(આજના પ્રકરણ સાથે સતત ૩૧ અઠવાડિયાથી ચાલતી આ સઘન શોધખોળ ઉપર આધારિત શ્રેણીનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. મેં શોધખોળ આધારિત થોડા લેખ લખ્યા છે, એટલે એમાં કેટલી મહેનત પડે છે એનો મને અંદાઝ છે. કેટલીક વાર ચાર પાનાના લેખ માટે ૪૦૦ પાના વાંચવા પડે છે. એટલે દિપકભાઈને આ શ્રેણી માટે કેટલી મહેનત કરવી પડી હશે એનો મને અંદાઝ છે. આવી અમૂલ્ય શ્રેણી આંગણાંને આપવા બદલ એમનો હ્રદય પૂર્વક આભાર માનું છું. આ શ્રેણીનો બીજો ભાગ જાન્યુઆરીથી રજૂ કરવામાં આવશે. – સંપાદક)
પ્રકરણ ૩૧: પહેલા ભાગનું સમાપન
આ સાથે ‘ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીનો ‘ભાગ ૧: ગુલામી’ આજે સમાપ્ત કરીએ.મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે હું ઇતિહાસકાર નથી અને ઇતિહાસમાં ખાસ જાણતો પણ નથી એટલે ઇતિહાસનું આલેખન કરવાનું મારું ગજું નથી. આ ઇતિહાસ નહીં, માત્ર ઇતિહાસની વાછંટ છે. આ વાંચીને કોઈ મિત્ર બહાર નીકળીને ઇતિહાસમાં પલળવા તૈયાર થશે તો હું પણ એમની સાથે પલળવા આતુર છું.
મારા માટે તો આ પહેલો ‘વિસામો’ છે. હવે ભાગ ૨: આઝાદી માટેનો સંઘર્ષ’ની સફર શરૂ કરશું; આપને એમાં જોડાવાનું આમંત્રણ આપું છું. પરંતુ નવી સફર શરૂ કરતાં પહેલાં આપણે પાછળ નજર નાખી લઈએ.
ઈ. સ. ૧૬૦૦માં લંડનમાં સ્થપાયેલી કંપની વેપાર સિવાયના કશા જ ઇરાદા વિંના – ભારતના મસાલા, કાપડ વગેરે લઈ જવા માટે આવી. બદલામાં સોનું આપી જતી. સમુદ્રમાં જ જહાજોમાં રહેવું, ત્યાંથી જ વેપાર કરવો અને માલ ભરીને પાછા જવું, એ જ એનું કામ. દરમિયાન ચાંચિયાઓ લૂંટે, ઇંગ્લૅંડનો રાજા પોતે જ ચાંચિયાગીરી કરાવે, લડાઈઓ થાય. લોકો માર્યા જાય. બીમારીમાં મરે, સમુદ્રનાં તોફાનોમાં જહાજ ડૂબી જાય પણ વેપાર થવો જોઈએ. થોમસ રો લખી ગયો કે એમણે વેપાર બંધ કરવો જોઈએ, જમીન પર ઑફિસો બનાવવી ન જોઈએ, દેશના આંતરિક વેપારમાં ન પડવું જોઈએ. પણ ઈસ્ટ ઇંડિયા કંપનીના ભારતમાં રહીને કામ કરતા માણસોએ અંતે બધું કર્યું. સંયોગો એમને સદાયે સાથ આપતા રહ્યા.
ક્રૂર, ધર્મઝનૂની ઔરંગઝેબ વેપારની વાત આવે ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપની પ્રત્યે ઉદાર હતો. એનું નુકસાન ન થાય તે માટે એણે એમને ઘણી રાહતો પણ આપી. બીજી બાજુ, ઔરંગઝેબ અને શિવાજી વચ્ચેના વેરની કથા આપણે જાણીએ છીએ. પરંતુશિવાજી અને એમના પછી મરાઠા સલ્તનતના કંપની સાથે સંબંધો ખરાબ નહોતા. શિવાજીના રાજ્યાભિષેકમાં અંગ્રેજોનું પ્રતિનિધિમંડળ સામેલ થયું. એમની દોસ્તીમાં દુશ્મની હતી અને દુશ્મનીમાં દોસ્તી. શિવાજીએ બે વાર સૂરત લૂંટ્યું ત્યારે અંગ્રેજોની કોઠી એમનું મુખ્ય નિશાન ન બની. તેમ છતાં મિત્રતા પણ નહોતી. ખરેખર તો ઔરંગઝેબ અને શિવાજીના સમયમાં તો કંપની માત્ર વેપારી કંપની હતી અને એ બન્ને એને એ રીતે જ જોતા હતા. એ જ રીતે ટીપુ સૌથી પહેલાં સમજ્યો કે અંગ્રેજો સૌથી મોટા દુશ્મન છે, પરંતુ ફ્રેંચો સામે એને વાંધો નહોતો.
કાન્હોજી આંગ્રેએ મરાઠા સામ્રાજ્ય માટે નૌકાદળ ઊભું કર્યું અને અંગ્રેજો માટે ખરો પડકાર ઊભો કર્યો. તે પછી તરત ૧૭૫૭માં કંપનીએ સિરાજુદ્દૌલાને હરાવ્યો અને મીર જાફરને ગાદીએ બેસાડ્યો. મોગલ બાદશાહે કંપનીને દીવાન બનાવી દીધી. ઔરંગઝેબ, શિવાજી, સિરાજુદ્દૌલા, મીર જાફર, હૈદર અલી અને ટીપુ સુલતાન, બધા જ એમના કાળમાં પ્રવર્તતા રાજકાજ પ્રમાણે જ ચાલતા હતા. કોઈ કોઈના કાયમી શત્રુ નહોતા અને લડાઈ વચ્ચેથી મિત્રતા કરી લેતા હતા અને મિત્રતા કર્યા પછી ફરી લડતા હતા. દિલ્હી હોય કે દખ્ખણમાં આદિલશાહ કે અહમદ શાહ અબ્દાલી અથવા તો સીદી શાસકો, બધા એક જેવા હતા અને બહારથી કોઈ વિદેશી હિંદુસ્તાનીઓનું નુકસાન કરશે એવો ખ્યાલ પણ નહોતો વિકસ્યો. આખો દેશ અનેક સત્તાવર્તુળોમાં વહેંચાયેલો હતો. અને દૂરનું ભવિષ્ય કોઈને દેખાતું નહોતુ, ઈસ્ટ ઇંડિયા કંપનીને પણ નહીં!
ભૂતકાળના લોકો અને શાસકોને આપણે આજના માપદંડથી માપીએ તે ન ચાલે. હિંદુસ્તાનમાં એકતા નહોતી એટલે અંગ્રેજો ફાવ્યા એ સાચું છે અને ઘણા લોકો આજે એનો અફસોસ પણ કરે છે. પરંતુ આ અફસોસ માત્ર “જો…..તો”ની ભાષામાં જ વ્યક્ત કરી શકાય. આપણે કદી વિચાર્યું છે કે એકતા હોવી એટલે શું? એ વખતમાં એકતાનો અર્થ એ જ હતો કે એકછત્ર રાજ! બધા એક મહાન શાસકને અધીન હોય એ જ એકતા! આપણે વ્યંગમાં કહી શકીએ કે દરેક નાનોમોટો શાસક બીજાને પોતાના છત્ર નીચે લાવવા, એકતા સ્થાપવા માટે પ્રયત્ન કરતો જ હતો અને એકતા ન હોવાનું મુખ્ય કારણ પણ એ જ હતું! સૌ એ વખતનાં મૂલ્યોના દાસ હતા. ઇતિહાસ માત્ર આપણને એટલું જ શીખવી શકે કે ઇતિહાસને વળગી ન બેસાય. ઇતિહાસમાં બધું સારું કે બધું ખરાબ ન હોય, એ જે હોય તે, વર્તમાન ઇતિહાસમાંથી જન્મ લેતો હોવા છતાં નવાં નવાં પરિબળોને આધારે વિકસે છે. ઇતિહાસમાં પાછા જઈ ન શકાય કારણ કે આપણે એ સમયનાં પરિબળોને પાછાં ન લાવી શકીએ.
ખરેખર તો છેલ્લાં ૩૦ પ્રકરણો એ કહેતાં નથી કે સામાન્ય માણસ શું કરતો હતો. આપણે શાસકો અને એમના સંઘર્ષોની વાત કરી. આ શાસકો એટલા સંકુચિત દૃષ્ટિના હતા કે પ્રદેશો કબજે કરવા સિવાય એમને કંઈ દેખાતું જ નહોતું. આ સ્થિતિમાં સામાન્ય માણસ શું કરતો હશે? કોઈ પણ શાસક હોય, સામાન્ય માણસ તો હંમેશાં હાજર રહ્યો છે. એની ‘સામાન્યપણા’ની ગાદી કોઈ ઝુંટવી શક્યું નથી. રાજાઓ અને બાદશાહોનાં કાંમો પર એનો કંઈ અભિપ્રાય હતો કે નહીં તેનો ઇતિહાસ છે? હા, છે. બીજા ભાગમાં આપણે એ ઇતિહાસ જોઈશું જ્યારે દેશમાં અંગ્રેજોના શાસન હેઠળ ‘એકતા’ સ્થપાઈ ચૂકી હતી અને ભારત સંપૂર્ણ ગુલામ બની ગયું હતું,
પણ ભારતનો આત્મા પણ ગુલામ બની ગયો હતો? ના. કોઈ પણ રાષ્ટ્રનો આત્મા એટલે આમજનતા. અંગ્રેજોએ બક્ષેલી આ ‘એકતા’ સામે વખતોવખત લડવા માટે, ખુવાર થઈ જવા માટે જનતા હંમેશાં ઊભી થઈ છે. આ સંઘર્ષ પ્લાસી પછી તરત શરૂ થયો અને ૧૯૪૭ સુધી ચાલતો રહ્યો. રાજસત્તાઓ નથી જીતી પણ એમની સૈન્યશક્તિ જીતી છે. સામાન્ય માણસ હાર્યો છે, પણ હામ હાર્યો નથી.
ભારતીય જનતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ તો અહીંથી શરૂ થાય છે. જોવાનું એ છે કે આ ઇતિહાસનો આરંભ તો ભણેલાગણેલા માણસોએ નહીં, દાર્શનિકોએ નહીં. વીર જાતિઓ કે પુરુષોએ નહીં, સામાન્ય આદિવાસીઓએ કર્યો છે.
તો મળીએ છીએ આ શ્રેણીના બીજા ભાગ “આઝાદી માટેનો સંઘર્ષ’ સાથે.
This has been really very interesting. Author Deepak Dholakiya has really done excellent work. The details covered need reference of lot of literature on the subject. Thanks Deepak ji and Davada ji
શ્રી દાસાણી સાહેબ અને વડગામા સાહેબ,
આપને આ શ્રેણી ગમી તે મારા માટે આનંદની વાત છે. આપ બન્નેનો હાર્દિક આભાર. માનનીય દાવડાસાહેબ વડીલ મિત્ર છે અને બહુ મોટું કામ કરે છે. એમનો આદેશ છે તે પ્રમાણે આ શ્રેણીના બીજા ભાગ સાથે જાન્યુઆરીમાં આપ સૌને ફરી મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. બીજા ભાગમાં આપણે ૧૭૫૭થી ૧૮૫૭ સુધીની ઘટનાઓ જોઈશું ઘણું ઇતિહાસની અભેરાઈએ ચડી ગયું છે, તે ખંખોળવાનો મેં પ્રયત્ન કર્યો છે. આપે મારો ઉત્સાહ વધાર્યો છે. ફરી આભાર.
આપનો
દીપક ધોળકિયા
ખૂબ સરસ શ્રેણી. ભાગ-2 ની આતુરતાથી રાહ જોઇશ. લેખકના તટસ્થ સચોટ અવલોકનો આ શ્રેણી ની શોભા છે.
LikeLike
This has been really very interesting. Author Deepak Dholakiya has really done excellent work. The details covered need reference of lot of literature on the subject. Thanks Deepak ji and Davada ji
LikeLike
શ્રી દાસાણી સાહેબ અને વડગામા સાહેબ,
આપને આ શ્રેણી ગમી તે મારા માટે આનંદની વાત છે. આપ બન્નેનો હાર્દિક આભાર. માનનીય દાવડાસાહેબ વડીલ મિત્ર છે અને બહુ મોટું કામ કરે છે. એમનો આદેશ છે તે પ્રમાણે આ શ્રેણીના બીજા ભાગ સાથે જાન્યુઆરીમાં આપ સૌને ફરી મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. બીજા ભાગમાં આપણે ૧૭૫૭થી ૧૮૫૭ સુધીની ઘટનાઓ જોઈશું ઘણું ઇતિહાસની અભેરાઈએ ચડી ગયું છે, તે ખંખોળવાનો મેં પ્રયત્ન કર્યો છે. આપે મારો ઉત્સાહ વધાર્યો છે. ફરી આભાર.
આપનો
દીપક ધોળકિયા
LikeLike