રામ તમે સીતાજીની તોલે ન આવો…(અવિનાશ વ્યાસ)


(અવિનાશ વ્યાસનું આ ગીત મને બહુ ગમે છે. એમણે પોતાના મનની વાત ખરા ખરા શબ્દોમાં રામને સંભળાવી છે એટલું જ નહીં, રામને ઠપકો પણ આપ્યો છે. અંતમાં તો આક્રોશ દર્શાવ્યો છે કે રાવણને સીતાજી એ મારી નાખેલો, તમે શાનો યશ લ્યો છો? અવિનાશ વ્યાસની રચનાઓનું કોઈ મોટા ગજાના વિવેચકે મુલ્યાંકન કરવું જોઈએ. – સંપાદક)

રામ… રામ… રામ…
દયાના સાગર થૈને, કૃપા રે નિધાન થૈને, છો ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

કાચા રે કાન તમે, ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ જેને, વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી…
પતિ થઇ પત્નીને પારખતાં ન આવડી, છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ;
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.

તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે, દશમંથાવાળો ત્યાં ન ફાવ્યો…
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ, અમથો વિજયનો લૂંટ્યો લ્હાવો;
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

-અવિનાશ વ્યાસ

4 thoughts on “રામ તમે સીતાજીની તોલે ન આવો…(અવિનાશ વ્યાસ)

 1. અવિનાશ વ્યાસની આ રચના કોઈ કરુણ કંઠથી સાંભળતાં કોના દિલ દ્રવી નહિ જતાં હોય! આ વાંચતાં આ વિષયમાં એક હાઈકુ લખાઈ ગયું!

  લોકોની વાતે
  ઘર ભાંગ્યા ઘણાના;
  ના મળી શિખ!

  ‘ચમન’/૩૦સપ્ટે’૧૯

  Liked by 1 person

 2. અવિનાશ વ્યાસ ભલે મોટા ગજાના “કવિ” કહેવાતા હોય પણ શ્રીરામ ની ટીકા કરવાની એમની કે જગતના કોઈ મનુષ્યની હેસિયત નથી. આખી કવિતામાં અવિનાશજી (એમને ‘વ્યાસ’ કહી આપણા પ્રાચીન મહાકવિનું અપમાન નહિ કરું)એ શ્રીરામનું અપમાન જ કર્યું છે. આજના આ ફિલ્મી મહાકવિ’એ રામાયણનું કયું version વાંચ્યું એ તો તેઓ જ કહી શક્યા હોત. કમનસીબે તેઓ હયાત નથી.
  શ્રીરામ અને સીતાજીનો જન્મ એક વિશેષ હેતુ થી થયો હતો. એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ અને તેમના અર્ધાંગિની સીતાજી આદર્શ સ્ત્રી સ્વરૂપે તરીકે જન્મ્યા, એક બીજાને પૂરક અને બે શરીરમાં વસતા એક આત્માની જેમ. અવિનાશજીએ તેમના જોડકણામાં તેમને એકબીજાના પ્રતિસ્પર્ધી બતાવી પોતાનું “જ્ઞાન” પ્રદર્શન કરવા જતાં તેમના અભ્યાસનું ઊંડાણ બતાવી ગયા.
  શ્રીરામની તુલના સીતાજીની સાથે?
  વાહ!
  સદીઓથી આ મહાન ચરિત્રોના નામ આ રીતે લેવાય છે :
  સીતા-રામ.
  આ શબ્દમાં સમાયું છે બન્ને વિભૂતિઓનું માહાત્મ્ય જે અવિનાશજીના ધ્યાનમાં આવ્યું નહોતું. શેરીમાં લડતા કોઈ દંપતીમાં કોણ ચડિયાતું કે ઉતરતું છે એવું આ કવિતમાં દર્શાવાયું છે એવું નથી લાગતું?

  Liked by 1 person

 3. મા કેપ્ટન નરેન્દ્ર ભાઇની વાત સાથે સંપૂર્ણ સંમત.તેઓએ મારા મનની વાત કહી
  એક બીજાને પૂરક અને બે શરીરમાં વસતા એક આત્માની જેમ. અવિનાશજીએ તેમના જોડકણામાં તેમને એકબીજાના પ્રતિસ્પર્ધી બતાવી પોતાનું “જ્ઞાન” પ્રદર્શન કરવા જતાં તેમના અભ્યાસનું ઊંડાણ બતાવી ગયા..

  મા દાવડાજીને વિનંતી કે આવા લય તાલમા બરોબર લાગતા ગીતો જો સામાન્ય જનતાની લાગની દુભવતા હોય તો ન મૂકશો

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s