ચારણી સાહિત્ય –૭ (ડો. અંબાદાન રોહડિયા)


(૭) મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં લોકસાહિત્યની ભૂમિકા

ભારતીય સાહિત્યમાં શિક્ષણ અને સંસ્કારનો સુભગ સમન્વય થયો છે. પ્રાચીનકાળથી જ ઋષિમુનિઓએ ત્યાં આશ્રમશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. રાજા-મહારાજાઓ અને શ્રીમંતોનાં સંતાનો પણ આશ્રમમાં રહીને વિદ્યાઅભ્યાસ કરતા હતાં. એ સમયે શિક્ષણમાં માનવમૂલ્યોની વાતને પ્રાધાન્ય અપાતું. એટલું જ નહીં, તેને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બનાવ્યું.

ભારતીય સંસ્કૃતિમાં રામાયણ, મહાભારત, વિવિધ પુરાણો અને વેદ ઉપનિષદ આદિ ગ્રંથોનો વિશેષ મહિમા છે. પ્રાચીન ઋષીમુનિઓએ કરેલું ચિંતન અહીં અર્કરૂપે શબ્દાંકિત થયું છે. એ ગ્રંથોમાં કહેવાયલી વાતો સૂત્રાત્મક રીતે દુહા, લોકગીતો, ભજનો, લોકકહેવતો અને લોકકથારૂપે આમ જનતા સુધી પહોંચાડવાનું કામ લોકકલમીઓએ કર્યું છે. તેમાં કહેવાયલી વાત આબાલવૃધ્ધ, સાક્ષર-નિરક્ષર અને નાત-જાતના ભેદ વગર સૌને ગળે ઉતરે છે, કેમકે લોકસમાજનું ફલક અતિવ્યાપક છે. તેમણે જે ગુણોનો મહિમા વ્યક્ત કર્યો છે તેમાંથી કેટલાંકની ટૂંકમાં વાત કરીએ.

(૧) અતિથી દેવો ભવ

દુલા કાગે લખ્યું છેઃ

એ જઈ તારાં આંગણિયા પૂછીને કોઈ આવે રે;

આવકારો મીઠો…આપજે.

મહેમાનોને માન ન આપનારાની મેડી પણ સ્મશાન જેવી છે એમ ચારણી દુહો કહે છેઃ
મે’માનોને માન, દલ ભરીને દીધાં નંઈ;

ઈ મેડી નહીં મસાણ, સાચું સોરઠિયો ભણે..

(૨) આશરાધર્મઃ

લોકકથા અને લોકગીતોમાં કે સંતવાણીમાં આંગણે આવેલા જીવમાત્રને આશ્રય આપવાનો મહિમા ગવાયો છે.

આસાજી પરમારે આશરે આવેલી કચ્છની જત કન્યાને બચાવવા મુસ્લિમ સૈન્ય સામે કરેલી લડાઈ, છેવટે જત અને પરમારના લોહીને ભળતું રોકવા ઇસાએ કરેલ પ્રયાસ અને એ વખતે આસાજીના મુખમાં મુકાયેલો દુહો માનવતાનો જ મહિમા દર્શાવે છેઃ

ઈસા સુણ આસો કહે, મરાતાં પાળ મ બાંધ;

રાંધ્યા ફરી મ રાંધ, જત પરમાર એક જો.

આજે પણ જત અને પરમારો એક પંગતમાં ભાઈ-ભાઈ બનીને જમી શકે છે.

(૩) ચારિત્ર્યશીલતાઃ

લોકોએ સદાય ચારિત્ર્યને પ્રાધાન્ય આપ્યું છે. ચારિત્ર્યભ્રષ્ટ લોકોના પડછાયાથી પણ બેન-દિકરીઓ દૂર રહે છે. અણિશુધ્ધ ચારિત્ર્ય ધરાવનારા જોગીદાસ ખુમાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, બહારવટિયો ચાંપરાજવાળો અને ઓઢા ખાચરની સ્મૃતિ લોકહ્રદયમાં અકબંધ છે.

કવિ દાદ સીતાજીના મુખે હનુમાનજી દ્વારા પ્રભુ રામને સંદેશો મોકલે છેઃ

છે સ્ફટિક મણિના મહેલ, પણ વસનર સૌ વિકરાળ છે;

સુવર્ણ તણા થાળમાં અહીં, રોજ પશુ રુધિર પિરસાય છે..

દુષ્કાળમાં પોતાના પરિવાર સાથે સિંધમાં ગયેલાં આહીરાણી જાહલ પર મોહિત થયેલા હમીર સુમરા સામે ઝઝૂમનારાં દેવાયત બોદલના દીકરીની ખૂમારી, વટ અને શીલની વાતો જગપ્રસિધ્ધ છે. રા’નવઘણે આપેલા વચનને યાદ કરાવતાં તેણે કહ્યું કે, “મારા ભાઈના બલિદાનની અને મારા પિતાના ત્યાગની પણ તને સ્મૃતિ ન હોય તો પણ તું સોરઠનો રાજા છો અને હું સોરઠની પ્રજા છું, એ સંબંધે મારી લાજ રાખવા આવજે, આમ છતાં સમયમર્યાદામાં ન આવી શકે તો મારા નશ્વર દેહ ઉહ પર ભાઈ તરીકે તું ચુંદડી ઓઢાડી દેજે. હું મારા પ્રાણ આપીને પણ લાજ રાખીશ.”

મેરૂ તડોવડ તાત મારો, જેનું પેટ છે સાયરના પને;

જગ વચ્ચે કરી વંશ જાતો, આશરા ધરમ જાળવ્યો એણે.

કચ્છ અને સિંધ પ્રદેશને યાદ કરીએ તો કચ્છ કેરાકોટનો શીલવંત યુવરાજ ઓઢો જામ યાદ આવે, અનન્ય વીરતા, યૌવન અને ચારિત્ર્યશીલતાના ત્રિવેણી સંગમ સમાન ઓઢા પર ઓળઘોળ થયેલી મોહાંધ ભોજાઈની દૃષ્ટિમાં કામભાવ દેખાતા તો શીલવંત ઓઢાએ તેને સમજાવવા લાખ કોશિષ કરી, તમે મારાં માતા સમાન છો, છતાં ન માન્યાં, છંછેડાયેલ નાગણની જેમ વેરવૃત્તિથી બદલો લેવાની વાત કરી, તો પણ ઓઢો એક જ વાત રટતો રહ્યોઃ

હી પલંગ આય હોથી જો, હોથી મુંજો ભા;

તેંજી તું ઘરવારી થીયેં, થીયેં અસાંજી મા..

ભાભીએ સ્ત્રીચરિત્ર દાખવીને ઓઢાને દેશવટો અપાવ્યો, પણ ઓઢાએ એક હરફ ન ઉચ્ચાર્યો. જાણે અર્જુન અને ઉર્વશીની કથા ફરી તાજી થઈ.

બહારવટિયા જોગીદાસ ખૂમાણને જતિ કહીને કવિએ બિરદાવ્યો છે કેઃ

પરનારી પેખી નહીં, મીટે માણા રા;

શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસીયા

(૪) ગૌરવ માટે પ્રાણ આપવાઃ

મુસ્લિમ સૈન્ય સામે જેનું કબંધ લડ્યું અને મૃત્યુ પછી જેણે ચારણ કવિને ઘોડાનું દાન આપેલું એ જેતપુરના ચાંપરાજ વાળાને કવિઓએ આ રીતે યાદ રાખ્યા છેઃ

કમળ વિણ ભારથ કિધો, દેહ વિણ દીધાં દાન;

વાલા એ વિધાન, ચાંપા વિણ કિને ચડાવીએ?”

(૫) વેર અને વટમાં પણ વિવેક અને માનવતાઃ

ભાવનગરના મહારાજ વજેસિંહ અને જોગીદાસ ખુમાણ વચ્ચે વેર છે, પરંતુ મહારાજા જોગીદાસના પરિવારને માનપૂર્વક જાળવે. તેઓ જોગીદાસ ખુમાણના દીકરીબાનો લગ્નપ્રસંગ ઊજવે અને ગામ પણ આપે, જોગીદાસના પિતાનું અવસાન થતાં કારજ કરે અને જાતે સરાવવા બેસે. બન્નેના બાળકો લડે તો પોતાના કુંવરને ઠપકો આપે, જોગીદાસ પણ કુંવર દાદભાના અકાળ મૃત્યુના સમાચાર સાંભળી ખરખરે જાય, જોગીદાસને પકડવાને બદલે સાથે બેસી નમે, જોગીદાસ હેમાળે હાડ ગાળવા જાય ત્યારે પાછા તેડાવે, સમાધાન વખતે બન્ને સૌજન્ય દાખવે, મહારાજા સામેથી કુંડલા આપે તો જોગીદાસ ના પાડે અને આગ્રહપૂર્વક કુંડલા નહીં પણ પાંચ ગામ જ આપવા કહે. આ બધી વિગતો દુશ્મનાવટમાં પણ ખાનદાની અને માનવતાનો મહેમા વ્યક્ત કરે છે.

આમ ચારણી સાહિત્યમાં જીવનના દરેક પાસાં ડોકિયાં કરે છે.

2 thoughts on “ચારણી સાહિત્ય –૭ (ડો. અંબાદાન રોહડિયા)

  1. .
    ચારણી સાહિત્યએ આપણા સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર છે. ચારણી સાહિત્યમાં ભક્તિશૌર્ય તથા પ્રકૃતિની આરાધનાનું પ્રભુત્વ રહેલું છે.મૂલ્યનિષ્ઠોને પ્રાધાન્ય આપ્યું છે. આથી આ સાહિત્યમાં જીવન કેવું છે એ નહીં પણ. જીવન કેવું હોવું જોઈએ તેની વાત કરવામાં આવી છે. અર્થાત ચારણી સાહિત્ય “જીવન. ખાતર કલા’ નું હિમાયતી છે. અતિથી દેવો ભવ,આશરાધર્મઃ,ચારિત્ર્યશીલતાઃ,ગૌરવ માટે પ્રાણ આપવાઃ,વેર અને વટમાં પણ વિવેક અને માનવતાઃ અંગે સુંદર દોહા સાથે રસદર્શન કરાવ્યું
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s