ગીતા (મારી સમજ) –૪ (પી. કે. દાવડા)


કર્મ યોગ

ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મની પુરેપુરી સમજ આપવામાં આવી છે. કર્મ કયું કરવું, કેવી રીતે કરવું, કર્મ અને ફળનો સંબંધ, કર્મ અને જ્ઞાન આ બે માંથી કયું ચડિયાતું, વગેરે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે.

મોટા ભાગના માણસો માને છે કે ગીતામાં ખૂબ ગૂઢ રહસ્યો છૂપાયલા છે. ગીતા સમજવી બહુ અઘરી છે, ગીતા સમજવી એ સામાન્ય માણસનું કામ નથી. આ ડરને લીધે મેં જીવનના ૮૦ વર્ષ ગીતા સમજવા પ્રયત્ન જ ન કર્યો. ગીતાનો સૌથી  જાણીતો શ્ર્લોક, બીજા અધ્યાયનો ૪૭ મોશ્ર્લોક છે. “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેશુ કદાચ ન.” આ શ્ર્લોક મેં સાંભળ્યો, ત્યારથી મારા મનમાં એક જાતની ગીતા વિરોધી ગ્રંથી બંધાઈ ગઈ. આતે કેવું, કામ કરવાનો અધિકાર તારો છે પણ ફળ મેળવવાનો અધિકાર તારો ક્યારે પણ નથી. આ મારી ગેરસમજ હતી. હકીકતમાં ગીતા કહે છે, કર્મ કરવું એ તારા હાથની વાત છે, પણ દરેક વખતે એનું સારૂં જ પરિણામ આવે એ તારા હાથની વાત નથી. આ હકીકત છે, અને જીવનમાં મળતી નિષ્ફળતાઓ આનો પૂરાવો છે.

એક વાત સ્પષ્ટ છે કે મનુષ્ય માટે કર્મ અનિવાર્ય છે. એ કર્મ કરવા બંધાયલો છે. ગીતા એમાં સહમત છે. ગીતા કહે છે કે તમે કર્મ કરવા ભલે બંધાયલા હો, પણ કર્મમાં ન બંધાઈ જાવ. ગીતા એ પણ કહે છે કે કર્મને પણ ગુણોના ત્રાજવે તોલો. રોજી રોટી માટે કામ કરવું પડે એમાં કંઈ ખોટું નથી, પણ તમારા કામથી જો સમાજને કે સમાજની કોઈ વ્યક્તિને નુકશાન થવાનું હોય તો એવા તામસિ કર્મને ત્યાગો. કર્મ ઈન્દ્રીયોથી થાય છે, અને ઈન્દ્રીયોનો રાગ અને દ્વેશ સાથે નીકટનો સંબંધ છે. રાગ અને દ્વેશથી મુકત થઈને કરેલું કર્મ તામસિક હોઈ જ ન શકે.

અહીં સારા કર્મને એક યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યો છે. પરમાત્મા પોતે કહે છે કે હું પણ સતત કર્મ કરવામાં જ રોકાયલો છું, હું જો કર્મ ન કરૂં તો આ બ્રહ્માંડનો વહિવટ ભાંગી પડે.

ગીતામાં કર્મ અને ફળનો સંબંધ પણ સમજાવેલો છે. દરેક સારા કે ખરાબ કામનું ફળ મળશે જ, ભલે તમે ફળની આશા રાખો કે ન રાખો. જેવું કર્મ તમે કરશો, તેવું ફળ મળશે. તમે ખરાબ કામ કરો તો સારા ફળની આશા ન રાખવાનું ગીતા કહે છે. ફળ આપવાનો અધિકાર પરમાત્માએ એટલા માટે જ પોતાની પાસે રાખ્યો છે.

એક અગત્યની વાત એ પણ કહી છે કે તમે તામસિક કર્મથી એટલા માટે દૂર રહો છો કારણ કે તમારા મનમાં પકડાઈ જવાનો કે શિક્ષા થવાનો ડર છે. આ વાતને તમે કર્મત્યાગ ન કહી શકો. તમારું મન તો એમાં છે, પણ બીકના માર્યા શરીરથી એ કર્મ કરતા નથી. આવી ઘણી સૂક્ષ્મ વાતો ગીતામાં અનેક વાર કહેવામાં આવી છે.

અધ્યાયની શરૂઆતમાં જ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્ઞાન અને કર્મ, આ બેમાંથી ચડિયાતું શું? આજના સમયમાં માણસને સારૂં જીવન જીવવા આ બન્ને જરૂરી છે, બેમાંથી એક હોય તો માત્ર આંશિક સફળતા જ મળે છે. તો શા માટે આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? હું એવું સમજ્યો છું કે આ પ્રશ્નના જવાબ આપણને જ્ઞાન અને કર્મના સાચા અર્થ સમજાવે છે, અને અંતમાં આપણને જ એ નિર્ણય ઉપર આવવામાં મદદ કરે છે, કે બન્ને જરૂરી છે, અને બન્ને એકબીજાના પૂરક છે.

તમે જો તમારા જ્ઞાનનો ઉપયોગ કરી, એક ખરાબ કામ કરવાથી દૂર રહો તો તમે નિષ્કર્મ રહ્યા, તમે કંઈ કામ કર્યું નહિં, પણ ગીતા કહે છે કે તમે દૂર રહીને ખરાબ કામ ન કર્યું. એટલે કે તમે કંઈ કામ ન કર્યું, એ પણ તમારા કર્મમાં ગણાયું. આમ ત્રીજા અધ્યાયમાં તમને કર્મનો સાચો અર્થ શીખવા મળે છે. યાદ રાખો, તમારા કર્મના ત્રણ પ્રકાર છે, સાત્વિક, રાજસી, અને તામસી. માત્ર કર્મ કરવું એટલું જ પુરતું નથી. કેવું કર્મ કરવું એ વિચારવું જરૂરી છે, અને એ વિચારવા જ્ઞાન જરૂરી છે. પુરતા જ્ઞાનની મદદથી તમે સામાન્ય કર્મ અને કર્મયોગ વચ્ચેનો તફાવત જાણી શકો.

તમે કોઈપણ જાતના બદલાની આશા વગર એક સતકાર્યમાં લાગ્યા પડ્યા હો તો તમે કર્મયોગી છો. આપણા સામાન્ય કર્મ એક નિશ્ચિત વળતર માટે કરેલા હોય છે. નોકરી કરીએ તો એનું એક મુકરર થયેલું વળતર મળે છે. તમને જો શેઠ પગાર ન આપે તો તમે કામ નહિં કરો. આ એક સામાન્ય કર્મ છે. હવે બીજા માણસને ખબર નથી કે શેઠ પગાર આપશે કે નહિં, અને આપસે તો કેટલો આપસે; છતાં એ આખો મહિનો ઈમાનદારીથી કામ કર્યા કરે છે, તો એ આંશિકરૂપે કર્મયોગી છે. છતાં મહિનાને અંતે પગાર ન મળે તો એ કામ કરવાનું બંધ કરી દેશે. ગીતા એક એવા કર્મયોગની વાત કરે છે કે જેમાં માણસ કોઈપણ પ્રકારના ફળની આશા વગર, કોઈપણ જાતની આશક્તિ વગર, કર્મ કરે જ રાખે છે, અને ગીતા એને કર્મયોગી કહે છે. આવા કર્મયોગીને સમજવા જેટલી મારી બુધ્ધિ હજી વિકસિત નથી થઈ.

આ અધ્યાયમાં ગીતા કહે છે, જે મનુષ્ય માત્ર ફળની આશા રાખી કર્મ કરે છે એને નિષ્ફળતા મળવાનો સંભવ છે. આ વાતના સમર્થનમાં એક ઉદાહરણ આપવામાં આવે છે. એક ખેડૂત સારા પાકની આશામાં ખેતર ખેડે છે અને અન્ન વાવે છે. એણે આશા રાખી કર્મ કર્યું. દુકાળનું વરસ નીકળ્યું, વરસાદ ન આવ્યો, અન્ન ન પાક્યું, એને ફળ ન મળ્યું. આ ઉદાહરણને હું સંપુર્ણપણે યથાર્થ નથી માનતો. એણે ફળની આશા રાખી એટલે દુકાળ પડ્યો એમ ન કહી શકાય. હા, આ દાખલાથી ગીતાનો એક ઉપદેશ પુરવાર થાય કે કર્મ કરવું આપણાં હાથની વાત છે, પણ ફળ મળશે જ એવો પાકો બંદોબસ્ત કરવો એ આપણાં હાથની વાત નથી.

કર્મમાં જ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. સાત્વિક કર્મથી જે ફળ મળે છે એ જીવનમાં શાંતિ અને સંતોષ આપે છે, કારણ કે એમાં ભયનું તત્વ નથી. તામસી કર્મથી તમે ઈચ્છેલું ફળ કદાચ મળી પણ જાય, પણ તમે ખુલ્લા પડી જવાના ભય હેઠળ જીવો છો. તમે વાપરેલી રીતથી જ અન્ય કોઈ તમારૂં ફળ ઝુંટવી લેશે, એવી આશંકાથી પીડાવ છો. ઉચ્ચ કક્ષાએ જ્ઞાન અને કર્મનો આ સમન્વય છે. બાકી તો રોજીંદા જીવનમાં તમે ડોકટર છો, એંજીનીઅર છો કે આવી કોઈ પ્રવૃતિનું તમને જ્ઞાન છો તો તમને તમારૂં કર્મ કરવામાં જ્ઞાનની તમને જરૂરી મદદ મળી રહી છે. આ જ્ઞાન વગર તમે આ કર્મ ન કરી શકત.

હું માનું છું કે કર્મ વગર માણસ રહી જ ન શકે. તમે અનેક વિષયોનું જ્ઞાન પાપ્ત કરી લો, પછી જો કોઈ તમને કહે કે હવે તમારે કંઈ કરવાનું નથી, તમે ચૂપચાપ બેસી રહો. શું આ તમારા માટે શક્ય છે?

એટલે જ્ઞાન અને કર્મ, બેમાંથી એકની પસંદગી શક્ય જ નથી, જીવનમાં બન્ને જરૂરી છે.

2 thoughts on “ગીતા (મારી સમજ) –૪ (પી. કે. દાવડા)

 1. મા દા’વડાજીની નિખાલસ વાત-”“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેશુ કદાચ ન.” આ શ્ર્લોક મેં સાંભળ્યો, ત્યારથી મારા મનમાં એક જાતની ગીતા વિરોધી ગ્રંથી બંધાઈ ગઈ’ આવી જ ગૅરસમજમા એક વિદ્વાને ફળો કલિંગર ,સંતરા ,દ્રાક્ષ અનાનસ,કેરી,.સ્ટોબેરી લીંબુ ,પીચ,ચેરી ,કેળા ,આંબળા વ, બંધ કર્યા!
  …………………………
  श्रेयो हि ज्ञानमभ्यासाज्-
  ज्ञानाद्ध्यानं विशिष्यते ।
  ध्यानात्कर्मफलत्यागस्-
  त्यागाच्छान्तिरनन्तरम् ॥
  સમ્યકદર્શન, સમ્યકચરિત્રના સમન્વયથી મોક્ષની પ્રાપ્તી થાય
  कृष्णों जानाति वै सम्यक कि ञ्चत्कुन्ती सुतः फलम्

  Liked by 1 person

 2. “એટલે જ્ઞાન અને કર્મ, બેમાંથી એકની પસંદગી શક્ય જ નથી, જીવનમાં બન્ને જરૂરી છે.”
  very nicely explained karma and gyan and both are complementry– and 3 type of karma…
  Gita made easy – thx Davda Saheb.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s