કવિતામાં – ૬ (સંકલન – પી. કે. દાવડા)


(૬) કવિતામા લય, તાલ અને રસ

આપણી જૂની કવિતાઓમા લય, તાલ અને રસ આ ત્રણે ગુણો ભારોભાર ભરેલા હતા.

આ વાત સમજવા, શરૂઆત નરસિંહ-મીરાંથી કરવી પડે, પણ એટલું પાછળ ન જતાં મહિતરામથી શરૂ કરૂં છું. તે સમયમા કવિતા પિંગળશાસ્ત્રના નિયમો હેઠળ લખાતી, અને એમા લય, તાલ અને રસ (ભાવ) હતા. એ કવિતા આજની કવિતાથી અનોખી હતી.

ઉદાહરણ તરીકે મહાકવિ જયદેવની આ પંક્તિઓઃ

“લલિત લવંગ લતા પરીશિલન કોમલ મલય સમીરે,

 મધુકર   નીકર  કરંબિત,  કોકિલ  કુજિત  કુંજ  કુટીરે. “

છે ને આમા લ નો લય અને ર નો રણકાર?

તો ચાલો દલપતરામથી શરૂઆત કરીએ.

“જાણીતો ન હતો પંથ, જોઈને જાણીતો થયો,

જાણીતા  થઈ   ને કીધા  જાણીતા તમામ  ને.

મોટું  એણે  કીધું   કામ, મોટાદેશે  મોટું  માન,

મોટા   મોટા  મહીપતિ   મહિપતરામ    ને.”

ઉપરની પંક્તિઓમા લય અને તાલ બન્ને છે.

ત્યારના સમયને સાહિત્યકારો દલપત-નર્મદ યુગ તરીકે ઓળખાવે છે. ૫૦ વર્ષથી મોટી ઉમરના બધા ગુજરાતીઓને દલપતરામની આ કવિતાઓ તો જરૂર યાદ હશેઃ

“એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ  રાગણી  વગાડવામા વખણાણો  છે;

એકને  જ  જાચું  એવી  ટેક  છેક  રાખી,

એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે  દલપત  પછી  બોલ્યો તે કંજૂસ શેઠ,

ગાયક તું લાયક ન, તું ફોગટ ફૂલાણો છે;

પોલું છે બોલ્યું તેમા કરી તેં શી કારીગિરી,

સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.”

આમા લય, તાલ અને હાસ્યરસ ત્રણેનો સુમેળ છે.

અને

“ઊંટ કહે આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે”

આમા પણ લય અને મનોરંજન સાથે શીખ પણ છે.

અને

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

*        *           *

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

આમા લય સાથે ગંભીર વાત કરી લીધી છે.

અને

“પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી   ટકે શેર ખાજા;
બધી ચીજ વેચાર ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

*   *       *

ચેલો   બોલ્યો,  હું  ચઢું  ને  ગુરુ  કહે,  હું  આપ;
અધિપતિ કહે, ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા   શૂળી   પર  રહ્યો,  અંગે  વેઠી  આંચ.”

દલપતરામની આ બધી કવિતાઓમા એક લય છે, તમે જ્યારે એ બોલતા હો ત્યારે એ આપોઆપ આગળ વધે છે.

હવે નર્મદની કવિતાઓની વાત કરીએ.

નર્મદની આ પંક્તિઓએ આઝાદીની લડત વખતે ગુજરાતીઓમા પ્રાણ પૂરેલા.

“સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે,

યા  હોમ કરીને   પડો ફતેહ છે આગે.”

અને આ ગીત પ્રત્યક ગુજરાતીએ ક્યારેક તો ગણગણ્યું હશે.

“જય જય ગરવી ગુજરાત !

જય  જય   ગરવી ગુજરાત !

દીપે    અરુણું   પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને પ્રેમ ભક્તિની રીત,

ઊંચી  તુજ  સુંદર  જાત,

જય જય ગરવી ગુજરાત.”

અને પોતાના મૃત્યુ પહેલા આપેલો આ સંદેશઃ

“નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક,

યથા  શક્તિ  રસપાન  કરાવ્યું,  સેવા  કીધી  મનથી

*                *                  *

હતો દુખિયો  થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી,

મુવો હું,  તમે પણ મરશો,  મુક્ત થશો જગતથી.”

આ પંક્તિઓમા રહેલી પીડા વાચક પણ અનુભવતા હશે. કરૂણ રસનો આ એક ઉત્તમ નમુનો છે.

હવે આપણે ઉમાશંકર-સુંદરમના સમયમા આવીએ. આ સમયમા ખૂબ જ મોટી સંખ્યામા ગુજરાતી કવિઓ આગળ આવ્યા. કલાપી, કાન્ત, કરસનદાસ માણેક, બ.ક.ઠાકોર(બકઠા), નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા(નભોદી), સુંદરજી બેટાઈ, ઝવેરચંદ મેધાણી, ચં. ચી. મહેતા, મનસુખલાલ ઝવેરી, રામનારાયણ પાઠક, ઈન્દુલાલ ગાંધી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ખબરદાર, અને બીજા અનેક કવિઓ આગળ આવ્યા.

ઉમાશંકરની કવિતાઓ અનેક વિષયોને આવરી લે છે.

“અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું

  કે  ગીત  અમે  ગોત્યું  ગોત્યું ને ક્યાંય ના જડ્યું.”

આ કવિતાની એક એક પંક્તિમા લય છે, કોમળતા છે. એ ગીત એમને ક્યાંથી મળ્યું?

“ઉરે આંસુ પછવાડે હીચંતુ, ને સપના સિચંતું…..”

ગુજરાતી માધ્યમમા ભણેલામાંથી ભાગ્યેજ કોઈ વ્યક્તિ હશે જેણે આ કવિતા ન સાંભળી હોયઃ

“ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,

જંગલની  કુંજ   કુંજ   જોવી   હતી;

જોવીતી  કોતરો  ને  જોવીતી કંદરા,

રોતા  ઝરણાની  આંખ  લોવી હતી….”

આમા લય, તાલ, ભાવ શું નથી?

“શરદ શી સુહે ! વાદળાં ગયાં

જળ નદી તણાં નીતરાં  થયાં,

ગગનથી સુધા ચંદ્રની   ઝરી,

રસભરી  રમે  રાસ  ગુરજરી.

*      *        *

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?

કરે  ઈશારા  શી  ઝબક  ઝબકી  વીજ  રમણા!

પડ્યાં પાણી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી,

હસે  વર્ષા, શોભા શુભ નભ  વિશે  મેઘધનુની.”

આનાથી અદભુત રૂતુઓનું વર્ણન કોઈ કરી શકે?

ઉમાશંકર જોષીની વાત વિસ્તારથી કરવી હોય તો તેના માટે એક અલગ લેખ લખવો પડે, એટલે હવે હું સુન્દરમની વાત કરૂં.

“પુષ્પ  તણી પાંદડીએ  બેસી કરતું  કોણ ચિરંતન હાસ?

પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?

કોણ  બદલતું  સંધ્યાકાશે પલપલ  નવલાં  સુંદર ચીર?

કોણ ઊછળતી  મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?”

 અહીં સુન્દરમ એક મહત્વનો પશ્ન, કોણ,  કેટલી કોમળતાથી પુછે છે?

હવે જૂઓ,

“હાં રે અમે ગ્યાતાં

હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,

અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં.

*        *                 *

હાં રે અમે પોઢ્યાં,

છલકતી છોળે, દરિયાને હિંડોળે,

ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.”

આ પંક્તિઓમા કલ્પના અને ઉલ્લાસ ભારો ભાર ભરેલા છે અને તે પણ લયભંગ વગર.

અને જુવો સુન્દરમનુ રૂદ્ર-કોમળ રૂપ; એમનુ આ ખુબ જ જાણીતું સોનેટ, જે  મને ખૂબ જ ગમે છે.

“ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !

ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !

અનંત થર માનવી હ્રદય–ચિત્ત–કાર્યે ચઢ્યા

જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં

પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો

ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે

પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં

લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ

ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી

બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી

તોડી ફોડી પુરાણું, તાવી તાવી તૂટેલું

ટીપી ટીપી બધું  તે, અવલનવલ  ત્યાં અર્પવા ઘાટ એને.”

સુંદરમની પણ પૂરી વાત આવા લેખમા ન થઈ શકે. હવે આપણે બીજા થોડા કવિઓની વાત કરીએ.

કલાપીના લય અને તાલને કોણ પડકારી શકે?

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

પાપી એમા ડુબકી દઈને પુણ્યશાળી બને છે.”

“માશૂકોના    ગાલની    લાલી    મહીં    લાલી    અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની”

“રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે જ આવે

લગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.”

“અરર બાલુડાં, બાપલા અહો; જનની આ હવે સ્વર્ગમા જશે,

સમજશો  નહિ  શું  થઈ  ગયું, રમકડું  કયું   હાથથી  ગયું;

વીસરી શેં જશે આ છાતી બાપડી, ઉપર ને તમે કુદતાં સદા,

વીસરી  ના શકે બાલ માતને, રમત તો  હવે  રોઈ ને કરો.”

(છે આનાથી કોઈ વિષેશ કરૂણ રસની કવિતા?)

કલાપી પછી આપણે બીજા કવિઓની રચનાઓની ટુંકાણમા વાત કરીએ. કાન્તની સાગર અને શશીની આ પંક્તિઓ જુવોઃ

“જલધિજલદલ ઉપર દામિની દમકતી,

યામિની   વ્યોમસર   માંહી    સરતી;

કામિની   કોકિલા   કેલિ   કૂજન  કરે,

સાગરે    ભાસતી     ભવ્ય    ભરતી.”

શબ્દો કેવા સરળતાથી સરકે છે? ક્યાંયે જોર જબરજસ્તી દેખાતી નથી.

કરસનદાસ માણેકની આ પંક્તિઓ જુવોઃ

“પચરંગી ઓચ્છવ ઊછળ્યોતો અન્નકૂટની વેળા;

ચાંદીની ચાખડીઓ પહેરી ભક્ત થયાતા ભેળા!

શંખ ઘોરતા,  ઘંટ ગુંજતા, ઝલરું ઝણઝણતી,

શતશગ કંચન આરતી હરિવર સંમુખ નર્તન્તી;

દરિદ્ર દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,

દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાર ટળવળતા,

તે દિન આંસુભીના રે, હરિના લોચનિયા મેં દીઠાં.”

ક્યાંયે લય, તાલ કે ભાવમા ઉણપ દેખાય છે?

અને એજ વિષય પર એમની આ બીજી કવિતાઃ

ડુંગર ટોચે  દેવ બિરાજે, ખીણમાં  ખદબદ  માનવકીટ,

પરસેવે લદબદ  ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ,

જય જગન્નાથ, જય જગન્નાથ !

અવિનાશીને  અન્નકોટના  આવે  નિત અમૃત ઓડકાર,

ખીણમાં  કણકણ  કાજે મરતાં  માનવજન્તુ રોજ હજાર,

જય જગન્નાથ, જય જગન્નાથ !

પ્રભુને નિત જરકશીના જામા, પલક પલક પલટાયે ચીર,

ખીણના ખેડું  આબરૂ-ઢાંકણ  આયુભર પામે  એક  લીર,

જય જગન્નાથ, જય જગન્નાથ !

ખીણના  ખાતર ખેડું  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય,

ડુંગર  દેવા  જમી પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય,

જય જગન્નાથ, જય જગન્નાથ !

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી,

જગન્નાથ   સૌને   દેનારો   એ માન્યતા  આજ ફળી,

જય જગન્નાથ, જય જગન્નાથ !

જગન્નાથનો  જય  પોકારો  કીડીને  કણ પણ મળી રહેશે,

ડુંગરનો  હાથી  તો  હારો  દયો  નવ  દયો  પણ લઈ લેશે,

જય જગન્નાથ, જય જગન્નાથ !”

આપણે પણ જગન્નાથનો જય પોકારી અને હવે લોકકવિ ઝવેરચંદ મેઘાણીની કેટલીક પક્તિઓ જોઈએઃ

“ઘડો  હો બાળક  કેરાં ઘોડિયાં  હો જી,

ઘડો રે વિયાતલનારના ઢોકિયાં હો જી;

ભાઈ  મારા, ગાળીને  તોપગોળા,

ઘડો  સૂઈ-મોચીના  સંચ  બો’ળા,

ઘડો રાંક રેંટુડાની આરો,

ઘડો દેવ તંબુરાના તારો,

હે એરણ બેની !

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી.”

અને આ જુવોઃ

“જા  બાપ  માતા  આખલાને  નાથવાને,

જા   વિશ્વહત્યા   ઉપર  જળ   છાંટવાને,

જા  સાત  સાગર  પાર  સેતુ  બાંધવાને,

ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ,

વિકરાળ  કેસરિયાળને  પંપાળતો  બાપુ,

ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ,

છેલ્લો  કટોરો  ઝેરનો  પી  આવજે  બાપુ.”

ગાંધીજીને પણ આ કવિતા ખૂબ જ ગમેલી.

હવે કૃષ્ણલાલ શ્રીધરાણીની આ પંક્તિઓ જોઈએઃ

“ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય

ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય

ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા”

અને નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની આ પંક્તિઓઃ

“મંગલ મન્દિર ખોલો,

દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો,

દયામય ! મંગલ મન્દિર ખોલો !”

આ લેખની વધતી લંબાઈને જોઈ, બીજી કવિતાઓનો અહીં માત્ર ઉલ્લેખ જ કરું છુઃ

ઇંદુલાલ ગાંધીની “આંધળી માનો કાગળ”

સુંદરજી બેટાઈની “અલ્લાબેલી”

ચં. ચી. મહેતા ના “ઈલા કાવ્યો”

 અને છેલ્લે બોટદકરની આ પંક્તિઓઃ

“પધારો એમ કહેવાથી પધારે એ પધાર્યા ના,

નિમંત્રણ પ્રેમી ને શાના? અનાદર પ્રેમને શાનો?”

આ લેખ મારી યાદ શક્તિની સીમાઓમા રહી લખ્યો છે, એમા થોડીઘણી ભૂલો હોઈ શકે એનો હું અગાઉથી સ્વીકાર કરી લઉં છું.

3 thoughts on “કવિતામાં – ૬ (સંકલન – પી. કે. દાવડા)

 1. આ કવિઓને આજના કવિઓને મળતી સુખ-સગવડો મળી હોત તો?
  આ એકઠું કરવા પાછળના શ્રમ ને સમય માટે આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડશે.

  Like

 2. ખુબ સરસ સંકલન, દાવડાસાહેબ.
  ” કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર?
  કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર?” ‘સંધ્યાકાશે’ જરા નવો શબ્દ મળ્યો.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s