હિન્દુ ધર્મ અને સંસ્કૃતીની એક વિશિષ્ટતા એ છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન એન્ડ હિન્દુ સમાજ વગર અસંભવિત છે. આ દૃષ્ટિએ હિન્દુ ધર્મ યહૂદી ધર્મ અને પારસી ધર્મ સાથે સામ્ય છે. આપણા ધર્માચરણમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને મહાશિવરાત્રિ–આ બધા તહેવારોનું ધાર્મિક મહત્ત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે. તેવી જ રીતે આપણા વર્ણશ્રમો અને જ્ઞાતિપ્રથાનું ધાર્મિક અને સાંસ્કૃતિક સત્ત્વ એના સામાજિક સંદર્ભમાં જ છે. આ બાબતમાં સરખામણીએ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મને સામાજિક સંદર્ભની અનિવાર્યતા નથી. આ કારણે આ ત્રણે ધર્મોનો વિશાળ પ્રચાર થઈ શક્યો છે. જુદી જુદી સંસ્કૃતીઓમાં, વિભિન્ન ખંડોમાં અને વિવિધ સમાજવ્યવસ્થાઓમાં આ ત્રણે ધર્મો સહજ જ પાળી શકાય છે. અત્યંત ઔદ્યોગિક અને આધુનિક પશ્ચિમના દેશો હોય કે સંસ્કૃતિસમૃદ્ધ અને સદીઓ જૂના એશિયાના દેશો હોય–આ વિભિન્ન સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વાતાવરણોમાં ખ્રિસ્તી ધર્મ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવું જ ઇસ્લામનું. અને આ જ રીતે બૌદ્ધ ધર્મનો ભારતની બહાર સાવ નિરાળા અને અજાણ્યા દેશોમાં ભવ્ય પ્રચાર થઈ શક્યો.
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને જો સામાજિક સંદર્ભની અનિવાર્યતા હોય તો પછી અમેરિકામાં એ ધર્મ અને સંસ્કૃતિ લાવવા અને પેઢીઓ સુધી જાળવવા માટે આપણે હિન્દુ જીવન લાવવું અને જાળવવું જોઈએ. આ શક્ય છે ખરૂં? આ બાબતનો આકરો અખતરો હરેકૃષ્ણ સંપ્રદાયના અમેરિકન અનુયાયીઓ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તો આ કઠોર પ્રયોગ નાના પાયા ઉપર થઈ રહ્યો છે. આધુનિક અમેરિકન જીવનથી વિમુખ અને અપવાદરૂપ એમનું અસ્તિત્વ વિસ્તરશે કે વિલીન થશે એ વાત ભવિષ્ય જ કહી શકે. પરંતુ અહીંના ભારતીયો હરેકૃષ્ણવાળાઓ સાથે જોડાય એ બહુ સંભવિત દેખાતું નથી. જે હોંશ અને ઉમળકાથી આ ભારતીયો અમેરિકન સુવિધાઓ, સાધનસામગ્રી, સમૃદ્ધ જીવનધોરણ અને સ્વતંત્ર જીવનશૈલી અપનાવે છે અને માણે છે તે બતાવે છે કે આપણે હરેકૃષ્ણ ધર્મના આકરા જીવનને દૂરથી જ નમસ્કાર કર્યા છે.
(૧૬)
અધકચરા પ્રયત્નો
અનેકવિધ સામાજિક મંડળો, ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ અમેરિકામાં લાવવા અને જાળવવા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે પણ મુખ્યત્વે ઉપરછલ્લા અને અધકચરા છે. આ બધામાં આ ભારતીયોના વિદેશવાસનાં વલખાં સિવાય બીજું બહુ ઓછું છે. દેશમાં જે પૂજાપાઠ કરતા તે અહીં કરવા અને ત્યાં જે સાધુ-મહારાજોને સાંભળતા તેમને અહીં બોલાવીને સાંભળવા એમાં જ એમની ધર્મભક્તિ સમાઈ જાય છે. દેશમાં જેટલા વાડા, પંથ અને પેટા પંથ છે તેટલા અહીં ઊભા થયા છે. એક અધિધર્મ તરીકે હિન્દુ ધર્મમાં જે સહિષ્ણુતા અને ઔદાર્ય છે અને હિન્દુ ધર્મનું રહસ્ય તો જીવનના આચરણમાં છે, નહીં કે અંધાનુકરણે થતા ક્રિયાકાંડમાં, એવી સમજૂતી અહીં ભાગ્યે જ જોવા મળે છે.
જેવું ધર્મનું તેવું જ ભારતીય સંસ્કૃતિનું. રાસગરબા, ભાંગડા, ભારતીય ફિલ્મો અને ફિલ્મી ગીતોમાં જ જાણે કે ભારતીય સંસ્કૃતિ સમાઈ ગઈ હોય એવી અહીંના ભારતીયોની સમજ છે. છાશવારે થતા અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આથી વિશેષ ભાગ્યે જ કંઈ હોય છે. શનિ-રવિએ થતી પાર્ટીઓમાં વિડિયો ઉપર બધાં સાથે બેસીને દેશની ફિલ્મો જુએ અને એ ફિલ્મોમાંથી ભારતીય સંસ્કૃતીનો પરિચય મળે છે એમ માનીને પોતાનાં સંતાનોને એ ફિલ્મો બતાવે! જ્યારે અહીંની મહાન યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અમેરિકનો દ્વારા ભારતીય સંસ્કૃતિ સમજવા અને સમજાવવા જે પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી આપણા ભારતીયો મોટા ભાગે અજાણ હોય છે. આટલી ભણેલીગણેલી અને સંપન્ન પ્રજા શિષ્ટ સાહિત્ય અને સંસ્કૃતિથી આટલી બધી વિમુખ કેમ રહે છે તે સમાજશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય બની રહે એવો મોટો પ્રશ્ન છે.
જે દેશ છોડીને અહીં રોટલો રળવા આવ્યા તે દેશની યાદ જરૂર આવે પરંતુ એ દેશની પરિસ્થિતિને સમજવા ભાગ્યે જ પ્રયત્ન થાય છે. પાર્ટીઓમાં ભારત વિષે અચૂક વાતો થાય, પણ તેમાં મુખ્યત્વે સ્વાનુભવની, અધકચરા વિચારો અને અડધીપડધી સમજવાળી વાતો હોય. દેશની ગંદકી, લાંચરુશવત, રાજકારણનો સડો, આગળ વધવા માટે જરૂરી લાગવગ અને દેશની ફિલ્મી દુનિયા વગેરે વિશેની ઉપરછલ્લી વાતો જ એમની ગોષ્ઠી સમાઈ જાય છે. દેશ વિદેશનું એમનું નિદાન સામાન્ય રીતે આકરું જ હોય છે, પણ જો દેશની ટીકા કરતા લેખ સ્થાનિક છાપાંઓમાં આવે છે, તો તે તો તેમને માટે અસહ્ય બની જાય છે. તમામ અમેરિકન મીડિયા (લોકસંપર્કના સાધનો) ભારતવિરોધી છે એવો તત્કાલ આક્ષેપ કરે છે. અને પછી અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિષે સખ્ત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબ વ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે. જન્મભૂમિ ભારત તેમ જ કર્મભૂમિ અમેરિકા માટે આ ભારતીયોનું વલણ આવું ઉગ્ર અને ટીકાપૂર્ણ કેમ હોય છે તે માનસશાસ્ત્રીઓ માટે વિચારણીય પ્રશ્ન બની રહે તેટલું નોંધપાત્ર છે.
2 thoughts on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)”
આટલી ભણેલીગણેલી અને સંપન્ન પ્રજા શિષ્ટ સાહિત્ય અને સંસ્કૃતિથી આટલી બધી વિમુખ કેમ રહે છે? અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિષે સખ્ત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબ વ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે આ દુઃખદ વાતનુ નિરાકરણ થતું દેખાય છે તે નવી આશા જન્માવે છે
આટલી ભણેલીગણેલી અને સંપન્ન પ્રજા શિષ્ટ સાહિત્ય અને સંસ્કૃતિથી આટલી બધી વિમુખ કેમ રહે છે? અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિષે સખ્ત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબ વ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે આ દુઃખદ વાતનુ નિરાકરણ થતું દેખાય છે તે નવી આશા જન્માવે છે
LikeLike
usa bad country why should come in this country? stay on india.
LikeLike