અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                       (૧૩)

સંઘર્ષના ભણકારા

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો  છે.  અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે.  આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુન અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે.  એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતી–એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે.  ટીવીથી શરૂ થયેલું એનું અમરિકનાઈઝેશન (અમેરિકીકરણ) પાડોશ અને સ્કૂલ આગળ વધે છે.  ખાસ કરીને તો અમેરિકન સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન હયાતી મળે છે.  એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત દેશ સાથે બહુ લાગતુંવળગતું નથી.  અમેરિકન હયાતીનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી.  અમેરિકન ફિલ્મ અને ટીવીમાંથી સાંપડેલા મિકી માઉસ, બગ્જ બની અને બિગ બર્ડનાં પાત્રો, હોટ ડોગ અને હેમ્બર્ગર, પીઝા અને કૉક, રોક અને કન્ટ્રી મ્યુઝિક, અટારી અને પેકમેન, કમ્પ્યુટર અને સ્ટીરિયો–આ બધાંની વચ્ચે ઉછરેલી અહીંની પ્રજામાટે ભારતીય જીવનનાં પ્રતીકો અને રીતરિવાજો સમજવાં સહેલાં નથી.  આપણી ભાષા અને ઉચ્ચારો, આપણો અન્યોન્ય પ્રત્યેનો વ્યવહાર, નજીવી ઓળખાણે ટપકી પડતા મહેમાનોનું ધાડું, કાકા-મામા-ફુઆ વગેરે સગાંઓની લંગાર, આપણા તહેવારો, અનેક પ્રકારનાં અને અનેક અંગોવાળાં આપણાં દેવદેવીઓ, કારમાં અને ઘરે નિત્ય ગુંજી રહેતાં ફિલ્મી ગીતો, ઢંગધડા વગરની આપણી ફિલ્મો–આ બધાંનો એ ઊછરતી પ્રજાના અમેરિકન અસ્તિત્વ સાથે બહુ મેળ ખાતો નથી.  અમેરિકાના સામાજિક સંદર્ભમાં આ ભારતીય જીવન એમના માટે એક વિચિત્ર વાત બની રહે છે.  તેવી જ રીતે એ ઊછરતી પ્રજાના અમેરિકન હયાતી અહીં વસતા ભારતીયો માટે એક સમસ્યા બની ગઈ છે.  આ સમસ્યામાં મને આ બે પેઢી વચ્ચે આવી રહેલા અનિવાર્ય સંઘર્ષના ભણકારા સંભળાય છે.

ઊછરતી અમેરિકન પેઢી

આ ઊછરતી પ્રજા જેમ જેમ ઉંમરમાં વધતી જાય છે તેમ તેમ તે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરે છે. લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે.  માબાપે પસંદ કરેલ કન્યા કે મૂરતિયાને વડીલોની આજ્ઞા છે એટલે અહીં કોઈ પરણવાનું નથી, આ પ્રજા તો પોતાની જ મેળે પોતાના જીવનસાથીની પસંદગી કરશે અને તે પણ અમેરિકન ઢબે જ કરશે.  તે પ્રમાણે બાપાને પસંદ છે એટલે હું ડોક્ટર થઈશ એવી રીતે કોઈ અહીં કારકિર્દી પસંદ નથી કરતું. પોતાના જીવનની અભિવ્યક્તિ જ્યાં શ્રેષ્ઠ રીતે થાય તેવા જ ક્ષેત્રે આ અમેરિકન પ્રજા પોતાનું જીવન જીવવાનું પસંદ કરશે. આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છન્દી કે અવિવેકી છે.  કૌશલ્ય, ખંત અને ઉચ્ચ શિક્ષણને કારણે પ્રથમ પેઢીએ જ સંપન્ન ભારતીય ઈમિગ્રન્ટ લોકોની વિલક્ષણતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરતી આવી છે.  આર્થિક, સામાજિક અને અન્ય દૃષ્ટિએ જોતાં તો અત્યારથી પણ જોવા મળે છે. મોરનાં ઈડાં કંઈ ચીતરવાં પડતાં નથી.[1]  પરંતુ એમનું જ્વલંત ભવિષ્ય એક અમેરિકન પ્રજા તરીકેનું હશે, નહીં કે ભારતીય પ્રજા તરીકેનું તે વાત સ્પષ્ટ સમજવી ઘટે અને છતાં એ જ વાત અહીં વસતા ભારતીયોને ગળે ઊતરતી નથી.

                                             (૧૪)

જોખમી અખતરો

અમેરિકન સમાજ અને સંસ્કૃતીનાં પોતાને અમાન્ય અને અણગમતા એવા પ્રવાહો અને લક્ષણોથી અહીં ઊછરતી પોતાની પ્રજા બચે, અને તે ભારતીય સંસ્કૃતિ પ્રાપ્ત કરે, બલ્કે ભારતીય બની રહે એ આશાએ અહીં વસતા ભારતીયો મંદિરો અને સામાજિક મંડળો બાંધવામાં પડ્યા છે તે આપણે નોંધ્યું.  મોટાં મોટાં શહેરોમાં જ્યાં મંદિરો છે ત્યાં નિયમિત પૂજાપાઠ થાય છે.  અન્ય સ્થળોએ લોકો એકબીજાને ઘરે કે જાહેર હોલમાં ભેગા થઈને ભજનો ગાય છે અને ધાર્મિક ક્રિયાઓ કરે છે.  દેશમાંથી સ્વામી, ગુરુઓ અને સાધુ-મહારાજોને બોલાવીને તેમના ઉપદેશના પ્રવચનો, સત્સંગો, કથાઓ અને કેમ્પ ગોઠવે છે.  અહીં ઊછરતી પ્રજાને આ બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ગમેઅણગમે પણ ભાગ લેવા માટે માબાપો આગ્રહ કરે છે.  અગત્યનો પ્રશ્ને છે કે સામાજિક સંદર્ભ વગર અમેરિકામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ લાવવાં શક્ય છે ખરાં?

જ્યાં સુધી ભારતીય ઈમિગ્રન્ટ્સની પહેલી પેઢી હયાત છે ત્યાં સુધી આ ધાર્મિક પ્રવૃત્તિઓ, સ્વામી, સાધુઓ, ગુરુ મહારાજો  અને ભક્તમંડળીઓનું મહત્ત્વ જરૂર છે. પણ અહીં જન્મીને અહીં જ ઊછરેલી બીજી, ત્રીજી કે ચોથી પેઢીના ભારતીયો માટે આ બધું એકમાત્ર વિસ્મયનો જ વિષય બની રહેશે, એમ અન્ય વંશોની પ્રજાઓનો ઇતિહાસ સાક્ષી પૂરે છે.  અને છતાંયે આ બધી પ્રવૃત્તિઓ અત્યારે તો ફૂલીફાલી રહી છે.

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે એમની અહીં ઊછરતી અમેરિકન પ્રજાને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે.  અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું પણ ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.  આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે.  અહીંના પેન્સિલવેનિયા રાજ્યના લાન્કેસ્ટરજિલ્લામાં જર્મન અને સ્વિસ ઈમિગ્રન્ટ્સ દાયકાઓથી ઠરીઠામ થયેલી એમિશ પ્રજામાં આવા અખતરાનો એક દાખલો મળે છે.  એમિશ પ્રજાએ આજે દાયકાઓના અમેરિકન વસવાટ પછી પણ પોતાના રીતરિવાજો, રૂઢિઓ અને વિશિષ્ટ જીવનપ્રણાલી જાળવી રાખવા પ્રયત્નો કર્યો છે. વીસમી સદીનાં આધુનિક અમેરિકામાં એમિશ લોકો અઢારમી સદીનું જર્મનજીવન જીવવા મથે છે, અને આધુનિક અમેરિકાથી અસ્પૃષ્ટ રહીને પોતાનાં ધર્મ અને સંસ્કૃતી જાળવવાનો ભગીરથ પ્રયત્ન કરે છે.  પરંતુ એમનું અપવાદરૂપ બની ગયેલું જીવન,  બંધિયાર જીવનવ્યવસ્થા, ઘટતી જતી વસતી, અને તેમનું પ્રદર્શનરૂપ બની ગયેલું અસ્તિત્વ–આ બધામાંથી જે ઈમિગ્રન્ટ લોકો કોઈ પણ શરતે અમેરિકામાં પોતાનો જુદો તંબૂ તાણવા મથે છે તેમણે ચેતવણી લેવાની જરૂર છે.

[1] આ અહીં ઉછરેલી પહેલી પેઢીએ જે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમાં કેટલાંક તો ગવર્નર (લુઇઝાના અને સાઉથ કેરોલિના), કોંગ્રેસમેન (અમી બેરા), ફેડરલ એજન્સી હેડ (રાજીવ શાહ),  આસિસ્ટન્ટ સેક્રેટરી (સ્ટેટ અને કોમર્સ ડિપાર્ટમેન્ટ્સ) અને એમ્બેસેડર (રીક વર્મા–ઇન્ડિયા), એવી અગત્યની રાજકારણની પોઝિશન સુધી પહોંચેલા છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે જ્યારે પ્રમુખ બરાક ઓબામાં સાથે મસલત કરવા ભોજન લીધેલું, ત્યારે ઓબામાની સાથે એમની ટીમમાં ત્રણ અમેરિકન ભારતીયો હતા–અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર રાહુલ રીક વર્મા, વિદેશ નીતિના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ગુજરાતમાં જન્મેલા નિશા બિસ્વાલ દેસાઈ અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મદદ કરતી એજન્સી (AID)ના ડાયરેક્ટર રાજીવ દેસાઈ!

2 thoughts on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

  1. SHRI, NATVAR BHAI, ABSULETLY RIGHT IT’S MY OWN FAMILY EXPERIENCE. WHEN WE CAME TO USA, MY SON WAS 5YRS &; MY DAUGHTER WAS 8 YRS OLD. IN 1978. THEY STARTED TO WATCH TV. ADMITED IN SCHOOL, DAUGHTER WAS IN CONVENT SCHOOL IN INDIA, SO SHE DID NOTT HAVE DIFFICULTY IN ENGLISH. SCHOOL ADMITED HER IN 4TH GRADE. 3RD GRADE PASSED IN INDIA. AFTER 2 YRS WE ASKED WE WANT TO GO INDIA, BOTH SAID YOU GO YOUR SELF .WE WILL MANAGE OUR SELF HERE.DURING COLLEGE TIME WE SOMETIME ASK TO GO TEMPLE, NICE LACTURE IS THERE, SHE TOLD I DON’T WAIST MY 3-4 HRS YOU CAN GO, IT’S ALL UN-MEANINGFUL HERE, WASTE OF TIME/MONEY/ PEOPLE GET TO GETHER FOR EACH-OTHER KUTHLY FOR THERE WIFE ETC. AFTER 10 YRS WE CHANGE OUR MIND, USA WAY, AT PRESENT WE ARE VERY HAPPY. SHE TOLD US ENJOYED YOUR WAY, I DON’T NEED ANY THING.I EARN ENOUGH, IF YOU WANT HELP ASK ME. NOW 41 YRS STAY IN USA. ONLT TWO TIME VISIT INDIA. WITH ONE TIMES WHOLE FAMILY. THAN 2ND TIME WITHOUT KIDS, DURING 1ST VISIT AFTER 20 YRS STAY IN USA. THEY TOLD US WE NEVER GO AGAIN INDIA, SHRI NATVAR BHAI SUGGEST PERFECT FOR NEW INDIAN GENERATION.OLD GENERATION TAKE ALL USA GOV. BENEFIET AND SINGING INDIAN SONG.

    Liked by 1 person

  2. અહીં ઊછરતી પ્રજાને આ બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ગમેઅણગમે પણ ભાગ લેવા માટે માબાપો આગ્રહ કરે છે. અગત્યનો પ્રશ્ને છે કે સામાજિક સંદર્ભ વગર અમેરિકામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ લાવવાં શક્ય છે ખરાં?
    અનુભવાતી વાત
    ઈમિગ્રન્ટ લોકો કોઈ પણ શરતે અમેરિકામાં પોતાનો જુદો તંબૂ તાણવા મથે છે તેમણે ચેતવણી લેવાની જરૂર છે; ઉજાગર કરતી વાત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s