ગુલદસ્તો


(આંગણાંમાં શરૂઆતથી જ દર મંગળવારે વાચકોની રચનાઓ રજૂ કરવામાં આવે છે. બાકીના છ દિવસ આમંત્રિત સર્જકોની કૃતિઓનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા સમયથી દર મંગળવારે, લાંબા સમયથી રાહ જોતી વાચકોની કૃતિઓને ગુલદસ્તાના રૂપમાં રજૂ કરવામાં આવે છે. ફરી એકવાર વાચકોને પોતાની રચનાઓ મોકલવા આમંત્રણ આપું છું. – સંપાદક)

(૧) એક ઈચ્છા

એક ઈચ્છા એ ય ડગમગતી મળે,

કે પ્રતીક્ષા રોજ આથમતી મળે.

શાંત દરિયા જેમ તું ઘૂઘવે ભીતર,

ને નદી એવી તો ધસમસતી મળે.

ત્યાં, પણે આકાશ કોરુકટ્ટ હો,

ને અહીં દિશાઓ વિસ્તરતી મળે.

હું જ મારા બિમ્બમાં ફેલાઉં છું,

આયનામાં યાદ ઝરમરતી મળે.

કોઈના આવ્યાની ખબરો એમ તો,

મૌસમી પવનોમાં આથડતી મળે.

આ તળેટીથી શિખરની ટોચ લગ,

કોની નજરો પડતી, આખડતી મળે.

ક્યાં મળે છે આ ક્ષિતિજ કોને ખબર,

માત્ર આ આકાશને ધરતી મળે.

એક ઝાલર સાવ સૂની હોય, જે

સાંજ પડતાં વેંત રણઝણતી મળે.

પેલી હોડી જેમ મધદરિયે હવે,

લાગણીઓ આપણી તરતી મળે.

હું જ મારા મંત્રનો અક્ષર પ્રથમ,

મારી ઋચાઓ જ ઉચ્ચરતી મળે.

ઘાસમાં સચવાય છે તારું સ્મરણ,

ફૂલમાં ‘ફોરમ’ તને રમતી મળે.

દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

(૨) નથી બદલાવવું

મત ભલે બદલાય મારો, મન નથી બદલાવવું.

ધન મળે ભક્તિ તણું તો ધન નથી બદલાવવું.

હું ભલે ને રોજ મારા વસ્ત્રને બદલાવતો,

રંગ, રૂપે ને સ્વભાવે તન નથી બદલાવવું.

મૌસમી આસાર સારા હોય કે ના હોય પણ,

છમ્મલીલ્લી લાગણીનું વન નથી બદલાવવું.

આંખ મીંચીને કર્યો વિશ્વાસ જે માહોલ પર,

હોય સારૂં કે નઠારૂં જન નથી બદલાવવું.

કાલનો સૂરજ ઉગે ને હું બની જઉં લખપતિ,

એમનું આપ્યું બિરુદ ઠનઠન નથી બદલાવવું.

– નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’

(૩) છલકાય છે !

લાગણીના તાંતણા જ્યાં જોડાય છે,

સંબંધોમાં ત્યાં જ તો સુવાસ ઉમેરાય છે.

હો પાસ કે દુર, કરી ક્યાં પરવા કદી!

યાદોના મણકા, તો માળામાં પરોવાય છે.

જિંદગીની રમત કેવી હશે એ કોણ જાણે?

દુઃખની ઘડીમા, સદા દોસ્તી પરખાય છે!

વિજ્ઞાનની હરણફાળ તો આંબે અવકાશને,

અંધશ્રધ્ધાના હવનકુંડે, માસુમિયત વધેરાય છે! ,

છે ઘણી હિંમત, કરી લઉં સામનો વિષમતાનો,

બસ, જખમ દિલના ક્યાં બધાને કહેવાય છે?

મળે જો રાહબર સાચો, બતાવે રાહ જીવવાનો!

હર પળ બની ખુશીનો, સાગર છલકાય છે.

શૈલા મુન્શા તા ૦૪/૨૭/૨૦૧૯

(૪) નિર્મળતા

ઝંખનાનાં તેજમાં જાગેલું પંખીડું,

મમતાનાં માળામાં ક્યારે સપડાયું!

આશા પતંગાની આસપાસ ઊડતું,

ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું.

સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યુ,

આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું,

અસીમ અગોચર ને અંતર વિહારમાં,

કિરણોની કોરપર ભોળું હિલોળ્યુ.

ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,

ઘેરા ઘુમરાવામાં અંધારે લોભાયું

લાલચનાં પાણીમાં ભાવે ભીંજાયું

પછી, ખારા સમંદરના પટમાં પટકાયું

જ્યારે એને સાંભર્યુ કે ક્યાંથી એ આવ્યું’તું,

ચાંચ મહીં ચાંચ અમી અન્ન કેવું ભાવ્યું’તું,

નિઃસીમ આકાશે ફરી મુક્તિથી ઊડવાને,

આતમ કમાન, મનો તીર લક્ષ સંધાયું.

-સરયૂ પરીખ

(૫) વરસવાના નથી

વાદળો    ત્યારે   વરસવાના નથી,

જો તમે  દિલથી  તરસવાના નથી.

વૈશ્વિક   પાગલપણું   છે , ઈશ્કમાં,

આપના  ક્યાં, કોણ દિવાના નથી!

રોજ વ્હેંચે છે , દુઆઓ એક ફકીર,

રૉબોટિક ફળીયા સમજવાના નથી.

મોબાઈલ  જેવા  રમકડાં આપશો,

બાળકો , મોટા –  ઝઘડવાના  નથી.

લાલ-પીળા શહેર  સર્જો  છો તમે,

શું  અહીં  ઈન્સાન  વસવાના નથી?

ખ્વાબમાં મહેમાન થઇ ના આવશો,

ત્યાં  સુધી ‘ સિદ્દીક ‘ લખવાના નથી

સિદ્દીક ભરૂચી.

2 thoughts on “ગુલદસ્તો

 1. ખૂબ સુંદર ગુલદસ્તામા આનંદ માટે
  નિર્મળ મન, સંસારના ગહેરા રંગોમાં હોંશેથી અટવાય, ભટકે.
  અને ફરી જ્યારે એ નિર્મળ-બાળકમનને પ્રસ્થાપિત કરી શકે,
  ત્યારે અંતરઆત્મા સાથે જોડાઇ મુક્તિનો અનુભવ કરી શકે

  Liked by 1 person

 2. આભાર પ્રજ્ઞાબહેન, ‘નિર્મળતા’ બહુ વર્ષો પહેલાં લખાયેલી. તમે ભાવરસ બરાબર બતાવ્યો.
  ગુલદસ્તાની રજુઆત માટે દાવડાસાહેબનો આનંદ સાથ આભાર… સરયૂ પરીખ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s