અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                                (૫)

આગવું સ્થાન

સંખ્યાની દૃષ્ટિએ આપણા ભારતીયો ભલે આ દેશમાં નગણ્ય હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશ્વવિખ્યાત સંગીતકાર રવિશંકર અને ઝુબીન મહેતાની મહત્તાથી લાખો અમેરિકનો સુપરિચિત છે.  નોબેલ પ્રાઈઝ-વિજેતા હરગોવિંદ ખુરાના (1968) અને સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ચંદ્રશેખર (1983) જેવા વિશ્વવિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ અમેરિકામાં વસીને અત્યારે મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે. એકાઉન્ટીંગથી માંડીને  જુઓલોજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અગત્યનું કામ કરી રહ્યા છે અને એમાંના ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચુકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે.[1] કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે.  અમેરિકામાં ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે કે એમાં ઓછામાં ઓછો એક ભારતીય ડોક્ટર ન હોય, કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રોફેસર ન હોય.  અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ.

અમેરિકાના વિશાળ રસ્તાઓને કાંઠે બંધાયેલી નાની લોજ-હોટેલોમાંથી ત્રીજા ભાગની તો આપણા વાણિજયકુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે.  કુશળ એન્જિનિયરોએ પોતાની જ નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે.  ટીવી, રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, મીઠાઈ, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઈન્સ્યુરન્સ, જમીન વગેરેના નાનાંમોટાં ધંધાઓમાં આપણા ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે.  આમ સ્પેઈસ શટલ અને સોલર એનર્જીથી માંડીને ધોબી, દરજી સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતીયો યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે.

                                          (૬)

પ્રથમ પેઢીમાં જ સંપન્ન

કુશળ પ્રોફેશનલ તરીકેની છાપ, અંગ્રેજી ભાષા ઉપરનું ભારતીયોનું પ્રભુત્વ, અમેરિકાનું અત્યંત ઔદ્યોગિક અર્થકારણ અને ઝાઝી સૂગ વગર અજાણ્યા માણસોને અપનાવવાની આ દેશની ઐતિહાસિક ઉદારતા–આ બધા સુભગ સંયોગોને કારણે આપણા ભારતીયો આવતાંની સાથે જ સારા સારા નોકરીધંધામાં ગોઠવાઈ ગયા અને પોતાના કૌશલ્ય અને ખંતથી ખૂબ આગળ આવ્યાં. અહીં વસતો સામાન્ય ભારતીય સામાન્ય અમેરિકન કરતાં વધુ કમાય છે, અને વધુ સારી રીતે અને ઊંચા જીવનધોરણ પર રહી શકે છે. આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી પણ શક્ય એ એક  અસાધારણ ઘટના છે.

આ દેશમાં દુનિયાના ખૂણેખૂણેથી અનેક પ્રજા આવીને વસી છે.  મોટા ભાગના લોકો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે પણ આફ્રિકાથી હબસીઓને ગુલામ તરીકે બળજબરીથી લવાયા હતા.  બધી ઈમિગ્રન્ટ પ્રજાએ અહીં આવીને ઘણી મુસીબતો વેઠી છે.  અને પેઢીઓ સુધી કેડતોડ મજૂરી કરીને ઈમિગ્રન્ટ લોકો ધીમે ધીમે અને માંડ માંડ ઊંચા આવે એવો અહીંનો ઇતિહાસ સદીઓથી આવેલી હબસી પ્રજા અને દાયકાઓથી આવેલી મેક્સિકન ક્ષણે બીજી હિસ્પાનિક (સ્પેનિશ) પ્રજા હજી પણ ગરીબીમાં જીવે છે.  આ સરખામણીએ આપણા ભારતીયો આવતાંવેત જ પ્રથમ પેઢીએ જ સંપન્ન બન્યા.  આનું મુખ્ય કારણ તે તેમનું અંગ્રેજીભાષી વ્યવસાયી ભણતર.

[1]  આ લખાયા પછી અમેરિકામાં વસતા બીજા બે ભારતીયોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે: અર્થશાસ્ત્રી અમૃત્ય સેન (1998) અને રસાયણશાસ્ત્રી વી. રામક્રિશ્નન (2009).

1 thought on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s