ચારણી સાહિત્ય –૫ (ડો. અંબાદાન રોહડિયા)


(૫) પ્રકૃતિ, ઋતુઓ અને ચારણી સાહિત્ય

ભારતીય સંસ્કૃતિની પાવન વિચારધારાનું ગળથૂથીમાં પાન કરનારા ચારણો પહાડનાં બાળક છે, પ્રકૃતિને ખોળે એનો ઉછેર, લાલનપાલન અને વસવાટ છે. ધરતીપુત્ર તરીકે ખેતી કે પશુપાલન કરનારા ચારણો નગરસંસ્કૃતિનાં નહીં પણ અરણ્યસંસ્કૃતિના જ સંતાન છ. આથી એક દુહામાં કહેવાયું છે કેઃ

સિંહ સિંધર અને સુગંધ મૃગ, ચારણ અરુ સિધ્ધ;

એતા નગરાં ન નીપજે, (સૌ) પહાડમાં જ પ્રસિધ્ધ.

ચારણોએ પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર રૂપને પ્રત્યક્ષ અનુભવ્યું છે, પરંતુ એનામાં શ્રધ્ધા અને ભક્તિનો સુભગ સમન્વય થયો છે. આથી તો વીરાતાના ઉપાસક ચારણોએ સૂર્યદેવતાનું સ્તવન કારીજે યુધ્ધભૂમિમાં પોતાની લાજ રાખવાની વાત આ રીતે કરી છેઃ

સામ સામા ભડ આફળે, ભાંગે કેતા રા ભ્રમ;

ત્રણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.

વર્ષાઋતુ તો પિયુમિલનની ઋતુ છે. કાલિદાસે લખેલું “મેઘદૂત” કે મોહન રાકેશ કૃત “આષાઢકા એક દિન” યાદ અપાવે તેવો એક દુહો લોકપરંપરામાં મળે છે. વળી અષાઢી બીજ કચ્છી પ્રજાનું નવું વર્ષ પણ મિલન ઝંખનાને તીવ્ર બનાવે છે. જુવોઃ

“આભે ઘારાળા મેલ્યા, વાદળ ચમકી વીજ;

 મારા રુદાને રાણો સાંભર્યો, આવી અષાઢી બીજ.”

અષાઢનું આગમન થતાં આકાશમાં કાળાંડિબાંગ વાદળાંઓ ચડી આવે, મેઘગર્જના ધરતીના પડ ધ્રૂજાવે અને પિયુ વિયોગી વીજળી જાણે પતિ મેહુલિયાની ખબર લેવા ગિરનારના પહાડો પર ત્રાટકે, વર્ષાની ઝડી મંડાય અને એવી ૠતુમાં વિયોગીની મનોસ્થિતિ કેવી હોય? ભાવનગરના રાજકવિ પિંગળશી નરેલાએ એક “બાર માસી” કાવ્યમાં રાધાજીની વિરહાવસ્થાનં સુંદર વર્ણન કર્યું છે, જુવોઃ

“અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં જલધારં;

 દાદૂર ડકારં, મયૂર પુકારં, તડિતા તારં વિસ્તારં;

 ના કહી સંભારં, પ્યાસ અપારં, નંદકુમાર નિરખ્યારી;

 કહે રાધા પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી…”

ચારણી સાહિત્યમાં વાર્તાઓઃ

ચારણકવિઓએ દુહાબધ્ધ વાર્તાઓ લખીને પોતાની સર્જનકલાની પ્રતીતિ કરાવી છે. “હોથલ – પદમણી”ની વાર્તામાં કનરાના ડુંગરમાં હોથલ અને ઓઢો બેઠા છે, પાસે જેસલ અને જખરો બે પુત્રો રમે છે, અચાનક આભામંડલમાં રીંછડીઓ દોડવા લાગી, મેઘ ગર્જનાઓ ઘવા લાગી અને વીજળી સળાવા લેવા માંડી, મોરલાઓએ ગહેકાટ કર્યા. એ ક્ષણે ઓઢાને કચ્છ સાંભર્યું. કવિએ એની મનોસ્થિતિ માટે મોરલાના ટહુકાને નિમિત્ત બનાવ્યો, હોથળે બાણ ચડાવ્યું અને ઓઢાએ તેને સમજાવ્યું કે તું કેટલા મોરલાને મારીશ, આ તો ઋતુનો પ્રભાવ છે.

ઓઢો, હોથલ અને મયૂર એ ત્રણેના મુખમાં મૂકાયલા આ દુહાઓ પ્રકૃતિ મહિમાનું મનોહારી ચિત્ર અંકિત કર છે, જુવોઃ

“છીપર ભીંજાણી છક હુઓ, ત્રંબક હુઈ વહ્યા નેણ;

 અમથી અવલ ગોરિયા, તોકે સાંભરી શેણ…૧

મત લવ્ય મત લવ્ય મોરલા, લવ તો આધો જા;

એક તો ઓઢો અણોહરો, મથે દુજી તોં જી ધા..૨

અસા વિરિવરજા મોરલા, કાંકર ચૂન પેટ ભરાં;

અમાણી રત આયે ન બોલાં, (તો) હૈયા ફાટ મરા..૩

કરાયેલ કો ન મારીજેં, જે જાં રતા નેણ;

તડ વિઠા ટોકા કરે, નિત સંભારે શેણ…૪

વર્ષાઋતુ તો ચાર માસ ચાલે, પરંતુ પ્રકૃતિને ખોળે રહેતા લોકોને તો એ ચારે માસના વરસાદની ભિન્નતાનો પરિચય છે. આથી શ્રાવણ માસના સરવડાને કારણે વૃક્ષ પરથી ધીમે ધીમે પણ વારંવાર ટપકતાં જળ નાયિકાને મિલનોત્સુક બનાવે છે, તો બીજી તરફ તહેવારો પણ શ્રાવણ માસમાં આવતા હોવાથી નવોઢાને પિયરનું તેડું આવે છે, તે તો સ્ત્રી સહજ લજ્જાથી ના નથી પાડી શકતી, પરંતુ પતિ વિરહ સહન કરવા માટે કાળજું કઠણ કરી રજા આપે છે. અનિચ્છાએ સહેવા પડતા વિયોગની વાત કરતી સ્ત્રી પોતાની સખી સમક્ષ વેદના ઠાલવે છે કેઃ

“શ્રાવણ આયો હે સખી! ઝાડવે નીર ઝરંત;

 ઈણ રત મહિયર મોકલે, મારો કઠણ હૈયારો કંથ.”

મહિયરનાં ઝાડવાં પણ સ્ત્રીને વ્હાલાં લાગે, પણ વર્ષાઋતુમાં પતિનો વિયોગ અસહ્ય બની જાય એ વાત કેટલી મર્મસ્પર્શી બની છે, તો આકાશમાં ક્ષણાર્થે ઝબકી જતી વીજળી સ્ત્રીને વેરણ લાગે છે. પણ એ તો સ્ત્રીસહજ ઈર્ષાભાવ દાખવે, પરંતુ મેઘરાજા તો પુરૂષ છે, એણે તો અબળાની એકલતા પર દયા ખાવી જોઈએ ને? તેણે નિર્લજ બનીને મેધગર્જના કરવાને બાલે મધરો મધરો ગાજ કરવો જોઈએ. નાયિકાએ મેઘને કરેલી વિનંતિ કેવી હ્રદયસ્પર્શી છે તે જુવોઃ

“વીજળી તો વેરણ થઈ, મેહુલા તું ય ન લાજ;

 મારો ઠાકર ઘરે નહીં, મઘરો મધરો ગાજ.”

મયૂરનો ગહેકાટ તો પ્રિયજનની સ્મૃતિ જગાડનારો અને વર્ષાને વધાવનારો છે, પરંતું જેનો પતિ પરદેશ ગયો હોય તેની મનોવેદના કેવી હોય? વેરણ ચાકરીને કારણે ઝૂરતા દંપતીની વ્યથાને વાચા આપતી આ પંક્તિમાં નાયિકાની મનોવ્યથા સુપેરે પ્રગટી છે, જુવોઃ

“મોર મારે મદઈ થિયો, વહરાં કાઢે વેણ;

 જેની ગેહકે ગરવો ગાજે, સૂતાં જગાડે શેણ.”

અલબત્ત, વર્ષા જ વિયોગની વેદના પ્રગટાવે છે તેવું નથી. લોકજીવનમાં તો વર્ષા ન આવે તો પણ દુખ છે, કેમ કે માલધારીએ પોતાના પશુઓને નિભાવવા માટે સ્થળાંતર કરવું પડે છે. એ સ્થળાંતર કર્યા પછી અકાળે આવેલી વર્ષા કેવી દુખદાયી જણાય છે, એ વાત આ દુહામાં પ્રગટી છેઃ

“ખડ ખૂટ્યાં, ગોરલ વસુકિયાં, વાલા ગિયા વિદેશ;

 અવસર ચૂક્યા મેહુલિયા, વરસી કાંઉં કરેશ?”

દુષ્કાળની ભયાનકતા અને સકલ સૃષ્ટિની બેહાલીની વેદના આમજનતાને વિશેષ થાય. એવો જ એક દુષ્કાળ હજારેક વર્ષ પૂર્વે કચ્છમાં પડેલો. એ સમયની દારુણ સ્થિતિ એવી હતી કે તણખલા ઘાસ માટે ટળવળતી ગાયો ધરતી ચાટતી, મંકોડા જેવી જીવાતોને ખાતી અને સ્ત્રીઓ પોતાનાં બાળકોને ત્યજી દેવા માંડી હતી. એ સમયનો ચિતાર રજૂ કરીને કવિ, રાજવી લાખા ફૂલાણીને યુધ્ધભૂમિમાંથી કચ્છમાં પાછો આવવા કહે છેઃ

“ગાયે મકાંડા ભરખિયાં, સ્ત્રીએ છાંડ્યા બાળ;

 વહેલો વળને લાખા ફૂલના, (તારા) દેશમાં પડ્યો દુકાળ.”

કચ્છ ધરાની આ અવદશા માનવીનું કાળજું કંપાવે એવી છે, વળી કચ્છમાં તો એક વખત વૈદિક સરસ્વતીનાં નીર વહેતાં, શિવાલિક પહાડીઓમાંથી વહેતી સરસ્વતી કચ્છમાં તો વીસેક કિલોમીટરની પહોળાઈમાં વહેતી. ભૂસ્તરીય પરિવર્તનને કારણે આ પ્રવાહ બદલાયો, પાકિસ્તાન તરફ સિંધુના જળ વહી નીકળ્યાં, તેને લોકોએ “અલ્લાજો બંધ” કહ્યો. આ બે નદીઓને કાંઠે વિકસેલી સંસ્કૃતિ સરસ્વતી – સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, અને તેના પુરાવશેષો સિધ્ધપુર – પાટણ અને ધોળાવીરામાંથી મળે છે. ચારણોએ એક દુહામાં આ વતને સાચવી છેઃ

“શિયાળે સોરઠ બલો, ઉનાળે ગુજરાત;

 ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.”

વિવિધ પ્રદેશના પરિવેશની આછી ઝલક પ્રગટાવતા આ દુહાઓ પર્યાવરણની દૃષ્ટિએ એટલા માટે મહત્વના છે કે એમાંથી એ સમયનું ચિત્રાત્મક દૃષ્ય ખડું થાય છે.

1 thought on “ચારણી સાહિત્ય –૫ (ડો. અંબાદાન રોહડિયા)

  1. મા અંબાદાન રોહડિયાનો પ્રકૃતિ, ઋતુઓ અને ચારણી સાહિત્ય અંગે રસદર્શન સાથે સુંદર લેખ

    ઋવેદમાં ક્યાંક આલંકારિક પ્રકૃતિવર્ણનો તો ક્યાંક શુદ્ધ ગ્રામીણ પ્રકૃતિ વર્ણનો જોવા મળે … સંસ્કૃત સાહિત્યની રચનાઓમાં ઋતુ માધ્યમે આલેખાયેલ હોય આ પ્રભાવ બારમાસી ઝીલે ….. આ પ્રકાર ચારણ. કવિઓનો નિજનો જ છે. જે મધ્યકાળની બીજી કોઈ પરંપરામાં જોવા મળતો નથી. ચારણી સાહિત્યમાં પ્રકૃતિની આરાધનાનું પ્રભુત્વ રહેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ કવિ તથા ભક્ત બ્રહ્માનંદ સ્વામી એક સમર્થ કવિ હતા જેઓ પૂર્વાશ્રમમાં ચારણ હતા. સત્ય અને ન્યાય- પ્રિયતા તથા ઊંચા ચારિત્ર્ય બળને કારણે ચારણ કવિઓની રચનાને લોક સમૂહનો આદર પ્રાપ્ત થયેલો છે. .

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s