અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                          (૧૧)

અનેક મંડળો

જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઓછામાં  ઓછું એક તો ભારતીય મંડળ હોય જ. મોટા શહેરોમાં તો ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ એમ દરેકેદરેક ભાષીઓનાં મંડળો હોય.  તે ઉપરાંત એકેએક ધર્મની અને પંથની ભક્તમંડળીઓ હોય. ન્યૂ યોર્ક અને લોસ એન્જિલિસ જેવાં બહુ મોટાં શહેરોમાં જ્યાં ભારતીયોની વસતી પ્રમાણમાં વધુ ત્યાં તો જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં પણ મંડળો જોવા મળે.  ન્યૂ યોર્ક, પિટ્સબર્ગ, હ્યુસ્ટન જેવાં શહેરોમાં દેશનાં જેવાં જ મંદિરો જોવા મળે.  આ સામાજિક મંડળો અને ધાર્મિક ભક્તસમાજોનાં આશ્રયે અનેક પ્રકારની ભારતીય સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ નિયમિત, અને ખાસ તો દર શનિ-રવિએ, થયા કરે.  તે ઉપરાંત દિવાળી, નવરાત્રિ, દુર્ગાપૂજા, ગણેશચતુર્થી, શિવરાત્રિ, જન્માષ્ટમી, પર્યુષણ વગેરે પ્રસંગોની અચૂક ઉજવણી થાય.  નવરાત્રિના ગરબા લેવાતા હોય ત્યારે અમેરિકામાં અમદાવાદ ઉતર્યું હોય એમ  લાગે!

બધા જ ભારતીયોને આવરી લેતા મંડળો પણ હોય છે, જે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દિનોની ઉજવણી કરે છે.  આ ઉપરાંત દેશમાંથી ફિલ્મી દુનિયાના અભિનેતા કલાકારો, સંગીતકારો, ગાયકો વગેરે અહીં છાશવારે આંટા મારતા જ હોય. તે બધાના કાર્યક્રમો યોજાય અને હજારોની સંખ્યામાં ભારતીયો હાજરી આપે. ધાર્મિક સમાજો પોતાના ધર્મગુરુઓને અને સ્વામીઓને બોલાવે. વિધવિધ શહેરોમાં કથાઓ થાય અને સપ્તાહો બેસે. રેડિયો ઉપર મોટાં શહેરોમાં દર શનિ-રવિએ હિન્દી ફિલ્મોના ગીત-સંગીતના કાર્યક્રમો હોય.  ન્યૂ યોર્કમાં તો દર રવિવારે સવારે ટીવી ઉપર હિન્દી ફિલ્મો પણ બતાવાય છે.  ભારતીય દુકાનોમાંથી દેશનાં મરચાં, મસાલા, મીઠાઈથી માંડીને સાડીઓ અને ઘરેણાં સુધ્ધાં અત્યંત સ્હેલાઈથી અહીં મળે છે.  અને ભારતીય રેસ્ટોરાંમાં બોમ્બે થાળી કે મસાલા ઢોસા ખાધા  બાકી રહેતું હોય તો મસાલેદાર પણ પણ અહીં મળે છે!

                                               (૧૨)

 

ઊખડેલા આંબા

મોટા ભાગની ભારતીય પ્રજા માત્ર ભૌગોલિક દૃષ્ટિએ જ અમેરિકામાં છે, બાકી તેમની મનોદશા-ભાવ-પ્રતિભાવ, રીતરિવાજો અને વ્યવહાર તો હજી ભારતીય જ છે.  સોમથી શુક્ર ઑફિસે જવાનું હોય ત્યારે જ જાણે કે અમેરિકા સાથેનો એમનો સંબંધ. સાંજે ઘરે આવે ત્યારે અને શનિ-રવીએતો જાણે કે દેશમાં જ હોય એમ વર્તે છે.  અન્ય ભારતીયોને છાશવારે મળવાની અસાધારણ ભૂખ, દેશમાં આંટો મારવાની દર બે ત્રણ વર્ષે ઊપડતી ચટપટી, ભારતીય ફિલ્મો અને ફિલ્મી ગીતોનો ચોંટી રહેલો ચસકો, સામાજિક મંડળો અને મંદિરો ઊભાં કરવાની નિત્યની લમણાઝીંક, અમેરિકનો સાથેનો એમનો નહીંવત્ સામાજિક સંબંધ–આ બધું અહીં વસતા ભારતીયોની વિદેશવાસની વ્યથાને વ્યક્ત કરે છે.  આ ભારતીયો ભલે અમેરિકામાં રહે, ભલે અમેરિકાની સિટિઝનશિપ લે, પણ તે બધા અંશેઅંશ ભારતીય જ છે અને મરતાં સુધી ભારતીય રહેશે. વર્ષો સુધીના અમેરિકાના વસવાટ પછી દેશમાં પાછા ગયેલા કવિશ્રી શ્રીધરાણીએ વિદેશવાસની આ વ્યથાને આબાદ રીતે કવિતામાં વ્યક્ત કરી છે: ‘ઉખેડલા આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.’ દેશમાંથી ઊછરીને આવેલા પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયો ઊખડેલા આંબાની જેમ આ પરાયા સમાજ અને સંસ્કૃતીમાં ઊગી શકતા નથી.  આ છે એમની સામાજિક અને સાંસ્કૃતીક  દ્વિધા.

1 thought on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

  1. ફરી ફરી માણવા ગમે તેવા લેખો “વિદેશવાસની આ વ્યથાને આબાદ રીતે કવિતામાં વ્યક્ત કરી છે: ‘ઉખેડલા આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.’ દેશમાંથી ઊછરીને આવેલા પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયો ઊખડેલા આંબાની જેમ આ પરાયા સમાજ અને સંસ્કૃતીમાં ઊગી શકતા નથી. આ છે એમની સામાજિક અને સાંસ્કૃતીક દ્વિધા.” અંગે હવે ફેરફાર જણાય છે ! હવે પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ
    પણ આભમા પહોંચે તે રીતે ઉગેલા દેખાય છે!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s