રાહેં રોશન –૧૧ (ડો. મહેબૂબ દેસાઈ)


આદર્શનો આંબો : હશીમ આમલા

હાલ આઈપીએલની છઠ્ઠી સીઝન પુર જોશમાં ચાલી રહી છે. દરેક ટીવી ચેનલો પોતાના ટીઆરપીની ચિંતામા તેના પ્રસારણની હોડમાં લાગેલી છે. ક્રિકેટર અને ક્રિકેટના મૈદાન પરની નાનામાં નાની ઘટનાઓને બહેલાવીને રજુ કરવામાં દરેક ચેનલો મશગુલ છે. એક ચેનલે તો ૨૫ એપ્રિલ ૨૦૦૮ અર્થાત પાંચ વર્ષ પૂર્વે મહોલીમા ક્રિકેટર શ્રીસંતને હરભજન સિંગે મારેલા કહેવાતા લાફાની ઘટનાને બહેલાવીને રજુ કરવાની તક પણ ઝડપી લીધી. અને પ્રાઈમ ટાઈમનો પુરા સમય તેનું વિષ્લેષણ કરવામાં કાઢી નાખ્યો. આવી નકારત્મક ઘટનાઓને બહેલાવવાની આપણી ચેનલોની નીતિને સાચ્ચે જ દુ:ખદ છે. કારણે નકારત્મક ઘટનાઓનો અતિરેક જ આપણા સમાજના ઘડતર પર અવળી અસર કરે છે. તેમાંય આજના યુવા વર્ગ પર બે ક્ષેત્રોનો અત્યંત પ્રભાવ છે. સિનેમા અને ક્રિકેટ. આ બને ક્ષેત્રો પાછળ યુવાવર્ગ પાગલ છે. પરિણામે ક્રિકેટરો અને સિને તારકોની સારી નરસી નાનામાં નાની બાબતો પોતાના જીવનમા અપનાવી લેતા તેમને જરા પણ વાર નથી લાગતી. એવા સમયે એ ક્ષેત્રના મુલ્ય નિષ્ઠ વ્યક્તિત્વો અને ઘટનાઓને વધુમાં વધુ પ્રજા અને યુવાનો સમક્ષ મુકવાની કલમ નિવેશો અને માધ્યમોની પવિત્ર ફરજ છે.

ગઈ કાલે આઇપીએલની મેચ જોતો હતો ત્યારે મને આજથી બે વર્ષ પહેલાની એક ઘટના મારી સ્મૃતિમા તાજી થઇ ગઈ. એ દિવસોમાં હું હોબાર્ટ(ઓસ્ટ્રેલિયા)મારા પુત્ર ઝાહિદના નિવાસ્થાને હતો. અને ટીવી પર આવી રહેલી (૧૨ માર્ચ ૨૦૧૧) સાઉથ આફ્રિકા અને ભારતની મેચ જોઈ રહ્યો હતો. અચાનક મારી નજર દક્ષિણ આફ્રિકાની ટીમના ઇસ્લામિક દાઢીધારી મુસ્લિમ ખેલાડી પર પડી. અને મને તેનો કોમેન્ટેટર ડીન જોન્સ સાથેનો વિવાદ યાદ આવી ગયો. મૂળ સુરત (ગુજરાત)નો હશીમ આમલા દક્ષિણ આફ્રિકાનો ઉત્તમ બેટ્સમેન અને મીડીયમ પેસ બોલર છે. હાશીમ મોહમ્મદ આમલા મુળ સુરતી મુસ્લિમ સુન્ની વહોરા છે. સુન્નિ વ્હોરાઓ મોટી સંખ્યામાં ઝિમ્બાબ્વે, કેન્યા, બર્મા (મ્યાનમાર) કેનેડા, મોરેશિયસ, ઇંગ્લેંડ,અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં સ્થાહી થયા છે. તે પૈકી હાશીમ આમલાના દાદા સુરતથી ડરબન આવીને એક પરચૂરણની દુકાનમાં નોકરીએ રહ્યા હતા. તેની દાદીમા દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં સુન્ની મુસ્લિમ હતા. તે પણ મૂળ સુરતનાં જ હતાં.આમલાના પિતા મોહમ્મદ એચ. આમલા ડોક્ટર છે. ત્રણ પેઢીથી સુરતથી હિજરત કરીને, ૧૯૨૭થી આમલા ફેમિલી ડરબનમા રહે છે.તેમના બે પુત્રો પૈકીનો એક હાશીમ છે. આજે પણ તેઓ ઘરમાં સુરતી-ગુજરાતી જ બોલે છે. આમલા કુટુંબ મુળ સુરતના હરીપુરા વિસ્તારમા રહેતું હતું. હરીપુરા વિસ્તારમાં વર્ષોથી સુન્ની વ્હોરા વસે છે. હરીપુરામાં આજે પણ હાશિમ આમલાના દુરના સગાઓ રહે છે. ૩૧ માર્ચ ૧૯૮૩મા જન્મેલ હશીમ મોટે ભાગે ત્રીજા ક્રમે રમે છે. ડર્બન સ્કુલમાંથી સ્નાતક થયેલ હશીમએ તેની કારકિદી ભારતમાંથી શરુ કરી હતી. ૨૮ નવેમ્બર ૨૦૦૪ કોલકાત્તાના ઇડર ગાર્ડનમાથી પ્રથમ મેચ રમનાર હશીમ પાંચ વખતના નમાઝી અને પાબંધ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેને જન્મજાત મળેલ ઇસ્લામિક સંસ્કારો તેની કારકિર્દીના દરેક વણાંક પર જોવા મળે છે.

૨૦૦૬ના ઓગસ્ટમા સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ટેન સ્પોર્ટ્સના કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ અંત્યંત ઉત્સાહમાં કોમેન્ટ્રી આપી રહ્યા હતા. એ જ ક્ષણે હશીમે બીજી વિકેટ લીધી. અને કોમેન્ટેટર ડીન જોન્સ બોલી ઉઠ્યા,

“ધી ટેરરીસ્ટ ગેટ્સ અનધર વિકેટ્સ” અર્થાત “આતંકવાદીએ વધુ એક વિકેટ લીધી”

એક મુસ્લિમ ખેલાડીને વિશ્વ સમક્ષ આતંકવાદી તરીકે સંબોધવો, એ કોઈ પણ વ્યક્તિને ન ગમે. અને એ પણ એવા સમયે કે જયારે કેટલાક કહેવાતા મુસ્લિમો જેહાદના નામે સમગ્ર વિશ્વમા ઇસ્લામને બદનામ કરી રહ્યા હોઈ. પરિણામે મોટો વિવાદ સર્જાયો. એ વિવાદ એટલો વકર્યો કે ટેન સ્પોર્ટ્સના સંચાલકોએ કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ સાથેનો કરાર રદ કર્યો. ડીન જોન્સને ટેન સ્પોર્ટ્સ છોડવું પડ્યું. આમ છતાં હશીમએ આ ઘટના અંગે કોઈ જ પ્રત્યાઘાત ન આપ્યા કે કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ માટે એક પણ ઘસાતો શબ્દ ન ઉચાર્યો. એક પત્રકારે આં અંગે તેને પૂછ્યું,

“આપને આતંકવાદી કહેનાર કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ પર આપને જરા પણ ગુસ્સો નથી આવતો ?”

ત્યારે અત્યંત શાંત સ્વરે હશીમ બોલ્યો,

“ઇસ્લામમાં ક્ષમા અને સબ્ર મોટા આભૂષણો છે. તે દરેક માનવીએ અપનાવવા જેવા છે. એટલે હું તો તેમના એ વિધાનને ક્યારનો ભૂલી ગયો છું.”

મુંબઈમાં આતંકવાદી હુમલો થયો. તેના સમાચાર વિશ્વમાં પ્રસરી ગયા. અને પુનઃ હશીમના માનવીય  સંસ્કારો બોલી ઉઠ્યા,

“આવી માનવ હિંસા કરનાર ઇન્સાન મુસ્લિમ નથી. કોઈ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે”

હશીમની ઇસ્લામ ધર્મની વિભાવના અને શ્રધ્ધાના કેન્દ્રમાં શુદ્ધ માનવતા છે. ઇસ્લામના પાંચ નિયમો ઈમાન (વિશ્વાસ), નમાઝ, ઝકાત(ફરજીયાત દાન), રોઝા(ઉપવાસ) અને હજજનું ચુસ્ત પણે પાલન કરનાર હશીમ એક મુસ્લિમને છાજે તેવી સુંદર દાઢી રાખે છે. ગમે તે સંજોગોમાં એ પાંચ વખતની નમાઝ પઢવાનું ચૂકતો નથી. શરાબનું બિલકુલ સેવન નથી કરતો. એટલું જ નહિ શરાબનું ઉત્પાદન કરતા વ્યવસાય સાથે પોતાનું નામ જાણ્યે અજાણ્યે પણ ન જોડાઈ જાય તેની ખાસ તકેદારી પણ રાખે છે. તેના ક્રિકેટર તરીકેના જીવનમાં તેનું સુંદર અને પ્રસંસનીય દ્રષ્ટાંત મળે છે.

આજકાલ ક્રિકેટરોનો મૈદાન પરનો પોષક જાહેરાતનું હરતું ફરતું બોર્ડ બની ગયો છે. તેના પર અનેક કંપનીઓ-સ્પોન્સરોના લોગો અને નામો ચારે બાજુ ચિતરાયેલા હોય છે. જેના અઢળક નાણા ક્રિકેટરોને મળે છે. દક્ષિણ આફ્રિકમાં રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હશીમની પસંદગી થઈ. અને તેના મૈદાન પરના પોષક પર દારૂ અને બીયર બનાવતી દક્ષિણ આફ્રિકાની મોટી કંપની “કેસ્ટલ” નો લોગો આવ્યો. દરેક ક્રિકેટરે તે સ્વીકારી લીધો. પણ હશીમે તેનો વિરોધ કર્યો. દારૂ અને બીયરનો પ્રચાર કરતી કંપનીનો લોગો પોતાના પોષક પર ન રાખવા તેણે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી. આં અંગે પણ દક્ષિણ આફ્રિકામાં કાફી વિવાદ થયો. પણ હશીમ મક્કમ રહ્યો. તેણે ક્રિકેટ બોર્ડને કહ્યું,

“ઇસ્લામના નિયમ મુજબ દારૂનું સેવન કરવું, તે સેવન કરનારની મદદ કરવી, તેનું નિર્માણ કે વેચાણ કરનારને તેના કાર્યમાં કોઈ પણ રીતે મદદ કરવી એ મોટો ગુનાહ છે. એટલે હું મારા પોષક પર “કેસ્ટલ” કંપનીનો લોગો નહિ લગાડું.”

અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે હશીમની વાત સ્વીકારી. અને હશીમના મૈદાન પરના તમામ પોશાકો પરથી “કેસ્ટલ” કંપનીનો લોગો દૂર કરવામાં આવ્યો. ઇસ્લામના આવા માનવીય સિદ્ધાતોને જીવનમાં સાકાર કરનાર રમતવીરને તેમના આવા વલણ અંગે એક પત્રકારે કહ્યું,

“તમે તો એક રમતવીર કરતા એક સંત જેવી વાતો કરો છો”

અને ત્યારે સહેજ સ્મિત કરતા હશીમેં કહ્યું,

“હું સાચ્ચે જ સંત નથી. પણ ઇસ્લામની માનવીય જીવન પદ્ધતિએ મને સારા ક્રિકેટર બનવવામાં અવશ્ય મદદ કરી છે. હું દારૂ નથી પીતો.પાંચ વખતની નમાઝ પઢું છું , જે મને માનસિક શાંતિ અને સ્વસ્થતા આપે છે. જેના કારણે મારી રમતમા હું મારું પૂર્ણ સત્વ રેડી શકું છું.”

આજે ક્રિકેટરો અને સિને તારકો આમ યુવા સમાજના આદર્શો બની ગયા છે. ત્યારે તેમના જીવનના આવા આદર્શો યુવા સમાજના ધડતર માટે જરૂર પ્રેરણા રૂપ બની શકશે.

1 thought on “રાહેં રોશન –૧૧ (ડો. મહેબૂબ દેસાઈ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s