ખંડકાવ્યો –૧૦ (અંતીમ)


(નરસિંહરાવા ભોળાનાથ દિવેટિયાના આ જાણીતા ખંડકાવ્ય સાથે અહીં ખંડકાવ્યોની શ્રેણી પુરી કરૂં છું. આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.)

ચિત્રવિલોપન

(ઈન્દ્રવજ્રા-વસન્તતિલકા)

સંધ્યા રમાડે ધરીને  ઉછંગે,  આ શુક્ર તારાકણીને  શી  રંગે!

તે સિંધુમાં ગૂઢ થઈ ગયેલો જોતી રહી રસ થકી રવિનાથ પેલો.

પ્રીતેથી પીતી રસ વર્તમાન  ને  ભાવિનાં  રમ્ય સુણંતી  ગાન,

સ્વપ્ને ન જોતી અતિ ગૂઢ ઘેરું એ ચિત્ર દૂર વસતું લયકાળ કેરું

(અનુષ્ટુપ)

સાવિત્રી સિંધુમાં વ્હેતી, તરંગો  ઊછળે તહીં

નાવડું નાચતું તેમાં આવતું  જો! દીસે અહીં

યુવતી તે  વિશે બેઠી  બાળકી છાતીએ ધરી

પ્રેમવાત્સલ્યનાં પાન  અમોલા શા વહ્યાં ઝરી

(ખંડ હરિગીત)

નાવડું    હંકારજો     વેગથી,     સંભાળથી,

ઓ ખલાસી કુશળ ઓ! આ મોંઘી છે મુજ બાળકી

લાડકી મુજ  જગ  વિશે  આવી  એક જ માસથી

તોય મુજ હૈડે વસી  દિન અણગણ્યાં  ત્યમ ભાસતી

સિંધુતટ  પેલો  ઊંચે   દુર્ગ  પર્વતટોચ  જે

તાત ત્યાં તુજ વાટડી જોતાં  ઊભા ધરી મોદને

થાશું ભેળાં ક્ષણ મહીં  દીર્ઘ  વિરહ જ છેદીને

પ્રથમ દર્શન આંકતાં   કંઈ  ચુંબનો કરશે  તને

નાવડું  આ  સિંધુમાં   ઊછળે  કંઈ   વેગથી

હૃદય પણ મુજ  નાચતું  દે તાલ તેને  પ્રેમથી

પ્રેમસાંકળ જે  રુડી  મધુર  બે  અમ  ઉરની

બીડતી દૃઢ  તેહને  તું  કનક  કડી વણમૂલની

દુર્ગ પર જો!  ફરફરે  ધવલ  કર અંચલ પ્હણે

હૈડું આ  કંઈ  થરથરે ને  પ્રેમમંત્રો  શા ભણે

હા! મીઠું બુલબુલ  માહરું!  કૂજતું કલરવ કરે

લાડકી! તુજ એ અમી પીતાં ન મન તૃપ્તિ ધરે

તાતને તુજ  કૂજનો એ  રુડાં  તું  સુણાવજે

મર્ત્યલોકે સ્વર્ગની  કંઈ  દિપ્તીક્ષણ  ઝળકાવજે

મીઠડી  જો  વ્યોમમાં  શુક્રકણી  શી  શોભતી!

હા! તદપિ મુજ લાડકી એથી રુચિર અદકી અતિ

ભૂત  ભાવિ  ભૂલતી,  સુખ  હીંડોળે  ઝૂલતી

સંગ લઈ  મુજ  પૂતળી, આનંદસિંધુ હું  બૂડી

(ઉધોર)

ઓ! આ આમ એકાએક,  નાવડું વાંકું વળિયું  છેક!

ધાઓ! અરે જીવનનાથ! લાડકી ભર્ય તું મુજને બાથ!

(અર્ધભુજંગી)

ખલાસી!  બચાવો! અરે કોઈ આવો!

દયાસિંધુ! આવું! શિશુ  સાથ લાવું!

(માલિની)

નિમિષ મહીં જ  ડૂલ્યું નાવડું સિંધુ માંહી

મધુર સુખછબીઓ ને ગઈ  જો! ભૂંસાઈ!

ઉદધિ ઉદર સંધ્યા  ને  શુક્ર બંને સમાયાં

તિમિર મહીં જ ગૂઢાં  સિંધુએ ગાન ગાયાં

-નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા

2 thoughts on “ખંડકાવ્યો –૧૦ (અંતીમ)

  1. એકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું ચિત્રવિલોપન ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.મા દાવડાજી ‘આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.’ વાત સહજ અનુભવાય છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s