ભાષાને શું વળગે ભૂર – ૨૧ (બાબુ સુથાર)


ગુજરાતી ક્રિયાપદો:૨

આપણે જોયું કે ગુજરાતી ક્રિયાપદોનાં અંગ અથવા તો મૂળ કાં તો સાદાં હોય, કાં તો સાધિત હોય. આપણે સાદાં અંગના સ્વરૂપની ચર્ચા કરી છે. એટલું જ નહીં, આપણે ‘જવું’/‘જાવું’ અને ‘થવું’/‘થાવું’ જેવાં કેટલાંક ક્રિયાપદોનાં સાદાં અંગો નક્કી કરવામાં પડતી મુશ્કેલીઓની પણ ચર્ચા કરી. આ લેખમાં આપણે સાધિત અંગોના સ્વરૂપની વાત કરીશું.

ગુજરાતીમાં ક્રિયાપાદોનાં ત્રણ પ્રકારનાં સાધિત અંગો મળી આવે છે: (૧) અકર્મકમાંથી સકર્મક (transitive) બનાવવામાં આવેલાં અંગો, (૨) પ્રેરક (causative) બનાવવામાં આવેલાં અંગો અને (૩) કર્મણિ (passive) બનાવવામાં આવેલાં અંગો. કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ આમાંના પહેલા પ્રકારનાં સાધિત અંગોનો બીજા પ્રકારમાં, અર્થાત્ પ્રેરક અંગોમાં, સમાવેશ કરે છે. જો કે, એ યોગ્ય છે કે નહીં એ એક ચર્ચાનો વિષય છે. હું માનું છું કે આપણે અકર્મકમાંથી સકર્મક બનાવેલાં અંગો જુદાં રાખવાં જોઈએ. એ માટે કેટલાંક કારણો પણ છે પણ આપણે એની ચર્ચા અહીં નહીં કરીએ.

          ગુજરાતીમાં અકર્મક ક્રિયાપદોનો એક નાનકડો વર્ગ છે જેમનાં મૂળમાં ફેરફાર કરીને આપણે સકર્મક ક્રિયાપદો બનાવતા હોઈએ છીએ. ભાષાશાસ્ત્રમાં stem modificationના નામે ઓળખાતી આ પ્રક્રિયા સાચે જ ખૂબ જ રસ પડે એવી છે. જગતની બહુ ઓછી ભાષાઓમાં આવું બનતું હોય છે. ગુજરાતી એમાંની એક છે. આ પ્રક્રિયા સમજવા માટે નીચેનાં ઉદાહરણો જુઓ. એમાં અકર્મક ક્રિયાપદોમાં આખ્યાતિક મૂળમાં આવેલો -અ- સકર્મક ક્રિયાપદ બનાવતી વખતે -આ- બનતો હોય છે.

ગળવું

gəɭ.v.ũ

ગાળવું

gaɭ.v.ũ

બળવું

bəɭ.v.ũ

બાળવું

baɭ.v.ũ

પડવું

pəɖ.v.ũ

પાડવું

pəɖ.v.ũ

મરવું

mər.v.ũ

મારવું

mar.v.ũ

તરવું

tər.v.ũ

તારવું

tar.v.ũ

વળવું

vəɭ.v.ũ

વાળવું

vaɭ.v.ũ

એ જ રીતે નીચેનાં ઉદાહરણો જુઓ. એમાં મૂળમાં આવતો -અ- -એ- બને છે.

ઊકલવું

ukəl.v.ũ

ઊકેલવું

ukel.v.ũ

ઊછરવું

ucʰər.v.ũ

ઊછેરવું

ucʰer.v.ũ

ઊલચવું

uləcʰə.v.ũ

ઊલેચવું

ulecʰə.v.ũ

ઊખળવું

ukʰəɭ.v.ũ

ઊખેળવું

ukʰeɭ.v.ũ

ઊખડવું

ukʰəɖ.v.ũ

ઊખેડવું

ukʰeɖ.v.ũ

આ ઉપરાંત એવા પણ શબ્દો છે જેમાં કેવળ સ્વર જ નહીં, એક સ્વર અને એક વ્યંજન બન્ને બદલાતાં હોય છે. દાખલા તરીકે:

તૂટવું

tuʈ.v.ũ

તોડવું

toɖ.v.ũ

ફૂટવું

pʰuʈ.v.ũ

ફોડવું

pʰoɖ.v.ũ

છૂટવું

cʰuʈ.v.ũ

છોડવું

cʰoɖ.v.ũ

કેટલાંક ક્રિયાપદોનાં મૂળમાં આવેલો -ટ- -ડ- બનતો હોય છે. જેમ કે:

ફાટવું

pʰaʈ.v.ũ

ફાડવું

pʰaɖ.v.ũ

ચોંટવું

coʈ.v.ũ

ચોંડવું

coɖ.v.ũ

એ જ રીતે ‘ફિટવું’ જેવા અકર્મક ક્રિયાપદના મૂળમાં આવતા -ઈ- અને -ટ- અનુક્રમે -એ- અને -ડ-માં ફેરવાઈ જઈને ‘ફેડવું’ જેવું સકર્મક ક્રિયાપદ બનાવતા હોય છે.

          આ ઉપરાંત પણ આવાં બીજાં કેટલાંક ઉદાહરણો આપણને મળી આવશે. પણ આ બધ્ધાંજ ઉદાહરણોમાં, આપણે જોયું એમ, અકર્મક ક્રિયાપદનું મૂળ બદલાતું હોય છે. આ પ્રક્રિયામાં આપણે એમને કોઈ પ્રત્યય લગાડતા નથી.

          એ જ રીતે ગુજરાતીમાં પ્રેરક ક્રિયાપદો બનાવતી વખતે પણ આપણે સાદાં અંગોને કેટલાક પ્રત્યયો લગાડતા હોઈએ છીએ. ભાષાશાસ્ત્રીઓ બે પ્રકારના પ્રેરક પ્રયોગોની વાત કરતા હોય છે. એક તે રૂપતંત્ર (morphology) કે વાક્યતંત્ર (syntax) સાથે સંકળાયેલા અને બીજા તે અર્થવિન્યાસ (sematics) સાથે સંકળાયેલા. ગુજરાતીમાં રૂપતંત્ર સાથે સંકળાયેલા પ્રેરક પ્રયોગો છે. જો કે, એનો અર્થ એવો નથી કરવાનો કે ગુજરાતીમાં અર્થવિન્યાસ સાથે સંકળાયેલા પ્રેરક પ્રયોગો નથી. પ્રબોધ પંડિતે જનરેટીવ અર્થવિન્યાસના સિદ્ધાન્તોને ધ્યાનમાં રાખીને પ્રેરક પ્રયોગો પર કામ કર્યું છે.

          આ પ્રેરક પ્રયોગોએ હકીકતમાં તો ભાષાવિજ્ઞાનના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. ચોમ્સકીએ શરૂઆતમાં અર્થના ઘટકને બાજુ પર મૂક્યો ત્યારે એમને પડકારનારા જે ભાષાશાસ્ત્રીઓ હતા એમણે પ્રેરક પ્રયોગોની પણ મદદ લીધેલું. એમણે કહેલું કે kill એક પ્રેરક ક્રિયાપદ છે. કેમ કે એમાં આપણે કોઈકને મરવા માટે ‘પ્રેરતા’ હોઈએ છીએ. આ એક ટેકનીકલ મુદ્દો છે. એટલે હમણાં તો એની ચર્ચા બાજુ પર રાખીશું.

          ગુજરાતીમાં બે પ્રકારના પ્રેરક પ્રયોગો છે: પ્રેરક અને દ્વિતીય પ્રેરક. આપણે ગૂંચવાઈ ન જઈએ એ માટે એમને માટે અનુક્રમે ‘પ્રેરક-૧’ અને ‘પ્રેરક-૨’ સંજ્ઞા વાપરીશું.

          પ્રેરક-૧ બનાવવા માટે આપણે -આવ્, -અવ્, -રાવ્/-ડાવ્ અને -આડ્ જેવા પરપ્રત્યયોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે:

-આવ્

સાદું

પ્રેરક:૧

હસવું

həs.vũ

હસાવવું

həs.av.vũ

રડવું

rəɖ.vũ

રડાવવું

rəɖ.av.vũ

ઉડવું

uɖ.vũ

ઉડાડવું

uɖ.av.vũ

દાટવું

daʈ.vũ

દટાવવું

dəʈ.av.vũ

કાપવું

kap.vũ

કપાવવું

kəp.av.vũ

-અવ્

સાદું

પ્રેરક:૧

ગાજવું

gaj.vũ

ગજવવું

gəj.əv.vũ

ચાલવું

chal.vũ

ચલવવું

chəl.əv.vũ

ભુલવું

bʰul.vũ

ભુલવવું

bʰul.əv.vũ

શિખવું

sʰikʰ.vũ

શિખવવું

sʰikʰ.əv.vũ

લાજવું

laj.vũ

લજવવું

ləj.av.vũ

-રાવ્/-ડાવ્

સાદું

પ્રેરક:૧

ખાવું

kʰa.vũ

ખવરાવવું

ખવડાવવું

kʰəv.rav.vũ

kʰəv.ɖav.vũ

પીવું

pi.vũ

પીવરાવવું

પીવડાવવું

piv.rav.vũ

piv.ɖav.vũ

ગાવું

ga.vũ

ગવરાવવું

ગવડાવવું

gəv.rav.vũ

gəv.ɖav.vũ

લેવું

le.vũ

લેવરાવવું

લેવડાવવું

lev.rav.vũ

lev.ɖav.vũ

રોવું

ro.vũ

રોવરાવવું

રોવડાવવું

rov.rav.vũ

rov.ɖav.vũ

-રાવ્/-ડાવ્ પ્રાદેશિક ભેદો છે એવું હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’માં નોંધ્યું છે.

-આડ્

સાદાં

પ્રેરક:૧

લટકવું

ləʈək.vũ

લટકાડવું

ləʈək.aɖ.vũ

ભાગવું

bʰag.vuʰ

ભગાડવું

bʰəg.aɖ.vuʰ

ઘટવું

gʰəʈ.vũ

ઘટાડવું

gʰəʈ.aɖ.vũ

વિતવું

vit.vũ

વિતાડવું

vit.aɖ.vũ

જમવું

jəm.vũ

જમાડવું

jəm.aɖ.vũ

ગુજરાતી ભાષા પરનાં પુસ્તકોએ સાદાં અંગોમાંથી પ્રેરક:૧ બનાવવા માટેના બીજા કેટલાક પ્રત્યયો પણ નોંધ્યા છે.

          જેમ સાદાં અંગોમાંથી પ્રેરક:૧ બનાવવામાં આવે છે એમ પ્રેરક:૧માંથી પ્રેરક:૨ અંગો પણ બનાવવામાં આવે છે. એ માટે મોટે ભાગે જો પ્રેરક:૧માં -આવ્ હોય તો પ્રેરક:૨માં -ડાવ્ અને -ડાવ્ હોય તો -આવ્ પ્રત્યયો વપરાય છે. જેમ કે:

-આવ્ (પ્રેરક:૧)

પ્રેરક:૧

પ્રેરક:૨

હસાવવું

həs.av.vũ

હસાવડાવવું

həs.av.ɖav.vũ

રડાવવું

rəɖ.av.vũ

રડાવડાવવું

rəɖ.av. ɖav.vũ

ઉડાડવું

uɖ.av.vũ

ઉડાવડાવવું

uɖ.av. ɖav.vũ

દટાવવું

dəʈ.av.vũ

દટાવડાવવું

dəʈ.av. ɖav.vũ

કપાવવું

kəp.av.vũ

કપાવડાવું

kəp.av. ɖav.vũ

-ડાવ્ (પ્રેરક:૧)

પ્રેરક:૧

પ્રેરક:૨

લટકાડવું

ləʈək.aɖ.vũ

લટકાડાવવું

ləʈək.aɖ.av.vũ

ભગાડવું

bʰəg.aɖ.vuʰ

ભગાડાવવું

bʰəg.aɖ.av.vuʰ

ઘટાડવું

gʰəʈ.aɖ.vũ

ઘટાડાવવું

gʰəʈ.aɖ.av.vũ

વિતાડવું

vit.aɖ.vũ

વિતાડાવવું

vit.aɖ.av.vũ

જમાડવું

jəm.aɖ.vũ

જમાડાવવું

jəm.aɖ.av.vũ

આમાંનાં કયાં ક્રિયાપદો વપરાય છે ને કયાં નથી વપરાતાં અને જે વપરાય છે એમનું વાક્યતંત્ર, એમનો અર્થવિન્યાસ તથા એમનો વ્યવહારું ઉપયોગનાં કયાં સ્વરૂપ છે એ એક તપાસનો વિષય છે. અહીં મારો આશય કેવળ આખ્યાતિક અંગોનાં સાધિત સ્વરૂપો બતાવવા પૂરતો મર્યાદિત છે. એવાં પણ ઘણાં ક્રિયાપદો હશે જેનાં પ્રેરક સ્વરૂપો ન પણ બનતાં હોય. અને જો બનતાં હોય તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં.

          આજ રીતે, સાદાં તથા સાધિત (સકર્મક અને પ્રેરક) અંગોમાંથી કર્મણિ (passive) અંગો પણ બનાવવામાં આવતાં હોય છે. ગુજરાતીમાં passive એક તપાસનો વિષય છે. કેમ કે આપણી પાસે જેમ અંગ્રેજીમાં એવાં passive નથી. આપણી પાસે જે passive છે એમાંનાં મોટા ભાગનાં passive ‘ક્ષમતા’નો અર્થ પ્રગટ કરતાં હોય છે. જેમ કે, હું એમ કહું કે ‘મારાથી કરી ખવાઈ’ ત્યારે હું ‘A mango was eaten by me’નો ભાવ વ્યક્ત નથી કરતો. હું મારામાં આવેલી કેરી ખાવાની ક્ષમતાની વાત કરતો હોઉં છું. એક પૂર્વધારણા પ્રમાણે આપણે ‘મેં કેરી ખાધી’ જેવી રચનાઓ વિકસાવી એ સાથે જ અંગ્રેજીમાં છે એવી passive વાક્યરચનાઓ બનાવવાની વ્યવસ્થાનું પણ બલિદાન આપવું પડ્યું. આ વિશે ઐતિહાસિક ભાષાશાસ્ત્ર આપણને વધારે કહી શકે. જો કે, એનો અર્થ એવો નથી કરવાનો કે ગુજરાતીમાં passive કહી શકાય એવી રચનાઓ બિલકુલ નથી. કેટલીક છે ખરી અને એ પણ એક માન્યતા પ્રમાણે અંગ્રેજીના પ્રભાવ હેઠળ વિકસી છે. આ પણ એક તપાસનો વિષય છે.

          આખ્યાતિક અંગોમાંથી passive અંગો બનાવવા માટે આપણે -આ પ્રત્યય વાપરીએ છીએ. દા.ત.

અંગ

Passive

કાપવું

kap.vũ

કપાવું

kəp.a.vũ

કપાવવું

kəp.av.vũ

કપાવાવું

kəp.av.a.vũ

કપાવડાવવું

kəp.av.ɖav.vũ

કપાવાડાવું

kəp.av.ɖav.a.vũ

હસવું

həs.vũ

હસાવું

həs.a.vũ

          ઘણા વાચકોએ નોંધ્યું હશે કે પ્રેરક બનાવતા કે passive બનાવતા પ્રત્યયો લાગ્યા પછી કેટલાંક આખ્યાતિક અંગોના ધ્વનિતાંત્રિક સ્વરૂપમાં ફેરફારો આવે છે. જેમ કે, ‘ખાવું’નું ‘ખવડાવું’ કરીએ ત્યારે ‘ખા-‘નો ‘ખ-‘ થઈ જાય છે. આ પ્રકારનાં પરિવર્તનો હકીકતમાં તો ધ્વનિવિન્યાસના (phonology) અભ્યાસનો વિષય બને છે. આપણે એની ચર્ચા અહીં ટાળી છે. જેમ ક્યાં ક્રિયાપદો પ્રેરક બની શકે એમ કયાં ક્રિયાપાદો passive બની શકે ને કયાં ન બની શકે એ પણ પ્રત્યક્ષ તપાસનો વિષય છે. જેમ કે, ‘જન્મવું’નું passive ન બની શકે. કોઈ એમ નહીં કહે કે, ‘મારાથી જન્માયું’. આ લેખમાળામાં હું મોટે ભાગે તો પ્રાથમિક વાત કરી કેટલાક પ્રશ્નો/ કેટલીક સમસ્યાઓ પ્રત્યે વાચકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરું છું. આશા રાખું કે કોઈક ભવિષ્યમાં આ બધા પ્રશ્નોના જવાબો/સમસ્યાઓના ઉકેલો શોધશે.

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૨૧ (બાબુ સુથાર)

  1. ખૂબ સ રસ
    પૂછપરછ-પ્રેરક અને પૂછપરછ-રેટરિકલમાં વહેંચવામાં આવે છે.
    ખરેખર પૂછપરછનાં વાક્યોમાં એક એવો પ્રશ્ન હોય છે જે ફરજિયાત જવાબ સૂચવે છે. ઉદાહરણ તરીકે: તમે તમારી ઇચ્છા લખી છે? ; મને કહો, ગણવેશ મારા પર સારી રીતે બેઠો છે.પ્રેરણા આપતા વાક્યો એવા છે જે વક્તાની ઇચ્છાને વ્યક્ત કરે છે. તેઓ વ્યક્ત કરી શકે છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s