ખંડકાવ્યો –૮


(આજે કાન્તનું જાણીતું ખંડ કાવ્ય રજૂ કરૂ છું. આ કાવ્યમાં ગો. મા. ત્રિવેદી જેવી પંડિત યુગની ભાષા અને ફીલોસોફી સ્પષ્ટ દેખાશે. વચ્ચે વચ્ચે મનુષ્યોને ઉપલબ્ધ પાણીની વાત કરી, ઇશ્વર પશુઓની કેમ સંભાળ લેતો નથી એવો પ્રશ્ન ઉભો કર્યો છે.)

મૃગતૃષ્ણા (કાન્ત)

જાણી મધ્યાહ્નની વેળા સ્વસ્થાને સહુ જાય છે :

અરેરે! કોણ બાલા આ દોડી શ્રમિત થાય છે?

આકાશમાં રવિ અતિશય ઉગ્ર થાય,

વાયુ પ્રચંડ અતિ આકર આમ વાય;

એવે સમે અરર! આ હરિણી બિચારી,

દોડે તૃષા થકી જણાય ગયેલ હારી!

કરે વ્યાકુલ દોડીને, સુકુમાર શરીરને :

પ્રયાસ કરીને શોધે, અરેરે! હાય! નીરને!

નાની હજી, નથી અનુભવ કાંઈ એને :

પૂછે, કહો, જલ હશે ક્યહીં, એમ કેને?

આભાસ જોઈ સઘળા સ્થળમાં ભમે છે,

અત્યંત ઉષ્ણ રવિ આતપને ખમે છે,

ધારાગૃહ વિશે બેસી મનુષ્યો હાલ ન્હાય છે :

એ સમે, હાય! નિર્દોષ બાલા આ આમ ધાય છે!

આંખો અતિશય પ્રયાસથી લાલ થાય,

ને સ્વેદબિંદુ વપુનાં જલદી સુકાય;

ચાલે નહિ ચરણ, ઠોકર ખૂબ ખાય,

શુદ્ધિ રહે નહિ જ, મૂર્છિત થાય, હાય!

હાશ! આ ગમથી આવ્યું, સૂર્ય આગળ વાદળું;

છાંયો થયો જરા તેથી, અને શાંત થયું ગળું!

નીચે પડી નયન તોય જરા ઉઘાડે,

દેખી જલાશય વળી વપુને ઉપાડે;

અત્યંત દુઃખ પણ એ તનમાં સહે છે,

સંકલ્પ ત્યાં ગમનનો મનમાં લહે છે.

અરે! એ મૃગતૃષ્ણા છે : બાલે! કાં ભૂલ ખાય છે?

અનુભવ વિના તારો શ્રમ સૌ વ્યર્થ જાય છે.

રે શું વિધિ કદરહીન હશે બહુ જ,

નિર્દોષતા તણી નહિ કંઈ હોય બૂજ?

આકાશમાં ક્યમ ચડી નહિ મેઘ આવે,

આ નિષ્કલંક પશુને દુઃખથી મુકાવે?

દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં!

ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?

રે! આ સમે જલ મહીં રમતો કરે છે,

સાથે રહી રસિક દંપતીઓ તરે છે;

વાળા તણી અતિ મનોહર ગંધ વ્યાપે,

ઉદ્ધિગ્ન કેમ નરનારી જણાય તાપે?

અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે!

કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે?

થોડો રહ્યો વખત જિંદગીનો, અરે રે!

માતાપિતા-સ્મરણ આર્ત્ત દિલે કરે રે!

હા દૈવ! આંખ પણ બંધ જરાક થાય,

ને પ્રાણ છેવટ તમામ વિદાય થાય!

નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું :

દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું?

1 thought on “ખંડકાવ્યો –૮

  1. કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિ — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે…………

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s