ભાષાને શું વળગે ભૂર – ૨૨ (બાબુ સુથાર)


ગુજરાતીમાં આજ્ઞાર્થ

ક્રિયાપદોને આપણે કાં તો infinitive સાથે વાપરી શકીએ (જેમ કે, ‘મારું આવવું), કાં તો infinitive વગર. જ્યારે આપણે infinitive વગર વાપરીએ ત્યારે આપણે infinitiveની જગ્યાએ બીજી કોઈક સામગ્રી વાપરવી પડે. એ સામગ્રી આજ્ઞાર્થવાચક વ્યવસ્થા, કાળ/અવસ્થા/વૃત્તિવાચક વ્યવસ્થા કે કૃદંતવાચક વ્યવસ્થા સાથે પણ સંકળાયેલી હોઈ શકે. આ લેખમાં આપણે આજ્ઞાર્થવાચક વ્યવસ્થાની વાત કરીશું.

          ગુજરાતીમાં આપણે વર્તમાન આજ્ઞાર્થ અને ભાવિ આજ્ઞાર્થ એમ બે પ્રકારનાં આજ્ઞાર્થ વચ્ચે ભેદ પાડતા હોઈએ છીએ. એમાંના વર્તમાન આજ્ઞાર્થમાં આપણે એકવચન અને બહુવચન જેવો ભેદ પણ પાડતા હોઈએ છીએ. એટલું જ નહીં, બહુવચન પણ કાં તો વચનભેદ દર્શાવે, કાં તો માન/અપમાનભેદ દર્શાવે. દા.ત. નીચેનાં ઉદાહરણો જુઓ:

(૧) (તું) બેસ.

(૨) (તમે) બેસો.

અહીં (૧) અને (૨) બન્નેમાં આપણે infinitive -વું પડતું મૂક્યું છે અને એની જગ્યાએ (૧)માં એકવચનનો શૂન્ય પ્રત્યય અને (૨)માં બહુવચનનો -ઓ પ્રત્યય વાપર્યો છે.

રસ પડે એવી વાત એ છે કે આ બન્ને પ્રકારનાં વાક્યોને આપણે વ્યવહારમાં અલગ અલગ અર્થ વ્યક્ત કરવા માટે વાપરતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈને કહીએ કે ‘તું બેસ’ અને જો એ વ્યક્તિ આપણા કરતાં ઉમરમાં મોટી હોય તો ‘તું બેસ’ કાં તો અપમાનનો ભાવ પ્રગટ કરે, કાં તો વહાલનો. ઘણાં સંતાનો એમની માતાને ‘તું’ કહેતાં હોય છે. એ સંતાનો જ્યારે માતાને ‘તું બેસ’ કહે ત્યારે એમાં વહાલનો ભાવ વ્યક્ત થતો હોય છે.

એ જ રીતે, આપણે જ્યારે ‘તમે બેસો’ કહીએ ત્યારે આપણે કાં તો એક કરતાં વધારે વ્યક્તિઓને બેસવાનું કહેતા હોઈએ છીએ અથવા તો આપણે કોઈકને માન આપવા માટે એમ કહેતા હોઈએ છીએ. પણ, જો આપણે આપણા કરતાં નાની ઉંમરની વ્યક્તિને ‘બેસો’ કહીએ ત્યારે કાં તો આપણે એનું અપમાન કરતા હોઈએ છીએ, કાં તો એના પરત્વે અણગમાનો ભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ.

          જેમ વર્તમાનમાં એમ ગુજરાતીમાં ભવિષ્યકાળમાં પણ આજ્ઞાર્થની વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં પણ આપણે infinitive પડતું મૂકીએ છીએ અને એની જગ્યાએ એક વચનમાં -જે અને બહુવચનમાં -જો વાપરતા હોઈએ છીએ. જેમ કે:

(૩) (તું) બેસજે.

(૪) (તમે) બેસજો.

અહીં પણ, જેમ વર્તમાનમાં બને છે એમ એકવચન અને બહુવચન નિયમિત અર્થ ઉપરાંત વહાલ અને અપમાનનો અર્થ પણ પ્રગટ કરતાં હોય છે.

          આપણે વર્તમાનકાળનાં અને ભવિષ્યકાળનાં આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ વિનંતીનો ભાવ વ્યક્ત કરવા માટે પણ કરી શકીએ. જેમ કે:

(૫) (તું) બેસને.

(૬) (તમે) બેસોને.

(૭) (તું) બેસજેને.

(૮) (તમે) બેસજોને.

એટલું જ નહીં, આ વિનંતીભાવ બતાવતાં વાક્યોમાં આપણે ‘જરા’ ઉમેરીને એમને વધારે વિવેકી (polite) પણ બનાવી શકીએ. દા.ત.

(૯) (તું) બેસને જરા.

(૧૦) (તમે) બેસોને જરા.

(૧૧) (તું) બેસજેને જરા.

(૧૨) (તમે) બેસજોને જરા.

          હું માનું છું કે ગુજરાતી આજ્ઞાર્થ વાક્યોમાં પ્રગટ થતાં  વિવેકને (politeness) આપણે: lower અને higher એમ  બે સ્તરમાં વહેંચી નાખવો જોઈએ.  કેમ કે, હજી પણ એવાં વાક્યો છે જે કેવળ બહુવચન/માનવાચક અર્થ પ્રગટ કરવા માટે જ વપરાય છે. આવાં વાક્યોને હું higher levelમાં મૂકું છું: જેમ કે:

(૧૩) રમોજી

(૧૪) પધારો જી

(૧૫) રમજો જી.

(૧૬) પધારજો જી.

આવાં વાક્યોની હજી પ્રત્યક્ષ તપાસ થઈ નથી. જો થાય તો આપણને એમના પરનાં નિયંત્રણો વિશે વધુ જાણવા મળે. જેમ કે, આપણે કોઈને ‘મરજો જી’ ન કહી શકીએ. એ જ રીતે, ‘ખાજો જી’ પણ ન કહી શકીએ. એને બદલે આપણે ‘જમજો જી’ કહેવું પડે. એ જ રીતે, ‘આવો જી’ને બદલે ‘પધારો જી’નું પણ સમજવું.

          જેમ વિનંતી કે વિવેકનો ભાવ પ્રગટ કરવા માટેની વ્યવસ્થા છે એમ ગુજરાતીમાં આશિર્વાદ વ્યક્ત કરવાની પણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા પણ વર્તમાન અને ભવિષ્યકાળની વચ્ચે ભેદ પાડે છે. જેમ કે:

(૧૫) ભગવાન તારું/તમારું ભલું કરે.

(૧૬) ભગવાન તારું/તમારું ભલું કરશે.

આપણે જોઈ શકીએ છીએ કે અહીં કાળનો ઉપયોગ કરીને આશિર્વાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

          આવું જ વિનંતીવાચક વાક્યોમાં પણ બને છે. જેમ કે, (૧૭) અને (૧૮) વાક્યો લો:

(૧૭) મને તારું/તમારું પુસ્તક આપ/આપો

(૧૭) મને તારું/તમારું પુસ્તક આપશે/આપશો?

(૧૭) અને (૧૮)માં પણ આપણે કાળયોજનાનો ઉપયોગ કરીને વિનંતીવાચક વાક્યો બનાવ્યાં છે. આ જ વાક્યોને આપણે હજી વધારે વિવેકી બનાવી શકીએ.

(૧૯) મને તારું/તમારું પુસ્તક આપને/આપોને

(૨૦) મને તારું/તમારું પુસ્તક આપશેને/આપશોને?

(૨૧) મને તારું/તમારું પુસ્તક આપને જરા/આપોને જરા.

(૨૨) મને તારું/તમારું પુસ્તક આપશે જરા/આપશો જરા?

          આજ્ઞાર્થભાવની જેમ પરવાનગીભાવ બતાવવા માટે પણ આપણે infinitive વગરનાં ક્રિયાપદો વાપરતા હોઈએ છીએ. જો કે, એમ કરતી વખતે આપણે ક્રિયાપદની સાથે -ને પ્રત્યય લગાડતા હોઈએ છીએ. જેમ કે:

(૨૩) આવને.

(૨૪) આવોને

(૨૫) આવજેને.

(૨૬) આવજોને.

આશિર્વાદ, પરવાનગીભાવ અને વિનંતીવાચક વાક્યોને આજ્ઞાર્થમાં મૂકવાં કે નહીં એ એક અલગ મુદ્દો છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ, આવાં વાક્યોના એમના વ્યવહારિક ઉપયોગને ધ્યાનમાં લઈને આજ્ઞાર્થમાં મૂકતા હોય છે. કેમ કે, આ પ્રકારનાં વાક્યો આજ્ઞાર્થ વાક્યોની વધારે નજીક હોય છે.

          ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્યો કઈ રીતે કામ કરે છે એ હજી પણ એક વણખેડાયેલું ક્ષેત્ર રહ્યું છે. કયાં ક્રિયાપદો આજ્ઞાર્થમાં ભાગ લે અને કયાં ન લે એ વિશે હજી આપણે સ્પષ્ટ નથી. જેમ કે, આપણે કોઈને ‘રડ’ કે ‘રડો’, ‘રડજે’ કે ‘રડજો’ અને એ જ રીતે, ‘હસ’ કે ‘હસો’ કે ‘હસજે’ કે ‘હસજો’ ન કહી શકીએ, જો કે, ખાસ સંજોગોમાં આપણે આવાં ક્રિયાપદો વાપરી શકીએ ખરા. નાટકના કે સિનેમાના દિગ્દર્શક અભિનેતા કે અભિનેત્રીને કહી શકે કે આ દૃશ્યમાં ‘તું રડજે’ અને ભલો હશે તો એ માટે જે તે અભિનેતા કે અભિનેત્રીને શુભેચ્છા પણ પાઠવશે. ‘વિચારવું’ જેવાં ક્રિયાપદોનો ઉપયોગ કરીને આપણે કોઈને કહી શકીએ કે ‘તું વિચારજે’. પણ આપણે એમ ન કહી શકીએ કે ‘કાલે સાડા દસ વાગે તું વિચારજે.’ એની જગ્યાએ, ‘કાલે સાડા દસ વાગે આવજે’ કહી શકાય. બરાબર એમ જ, પ્રેરક ક્રિયાપદો આજ્ઞાર્થમાં ભાગ લે ખરાં પણ એમના પર પણ ચોક્કસ એવાં નિયંત્રણો હશે. ‘કાપ’, ‘કપાવ’, ‘કપાવડાવ’માં કશું ખોટું નથી. પણ એની સામે છેડે passive ક્રિયાપદો કદી પણ આજ્ઞાર્થમાં ભાગ નથી લેતાં. આપણે કોઈને એમ નહીં કહી શકીએ કે ‘ખવાય’. જો કે, પરવાનગી આપવામાં આપણે passive વાપરી શકીએ. જેમ કે, “મારાથી ભાત ખવાય?” “હા, ખવાય.” પણ અહીં એક પ્રશ્ન તો થવાનો કે આવાં પરવાનગીવાળાં ક્રિયાપદોને આપણે કઈ રીતે મૂલવવાં જોઈએ.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૨૨ (બાબુ સુથાર)

 1. પરવાનગી દર્શાવતી ક્રિયાપદો
  મોડલ ક્રિયાપદ આ સૂચિ તરફ દોરી શકે છે, પરંતુ, તેમાં મંજૂરી હોઈ શકે છે, (કદાચ) પણ ઉમેરવામાં આવી શકે છે.
  ઉદાહરણ તરીકે:
  શું હું એક દિવસનો રજા લઈ શકું છું?
  ના, તમે કરી શકતા નથી. આજે આપણી પાસે ઘણું બધું કરવાનું છે.
  વધુ નમ્ર સ્વરૂપ આપવા માટે, મોડલ ક્રિયાપદનો ઉપયોગ થઈ શકતો હતો.
  તમે આ કાગળો વિતરિત કરી શકો છો?
  શું તમે આ કાગળો આપી શકશો?
  તમે મને જગાડી શકશો?
  તમે મને જગાડી શકશો?
  મોડલ ક્રિયાપદના વિશે, તે વધુ સત્તાવાર સ્વરનો સંદર્ભ આપે છે અને તેનો ઉપયોગ ઘણી વાર થાય છે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s