ચારણી સાહિત્ય – ૩ (ડો. અંબાદાન રોહડિયા)


(૩) મરસિયાં

લોકસાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એક મહત્વનું સ્વરૂપ છે લોકગીત. લોકગીતનો ઉદભવ ક્યારે થયો એ અંગે પ્રમાણભૂત વિગતો મળતી નથી, પરંતુ અરણ્યવાસી માનવોમાં જ્યારે ભાવનાઓનાં અંકુરો ફૂટ્યાં હશે, બુધ્ધિ વિકસી હશે અને પ્રકૃતિની વિવિધ લીલાની અનુભૂતિ અને અભિવ્યક્તિ શક્ય બની હશે ત્યારે સૌપ્રાથમ લોકગીત ઉદભવ્યું હશે. ઝવેરચંદ મેઘાણી ‘રઢીયાળી રાત’ માં નોંધે છે કે, ‘જેના રચનારાંએ કદી કાગળ અને લેખણ પકડ્યાં નહીં હોય, એ રચનારાં કોણ તેની કોઈને ખબર નહીં હોય અને પ્રેમાનંદ કે નરસિંહ મહેતાની પૂર્વ કેટલો કાળ વીંધીને સ્વરો ચાલ્યા આવે છે તેનીય કોઈ ભાળ નહીં લઈ શક્યું હોય એનું નામ લોકગીત. ધરતીના કોઈ અગમ્ય અંધારાં પડોમાંથી વહ્યાં આવતાં ઝરણાંનું મૂળ જેમ કદાપિ શોધી શકાતું નથી, તેમ આ લોકગીતોનાં ઉત્પત્તિસ્થાન પણ અણશોધ્યાં જ રહ્યાં છે.’

આદિકાળથી માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલાં લોકગીતના વિવિધ પ્રકારો છે. લોકસાહિત્યવિદોએ એ સંદર્ભે ભિન્ન ભિન્ન મંતવ્યો આપ્યાં છે, તેમાં વૈવિધ્ય છે, પરંતુ મુખ્યત્વે લોકગીતોનું સ્વરૂપગત વર્ગીકરણ કરી તેના દસ પ્રકારો ગણાવ્યા છે; જેમાં (૧) હાલરડા – બાળગીતો (૨) ગોરમાનાં ગીતો (૩) લગ્નગીતો અને ખાયણાં (૪) રાંદલના ગીતો (૫) તુલસીવિવાહનાં ગીતો (૬) ઉત્સવ – મેળાનાં ગીતો (૭) રાસ અને રાસડ (૮) ગરબા અને ગરબીઓ (૯) મરસિયા અને (૧૦) સંતવાણિ. આ દસ પ્રકારમાંથી અહીં મરસિયા વિશે થોડી વાત કરવી છે.

મરસિયો એટલે મરેલા પાછળ ગવાતું પ્રશસ્તિગીત, રાજિયો – પરજિયો. ગુજરાતી વિશ્વકોશમાં મરસિયા વિશે કહ્યું છે કે, ‘કાવ્યનો એક પ્રકાર, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યકત કરવામાં આવે છે. તે સાથે તેના ગુણ વર્ણવામાં આવે છે. કોઈ આપત્તિ કે દુખદ ઘટના વિશે લખાયેલા શોકગીતને પણ મરસિયા કહેવામાં આવે છે. અરબીમાં તેનો અર્થ રૂદન થાય છે.

મરસિયામાં વિષય વૈવિધ્યઃ

(૧) વીરોની પ્રશસ્તિ રૂપે મરસિયા

(૨) માતાએ પુત માટે ગાયેલા મરસિયા

(૩) જીવનસાથીની વસમી વિદાયના મરસિયા

(૪) પ્રિયતમ – પ્રિયતમાના મરસિયા

(૫) રાજવીઓના મરસિયા

(૬) ભાઈ – બહેનના મરસિયા

(૭) મિત્ર વિષયક મરસિયા

(૮) સદગુણી – રાષ્ટ્રનેતાના મરસિયા

(૯) માતા માટે દિકરીએ ગાયેલા મરસિયા

(૧૦) સંતોની ઉમાવો રચનાઓ

હવે આપણે આમાંથી થોડા પ્રકારના મરસિયાના ઉદાહરણો જોઈએઃ

વીરોની પ્રસસ્તિઃ

‘સોલંકી સોના તણો, કુંડળ ઝડકે કાહ;

 રમતો દીઠો રાણ, વઈર સચંગો વાછરો…૧

પોપટને પારેવા તણી, રાણા રમત્યું મેલ;

 ધર ખાંડાનો ખેલ, વીર સચંગો વાછરો…૨

ઘણ આવ્યું ધડેસર, ખાંડું આવ્યું ખાખરે;

દીદ્જડોએ દીવા બળે, વેગડ ના’વી વાછરા..૩

પત્ની વિયોગે ઝૂરતો ચારણઃ

‘હતું ઈ હારી બેઠો, ખજાનો બેઠો ખોય,

 કામણગારું કોય, પાધર તમાણું પોરહા…૧

અમે આવી ઉતારો કર્યો, જબ્બર વસીલો જાય,

(પણ) કામણગારું કોય, પાધર તમાણું પોરહા..૨

વાછરડું વાળા, ભાંબરતું ભળાય;

(પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો પોરહા..૩

પ્રિયતમ – પ્રિયતમાના મરસિયાઃ

‘જાતાં જોયો જુવાન, વળતાં ભાળું પાળિયો;

ઉતરાવું આરસપાણ, ખાંતે કંડારું ખીમરો…૧

મારગ કાંથે મસાણ, ઓળખ્યા નૈ આયર તણાં;

પોઢેલ અમણો પ્રાણ, રાવલિયો રિસાવી ગયો…૨

ખંભાતથી હાલી ખીમરા, ના’વા ગોમતી ગઈ;

અધૂરા લખ્યા’તા આંકડા, રાવલ અધવચ ગઈ…૩

ધરમના ભાઈ – બહેનના મરસિયાઃ

‘તું વણકર ને અમે વણાર, નાતે પણ નેડો નહીં;

 (પણ) ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા.’

અને અંતમાં મા માટે ગવાયલા મરસિયામાં દુલા ભાયા કાગની આ બે પંક્તિઓઃ

‘મોઢે બોલું મા, ત્યાં સાચે જ નાનપ સાંભરે;

(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે કાગડા.’

(મરસિયાની સંખ્યા એટલી મોટી છે કે એક આખું પુસ્તક ભરાય. અહીં માત્ર એનો અછડતો પરિચય આપ્યો છે.)

1 thought on “ચારણી સાહિત્ય – ૩ (ડો. અંબાદાન રોહડિયા)

 1. સદા યાદ રહી ગયેલી મરશિયાની મોજ
  નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ!
  કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઇને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઈલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય.
  “નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.”
  નાગાજણને વિચાર ઊપડ્યો: ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?”
  “હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા: “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”
  ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુ:ખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી:
  ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,
  નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.
  [હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]
  ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,
  રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
  [હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]
  સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,
  ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
  [સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]
  ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,
  નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!
  શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ,
  (એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.
  [હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]
  સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,
  હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
  [હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]
  મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,
  ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
  [હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]
  ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,
  આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
  [હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?]
  આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.
  “લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઈ ગયાં.”
  ચારણી ચોંકી. આ શું! મડું મસાણેથી પાછું આવ્યું?
  “ચારણ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત?”
  “માનવી. રૂંવાડુંયે ફર્યું નથી.’
  “ચારણ, એરુ નથી આભડ્યો?”
  “ના, એ તો મરશિયા માણવાની મોજ.”
  “માણી લીધી?”
  “પેટ ભરી ભરીને.”
  ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યું: “કેમ આમ?’
  “ચાલ્યો જા, ગઢવી! તુંને મૂવો વાંછ્યો. તારું નામ દઈને હું તુંને રોઈ. હવે તું મારે મન મડું જ છો. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.”
  “આ શું, ચારણી?”
  “ચારણીની ઠેકડી!”
  લોકવાણી ભાખે છે કે એ અબોલા અને અજોણાં જીવતરભર ટક્યાં હતાં.ક – ઝવેરચંદ મેઘાણી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s