ભાવિન અધ્યારૂની કટાર – ૪


એકલતાનો ઓચ્છવ!

ज़रा बस ख़फा था

वो भटका सा राही

मेरे गाँव का ही

वॉ रस्ता पुराना जिसे याद आना

ज़रूरी था लेकिन जो रोया मेरे बिन

वो एक मेरा घर था पुराना सा डर था

मगर अब ना मैं अपने घर का रहा

सफ़र का ही था मैं सफर का रहा… – इर्शाद क़ामिल

દુનિયામાં 3 એમએલ હેર ઓઇલ પાઉચ, 20 ગ્રામ ટુથપેસ્ટ, 30 ગ્રામ શેવિંગ ક્રિમ અને ત્રણ સેનિટરી પેડનાં નાનકડા પેક્સ લાવવાની જરૂરત કેમ પડી? તમને ખબર છે દુનિયામાં કેટલાય પુરુષો માટે ટ્રાવેલિંગ વખતે સૌથી અઘરી વસ્તુ કઈ છે? પેકિંગ કરવું! પેકિંગ કરવું એ એક કળા છે, જેમ વિદ્યાર્થી કાળમાં જે લોકો એકલા હોસ્ટેલમાં રહ્યા હોય એ વધુ ઘડાયેલા હોય, જેને કપડાં વાસણ સાફ કરતા આવડતું હોય એ ક્યાંય પાછળ ન પડે, એવી જ રીતે જે વ્યક્તિ એકલી ફરેલી હોય, રખડેલી હોય એને પેકિંગ કળામાં પારંગતતા હાસિલ હોય છે! બાકી પછી કપડાં ઈસ્ત્રી કરવા થી માંડીને ટુથ બ્રશ અને શેવિંગ કિટ પેક કરવા અને કપડા ગોઠવવા સુધી દરેક વસ્તુમાં પત્નીની મદદ લેવી પડતી હોય છે! 

સોલો ટ્રાવેલિંગ એટલે કે એકલા ફરવું એ એક કળા છે, જે હિંમત અને કૌશલ્ય માંગી લે છે! સાધુ તો ચલતા ભલા ની માફક રખડવા નીકળી પડીએ એવું બોલવું સહેલું છે, પણ ઘરની બહાર નીકળતા જ જેને રસ્તાઓ શોધવામાં ગુગલ મેપ્સની જરૂર પડતી હોય એ લોકોને બહુ તકલીફ પડતી હોય છે. વિદેશીઓ આ બાબતમાં ખુબ આગળ પડતા છે, અને એટલે જ દેશ દુનિયામાં કોઈ પણ જગ્યા એ ફરવા જાય ત્યારે એક ‘રકસેક (Rucksack)’ કહેવાતી બેગ લઈને એકલા જ નીકળી પડે છે! સોમનાથ મંદિર હોય કે હેવલોક આઈલૅન્ડનો રાધાનગર બિચ, તમને ફ્રાન્સ-સ્પેન-ઇઝરાયેલ અને યુકે-યુએસનાં ચાલીસ થી એંસી વર્ષ સુધીનાં સોલો ટ્રાવેલર ભટકાઈ જાય એવી પુરી શક્યતા છે!

ભારતની વાત કરીએ તો સોલો ટ્રાવેલિંગ માટે ઉત્તરાખંડનું ઔલી, ગોવામાં અરમ્બોલ બીચ, ઉદયપુર, હિમાચલનું કસોલ, સિક્કિમમાં લાચુંગ, કેરાલાનું ઍલેપ્પી, રાજસ્થાનનું પુષ્કર, તામિલનાડુનું કોડાઇકેનાલ, કર્ણાટકનું કુર્ગ અને હમ્પી, રામેશ્વર થી આગળ આવેલું ધનુષ્કોડી, આસામમાં આવેલો વિશાળ માજુલી આઈલૅન્ડ, લદાખમાં નુબ્રા વૅલી જેવા ડેસ્ટિનેશન એકદમ હોટ અને હેપનિંગ છે! તમને NDTV ગુડ ટાઈમ્સ, ટ્રાવેલ XP, ફૂડ ફૂડ જેવી ચેનલ્સ જોવી ગમે? તમને ગોવાની ફેણી (કાજુ માંથી બનતો દારૂ) કે બેબિંકા (પુડિંગ ડેઝર્ટ) સિવાય ત્યાંની બ્રેડ ‘પોઇ’ વિષે જાણવામાં રસ છે? તાજેતરમાં જ આવેલી આલાતરીન હિન્દી ફિલ્મ ‘Chef’ માં રોડ ટ્રિપ અને ફુડ ફિયેસ્ટા બંને હતી! ફરે એ ચરે!     

ક્યારેક હરિયાણા કે હિમાચલની એસટી બસની પિસાતી ભીડમાં, ક્યારેક કોંકણ રેલવેની મુસાફરીમાં કોઈ ટનલમાં, ક્યારેક શેરિંગ ટેક્સીમાં ગોવાની મંડોવી નદી પર નીકળો, ક્યારેક સિક્કિમનાં અલ્પ વિકસિત ઉબડ ખાબડ રોડ પર તમે અંધારામાં ફાંફા મારતા હોવ, પહેલગામની કડકડતી ટાઢ હોય કે કોઝી ટ્રેનમાં બેઠા ભારતની સૌથી લાંબી રેલવે ટનલમાં બનિહાલ થી કાઝીગુંડ થઈને શ્રીનગર તરફ જઈ રહ્યા હોવ! ક્યારેક એકલા જ દાલ બાટી તો ક્યારેક મોમો તો ક્યારેક અવિયલ ખાવાની જ્યાફત ઉડાવો! પત્ની કે બાળકો કે દોસ્તો ન હોય અને જાત સાથે જ વાત કરવાની હોય! સમજો કે હરતી ફરતી વિપશ્યના!

હવે તમે સેલ્ફિ લઇ લઈને કંટાળી ગયા છો! નેચરનો લુત્ફ ઉઠાવતા ચારેકોર ફોટોગ્રાફી કરી રહ્યા છો! સવારે વહેલા નીકળવામાં ન્હાવામાં થોડી વાર લાગે તો તમને કોઈ ખીજાશે નહિ! તમને આજે ઈચ્છા થઇ ગઈ કે કેસિનોમાં જઈએ કે આજે ડિસ્કોથેક જઈ કોઈ અજાણ્યા સાથે દોસ્તી કરીએ! કોઈ હમસફર મિલ જાયે, કોણ જાણે! એરપોર્ટ પર હેન્ડબેગમાં ટેગ મારતાં ન આવડે તો કોઈ પોલિસ વાળો કહી જાય, શું સાહેબ ફેમિલી કે પત્ની સાથે ટ્રાવેલ નથી કર્યું? ‘લોન્લી પ્લેનેટ’ સિરીઝની પોકેટ ગાઈડ અને મેપ લઈને તમે શોર્ટ્સમાં ભોમિયા વિના ફરી રહ્યા છો! શિમલા થી કાલકાની ટ્રેનમાં બેઠા તમે બાઈનોક્યુલરથી મોલ રોડ જોઈ રહ્યા છો! ક્યાંક સાઉથ માં ફરતા હોવ અને દૂર સુદૂર એરિયામાં થોડું ઇન્ટરનેટ આવી જાય તો મોબાઈલમાં ક્રિકેટનો સ્કોર જોઈને મનમાં જ ઇન્ડિયા માટે ચિયર કરી લો છો!

ન ફેસબુકમાં કોઈની સાથે ચર્ચામાં બાખડવાની ફિકર, ન કોઈ ચેટનાં ગ્રીન ડોટની, ન શેરબજાર કે ન કામની ડેડલાઈન! બસ તમારી મસ્તીમાં તમે ફર્યે રાખો! જાત સાથે આટલી વાત છેલ્લે ક્યારે કરેલી? બસ સ્ટેશન-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર શાંતિથી લોકોને નિહાળ્યા છે? ટ્રેન હોય કે એરપોર્ટ, તમે સતત તમારા સામાન અને પાકીટની ચિંતા કરી રહ્યા છો કે એ ચોરી ન થઇ જાય! એરપોર્ટ પર કોઈ રેસ્ટોરાંમાં ગિલ્ટી વગર પિઝ્ઝામાં આજે તો ડબલ ચીઝ નંખાવી જ લો! આજે કોઈ અલાર્મ ક્લોક નહિ, કોઈ ઇમેઇલ ચેક નથી કરવાનાં, આજે બસ દરિયાની ભીની રેતીમાં ચાલવું છે, ભીની રેતીમાં લખેલા નામને દરિયાનાં મોજામાં વહી જતું જોવું છે! છેલ્લે સૂર્યાસ્ત ક્યારે આટલો ધ્યાન થી જોયેલો?

 

હવે મન સજાગ છે, સોલો ટ્રાવેલિંગ સવારે વહેલા ઉઠતા શીખવી દે છે, જાતને વધુ જવાબદાર બનાવે છે. બાયનોક્યુલર એડજસ્ટ કરતા આવડે છે, ગુગલ 360 ડિગ્રી, પેનોરોમિક ફોટોગ્રાફી કરતા આવડી ગયું છે! પેરાગ્લાઇડિંગ, સ્કૂબા અને ક્લિફ જમ્પિંગમાં ‘નિર્વાણ’ ની ફિલિંગ આવે છે! અજાણ્યા લોકોમાં કોઈ ‘જાણીતું’ બની જાય એવું પણ બને! નંબર શેર થાય, સાથે તસ્વીર લેવાય અને દોસ્ત બની જાય, કાકા કાલેલકર હોય કે જુલ્સ વર્ન, વોયેજર બની જવાની એક મજા છે! ક્યારેક સ્ટાર ફ્રૂટ કે લિટ્ટી ચોખા વેંચતા ફેરિયા સાથે વાત થઇ જાય તો આ લોકોની રોજીરોટી અને જીવનશૈલી વિષે પણ જ્ઞાન મળે છે. ‘અચ્છે દિન’ ભલે કાગળ પર હોય પણ જાતને જે અનુભવ થાય છે એ દિવ્ય હોય છે!

હવે તો કેબ્સ આવી ગયા પછી જિંદગી સરળ બની ગઈ છે, પણ જયારે પેઈડ ટેક્સીની બોલબાલા નહોતી ત્યારે રિક્ષાવાળાઓનાં હાથે બહુ લૂંટાઈ જતા! અમદાવાદ થી ચેન્નાઇ નવજીવન એક્સપ્રેસમાં 35 કલાક બેસીને પહોંચ્યાં હોવ, માથું ભમી ગયું હોય અને લાલ માટીમાં વસતા આ દ્રવિડિયનો સાથે પાલો પડે ત્યારે કોઈ થિયરીનું જ્ઞાન કામ આવતું નથી. ટેટ્રા પેકમાં જ્યુસ પીતા પીતા, એક હાથમાં બોર્ડિંગ પાસ લઈને બીજા હાથમાં સ્ટ્રોલર બેગને તાણીને લઇ જતા ઘર સાલું બહુ યાદ આવે! છેવટે ફર્યા બાદ જાતને તો ઘરની પથારી જ યાદ આવે! રોજ્જે બહારનું ખાધા પછી ખીચડી અને છાશ યાદ આવે અને ઘરે સ્વજન સાથે રોજ રાત્રે દૂર બેઠા ફેસટાઈમ કે વ્હોટ્સએપ વિડીયો કોલ પર વાત થાય અને હોટલનો 10×12 નો પરફેક્ટલી સજાવેલો રૂમ પાંજરા જેવો લાગે!

ઘરે આવી ગયા પછી અહેસાસ થાય કે આપણે એકલા રહેતા શીખી લીધું, એ સોલો ટ્રાવેલિંગનો અનુભવ અનન્ય હતો, કોઈ કલાસરૂમ વગર જ રસ્તાઓ, ખેતરો, નદીઓ, પહાડો, ઐતિહાસિક ઇમારતો, ટ્રેન અને બસનાં ધક્કા, ફલાઇટની વિન્ડો માંથી દેખાતા રૂ ની પૂણી જેવા વાદળાઓ એ કેટલા નવા પાઠ શીખવી દીધા હતા! કાનમાં જે સતત ગુલઝાર-રેહમાન-અમિત ત્રિવેદી અને સચિન જીગરનાં ગીતો વાગી રહ્યા હતા એમાં નાનપણની યાદો, કોલેજનાં ક્રશ અને કરિયરની સ્ટ્રગલ બધું જ યાદ આવી ગયેલું! બસ, હવે મન ફરી કોઈ ડેસ્ટિનેશન પર ઉપડી જવા બેતાબ છે!!

2 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર – ૪

  1. ALL ARE IN INDIA. AS PER BHAVIN BHAI. OUT SIDE INDIA , MOST OF COUNTRY TEACH SELF SUFFICIENT FROM CHILD HOOD. IN USA 2-3 YRS CHILD TRAIN DAYCARE. LIKE, WHERE YOU THROUG YOUR GARBEG, CHILD HIM SELF THROUG IN WEST BASKET, NOT ON FLOOR. TRAINING DEFICET IN INDIA. YOU DON’T NEED WIFE HELP TO PACK YOUR BAG.

    Liked by 1 person

  2. શ્રી ભાવિન અધ્યારૂનો એકલતાનો ઓચ્છવ ઉજવની માણવાની મઝા આવી પણ તેમા અમારા જેવાની વાત નથી તે અંગે ધ્યાન દોરતા સૌ પ્રથમ અગાઉથી પ્લાનીંગ કરી પોતાની સુરક્ષા વિષે ધ્યાન રાખવાની છે તેમા અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા ધ્યાન રાખવાનું છે.બને તો પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી બને રાતની મુસાફરી ટાળવી.હોટલ બુકીંગમા વિશ્વાસનીય સાઇટ પરથી બુક કરાવી તેના લૉક અને ફૉન બરોબર કામ કરતા હોય અને હીડન કેમેરા નથી તેનું ધ્યાન રાખવું.ટુંકા કપડા પહેરવાથી લોકોના આકર્ષણનું કારણ બનાય છે જે સુરક્ષા માટે હાનીકારક છે.તમારા મોબાઇલ પર મુસાફરીનો નકશો ડાઉનલોડ કરી ટેક્ષીના રજીસ્ટ્રેશન અને ડ્રાઈવર અંગે માહિતી મેળવવાની જરુરી છે .બાકી અમારા સુ શ્રી પ્રીતિ સેનગુપ્તાના અનેક પ્રવાસ વર્ણનોમા માય જર્ની ટુ ધ મેગ્નેટિક નોર્થ પોલ, વ્હાઇટ ડેઝ વ્હાઇટ નાઇટ્સ અને જોય ઓફ ટ્રાવેલિંગ અલોન મારા માનીતા પુસ્તકો છે પણ તેમની વાત અમારા જેવા સામાન્ય ટ્રાવેલર્સ માટે નથી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s