કવિતા – ગીત – ગઝલનો ગુલદસ્તો


જોતું જવાનું

હવે જે થાય તે સઘળું સાક્ષીએ જોતું જવાનું

ખુદને હર ક્ષણ આ ખાલીપામાં ખોતું જવાનું

એમાં જ તો છે સાર સફળ સમગ્ર જીવનનો

એક આંખે હસતું તો બીજીથી રોતું જવાનું

થાકેલી નજર બેસી ગઈ બંધ પલકો તળે અંતે

ભીતર છોડીને દોડ્યા જ્યાં કદી નોતું જવાનું

આ વિસામાં આ પડાવ ને આ એના જુઠાં મોહ

આમ જ ખાલી થઈને આગળ વધતું જવાનું

એક “પરમ” ચમકારો,એક ઝાટકો ને આ શૂન્ય

આ જ દશામાં હવે પૂર્ણ “પાગલ” થતું જવાનું

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

                            *********

શું કરવું છે?

અધ્ધર  શ્વાસે   દોડી~ દોડી,શું કરવું છે?

આમ  બધા  સામે  કરજોડી,શું કરવું છે?

શું  કરવું  છે  દરિયા  તળિયે મોતી  લઈને,

સાગર    કાંઠે   વિણી   કોડી  શું કરવું  છે?

મનની ભીતર મોહ મૂકી દે દુનિયાનો દોસ્ત,

બાકીનું  સઘળું  તરછોડી  શું  કરવું   છે ?

પથ્થર   પથ્થર  દેવ  પૂજીને શું  કરવું  છે!!

તારે  આ   તુલસીદલ  તોડી  શું  કરવું છે?

ફૂલ હશે તો  ‘ફોરમ’  સૌને  મળતી રહેશે;

ડગલે  પગલે  ખીલા  ખોડી  શું  કરવું  છે?

        દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

                          *******

હાથમાં ના શસ્ત્ર છે, જીભમાં વાણી નથી.

મેં મજા કયારેય પણ યુદ્ધની માણી નથી.

પાર ભવસાગર તને પ્રેમથી કરવોજ છે,

હોંસલો સાબૂત છે, નાવ પણ કાણી નથી.

જેમને મેં આયખા ભર સદા ચાહ્યા હતા,

એમની ઈચ્છા વળી મેં કદી જાણી નથી.

સુખમાં કે દુ:ખમાં આંખથી જે સારતો,

જિંદગીનો અર્ક છે, માત્ર એ પાણી નથી.

વ્યર્થ ના જાતું કરો આ મજાનું આયખું,

કર્મની છે હાટડી, શ્વાસની લાણી નથી.

– નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’

***************

જરુર છે

અહિંસાના પુજારી દેશને,

ક્રુષ્ણ જન્મની તાતી જરુર છે.

કૌરવરુપી ભાઈઓને હણવા

સમર્થ બાણાવળી પાર્થની જરુર છે.

એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે,

ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરુર છે.

ક્યાં સુધી જનતાનુ ભાવિ,

બીજાને આશરે ઘડવા દેશું?(યુનોના)

શુળીનો ઘા સોયે સર્યો સમજવાને બદલે,

દેશની શાંતિ હણનારને શુળીએ ચઢાવવાની જરુર છે.

દેશભક્તિ અને વફાદારીની વાતો કરવાને બદલે,

વફાદારી દેખાડવાની જરુર છે.

અમીચચંદોના આ દેશમા

એક લોખંડી પુરુષ સરદારની જરુર છે.

શૈલા મુન્શા (૨/૧૦/૨૦૦૬)
*************

જાકારો

જાકારો જાણી દીધો, તેને જુહાર આજ જણાવું,

કૂંડાળા વચ્ચે ઠેલ્યો, તે ઉપકારો કેમ ગણાવું!

ઉત્સુક આ ઘેલા ચેલાને નિષ્ઠા વહાણે મેલ્યો,

આપી સાથે ઓજસ પૂંજી, ઝઝૂમતો એ ખેલ્યો.

ખીણથી ડુંગર ઉજ્જડ કેડી, આપત્તિનો રસ્તો,

અણિય પથ્થર પીડે ત્યારે ધીમે રહીને હસતો.

શંકાના ઓછાયા સરતા ઝગમગ તારક દીઠો,

 બોધકથાનો પડઘો ગુંજે આગળ પાછળ મીઠો.

જાકારાની લૂખી છીપમાં આશિષનો અણસારો,

હે ગુરુવર! તું  પિચ્છ ખેંચીને પાંખોનો દેનારો.

સરયૂ પરીખ

2 thoughts on “કવિતા – ગીત – ગઝલનો ગુલદસ્તો

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s