮૦ વર્ષ જૂની દુકાન હતી, આજે તેની ઉંમર ૧૩૦ વર્ષની છે. મારા બાપુજીનાં દાદા મૂળચંદબાપાએ એ ધંધાની શરૂઆત કરેલી. મૂળચંદબાપા પછી, દેવચંદ બાપાએ એ દુકાન સંભાળી, દેવચંદબાપા પછી અમૃતલાલબાપા એ સંભાળી, અમુબાપા પછી હરસુખદાદાએ એટ્લે કે મારા પપ્પાનાં મોટાભાઇએ એ ધંધો સંભાળ્યો. આજે એ ધંધો બગસરાની હજીયે એક પેઢી આગળ વધી ચૂક્યો છે. 

અમારી આ દુકાનમાં નાનામોટા કરિયાણાં સાથે મુખ્ય ધંધો હતો ઘઉંનો. ઘઉં…મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ વગેરે જગ્યાએથી અમારે ત્યાં છાશિયા, સોનગઢી, ભાલિયા, દેશી, પૂનમિયા, પૂંસા, સોનારા, બાન્સા, બવાજીયા, જૂનાગઢી, કલ્યાણ, સોનારા, પછેતી વગેરે નામોવાળા અથવા તો અમુક નંબરોવાળા એમ અનેક જાતના ઘઉંનાં બાચકા આવતાં. આ ઘઉંમાં અમુક ઘઉં બહુ કાંકરા-ઠૂંસાવાળા રહેતાં, અમુક કેવળ ઠૂંસાવાળા રહેતાં, અમુક ચોખ્ખાં હોય, અમુકનાં દાણા નાના હોય, અમુકનાં લાંબા હોય, અમુક વધારે પડતાં લાલ હોય, અમુક બદામી, અમુક બદામીથી યે આછા એટ્લે કે લગભગ ધોળાશ પડતાં રંગનાં. અમુક પોચા હોય, અમુક કઠણ હોય અને અમુક લીલા સૂકા. વિવિધ રાજ્યોમાંથી ઘઉં ભરીને આવતાં આ ટ્રકસ બગસરા બહાર રહેલાં અમારી વખારમાં ખાલી થતાં. આ વખારમાં અનેક બાઈયુ કામ કરતી. જેમાંથી અમુક વજન કરતી, અમુક ઘઉં સાફ કરતી, અમુક લાંબા સમય સુધી ઘઉં સારા રહે તે માટે એરંડિયું તેલ મેળવતી, અમુક આ ઘઉંને શણની કોથળીયુંમાં ભરતી ને બાજુમાં રાખતી, અમુક આ ભરાયેલ ઘઉંની ગુણીઓને સીવતી ને પછી દાડિયાઓ પાસે ઉપડાવી અમુક જગ્યાઓમાં રખાવતી, અમુક આ ગુણીઓ ઉપર બ્લૂ, લીલા કે લાલ અક્ષરમાં સાઇનસિક્કા કરતી અને અમુક કેટલી ગુણી ક્યાં મોકલવાની છે, કેટલી મોકલવાની, કેટલા કિલોની મોકલવાની છે, એ બધી માહિતી રાખતી. ટૂંકમાં કહું તો આ ઘઉંની આ વખારમાં કામ કરવા માટે અમારે ત્યાં મણાવીઆ સ્ત્રીઓની ફોજ રહેતી. આ સ્ત્રીઓ રોજ સવારે ૬ વાગ્યાંથી આવવાની ચાલું થતી અને સાંજે ૭ વાગ્યા સુધી કામ કરતી. આ આખા દિવસ દરમ્યા બપોરનાં ૧૧ વાગ્યાંથી બપોરે અઢી વાગ્યાં સુધી છૂટી રહેતી. જેમાં અમુક સ્ત્રીઓ વખારમાં રહેતી ને બાકીની ઘરે જાય. આ સ્ત્રીઓ વચ્ચેની છૂટીમાં પોતાનાં ઘરનું કામ કરી બપોરે પોણા ત્રણ સુધીમાં પાછી વખારે આવતી ત્યારે તેનાં માટે ચા-દૂધની કીટલી અમારે ત્યાં ઉકળતી રહેતી. આ ચા સાથે મારો ને સંધ્યાનો અનેરો નાતો હતો. વખારે ચા ઉકળતી રહે ઇ વાત તો સમજ્યાં, પણ અમારી હવેલીમાં યે ચા સતત ઉકળતી રહેતી. એનું કારણ એ હતું કે, અમારી દુકાનમાં અનેક ખેડૂતો, ગામનાં પુરુષ ઓળખીતા કે સંબંધીઓ આવતાં. અમુક તો એવા હતાં જેઓ રોજેરોજ સવારે દસ વાગે અને સાંજે પાંચ થી ૬-૩૦ સુધી આવતાં. આ બધાં આવતાં જતાં સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓ અને ખેડૂતો માટે ચા મૂકવાનું કહેણ લઈ દુકાનમાંથી એક માણસ વારંવાર દુકાનમાંથી મેડીએથી નીચેની ચોકીએ આવતો. શરૂઆતમાં ભાભુ કે નાની કાકી આ જવાબદારી સંભાળતાં. જ્યારે અમે પણ રસોડાનાં ભાગ બન્યાં  ત્યાર પછી ચા બનાવવાની જવાબદારી અમારી ઉપર એટ્લે કે રશ્મિબેન, સંધ્યા ને મારી ઉપર. પણ વારંવાર એટ્લે કે દિવસમાં લગભગ ૧૫-૨૦ વાર ચા બનાવવી પડતી જેથી કરીને આ જવાબદારીમાંથી ધીરે ધીરે રશ્મિબેન અને સંધ્યા નીકળી ગયાં. કોણ જાણે કેમ તે એ સમયે મને ચા બનાવવી બહુ ગમતી. આ મારી જવાબદારી જે મે ૬ થી ૭ વર્ષની ઉંમરે શરૂ કરેલી તે હુ ૧૭ વર્ષની થઈ ત્યાં સુધી ચાલી. વખારમાં આવતી તે બાઈયું જાણતી હતી કે અમને ચા બનાવતાં આવડે છે, પણ તેઓ અમને ક્યારેય ચૂલા પાસે બેસાડતાં નહીં. હું ને સંધ્યા તો ઘણીવાર કહેતાં ચા માટે પણ તેઓ અમને કેતા કે છોકરીયું અટાણે રમવાની કૂદવાની ઉંયમર છે તો ઇ જ કરો, જે દી રસોડાંમાં ભરાશો ને તે દી તમે ઇચ્છશો તોયે બાર નીકળી નહીં હકો. તે બાઈયું અમને ચા બનાવવા દે કે નો બનાવવા દે, અમને ય હોતું ચા પીવા મળે કે નો મળે પણ મારો ને સંધ્યાનો દિવસમાં એકવાર વખારમાં આંટો ચોક્કસ રહેતો. એમાં યે ખાસ કરીને તો મારો. વાંચન બાબત મારા ઉપર પાબંદીઓ હોય હું કોઈક ચોપડી લઈ વખારે ભાગી જાતી. આ વખારે જવાનાં ઘણાં બધાં ફાયદા મારે માટે રહેતાં. એક તો ઘરનાં કામમાંથી બચી જવાય, બીજું મારી ચોપડી પૂરેપૂરી વંચાઈ જાય, ત્રીજું જ્યાં ઘઉં એક તરફ તોળાતાં હોય તે ત્રાજવામાં બેસવા મળે, ને મારા વજન પ્રમાણે ઘઉં તોળાય…ને.. ખાવાની તો ક્યાં ચિંતા જ હતી, કામ કરવા આવતી એ બાઈયું સાથે ચાર કોળીયા મારા પણ રહેતાં. જેની સાથે રમતાં રમતાં મારો સમય પસાર થતો તે અમારા વખારની આ બધી જ સ્ત્રીઓ ભલે ગરીબ કે મધ્યમ ઘરની હોય, પણ તેમની પાસે નાકની ચૂંક, કાચની બંગડીયું ને પગમાં ઝાંઝર એ આભૂષણ ચોક્કસ રહેતાં. આ આભૂષણો એ સ્ત્રીઓ માટે ઘરેણું હતું, પણ મારે માટે નાદ હતો. વખારમાં છમછમ ચાલતાં આ નાદ જ્યારે ગુંજતા ત્યારે બીજાઓને માટે એક સરખો ઝાંઝરીયાનો અવાજ હોય, પણ મારે માટે એ પરીક્ષા રહેતી. મારું ધ્યાન સદૈવ એ બંગડીઓનાં ખનકારને અને ઝાંઝરનાં ઝણકારને ઓળખવાંમાં રહેતું. આ ઓળખ ઉપરથી હું બોલી ઉઠતી કે કોણ આવ્યું, ને કોણ ગયું. કવચિત આમાં ભૂલ પણ પડતી, પણ મોટાભાગે મારું અનુમાન સાચું રહેતું. આમ આ બંને આભૂષણનાં અવાજ ઉપરથી એ કોણ હશે તે ઓળખતાં હું શીખેલી. આમાં યે એવું રહેતું કે કાચની બંગડી તૂટી જાય તો કેવળ ઝાંઝરનો ઝમકાર જ હતો જેનાં પરથી હું જે તે બાઈને ઓળખતી. આ માણવીઆની સ્ત્રીઓમાંથી અમુકનાં ઘરની છોકરીયું અમારી હવેલીમાં યે મદદ કરવા આવતી. ત્યારે તેનાં પગની ઝાંઝરીનો અવાજ છેક અમને ચોથા માળે સંભળાતો ત્યારે અમે કે’તા કે એ કંકુબેન આવી ગ્યાં છે, એ ના ..ના.. સોઢીબેન નથી…ઇ તો કાન્તાબેન છે, આ જો તો ઝાંઝરિયું કોની વાગે છે? શાંતિ ને મીનાડી તો નથી આવી ને? આવા આવા અનેક ઉદ્ગાર અમારી હવેલીનાં ચારેય માળની દીવાલોમાં ગુંજતા. 

હવે ઝાંઝરથી આપણે પાછાં સાતલડી તરફ જઈએ. સાતલડી સાથે મારો સંબંધ લગભગ હું પાંચ વર્ષની થઈ ત્યારે જોડાયેલો. અમારી હવેલીમાં ન્હાવાની બે ચોકડી હતી. એક ચોકડીમાં ઘરનો પુરુષવર્ગ ન્હાતો ને બીજી ચોકડીમાં સ્ત્રીવર્ગ ન્હાતો. આ બે -બે ચોકડીયું હોવા છતાં અમને છોકરાઓને એ ચોકડીયુંમાં ન્હાવાની રજા નોતી. એટ્લે અમે છોકરાઓ જાતાં સીધા નદીએ. નદીએ જવા પહેલાં યે ઘણી વિધિઓ રેતી. પહેલી વિધિમાં ભાભુએ મોટા તગારામાં કપડાં ધોઈ રાખ્યાં હોય તેને ભરવામાં આવતાં. આ કપડાંને અમારે નદીએ લઈ જવાનાં ને પછી ચોખ્ખાં પાણીએ છબછબાવી, નિચોવી પછી ઘરે બે મોટાભાઈઓ ચેતનભાઈ કે વિરેનભાઈ સાથે મોકલાવવાનાં. આવા તગારાનાં ત્રણ ચક્કર રહેતાં. એક મૂકવા જાય ત્યાં સુધીમાં બીજું તૈયાર થઈ ગયું હોય, ને બીજું ચોખ્ખું થઈ ઘીરે પોંચે ત્યાં લગણમાં ત્રીજું તૈયાર થઈ જાય. આ તૈઁણ તગારા પછી ચોથું તગારું ખાલી આવતું. નદીએ થી લઈ, રત્નેશ્વર મા’દેવ ને બદરુંભાઈનાં કબ્રસ્તાનની આજુબાજુ રહેલ ગાય-ભેંસનું છાણ અમે એ ચોથા તગારામાં ભરતાં. જે એ તગારું લઈને જાય એણે એનાં છાણાં થાપી હવેલીની બાર આવેલાં ઓટલા પર થાપી દેવાનાં, પછી થોડાઘણાં હાથ સાફ કરી ફરી નદીએ જવાનું અને ત્યાં નાહીને પોતાનાં કપડાં જાતે ધોઈ ઘરે આવવાનું રહેતું. આ આખાં ક્રમમાં અઠવાડિયે -બે અઠવાડિયે બદરુંભાઈનાં કબ્રસ્તાનનું ને તેની આજુબાજુની જમીનમાં યે ચક્કર લગાવવાનું રહેતું. આ બદરુંભાઈનાં કબ્રસ્તાન સાથેનો મારો સંબંધ પણ એટલો જ જૂનો જેટલો સાતલડી સાથેનો. કારણ કે જ્યારથી મારામાં સમજણ આવેલી, ત્યારથી મે તેમના એ કબ્રસ્તાનનાં ઘણાં ચકકરો મારેલાં. અન્યો માટે અશુભ એવી આ જગ્યામાં અમે ચાર કારણસર વડીલોથી છુપાવીને છાનામાનાં જતાં. પહેલું કારણ એ કે, ત્યાં મોટું મેદાન હતું જેમાં છોકરાઓ ક્રિકેટ રમવા આવતાં. આ ક્રિકેટની રમતમાં દૂર ગયેલાં દડા ને લઈ આવવાં અમારો ઉપયોગ થતો. અમારો એટ્લે કે, મારો, સંધ્યાનો, રશ્મિબેનનો, ટીનુનો અને જીંગીનો. બેટ તો અમારા હાથમાં ક્યારેય આપવામાં ન આવતું. વિરેનભાઈ, ચેતનભાઈ વગેરે છોકરાઓ કહેતાં કે, બેટ ઉપાડવાનું કામ ખાલી છોકરાઓનું હોય. આજે આ યાદ સાથે સવાલ એ થાય છે કે, તો દૂર ગયેલાં દડાને પકડવાં માટે અમારો ઉપયોગ શું કામ થતો હતો? પણ આ સવાલ આજનો છે, ગઇકાલને નહોતો. એ ગઈકાલમાં તો અમને એ દડા પાછળની દોડાદોડી બહુ ગમતી, બીજું કારણ એ કે કબ્રસ્તાનની ભૂમિ પર અને તેની આજુબાજુની જગ્યા પર થોર બહુ થતાં. પાંચ -પંદર દિવસે અમે એનાં ટેટા તોડી લાવતાં અને મોટી બાની સગડી પર શેકીને પછી ખાતાં, ત્રીજું કારણ એ કે એમનાં એ કબ્રસ્તાનમાં ચણિયાબોરની બોરડી હતી. એ બોરડીમાંથી લીલા-લાલ બોર તોડી અમે ઘીરે લાવતાં ને પછી વાટકીયુંમાં ભરી હવેલીને ઓટલે બેસી ધીરે ધીરે ખાતાં ને ચોથું કારણ ઇ કે બદરુંભાઈ અમારા ખાસ મિત્ર હતાં. તેઓ અમને છોકરાઓને બહુ પ્રેમ કરતાં. પાયજામાકુર્તા અને મિયાં ટોપી સાથે સોહતાં બદરુંભાઈને ત્યાં બે બીબીઓ હતી. ( જેમાંથી એકનું નામ સુંથાબાઈ હતું, બીજીનું નામ યાદ નથી. ) આ અમે નદીએથી નાહી -ધોઈ કબ્રસ્તાનમાં જાતાં ત્યારે જોતાં કે આ બંને બીબીઓ બધી કબરોને કપડાંથી સાફ કરતી રહેતી. અમે ઘણીવાર પૂછતાં કે; આતો મરી ગયાં છે તો એમની કબર શું કામ લૂછવાની? તેઓ કહેતાં કે, એ મરી નથી ગયાં તેઓ અહીં સૂતા છે. આપણે પથારીમાં સૂઈએ ત્યારે આપણને કચરો હોય તે ગમે? નો ગમે ને…. તો એમને કેમ ગમે. ઘણીવાર એવું યે બનતું કે અમે બદરુંભાઈને ત્યાં જઈએ ત્યારે તેમની બીબીઓ ન હોય, પણ અચાનક ઝાંઝરીનો અવાજ આવે ત્યારે અમે પાછળ જોયાં વગર નામ બોલી કાઢતાં કે, “સુંથાબીબી આવીયા, કાચી બદામડી લાવીયાં.” બદરુંભાઈની આ બીબીઓનો પહેરવેશ અને પગની ઝાંઝર ખાસ કરીને મને બહુ ગમતાં.પહેરવેશ તો સમજ્યાં પણ ઝાંઝર તેમની ખાસ ગમતી. પગની પાની ની આજુબાજુ મહેંદીની જાડી લાઇન હંમેશા રહેતી, ને એનાં પર સોનાનો ઢાળ ચડેલ ઝાંઝર મજાનું ચમકતું રહેતું. એ સમયે અમે તો મોટેભાગે સ્ટીલનાં ને ચાંદીનાં જ ઝાંઝર જોયેલાં તેથી એ સોનાનાં ઢાળવાળું ઝાંઝર મારે માટે અજુબો બનીને રહેતું. મને આજે લાગે છે કે, કદાચ સુંથાબીબીનાં એ સોનેરી ઝાંઝર જ હતાં જે મને એમનાં તરફ ખેંચતાં હતાં. એમાં યે ખાસ કરીને સાવ સન્નટાની શાંતિમાં ને જ્યાં અનેક લોકો પોઢેલા છે તેવી જગ્યામાં ઝાંઝરનું ખનકવું એ કાંઇ ઓછી બીકની વાત નતી, પણ બદરુંભાઈની બીબીઓ મને હંમેશા કેતી કે, આ બધાં લોકો ભગવાનને વ્હાલાં છે તેથી તેઓ અહીં શાંતિથી સૂતેલા છે માટે એનાંથી ગભરાવાનું નહીં. કોઈવાર એમની બીક લાગે તો કહી દેવાનું કે, તમને તમારા અલ્લાહની સૌંગંધ મારી પાસે તમારે આવવાનું નહીં. તો તેઓ નહીં આવે. નહીં આવે? પણ સુંથાકાકી આપે તો કહ્યું આ તો બધાં ભગવાનને વ્હાલાં થઈ સૂઈ ગયાં છે તો મારી પાસે કેમ આવવાંનાં? મારા એ ન સમજાતાં સવાલનો કોઈ જવાબ ન રહેતો, ને હું ફરી મારી રમતમાં ને સુંથાબીબીનું સોનેરી ઝાંઝર જોવામાં ખોવાઈ જતી. 

નોંધ:-

 1. સ્લીપર કે ચંપલ પહેર્યા વગર ઝાંઝરવાળા પગે ચાલીયે તો ઝાંઝર વધુ ખનકે તેવી અમારી તે સમયે માન્યતા હતી.

 2. કાંકરાવાળા જેમાં થોડી માટી હોય.

 3. ઠૂંસાવાળા એટ્લે કે ઘઉં ફોતરીઓ સાથે

 4. ઠૂંસા વગરનાં એટ્લે કે ફોતરીઓ નીકળી ગઈ હોય તે.

 5. શણની કોથળીમાં અનાજ ભરવામાં આવે ત્યારે એ ગુણી બને.

 6. ૨૦૦ -૩૦૦ ગુણીઓ ભેગી થાય ત્યારે બાચકા કહેવાય.

 7. ગુણીઓને જો ખભે ચડાવીને ઉપાડવામાં આવે તો એને બાચકું કહેવાય.

 8. દાડિયાની સ્ત્રીઓ એટ્લે કે જે દિવસોમાં મદદ જોઈએ તેજ દિવસોમાં આવનારી.

 9. માણવીઆની સ્ત્રીઓ એટ્લે કે આખા મહિના માટે કામે આવનારી.

 10. વખાર એટ્લે ગોડાઉન.

 

 

 

 

 

 

 

 

 

 

 

ઝાંઝર

પાયલ (એન્કલેટ)

 

 

 

 

 

 

 

 

© ૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ (૩/૩૧/૨૦૧૯ રવિવાર)
purvimalkan@yahoo.com

 

 

2 thoughts on “મોદીની હવેલી -૯ (પૂર્વી મલકાણ)

 1. પૂર્વીબેન વીતેલો સમય આંખ સામે એવી રીતે લાવી દે છે જાણે આપણે જૂના સમયનું કોઈ ચલચિત્ર જોતાં હોય. ખૂબજ સરસ. અભિનંદન.

  Like

 2. હરીશભાઈ, જે સમય જીવ્યા હોઈએ તે સમયને ફરી એ જ રીતે અને એજ વાતાવરણમાં જીવવો એ આનંદદાયક હોય છે. ફર્ક માત્ર આનંદ અને પીડાનો હોય છે. પીડાનો સમય ફરી જીવવો ગમતો નથી અને આનંદ એ સમયને છોડતો નથી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s