ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)


(૯) મૂળ કથાનકમાં પોતીકી પ્રતિભા

ચારણી કથાસાહિત્ય સમૂહ સમક્ષ રજૂ કરવા માટેનું સાહિત્ય છે. એનું પઠન વિશિષ્ટ પ્રકારની કેળવણી અને આવડતથી જ કરી શકાય. આ માટે ચારણી સાહિત્યની રજૂઆતની અનેક પાઠશાળાઓ પણ અસ્તિત્વ ધરાવતી હતી, જ્યાં આ ધારાના સાહિત્યને પ્રસ્તુત કરવાના તમામ તરીકાઓ, રીત-રસમો અને પધ્ધતિઓ શિખવવામાં આવતાં, અને બહુધા એ બધું કંઠસ્થ કરાવવામાં આવતું. આ પ્રાચીન પરંપરાથી પરિચિત થયા સિવાય ચારણી સાહિત્યનું ન્યાયી મૂલ્યાંકન કર્યું ન ગણાય. કચ્છ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પાઠશાળાઓ દ્વારા અનેક કવિઓ કાવ્યસર્જન અને કાવ્ય રજૂઆતમાં નિપુણતા મેળવીને પ્રખ્યાત થયાના ઉદાહરણો મળે છે.

ચારણી-સાહિત્યની લિખિત પ્રત એક અર્થમાં સંપૂર્ણ ન કહી શકાય, એની રજૂઆત સમયનો રારોહ-અવરોહ, નાદવૈભવ, લહેકો, મુખ અને હાથના હાવભાવ દ્વારા વાતાવરણ નિર્માણ અને ભવપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા અર્થ નિષ્પતિ ભાવક ચિત્તમાં રોપાતી હોય છે. એટલે ચારણી કથા સાહિત્યમાં સાહિત્ય ઉપરાંત કળાસ્વરૂપ પણ છે. રેડિયો નાટકની સ્ક્રીપ્ટ વાંચવાથી એનો ખરો મર્મ ચિત્તમાં ન રોપાય; પરંતુ જ્યારે એ રેડિયો પરથી પ્રસારિત થતું હોય ત્યારે પાત્રોના સંવાદોનું આરોહ-અવરોહ સહિતનું પઠન, સંગીત તત્વ, વિવિધ ધ્વનિઓ વગેરેને કારણે મૂળ ભાવપૂર્ણ અર્થ શ્રોતાના મનમાં રોપાય છે.

ચારણી કથાસાહિત્યના સર્જનાત્મક સંદર્ભે કેટલાંક ચોક્કસ પ્રકારના ધારાધોર્ણો, નીતિનિયમો વગેરે પાઠશાળામાં શિખવવામાં આવતાં. એવું જ પ્રસ્તુતિકરણના સંદર્ભે હતું. આ પરંપરાનું પરિણામ વિપુલ એવું ચારણી સાહિત્ય-કથાસાહિત્ય છે. ચારણ સર્જકોએ આ સાહિત્યને બહુધા કુળપરંપરાના ભાગરૂપે અપનાવ્યું છે, પરિણામે એમાં સમર્પણભાવ વિશેષ દૄષ્ટિગોચર થાય છે. ફલતઃ અત્યંત પ્રભાવશીલ, રસપ્રદ તથા ભાવોત્તેજક એવું રૂપ આ ધારાના સાહિત્યને સાંપડ્યું છે.

કોઈને કોઈ રાજવી સાથે આ સાહિત્યના સર્જકો નિકટના સંબંધે સંકળાયેલા હતા. અને એવા રાજવીઓ દ્વારા ચારણસર્જકોનું અને એમનાં સાહિત્યનું સન્માન થયું છે, એમને લાખો રૂપિયાના દાન આપ્યાં છે, પરિણામે એમના ગુણસંકીર્તન આ ધારાના સાહિત્યમાં વિશેષ રૂપે ભળેલાં છે. પરંતુ અત્રે એક બાબત નોંધવી રઃઇ કે ચારણો રાજદરબારોમાં રહેવા છતાં પણ રાજા-મહારાજાઓના મોહતાજ ન હતા. જ્યારે જ્યારે એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે ત્યારે સત્યના ઉપાસક ચારણ સર્જકોએ રાજા-મહારજાઓની ખફગી વહોરી લઈને પણ કટુ સત્યવચન સંભળાવવામાં કોઈની દરકાર રાખી નથી. આથી જ સત્યના ઉપાસક ચારણો રાજદરબારમાં અનન્ય સન્માનના અધિકારી બની રહ્યા હતા. ચારણી-સાહિત્યની આ ધારાના મોટા ગજાના સર્જકોએ વિવેક જાળવી પ્રસંગોપાત જ ગુણસંકીર્તનરૂપ સાહિત્ય સર્જ્યું છે. ભક્તકવિ ઈસરદાસ રોહડિયાના ભાણેજ હરદાસ મિસણ આવા મુઠ્ઠી ઊંચેરા અને મોટા ગજાના સર્જક છે. એમણે કથામૂલક કાવ્યસર્જન કર્યું છે., જેમાં ‘જાલંધરપુરાણ’, ‘ભૃંગીપુરાણ’ અને ‘સંભાપર્વ’ જેવ દીર્ધકથા મૂલક ક્રુતિઓ મળે છે.

1 thought on “ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)

  1. ચારણી સાહિત્ય –ડો. અંબાદાન રોહડિયા
    ‘ રજુઆત સમયનો રારોહ-અવરોહ, નાદવૈભવ, લહેકો, મુખ અને હાથના હાવભાવ દ્વારા વાતાવરણ નિર્માણ અને ભવપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા અર્થ નિષ્પતિ ભાવક ચિત્તમાં રોપાતી હોય છે.’ આને લીધે મનમોહક રહે છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s