સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૬ (ડો. ભરત ભગત)


કનુભાઈ કલસારીયા         

ઈતિહાસ એટલે શબ્દોમાં ગુંથાયેલી ગાથાઓ જ નહીં પરંતું સૃષ્ટિ કે તેના અંશ માટે કરાતું કોઈ પણ સીમાચિન્હ કાર્ય. મહુવા પંથકમાં આવા જ એક ઈતિહાસના રચયિતા છે ડૉ. કનુભાઈ કળસરીયા. ડૉ. કનુભાઈ ચુસ્ત ગાંધીવાદી, સત્યના ઉપાસક અને સાચા કર્મયોગી છે. એમની વિચારધારાને એમના જ શબ્દોમાં મૂકવાનું ગમ્યું છે તો સાંભળીએ : “ બહારના પરિબળો સુખ અને દુઃખ આપી શકતા નથી પરંતું એ તો અંદરની અનુભૂતિ છે. ઈમોશનલ સ્ટેબીલીટી હોય તો સત્યને વળગી સુખને આત્મસાદ કરી શકાય છે.

          જીવનરાહ ઉપર આમ જ ડગલાં માંડતાં કનુભાઈ કોલેજકાળથી જ જીવનની દિશા નક્કી કરી ચૂક્યા હતા અને એમના વિચારોને ગાંધી સાહિત્યના વાંચને ર્દઢ બનાવ્યા હતા. ગાંધીજીના ટ્રસ્ટશીપના સિધ્ધાંતને એમણે બૃહદ અર્થમાં જોયો અને એટલે જ તેમના તમામ ક્ષેત્રોમાં આ વિચાર વિસ્તરી ગયો હતો. એમની અંદરની સ્વસ્થતા એટલી બધી છે કે હોસ્પિટલ ધરતીકંપથી ધૂળ ભેગી થાય કે આજે છે તેના કરતાં દસ ગણી વિસ્તરે તો પણ એ હંમેશા શાંતિ અને આનંદમાં રહી શકે. કહેવાની જરૂર નથી કે નાનપણથી જ તેમને પૈસા પાછળ દોડવાનું ગમ્યું નથી એટલે  આજે પણ ઘર ચાલે એટલું જ લઈ જીવે છે.

          ડૉ. કનુભાઈ સર્જન થયા બાદ વડનગરમાં ડૉ. વસંતભાઈ પરીખ પાસે ઘડાયા. ત્યાં એમણે સર્જરી અને વહીવટમાં પણ કુશળતા પ્રાપ્ત કરી. 1984માં સદ્દભાવના ટ્રસ્ટ સ્થાપી પોતાના વતન મહુવાને કાર્યક્ષેત્ર બનાવ્યું. ટ્રસ્ટનું નામ પણ પોતાની સદ્દભાવના સાથે જોડી સમાજને ઈશારો કરી દીધો કે અમે માત્ર સારા ભાવથી જ કામ કરવાના છીએ.

          ડૉ. કનુભાઈના આગળના પંથને એમના જ શબ્દોમાં જાણીએ : “1985માં મહુવામાં જ ભાડાનું મકાન લઈ દસ બેડની હોસ્પિટલ શરૂ કરી. પાસે હતા માત્ર રૂપિયા 50000/-.  હોસ્પિટલ માટે એક્સ-રે જેવા સાધનોની જરૂરિયાત મોટી. મિત્રોને ડર હતો કે હોસ્પિટલ ચલાવવી એ રમતવાત નથી. મોટા દાન જોઈશે, ખૂબ સ્ટાફ જોઈશે ત્યારે મારો જવાબ સ્પષ્ટ હતો કે જો આપણે સારી ભાવનાથી સારું કામ કરીશું તો સમાજ સાથ આપશે જ. હું કહેતો કે કોઈ વ્યક્તિ રસ્તામાં પથ્થરો ઊભા કરી સિંદૂર લગાવે તો લોકો એને ય પૂજવા માંડે, ભોગ ધરાવે, પૈસા ચડાવે તો આપણે તો માનવરૂપી દેવની પૂજા કરવા જઈ રહ્યા છીએ તો શા માટે દાન નહીં મળે ?” મેં જોયા આજ સુધી તેમના કોઈ કામ પૈસા વિના અટક્યા નથી.

          કનુભાઈએ પોતાના ભૂતકાળને યાદ કરતાં ઉમેર્યું : “ ઓછામાં ઓછા ખર્ચે સારવાર થાય, સારા પરિણામ મળે એટલે દર્દીઓનો ધસારો એટલો થાય કે એની આવકમાંથી જ અમે એક વર્ષમાં લોન પરત કરી શક્યા. 6 મહિનામાં તો અમે હોસ્પિટલની બાજુનું મકાન ભાડે લીધું. સર્જરી સાથે ગાયનેક વિભાગ શરૂ કર્યો. મારાથી પૂછાઈ ગયું કે તો તો તમારા ચાર્જીસ ઊંચા હશે ?” જવાબમાં મંદ મંદ સ્મિતે કનુભાઈએ આપેલો જવાબ આજે પણ મને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. અમારા નવા કેસની ફી રૂ. 5 અને જુના કેસની ફી રૂ. 2. આજે અમે રૂ.10 અને રૂ.5 કર્યા છે. કોઈ પણ મેજર સર્જરીના રૂ. 500/- હતા જે આજે વધારીને વધુમાં વધુ રૂ. 700/- થયા છે.હું વિચારું છું કે આ બધા જ ઓપરેશનોનો ચાર્જ હજ્જારોમાં હોય જ્યારે અહીં રૂપિયા સાતસોથી વધુ નહીં જ ! આગળ વાત કરતાં સમજાયું કે હોસ્પિટલમાં આજે રોજ 35 થી 40 ઓપરેશન થાય છે જેના ટર્નઓવરને કારણે કનુભાઈ અર્થ વ્યવસ્થા સંભાળી શકે છે.

          સરકારમાં અરજી કરી અને વડલી ખાતે 8 એકર જમીન સરકારે માત્ર મહેસૂલ ખર્ચ લઈને આપી જ્યાં આજે એકસો પથારીઓની અદ્યતન હોસ્પિટલ ઊભી થઈ છે. દાન અને વગર વ્યાજની લોન લઈને હોસ્પિટલ બનાવી અને બધી જ લોન ચાર વર્ષમાં ભરપાઈ થઈ ગઈ માત્ર સારા ટનૅઓવરને કારણે !

          કનુભાઈની માન્યતા એવી છે કે આપણું કામ જ એવું હોવું જોઈએ કે જેથી દાન આવે જ. આજે પણ એમને મોટુ સાધન લેવું હોય તો તે ચિંતિત નથી હોતા, દાન મળી જ રહે છે. શર્તી દાન ના લેવાનો તેમનો નિયમ છે કારણ કે એનાથી બંધન થઇ જાય. વગર વ્યાજે લોન આપનારને પણ એ દાતા સમજે છે. બધું જ કાયદાના માળખામાં રહીને કરવાનું. વડલી હોસ્પિટલમાં આજે બે સર્જન અને બે ગાયનેકોલોજીસ્ટ છે પરંતું એ માને કે દરેકને દરેક ઓપરેશન આવડવું જોઈએ. ખુદ જનરલ સર્જન પણ આજે એ કીડનીના સૌથી વધુ ઓપરેશન કરે છે. એમની પ્રસિધ્ધિ તો એટલી ફેલાઈ છે કે સમગ્ર ગુજરાતમાંથી કીડનીના ઓપરેશન માટે લોકો તેમની પાસે આવે છે. મારા આશ્ચર્યને સમાવવા તેમણે કહ્યું : “ મેં સર્જરીના પ્રોસ્ટગ્રેજ્યુએશન સમયે બધા વિભાગમાં કામ કરેલું એટલે બધામાં બેઝીક જ્ઞાન તો હતું જ. પછી જુદા જુદા સમયે કોન્ફરન્સોમાં જઈ કે ટ્રેઈનીંગ કોર્સીસ લઈ મારી જાતને મેં સક્ષમ બનાવી હતી. આજે વડલી જેવા નાના ગામમાં પણ હું પેડીકલ ગ્રાફટ જેવી કોમ્પ્લીકેટેડ પ્લાસ્ટીક સર્જરી કરી શકું છું.

          કનુભાઈની હોસ્પિટલ અને જીવન વ્યવસ્થા માટેનો એક નિર્ણય સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. મેં મારા માટે કે મારા કુટુંબ માટે વીમો લીધો જ નથી એટલું જ નહીં અમારી હોસ્પિટલ કે તેના ડોકટરો માટે પણ કોઈ ઈન્સ્યોરન્સ લીધો નથી. હું વ્યક્તિગત જીવન પરમાત્માને સોંપીને જીવું છું એટલે ભવિષ્ય માટે ચિંતા કરવાની જરૂર નથી. તબીબો માટેનો વ્યવસાયિક ઈન્સ્યોરન્સ નથી લીધો કારણકે વીમો હોવાના કારણે તમે ક્યારેક થોડાંક બેદરકાર પણ થઈ શકો છો. જ્યારે તમે સાચા પ્રામાણિક અને ચોક્કસ રહી કામ કરો ત્યારે તમારે વિમારૂપી ઢાલની જરૂર નથી. તમારી નિષ્ઠા, ભાવના અને સચ્ચાઈથી લોકો ભૂલને પણ માફ કરી દે છે, હા એ ભૂલનું પુનરાવર્તન ના થવું જોઈએ.”

          ડૉ. કનુભાઈને વડલીમાં જંપીને બેસવાનો સમય ન હતો પરંતું એમણે ત્યાંથી 15 કિ.મી. કળસાર ગામમાં હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કર્યું. એમનો જીવ સતત ગામડાંઓની પ્રજાના કામ માટે વલખા મારે. બે હોસ્પિટલ સાચવવી એટલે મોટી જવાબદારી. વડલીમાંથી એ ખસે તો એનું કામ ઓછું થાય એવું સમજતા મિત્રોએ બે છેડે સવારી કરતાં રોકવા માટે આગ્રહ કર્યો. કનુભાઈનો જીવ ગામડાંમાં જવા ઉતાવળો એટલે બધાને ખાત્રી આપી કે હું બંને હોસ્પિટલ સંભાળીશ. સાથે ઉમેર્યું કે હું વડલીનું કર્વાટર્સ છોડીશ, વડલી ની જવાબદારી નહીં. વડલીમાં બીજા સર્જન આવશે એટલે કામ થશે જ. છેવટે મિત્રો માન્યા. કનુભાઈએ કળસારના વતની પીડીલાઈટના મહેતા સાહેબને પત્ર લખી જગ્યા માટે વિનંતી કરી. મહેતા સાહેબ તો ડૉ. કનુભાઈને જાણે અને એટલે કોઈ પણ શરત વિના પોતાના ફાર્મહાઉસમાં જગ્યા ફાળવી. જેમાં કનુભાઈએ 20 બેડની હોસ્પિટલ બનાવી. ત્યારબાદ સરકારે મોટી જમીન આપતાં કળસારમાં પણ 140 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી. 95 જુનથી કનુભાઈ સવારે કળસાર અને સાંજે વડલીમાં હોય. બંને સ્થળે અસંખ્ય ઓપરેશન થાય. આ બધામાં મુશ્કેલીઓ પડી જ હોય પણ ક્યારેય મુશ્કેલી શબ્દનો ઉચ્ચાર પણ નથી કર્યો. સતત હસતાં હસતાં કામ કરવાનું. કનુભાઈની સિધ્ધાંતનિયતા એટલી કે બક્ષીપંચના ક્વોટામાં દીકરીને મેડીકલ એડમીશન મળતું હતું પણ ના લીધું. એક વર્ષ બગાડ્યું, ફરીથી મહેનત કરાવી અને છેવટે સામાન્ય કેટેગરીમાં પ્રવેશ લીધો. પોતાની દીકરીઓને પણ કળસારમાં ભણાવી અને આજે ત્રણે દિકરીઓ ઉચ્ચ શિક્ષણ પામી શકી છે.

          હોસ્પિટલની એમની કામગીરીમાં પણ એમનો દૈવીભાવ. કોઈ પણ દર્દી, સારવાર સમયે કુદરતી રીતે મૃત્યુ પામે તો સગા પાસે પૈસા નહીં જ લેવાનાં. એમની હોસ્પિટલમાં 24 કલાક દર્દીઓ આવે, ક્યારેક ખોટી ઈમરજન્સી બતાવીને આવે પરંતું તમામ તબીબોને સૂચન કે કોઈને ના નહીં કહેવાની.

          માનવતાની મહેંક પ્રસરાવતા આવા જ તબીબો આજે પણ ડોક્ટરને દેવ કહેવડાવવા સમાજને પ્રેરે છે.

 

કનુભાઈ કલસારીયા

સંપર્ક – ૮૧૨૮૫ ૫૨૪૩૯

3 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૬ (ડો. ભરત ભગત)

  1. માનવતાની મહેંક પ્રસરાવતા આવા જ તબીબો આજે પણ ડોક્ટરને દેવ કહેવડાવવા સમાજને પ્રેરે છે.
    ધન્ય ડૉ. કનુભાઈની સેવાઓને

    Like

  2. DAVDA SAHEB. ARTICLE GEETA MARI SAMAJ. JUST READ ABOUT KARMA, HERE EXAMPLE. DR. KANU BHAI, WORK WITHOUT ANY MASS MEDICAL INSURANCE.FOR THEIR ALL HOSPITAL & DR,’S.TRUST ON SELF UNDER GOD WORK.(MANAV SEVA) GOV. SHOULD BE HELP LIKE DR.KANUBHAI. SHOULD BE HONOR BY MANAVSEVA=PADMSHREE OR BHARAT RATAN AWARD.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s