૧૨. એ….હાલો ને લગનમાં
નોંધ:- અહીં ઉલ્લેખિત લોકગીતો અને લગ્નમાં આવેલાં મહેમાનોનાં નામ અને વિધિવિધાનો દાયકાઓ જૂના હોવાથી થોડાં બદલાયેલાં હોય તેવું બની શકે છે તેથી વિગતદોષને સ્વીકારી આગળ વધુ છું.
વીરા લીલી, લીલી, લીલી પોપટડાંની ચાંચ જેવી
ચુંદડી મારે જોઈશે, સાથે ચણોઠીનાં ચીર મારે જોશે
શોધી લાવ વીરા, રેશમે જડી ઈંઢોણી ને દૂધે ભરી ગાગરડી
મારી સ્થિતિ ઘર છોડીને જતી દીકરી જેવી છે. બાપનાં ઘરેથી નીકળતી દીકરી જેમ પાછળ ફરીને જોતી જાય તેમ તેમ તેનાં બાળપણની અનેક સ્મૃતિઓ પતંગિયું બનીને તેને ઘેરી વળે તેવું મારે માટે પણ છે. આ લેખમાળાનાં પહેલાં લેખથી અત્યાર સુધી બગસરાની ઓછી વધતી અસર મારી પર આપે જોઈ છે. પણ આ અસરમાં લોકજીવન રહેલું છે, આપણે કોઈ પ્રસંગ સાથે ઉજવ્યો નથી તેથી બગસરાની બહાર નીકળતી વખતે ફરી અતીતનાં દરવાજા ખખડાવીએ અને એક લગનમાં સાથે જઈએ.
૧) માંડવડે ઢાળો બાજોઠડા ને માથે ફરતી મેલો કંકાવટી
પછી બોલાવો પાટણ શેરથી જોશીજી ને કે આજ અમારે લખવી કંકોતરી અપાર રે
મોદીનાં ડેલામાં હરિકાકીની પૌત્રી નાનકીબેનનાં લગનની લાપસીનાં આંધણ મૂકાયાં ત્યારથી આ પ્રસંગ જાણે અમારો જ હોય તેમ અમને લાગતું હતું. અમારી ડેલીની ખુલ્લી જગ્યા પાસે છોકરાઓ તડાફડી ફોડતાં હતાં ને અમારા મુખ્ય ડેલાંએ મંડપનાં ખાંભા રોપાયેલાં ને એની ઉપર લીલાછમ આંબાનાં પાનનાં તોરણ બાંધવામાં આવ્યાં તાં. ડેલાની અંદરની બાજુએ જતાં કાકીનાં ઘરને ઉંબરે ય લીલા તોરણ બંધાયા તાં ને એ તોરણમાં બંધાયેલાં ગલગોટા આવતાં જતાં મહેમાનોને માથે પાંદડીઓ રૂપી હાથ મૂકી મધુરું મલકી લેતાં હતાં.
૨) સાતલડીને સામે કાંઠે ભેંસ્યું ચરે બાજરીયું
ન્યાં કાંય શ્રીફળ ત્રાજવે તોળાય એટલાં કે,
વિવા આવ્યાં ઢુંકડા રે
કાકીનાં ઘરની મુખ્ય ડેલી કુટુંબીસ્ત્રીઓ ને તેમનાં બચળવાળથી વારેવારે ખૂલતી તી ને બંધ થાતી તી….ને ..અમુક પુરુષો વારેવારે આવીને ડોકિયું તાણી જતાં તાં ને પૂછી જાતાં તાં …એ બીજું શું શું જોઈએ છે?, કાંઇ મંગાવવાનું છે?, પેંડાનો થાળ મંગાવવાનો છે? લગનની બધી સામગ્રીઓ ભેગી થઈ ગઈ છે? દુકાનેથી શું મંગાવવાનું છે? કહી નોંધણીનું પાનું વારેવારે ચેક કરાતું હતું. ઘરમાંથી રોજ સાંજે મંગળ ગીતોથી એટલું બધુ ગુંજી ઊઠતું તું કે એનાં પડઘા આજુબાજુની બધી યે દીવાલુંને ગજાવતાં હતાં. તો સાથે ઢોલૈયા ને શરણાંયુંવાળાને ય તેમનાં ગામડેથી બોલાવવામાં આવ્યાં હતાં. આ લોકોનો ઉતારો રમેશભાઈનાં બંધ પડેલ ઘરની ઓસરીમાં કરવામાં આવ્યો. જ્યાં આ લોકોને અંગ લાંબુ કરવા તકીયા ને ચાદરું રાખવામાં આવી. બાજુમાં પાણીનું માટલું ય રાખવામાં આવ્યું. રોજ સવારે ઢોલૈયો ઢોલ ઉપર દાંડી પીટતો ને ગાદલાં પર બેસીને શરણાયુંવાળા શરણાંયું ફૂંકતા ને બાકીનાં સમયમાં લગનનાં અન્ય કામોમાં તેઓ ઉપયોગી થતાં હતાં. આ શરણાયુંવાળા ને ઢોલવાળાને ચાનક ચઢે એટલા માટે મધ થી યે મીઠી ચાની કીટલી ને બજરંગકાકાનાં હાથે બનેલ ચોખ્ખાં માવાનાં પેંડાનો થાળ મૂકવામાં આવ્યો તો. પણ આ બેય મીઠી વસ્તુથી મોઢું નો ભાંગી જાય એટ્લે ચેવડો, મેંદાની ફરસી પૂરી, ખારવડીનો થાળે ય પાછો ખરો. જ્યારે ઢોલ પિટવાનો અવાજ શરૂ થાય ત્યારે અમે ય ઘરની અન્ય સ્ત્રીઓ સાથે આવડે કે ન આવડે, સમજાય કે ન સમજાય પણ જુદાજુદા લગ્નનાં મંગળ ગીતો ગાવાનું શરું કરી દેતાં.
૩) ચાંદાના ચોકમાં કાકાબાપુ એ રોપાવી તુલસી,
શિવજી તારી ગંગા ને વિષ્ણુ તારી તુલસી તો કાયમી કુંવારા
પણ અમારા આંગણાની તુલસીને આવ્યાં ધનવાનનાં માગાં,
તે અમારી માવડીયુંએ હથેળીએ ઝીલ્યાં.
લગ્નની આ તૈયારીઓ વખતે અમારા આંગણામાં પનિહારીઓની એકેય વેલ્યુ ખાલી આવતી ન હતી, ને સાથે એકાદ-બે ગાયું ને પણ મુખ્ય ડેલાનાં આંગણીયે બાંધી રાખી હતી જેથી કરીને શુભ શકન થતાં રહે. પહેલાં પહેલાં તો જે મહેમાનો આવ્યાં તાં એ બધાં કાકીનાં જ ઘરમાં સમાયાં, પણ કાકીનાં ઘરની ત્રીજા માળની મેડીમાં તાળું બંધ રખાયેલું, કારણ કે એમાં લગનની મોંઘી જણસો પડી હતી. સગાસંબંધીઓની એ દોડાદોડી તો સમજી શકાય પણ, મારી ઉંમર એ સમયે તેમનાં જેવી દોડાદોડી કરવાની ન હતી. પણ તોયે મારી દોડાદોડી ચાલું હતી તેનાં બે કારણ હતાં. પહેલું કારણ એ હતું કે ત્યાં મારી સતત હાજરી હતી, તેથી અમુક કામો માટે તેમનો મારા પર વિશ્વાસ હતો ને બીજું કારણ એ કે હું તેમનાં માટે હાથવાટકો હતી. એવું તો નહોતું કે હું એકલી જ છોકરી હતી, એમ તો ઘણી યે છોકરીયું ત્યાં હતી, પણ એ જે રીતે બધીયું બહાનું કાઢી ભાગી જાતી તી, એ રીત મને નોતી આવડતી. એમાં વળી મારે તો નાનકીબેન માટે થતાં બધાં રીતિરિવાજો જોવાં હતાં. આમ મારે લાડવો ખાવો તો, એટ્લે લાડવો મેળવવા માટે કામ કરવું પડે તેવી મારી સ્થિતિ હતી. એ સમયે તો મને ય લાગતું તું કે હું શાંતિથી એક ખૂણામાં બેસી રહું ને આ બધી યે ઘરની ધમાલ મને ઘરનાં લોકો શાંતિથી જોવાં દે પણ એમ થતું નહોતું. તેથી મોટેરા માટે તો હું જાણે ઘરનો સામાન હતી તેથી વારે વારે સૂચનાથી સભર કોઈ કામ આપે, ને કોઈવાર મને કહે એ ..વચ્ચે કેમ ઊભી છો બાજુમાં જા, કે પાછળ જા ને કાકીયુંને રસોડામાં મદદ કર. આમ હું દડાની જેમ ફંગોળાયા કરતી હતી. આ દડાની જેમ રમવામાંથી બચાવવા માટે મારા મોટી-બા ને ભાભુ મને વારેવારે કાકીનાં ઘરેથી ખેંચી લાવતા પણ મધ પાસે જેમ રીંછ ખેંચાઇ આવે તેમ હું પણ એ લગનની ધમાલને જોવા છાનીમાની દોડી જતી જેને કારણે અમુક દ્રશ્યો મારા મનનાં કોઈક ખૂણામાં ઢબૂરાઈને બેસી ગયાં.
જેમ જેમ લગ્ન નજીક આવવા લાગ્યાં તેમ તેમ નાનકીબેનને સંબંધીઓ રોજ હરખે જમવા બોલાવવાં લાગ્યાં. જે સંબંધીને ત્યાંથી હુલામણું આવ્યું હોય તે ઘરે સાંજનાં સમયે સાંજીનાં ગીતો ગવાતાં.
૪) વેવાઈ તારી વાડીની વાડ સંભાળ રે,
અમારી કુંવરી છે લાડકવાયી
તારા લાડકાને તો લાડુ ચાલી જાય
અમારી કુંવરીને તો કેવળ બાલુશાહી ભાવે રે.
આમ નાનકીબેનનાં ફુલેયું -હુલામણાંની એક વિધિ એકબાજુ થતી હતી ત્યાં બીજી બાજુ એક દિવસ સમાચાર મળ્યાં કે; ગજુમામા ને વાસંતી મામી મોસાળું લઈને આવવાનાં છે. એ સમાચારથી કાકીનો હરખ તો સમાતો ન હતો, તેમણે તરત પ્રેમચંદ ગોરને આ સમાચાર મોકલ્યાં. જે દિવસે મામા આવવાનાં હતાં તે દિવસે બધાં ય ઢોલીને લઈ “નીસરો નીસરો બેનડી” ગાતાં ગાતાં ગલીને નાકે ગયાં જ્યાં મામાનાં સ્વાગત માટે પ્રેમચંદ ગોરને સ્વાગત માટે ઊભા રાખેલાં.
૫) નીસરો નીસરો બેનડી, ગલીને નાકે નીસરો રે
ભાઈ તારો ભાભલડી હારે આવી ઊભો છે
બેનડી ભાઈ-ભાભી માટે ખુરચી લાવો વિદેશી રે
ને, ઝાઝેરા માન આપી બેસાડો રે માંહી માથે રે
ગલીને નાકેથી મોસાળું વધાવી ઘરે લાવ્યાં પછી સૌનું સ્વાગત કરવામાં આવ્યું. રાતનાં સમયે બધાં કુટુંબીજનો સામે મોસાળું ખુલ્લું કરવામાં આવ્યું. આ સમયે ઘરની સ્ત્રીઓએ બીજું ગીત ઉપાડેલું તેનાં શબ્દો કંઈક આવા હતાં..
૬) મોસાળેથી મખમલ કાપડું આવીયું રે બેનડી,
હળવા હાથે પેરજો બેની, આ કાપડાંની લાજ ઘણેરી.
બેનડી તારા સાસુ સસરા કેય તે શાંતિથી સાંભળજે,
પણ સમજણ તારા બા-બાપુની આગળ ધરજે.
મામા-મામીનાં આવ્યાં પછી બહારગામનાં મહેમાનોનો કાફલો શરૂ થઈ ગયો હતો. “બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના” એ ઉક્તિ ગામડામાં સાચી જ પડી જાય છે. અમારે ત્યાં ય કશુંક એવું જ હતું, તેથી શરૂઆતનાં મેમાનો પહેલાં એમનાં ઘરમાં, પછી આજુબાજુનાં ઘરમાં, ને પાછળથી ગામમાં રહેલ વિવિધ સગાસંબંધીને ત્યાં સમાયાં. આ કારણે થયું એવું કે દરેક સંબંધીનું ઘર ગાજવાં લાગ્યું ને રસોડું ધમધમવાં લાગ્યું. જ્યારે લગનનાં બે-ત્રણ દિવસ બાકી હતાં ત્યારે બધાં સંબંધીઓને ત્યાં કહેણ મોકલવામાં આવ્યું કે, જેને જેને ત્યાં મેમાનો આવ્યાં હોય તેઓએ પોતાનાં મેમાનોને દરબારગઢની વાડીએ મોકલી આપવા. આ કહેણ પછી મેમાનો બધાં જ દરબારગઢની વાડીમાં પહોંચી ગયાં. ને આ મહેમાનોનું ધ્યાન રાખવા કુટુંબીસ્ત્રીઓ ને ઘરનાં અમુક પુરુષો પહોંચી ગયાં ને અમુક પુરુષો ઘરે જ રહેતાં જેથી કરીને આજુબાજુનાં ઘર રેઢા નો પડે.
અમારા બગસરાની દરબારગઢની એ વાડી બહુ મોટી હતી. ત્યાં રહેવાની જગ્યા બે માળમાં હતી. આ વાડીમાં અગાઉ પણ હું ગયેલી. ખાસ કરીને મારા બે ફૈબાનાં વિવાહ સમયે. આ બંને વિવાહમાં અમારો ઉતારો નીચે હતો અને વરપક્ષવાળાનો ઉપર હતો. એવું તો નોહતું કે ઉપરથી બગસરાનો કોઈ નઝારો દેખાતો હોય. પણ તોયે વરપક્ષ હંમેશા ઉપર જ રહેતો. આ અંગે હાલમાં જ્યારે મારા નાના ફૈબા સાથે વાત થતી હતી ત્યારે જાણવા મળેલું કે કન્યાપક્ષે વરપક્ષને માથા પર રાખવો જ જોઈએ તે માટે જાનૈયાઓનો ઉતારો હંમેશા ઉપર તરફ કરાતો.
૭) વરપક્ષના જાનૈયાનો મેડીનાં ઊંચેરા ઓરડે ઉતારો
મેડીનાં મોલે વર થાય રાજી ને બીજાને લાગે કે અમને વેવાલડીએ માથે બેસાડયાં.
આ જાનૈયા જેટલાં દિવસ રોકાવાનાં હોય તેટલાં દિવસ લાડવા બનતાં. એમાં યે આ લાડવા ઘરનાં પુરુષો બનાવે ને સ્ત્રીઓ પોતાને હાથે સૌને ખવડાવે તેવો રિવાજ હતો જે અમારા કુટુંબમાં યે પળાયો. મારા પપ્પા, કાકા, મામા ને ઘરનાં જેટલાં પુરુષો રસોઈ જાણતાં હતાં તેઓએ ત્રણ દિવસ માટે રસોડું સંભાળી લીધેલું. જ્યારે સ્ત્રીઓ તરફથી લગ્ન પહેલાંની નાની મોટી વિધિઓ થતી રહી, જેમાં પ્રથમ દિવસે ચોખાનાં કામની વિધિ કરવામાં આવી. આ વિધિમાં બંને પક્ષની સ્ત્રીઓ સામસામે સાથે બેઠી ને ચોખાને સાફ કરતાં કરતાં વારાફરતી એક એક ટૂંક ગાતી…ગઈ.
૮) દાદા સાંઢણીને મોટા શે’ર માં મોકલાવી કંકુડા મંગાવો રે
આજે મારે જમાઈને કુંકુડે પોખવા રે
સામેનાં પક્ષમાંથી ગવાતું કે,
૯) વેવાઈડા તમે મારા વ્હાલા, તમને દઉં ચાસણીનાં ડેબા રે
તમારી મીઠડી દીકરી અમને વળાવો રે
આ ચોખા વિધિ પૂરી થઈ પછી નાનકીબેનને પીઠી ચોળવામાં આવી.
૧૦) અરધી હળદી લાડકડાં ( જમાઈ ) ને મોકલી,
ને અરધી હળદીનો રંગ લાડકડીને ચડાવ્યો
અરધી હળદી લાડકડાં ને ત્યાંથી આવી
કે ઇ હળદીનો પાકો રંગ લાડકડીને લગાવ્યો.
જે રીતે લાડકીને પીઠી લગાવવામાં આવે તે રીતે જાનૈયાનાં ઉતારે વર ને ય પીઠી લગાવવામાં આવતી અને તે વખતે વરપક્ષમાંથી સૂર સંભળાતાં કે…
૧૧) પીઠી ચોળે પીઠી રે પિતરાણી,
હાથે પગે ચોળે રે વરની ભાભી,
મુખડા નિહાળે રે વરની માડી રે,
પીઠીની વિધિ પૂરી કર્યા પછી નાનકીબેનને વાડીનાં કૂવે લઈ જવામાં આવ્યાં ને ત્યાં તેમનાં હાથ થોડાં ભીના કરી કૂવા પરની દીવાલ પર હળદીવાળા હાથથી થાપા દેવામાં આવ્યાં ને પછી સરખી રીતે તેમની ઉપર પાણી રેડી નવડાવવામાં આવ્યાં.
૧૨) ઊંડો તે કૂવો જળે તે ભઇરો,
તેમ જમડા જમાઈ તારા રુદીયાનો કૂવો યે ઊંડો રાખજે
કૂવો જે જળે ભઇરો તે તો તેનો પરેમ છે
તારા કૂવામાં યે પરેમનાં જળ ઝાઝા રાખજે
પીઠીવિધિ પૂરી કર્યા પછી મંડપમુહૂર્ત થઇ ને ગણેશ બેસાડવાંમાં આવ્યાં ત્યારે ગવાયું,
પરથમ ગણેશ આંગણિયે આવીયા રે ઉષાવહુ ખોલો મંગળ તાળાં રે.
ગણેશપૂજન પછી નાનકીબેનને ગોત્રજની દેરીએ લઈ જવામાં આવ્યાં ને ત્યાં ગોત્રેજ દેવ-દેવીનું પૂજન કરવાની વિધિ પૂરી કરાવવામાં આવી.
૧૩) ના વિસરીયે ગોત્રેજ દેવ ને, ને તમને માવડીયું ને
દીકરી પરણે આજ તમારી તે આશર્વાદ દેજો ઘણાં
ગોત્રજ પૂજન પછી પાછા વાડીએ લાવી તેમની પાસે લાપસી, લીલી ચોળીનું શાક ને ખાટાં ઢોકળા બનાવડામાં આવ્યાં ને આ જમણ માટે પૂર્વજોને આમંત્રણ આપી તેમનું પૂજન કરવાની વિધિ કરાવવામાં આવી અને પૂર્વજોનાં બદલામાં સર્વે સગાવહાલાઓને જમાડવાની વિધિ પૂરી કરવામાં આવી.
૧૪) ગોલોક ધામેથી દાદા મોટા ને નોઇતરા આજે,
દાદા તમે નો આવો ઇ નો ચાલે
જુવો તમારી દીકરી જાય સાસરીયે આજે,
તો એના હાથનું છેલ્લીવારનું જમવાને આવો.
નાનકીબેન પાસે આ વિધિ પૂરી કર્યા પછી ફટાણાં ને સાંજીનાં ગીતોની શરૂઆત કરવા માટે તૈયારીઓ વાડીનાં ચોકમાં કરવામાં આવી.. ફટાણાં એ એક પ્રકારે લોકગીતનો જ પ્રકાર છે, જેમાં બંને વેવાઈવેલાં સામસામેવાળાની મજાક ઉડાડતાં હોય. આ મજાક ઉડાડવાની આ ફટાણાં પ્રથા મને બહુ ગમતી, કારણ કે એ મજાકું સાંભળી સાંભળીને અમે છોકરાવ હસી હસીને લોટપોટ થઈ જતાં. ઘણીવાર તો એટલું હસતાં કે પેટ દુઃખી જતું. એ દિવસે ય ચોકમાં જાજમું ને શેતરંજી પાથરવાંમાં આવી ને એની ઉપર બેય પક્ષોની સ્ત્રીઓએ અડિંગો જમાવ્યો. આ ફટાણાંમાં યે પહેલો વારો વરપક્ષનો આવે કારણ કે એમનું માન પહેલું કહેવાય.
૧૫) એક ભોં માંથી નિકળ્યું મચ્છરીયું, એની ચોખા જેવડી ચાંચ રે મચ્છરીયું,
વેવાઈજીની બે બાયડી, એ બાયડીયુંની જોડ બોલે મચ્છરીયું,
નવી માંગે સોના ચૂડલો ને જૂની ઝોલાં ખાય રે મચ્છરીયું.
વરપક્ષનું ફટાણું પૂરું થાય પછી અમારો ( કન્યાવાળાનો ) વારો આવ્યો….
૧૬) કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો,
જુઓને બેની બા તમારી સાસુનો લટકો
માગી માગી ને પેર્યા રે કપડાં,
પણ પરણાંવવાં આવ્યાં છે દીકરા
જેનો હશે તે ઇને લઈ જાશે પછી ચડશે એને ચટકો
પણ આ તો થઈ વેવાઈવેલાની વાત. વેવાઈવેલાની આ ઠીંઠોળીની વાતમાંથી કન્યા ને વર બેય બાકાત હોય, કારણ કે જ્યારે ફટાણાંનાં તોડ એકબીજા પર નાખવામાં વેવાઈવેલા મગ્ન હોય ત્યારે વર -કન્યા પોતપોતાનાં મિત્રો થકી એકબીજાને સંદેશો મોકલે કે થોડીવાર માટે તમે ઝરૂખડે આવો તો ચાર આંયખુ મળે મધમાતી. આ સંદેશો મળતાં જ કન્યા ને વર ઝરૂખડે કે ઓસરીએ છાનાંમાનાં મળે. આ મળવા મેળવવાની વિધિને રોકવા માટે અમને છોકરાવને તૈયાર કરવામાં આવતાં, ને અમને તેમનું ધ્યાન રાખજો તેવી સૂચના આપી અમારા મોટેરા ત્યાંથી નીકળી જાતાં. પણ અમારા મોટેરાઓ જાણતાં ન હતાં કે, આ વિધિ માટે તો અમે ય કયારનાં રાહ જોતાં. ( કદાચ જાણતાં હોય તો ય ખબર નથી ) કારણ કે કન્યાનું મોઢું વરને દેખાડવા બદલ અમને પાંચ પાંચ રૂપિયા તે સમયે મળતાં. આ પાંચ રૂપિયાને નાના ન ગણતાં હો, અમારે માટે ઓ…હો ના દલ્લા જેવી એ વાત હતી. આ મળવા મેળવવાની વિધિએ જ્યારે ફટાણાંનો પાકો રંગ ચડ્યો હોય ત્યારે જ થતી એ પહેલાં નહીં, કે એ પછી નહીં.
૧૭) લગ્ન બાજોઠીયો જડીયો, કે કુંવારી કન્યાએ સંદેશો મોકલ્યો
એ વેલેરો વેલેરા આવો, કે મારાથી તમ વિના નો રેવાય
એમાં યે જો કન્યા મળવા ન આવી હોય તો સામે પક્ષેથી વર બોલે,
૧૮) આંબલીયાનાં થડ થડેરો થોરો છે ને ડાળે ડાળે અતિ ઘણેરો છે
કોઈ મને તમારી ગોરી દેખાડો રે મારે નિરખવા મારા ઘરવાળા ને.
બીજે દિવસે એટ્લે કે લગનને આગલે દિવસે કુળદેવીનાં લાપસીનાં ચાર થાળ ભરવાની વિધિ કરવામાં આવી. કુળદેવી સામુદ્રીની પૂજા કર્યા પછી કુટુંબની સુહાગણ સ્ત્રીઓને દરેક થાળમાંથી ચાર ચાર કોળીયા લાપસીનાં કોળીયા લેવડાવવામાં આવ્યાં. સુહાગણો આ પ્રસાદ લઈ લે પછી કુંવારી કન્યાને બાકીનો વધેલ લાપસી ખવડાવવામાં આવે. મને યાદ છે કે ઘીની ધારલીથી છબોછબ ને મીઠા માથે ખાંડનું બૂરું નાખેલ આ લાપસી માટે હું ઘણી રાહ જોતી. આમ તો મીઠી વસ્તુ મને ક્યારેય ખાસ ભાવી નથી, પણ આ લાપસી એમાંથી બાકાત હતી.
( ક્રમશઃ )
નોંધ:-
-
અમારા ડેલામાં ભલે કોઈ ઘરનો પ્રસંગ હોય પણ એ પ્રસંગ આખાયે ડેલામાં રહેતાં પાંચેય ઘરનો પ્રસંગ હોય તેવું લાગતું. તેથી બહારગામથી તે ઘરમાં જે -જે મહેમાનો આવે તે ઘરમાં ન માંય તો તે મેમાનો બધાંનાં ઘરમાં સમાઈ જાય તેવી પ્રથા હતી. હવે ઘરમાં મેમાનો છે એ આપણાં જ છે એમ સમજીને કામ થતું ને તેમની મેમાનગતિ થતી. ટૂંકમાં કહું તો અંદરોઅંદર મદદરૂપ થવાની ભાવના દેખાતી.
-
સામાન્ય રીતે આસોપાલવનાં પાનનાં તોરણ મંગલપ્રસંગમાં બંધાય છે, પણ આસોપાલવ એ સમયે શહેરનું વૃક્ષ કહેવાતું ને ગામડાંમાં આંબાનાં ઝાડનાં પાન સહેલાઈથી મળી જતાં તેથી તેનાં તોરણ બાંધવામાં આવતાં.
-
ગજુમામાને ને મામીને લેવા માટે ગલીને નાકે ગયાં ત્યારે દાડવિયા પાસે ચતુરભાઈએ ખુરશીઓ ઉપાડાવેલી. ગલીને નાકે મામા ને મામી ખુરશીમાં થોડીવાર બેસાડવામાં આવ્યાં ત્યારે ઉપરોક્ત ગીત ગાવામાં આવેલું. તે ગલીને નાકે મોસાળના બલૈયા લેવાયા, ગુલાબની પાંદડીઓ વરસાવી, વરિયાળી ને કાળી દ્રાક્ષનું શરબત પીવડાવ્યું પછી એમને ઘરે લાવવામાં આવેલાં. આ પ્રસંગ એટલાં માટે યાદ છે કે તે દિવસે મારો યે વરિયાળી ને કાળી દ્રાક્ષના શરબત સાથે મારો પહેલો પરિચય થયેલો. આજે ય ખાંડ વગરનું આ શરબત અમારા ઘરમાં દરેક નાના -મોટાને પ્રિય છે.
-
માથા પર રાખવું એટ્લે માન આપવું.
-
લોકગીતમાં નંબર આપેલાં છે જેથી તેનો અર્થ સમજાવવો સરળ પડે.
-
જેમાં પહેલાંમાં અપાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, અપાર એટ્લે કે ઘણાં બધાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, અર્થાત ધામધૂમથી વિવાહ થશે.
-
ચાસણીનાં ડેબાનાં બે અર્થ છે પ્રથમ અર્થ છે ચાસણીનાં ચોસલાં અને બીજા અર્થમાં છે ચાસણીનાં ડબ્બા.
-
અઢાર નંબરનાં લોકગીતમાં કહ્યું છે કે, આંબલીનાં થડ પાસે ભલે પાંદડા કે ડાળ ન હોય પણ થડ જેમ ઉપર જાય તેમ ડાળ વધતી જાય અને ડાળનાં પાંદડા યે ઘટ્ટ થતાં જાય.
-
કંસાર-લાપસી બનાવવાની વિધિ:-
-
ઘઉંનાં જાડા ફાડાને પહેલાં ગોળનાં પાણીથી બાફવામાં આવતાં અને ત્યારપછી તેમાં ધીમી ધારે ગરમ ઘીની ધારલી કરવામાં આવતી, ત્યારપછી એના પર બારીક બૂરું નાખવામાં આવતું.
-
ધારલી એટ્લે ગરમ ઘી ની નદી વહેડાવવી.
વાંચવાની ખુબ મજા આવી. નાનપણમાં લગ્ન પ્રસંગ અજબ લાગતાં,
LikeLiked by 1 person
પૂર્વીજી તમારી યાદ શક્તીને કહેવું પડે!
LikeLiked by 1 person
લગ્નની વધાઈ . …
કુર્યાત સદા મંગલમ્
અનેકાનેક શુભકામના / શુભાશીસ
LikeLiked by 1 person