અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                         (૧૭)

અમેરિકન મેલ્ટિંગ પોટ

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય છે?  પોતે ક્યાં સુધી ભારતીય જ રહેશે અને પોતાના તથા સંતાનોના અમેરિકીકરણમાં પોતે કેવો ભાગ ભજવશે?  અમેરિકીકરણ અનિવાર્ય હોવા છતાં દરેક ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢીએ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને જીવનરીતિ જાળવી રાખવા પ્રયત્નો જરૂર કર્યા જ છે.  ગઈ સદીમાં આવેલા ઈમિગ્રન્ટ્સ લોકોએ પોતાની આગવી વસાહતો પણ સ્થાપવા પ્રયત્નો કરેલા. 1818ના ગાળામાં આઈરીશ ઈમિગ્રન્ટ્સ વધી ગયેલા ત્યારે તેમાંના નિરાશ્રિતો ઠેકાણે પડે એટલા માટે ન્યૂ યોર્ક અને ફિલાડેલ્ફિયાનાં હિતવર્ધક મંડળોએ આઈરીશ પ્રજાને પોતાની આગવી જગ્યા અપાવવા માટે અમેરિકન સરકારને અરજી કરેલ.  અમેરિકાના પશ્ચિમ પ્રદેશમાં વિશાળ જમીન સાવ ખાલી પડી હોવા છતાં સરકારે આ કામ માટે જમીન આપવાની ના પાડી.  અમેરિકન ઈમિગ્રશનના ઇતિહાસમાં આ એક અગત્યનો બનાવ હતો.

આ નકારાત્મક નિર્ણય દ્વારા કોંગ્રેસે એક વાત સ્પષ્ટ કરી કે આ દેશમાં કોઈ પણ વંશની પ્રજા પોતાના જુદા દેરાતંબૂ બાંધે અને પોતાનો જુદો ધજાગરો ફરકાવે એ કોંગ્રેસને અમાન્ય હતું.  પેન્સિલવેનિયા અમુક વિસ્તારોમાં જ્યારે જર્મન ઈમિગ્રન્ટ્સ ખડકાવા મંડ્યા ત્યારે અમેરિકાના વયોવૃદ્ધ સંસ્થાપક બેન્જામિન ફ્રેન્કલિન અને અન્ય મોવડીઓએ પણ ચેતવણી આપેલ, “અમેરિકામાં અમેરિકનો માટે જ છે.  ઈટાલિયન, જર્મન, ડચ, આઈરીશ વગેરે વિવિધ પ્રજાઓએ પોતાની વંશગત વિશિષ્ટતા વેગળી કરીને અમેરિકામાં એકરસ થવું ઘટે.”  યુરોપના ખૂણે ખૂણેથી આવેલ પ્રજાઓ અમેરિકન ભઠ્ઠી (મેલ્ટિંગ પોટ)માં ઊકળી ઊકળીને આ રીતે એકરસ થઈને અમેરિકન બની.

                                             (૧૮)

 

બિનગોરી પ્રજાનું શું?

પરંતુ આ તો યુરોપિયન લોકોની વાત થઈ.  એ ગોરી પ્રજા અમેરિકામાં જે રીતે એકરસ થઈ શકી તે રીતે આપણી બિનગોરી ભારતીય પ્રજા અમેરિકામાં એકરસ થઈ શકે ખરી?  અને જો બહુમતિ ગોરી પ્રજા સાથે આવું સંમેલન ન થઈ શકે તો સદાને માટે એક બિનગોરી લઘુમતિ તરીકે રહેવું તે હિતાવહ ખરૂં કે?  આ બાબતમાં અહીંની આફ્રિકામાંથી લવાયેલી  હબસી પ્રજાનો કરુણ દાખલો આપીને ચેતવણી અપાય છે.  સદીઓના અમેરિકન વસવાટ પછી પણ એ હબસી પ્રજા મોટા ભાગે ગરીબી અને શોષણમાં આજે સબડે છે.

એક એશિયન લઘુમતિ તરીકે આપણા ભારતીયો માટે અહીં વસતી અન્ય એશિયન પ્રજા, મુખ્યત્વે ચાઈનીઝ અને જાપાનીઝ લોકોના દાખલાઓ વધુ યોગ્ય બની રહે.  આ ખંતીલી પ્રજાઓએ દાયકાઓના વસવાટ પછી, પોતે બિનગોરી એશિયન પ્રજાઓ હોવા છતાં પણ, અમેરિકીકરણ સિદ્ધ કર્યું છે.  અને સાથે સાથે પોતાની વંશગત વિશિષ્ટતાઓ જાળવી રાખી છે.  વધુમાં લઘુમતિ પ્રજા હોવા છતાં ફૂલીફાલી છે. શિક્ષણ, સંસ્કૃતિ, ધર્મ, અને વાણિજ્યકૌશલ્ય દૃષ્ટિએ ભારતિયો માટે અહીંની યહૂદી લઘુમતિ કદાચ વધુ યોગ્ય દૃષ્ટાંત પૂરું પાડે છે.  પણ એ ગોરી લઘુમતિ છે.  જેટલી ઝડપથી યુરોપીય પ્રજા અહીં એકરસ થઈ એટલી ઝડપથી બિનગોરી એશિયન પ્રજા અમેરિકામાં એકરસ ન જ થઈ શકે એ નિર્વિવાદ વાત છે. છતાં જે રીતે હબસીઓ આ સમાજના મુખ્ય પ્રવાહોથી બહુધા વેગળા રહ્યા છે તેમ આપણા ભારતીયો નહીં રહે તે પણ નિર્વિવાદ વાત છે.

1 thought on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

  1. આ ખંતીલી પ્રજાઓએ દાયકાઓના વસવાટ પછી, પોતે બિનગોરી એશિયન પ્રજાઓ હોવા છતાં પણ, અમેરિકીકરણ સિદ્ધ કર્યું છે. ‘ અને હજુ પણ વધુ સિધ્ધ થશે તેવા ચિહ્નો દેખાય છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s