કવિતામાં – ૪ (સંકલન – પી. કે. દાવડા)


(૪) કવિતામા સંબંધો

ગુજરાતી સાહિત્યમાં પ્રત્યેક પારિવારિક સંબંધ વિષે કવિતાઓ લખાઈ છે અને પ્રત્યેક કવિતામાં સંબંધોની લાગણી બહુ સારી રીતે વ્યક્ત કરવામા આવી છે. આપણે ‘દાદા’થી શરૂઆત કરીએ.

છેક નાનપણમા હું જે પહેલી કવિતા શિખ્યો તે હતીઃ

“દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો,

 ઘોડો ચાલે રમ ઝમ,   ઘૂઘરા વાગે ઘમ ઘમ”

એક વાર શિખ્યા પછી સુન્દરમની આ કવિતાને ભાગ્યેજ કોઈ ભૂલી ગયું હશે. પણ હૃદયને છબી જાય એવી દાદા વિશેની કવિતા એટલે પૂંજાલાલ દલવાડીની આ કવિતાઃ

“અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા,

 વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા”

અને આગળ કવિ કહે છેઃ

“હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો,

 અને નૈનો ઊંડા અમરત તણા કૂપ સરખાં.”

આ સંપૂર્ણ કવિતા વાંચ્યા બાદ આંખ ભીની ન થાય એવું ભાગ્યે જ બને.

દાદાની વાત કરી લીધી, હવે આપણે પિતા વિષે કવિતાઓ જોઈએ. સૌથી પહેલી જે યાદ આવે છે તે દલપતરામનીઃ

“છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોષી મને કીધો મોટો,

 રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું હું પિતાજી?”

સૌથી વધારે કવિતાઓ મા વિષે લખાઈ છે. સૌથી વધારે પ્રખ્યાત અને સૌથી વધારે લાગણી છલકાવતી કવિતા એટલે  દામોદર ખુશાલદાસ બોટાદકરનીઃ

“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.”

 ક્યારેક એકલા બેસી આ કવિતા વાંચી જોજો, જરૂર હૃદયમા કાંઈક ભાર જેવું લાગસે. મા વિષે જે બીજી કવિતા યાદ આવે છે, તે છે દલપતરામનીઃ

“હતો  હું સૂતો પારણે પુત્ર નાનો, રડું  છેક તો રાખતું  કોણ  છાનો?
મને દુ:ખી દેખી, દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી જ મા તું.”

અને મા-બાપને ન ભૂલવાની શિખ આપતી આ કવિતા તો કેમ ભૂલાય?

“ભૂલો  ભલે   બીજું    બધું, મા બાપને  ભૂલશો  નહિ

અગણિત   છે   ઉપકાર  એના, એહ   વિસરશો  નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા  પિતા  મળશે નહિ

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિં”

હવે આપણે વાત કરીએ ભાઈ-બહેનના સંબંધની.

“પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે  ઊંઘે ને  અમે  જાગતાં જી  રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.

સોનેરી   કોરની  લાવીને   વાદળી,
ચંદરવા  ચાર  કોર  બાંધશું  જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી  રસોઈ  રોજ  રાંધશું  જી  રે.”

અને આ જુવો, ચં. ચી. મહેતાના પ્રખ્યાત ઈલા કાવ્યોની પંક્તિઓઃ

“ઈલા! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે”

અને

“જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન

તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી”

“મારે ય તારે કદી ના વિરોધ, રેખા વહે  છે તુજ  હેતધોધ

એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં”

અને હવે જે સંબંધની વાત કરૂં છું એ સંબધોની સચ્ચાઈ પુરવાર કરે છે. આ સંબંધ છે નણદ અને ભાભીનો. કવિ શ્રી દામોદર બોટાદકરે લખ્યું છેઃ

“ટહૂકે વસંત કુંજ કોકિલા રે લોલ

ઘરમાં ભાભીના એવા ગીત રે

ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ

એ તો અમારી અન્નપૂરણા રે લોલ

વીરાના વંશ કેરી વેલ્ય રે

ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ”

નણંદ કહે છે કે ભાભી તો અમારી અન્નપૂર્ણા છે, એટલું જ નહીં અમારા વંશને આગળ વધારનારી વેલ છે.

કહેવાય છે કે સાહિત્ય એ સમાજનો અરીસો છે. ક્યાં ગયા આ સમાજના લોકો? આજે કેમ નણંદ-ભોજાઈનું વર્ણન શત્રુના રોલમા કરવામાં આવે છે. શા માટે આજે વૃધ્ધાશ્રમોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે? શા માટે ભાઈ-બહેન વચ્ચે વર્ષો સુધી અબોલા રહે છે? આજે કાકા-મામા-ફઈ-માસી ના દિકરા દિકરીઓ વચ્ચે પહેલા જેવા સંબંધો છે?

કદાચ એટલે જ કવિઓએ સંબંધોની વાતો કરવાનું બંધ કરી દીધું છે.

1 thought on “કવિતામાં – ૪ (સંકલન – પી. કે. દાવડા)

  1. મા દાવડાજીના સબંધો અંગે કાવ્યો માણી અમારા મનમા પણ આ પ્રશ્ન થયો હતો-‘ક્યાં ગયા આ સમાજના લોકો? આજે કેમ નણંદ-ભોજાઈનું વર્ણન શત્રુના રોલમા કરવામાં આવે છે. શા માટે આજે વૃધ્ધાશ્રમોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે? શા માટે ભાઈ-બહેન વચ્ચે વર્ષો સુધી અબોલા રહે છે? આજે કાકા-મામા-ફઈ-માસી ના દિકરા દિકરીઓ વચ્ચે પહેલા જેવા સંબંધો છે?’

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s