રાહેં રોશન – ૧૨ (ડો. મહેબૂબ દેસાઈ)


(૧૨) જોસેફ મેકવાન : ” મેરે મહેબૂબ કેસે હો ?”

જોસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનુ એક એવું નામ , જેને દલિત સાહિત્યના “દાદા”નું  ઉપનામ સ્વભાવિક રીતે સાંપડ્યું છે.  તેમની  આંગળીયાત, વ્યથાના વીતક.મારી ભિલ્લુ, માણસ હોવાની યંત્રના અને જનમજલા જેવી કૃતિઓને અઢળક ઇનામ-ઇકરામ મળ્યા છે.

છતાં તેમની સાલસતા અને નિરાભિમાની વહેવાર સૌને સ્પર્શી જતો. આમતો સૌ પ્રથમ અમે કોલમ પાડોશી બન્યા હતા. ‘ગુજરાત ટુડે’ના રવિવારના અંકમાં અમે

બંને એક જ પાના પર નિયમિત મળતા. એ નાતે અમે ફોન પર અવારનવાર મળતા અને

 મુસ્લિમ – દલિત સમાજની સરખી સમસ્યાઓની કલાકો સુધી ચર્ચા કરતા.

પણ જોસેફભાઈને સદેહ  મળવાનું સદભાગ્ય  ૧૬-૧૨-૯૯નાં રોજ મને સાંપડ્યું.

એ દિવસે ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં મારા તાજા પુસ્તક “ગુજરાતના નવતર સત્યાગ્રહો”નો

વિમોચન કાર્યક્રમ મંત્રીશ્રી મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં  મિત્રભાવથી  છલોછલ  બે મિત્રો  ઓચિંતા આવી ચડ્યા. એક હતા શ્રી કેશુભાઈ દેસાઈ અને બીજા હતા શ્રી જોસેફ મેકવાન.ભરાવદાર શરીર , કલગીથી ભરાયેલ ગરદન અને ચહેરો, બોલતી આંખો અને હોંઠો પર છલકાતા સ્મિતધારી એ મહામાનવનો પરિચય કરાવતા કેશુભાઈ બોલ્યા,

” આ આપણાં મિત્ર જોસેફ મેકવાન છે”

અને ત્યારે એ પડછંદ શરીર મને ભેટી પડ્યું. ભેટતાની સાથે જ તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા,

” મેરે મહેબૂબ કેસે હો ?”

 હોલમાં સૌ અમને તાકી રહ્યા.  સો એ એવું જ અનુભવ્યું જાણે જિગરજા દોસ્તો વર્ષો પછી મળતા ન હોઈ. જો કે જોસેફભાઈ ઉંમરમાં મારા કરતા ઘણા મોટા (જન્મ 1936) છતાં તેમણે જીવનભર મને એ વાતનો જરાપણ અહેસાસ થવા દીધો ન હતો.

તેમની સર્જન પ્રક્રિયા કોઈ વાતાવરણની મોહતાજ ન હતી. જ્યાં બેઠા હોઈ ત્યાં તેઓ વાર્તા ખોળી કાઢતા.એકવાર બીલીમોરાના બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા એક વાર્તા તેમણે ખોળી કાઢી અને લખી પણ નાખી. જોસેફભાઈના સાહિત્યમાં ડોકિયા કરતી દલિત સમાજની વ્યથામાંથી ટપકતી તેમના ઉદ્ધાર માટેની મહેચ્છા સમગ્ર ગુજરાતને સ્પર્શી ગઈ છે. પણ માત્ર દલિત સમાજ પ્રત્યેની જ સભાનતા તેમના વ્યક્તિત્વનું પાસું ન હતા. હિંદુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો તેમનો અભ્યાસ પણ ઊંડો હતો. તેની પ્રતીતિ મને મહેસાણા કાર્યક્રમમાં થઈ. જો કે અમારી સદેહ એ  છેલ્લી મુલાકાત હતી. સંજય-તુલાએ મહેસાણામાં ૨૨ જુલાઈ ૨૦૦૯ના રોજ  “સર્વધર્મ સમભાવ પરિસંવાદ” યોજ્યો હતો. હિંદુધર્મ વિષે મા. શ્રી ભાનુ વિજયશ્રીજી  ખ્રિસ્તી ધર્મ વિષે જોસેફભાઈ અને ઇસ્લામ  વિષે મારે બોલવાનું હતું . એ દિવસે જયારે હું કાર્યક્રમના હોલ પર પહોંચ્યો, ત્યારે હોલના પગથીયા પર જ મને આવકારતા  ભેટી પડ્યા અને એ જ ઉમળકાના લહેજામાં ફરમાવ્યું,

“મેરે મહેબૂબ કેસે હો ?”

તેમની એ અદા એ દિવસે મારા જહેનમાં કોતરાઈ ગઈ.

છેલ્લા કેટલાક સમયથી તેઓ શારીરિક વ્યાધિઓથી કંટાળી ગયા હતા. તેનો અહેસાસ મને ૨૨ ડીસેમ્બર ૨૦૦૯ના રોજ થયો. એ દિવસે મોડાસા કોલેજમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂર્વે હું અને કોલેજના આચાર્ય ડો.દક્ષેશ ઠાકર વાતોએ વળગ્યા. અને જોસેફભાઈનો ઉલ્લેખ થયો. મેં કહ્યું.

” ઘણા વખતથી જોસેફભાઈ સાથે મારે વાત નથી થઈ”

દક્ષેશભાઈ બોલી ઉઠ્યા,

” હમણાં જ કરાવી દઉં” અને તેમણે જોસેફભાઈને એ જ ક્ષણે મોબાઈલ જોડ્યો.

” હેલ્લો , બિરાદર કેમ છો ? “

“કોણ બોલો છો ?”

” મહેબૂબ દેસાઈ” મારું નામ સાંભળી જોસેફભાઈ એ જ જાણીતા લહેકામાં બોલી ઉઠ્યા,

“મેરે મહેબૂબ કેસે હો ? ક્યાંથી બોલો છો ?”

“મોડાસાથી. દક્ષેશભાઈ સાથે તમારી વાત નીકળી એટલે વાત કરવા મન લલચાયું.”

અને પછી તો અમે લગભગ વીસેક મિનીટ વાતો કરી. ત્યારે શરીરની વ્યાધિઓ અંગે તેમણે વિસ્તાર પૂર્વક વાત કરી.તેમના સ્વરમાં વ્યાધિઓની વ્યથા અનુભવાતી હતી. મેં તેમને  હિંમત આપતા કહ્યું.

“તમે તો અડીખમ છો. આવી બાબતો તમને જરા પણ ચલિત કે દુ:ખી કરે તેમ નથી”

પછી વાતને બદલતા મેં કહ્યું.

“તમારા ગ્રંથનું સર્જન થતું હોઈ અને તેમાં લખવાનું મને જ નિમંત્રણ ન મળે તે તો કેમ ચાલે ?”

“મેરે મહેબૂબ ક્યાં બાત કરતે હો ! મને તેની ખબર જ નથી.તમને કાલે જ મળી જાય તેમ કરું છું”

આમારી વચ્ચેનો આ છેલ્લો સંવાદ હતો.

તેમના અવસાનના સમાચાર વાંચી મેં સવારે જ સંજયને ફોન કર્યો. ત્યારે સંજયે કહ્યું,

” ૧  થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦ તેઓ વિશ્વગ્રામમા જ હતા. વિશ્વગ્રામના બાળકો દાદાના પગો દબાવતા. પણ જયારે દાદાના નકસોરા બોલવા માંડે ત્યારે બાળકો પગ દબાવવાનું બંધ કરી દેતા.અને ત્યારે દાદા આંખો બંધ રાખીને  બોલતા,

“હજુ હું જાગું છું બેટા, હાથ કાં અટકાવી દીધો ?”

દલિત સાહિત્યના આવા દાદા  અને જિન્દા દિલ ઇન્સાન જોસેફભાઈ આંગળીયાત , વહાલના વલખા, મારી પરણેતર, મારી ભિલ્લુ , જનમજલા જેવી અનેક અમર કૃતિઓ ગુજરાતી સાહિત્યને આપતા ગયા છે. એ  કૃતિઓ તેમને  ગુજરાતના સાહિત્ય જગતમાં અને વાચકોમાં હંમેશા જીવંત રાખશે. જયારે

“મેરે મહેબૂબ કેસે હો ” જેવું તેમનું પ્રેમાળ સંબોધન મારા હદયના ધબકારમાં જીવનપર્યંત ધબકતું રહેશે-આમીન.

4 thoughts on “રાહેં રોશન – ૧૨ (ડો. મહેબૂબ દેસાઈ)

  1. જોસેફ ભાઇના સાહિત્ય નો તો પરિચય હતો જ.પણ તેમના વ્યક્તિત્વને મહેબૂબ ભાઇએ સરસ રીતે ઊઘાડી આપ્યું. બંને સાહિત્ય કાર મિત્રો અને તેમની સહજ મૈત્રીને સલામ.

    Like

  2. ધન્ય ધન્ય મા મહેબુબજી
    જાણીતી વાત “દલિત સાહિત્યના દાદા”,”જંગમ વિદ્યાપીઠ”,”વંચિતોના વકીલ “જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા .ખેડા જીલ્લાના ઓડ પાસેના ત્રણોલ ગામે દલિત ઈસાઈ કુટુંબમાં જન્મેલા જોસેફભાઈ એમ.એ ,બી.એડ હતા.તે પછી હિન્દીના શિક્ષક બન્યા.જોસેફભાઈની સાહિત્ય સર્જન યાત્રા “ગેન્ગડીના ફૂલ”કૃતિથી થઇ હતી.તે પછી વ્યથાના વીતક , આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરીક્ષા ,મારી પરણેતર,સાધનાની આરાધના,,મારી ભિલ્લુ,,ફરી મ્હોરે આંબો ,વાટના વિસામા,,માણસ હોવાની યંત્રણા,ભીની માટી કોરા મન,લખ્યા લલાટે લેખ,અનામતની આંધી જેવા નવલકથા,રેખાચિત્રો,વિવેચન ,સંશોધનના પુસ્તકો લખ્યા.તેમના સર્જનોમાં આગલિયાત અને વ્યથાના વીતક તથા મારી ભિલ્લુ ખાસ નોંધપાત્ર છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s