સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૦ (ડો. ભરત ભગત)


રાજેન્દ્રભાઈ (ભાવનગર)

ભાવનગર સદ્દવિચાર સેવા ટ્રસ્ટ દરરોજ પાંચસો જેટલાં ટીફીન સત્તર હજાર ટીફીન દાતાઓના સહયોગથી સરકાર હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓને  નિયમિત પહોંચાડે છે.

             “કોઈપણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેને વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે.” આવું શ્રેષ્ઠ વાક્ય વાંચીને મનમાં થયું કે વિચાર આવે છે ક્યાંથી ? સામાન્ય રીતે આંખોથી જે જોઈએ, કાનોથી જે સાંભળીયે, નાકથી જે સુંઘીએ, ત્વચાથી જેનો સ્પર્શ થાય એના સંદેશા મગજને જાય અને તેમાંથી વિચારનો જન્મ થાય. આ વિચારો, જે સતત મનમાં આવતાં જ રહે છે તેનું નિયંત્રણ બુદ્ધિ દ્વારા થાય. કેટલાંક વિચારો ક્ષણજીવી બની રહે છે જયારે કેટલાંક આપણા મનોરાજ્યમાં પ્રસ્થાપિત થઇ જાય છે. બુદ્ધિને માર્ગદર્શન મળે છે અંત:કરણથી એટલે કહી શકાય કે જેનું અંત:કરણ શુદ્ધ હોય તેને સારા વિચારોનું સંકલન કરી સારું શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા મળે. પ્રેરણાના સ્ત્રોત તો રોજબરોજ, બધાને મળતો જ હોય છે પરંતું આપણી દૈનિક ભાગદોડની જિંદગી, પરિવાર અને બીજી જવાબદારીઓની પ્રાથમિકતામાં પ્રેરણાને પૃષ્ટિ મળતી નથી પરિણામે કાર્યો જન્મી જ શકતા નથી. સદ્દભાગ્ય ધરાવનાર કેટલાંક વ્યક્તિવિશેષો આ સ્ફુરણાનો સામાન્ય જીવનમાં સ્વીકાર કરે છે અને શુભ કાર્ય કરી શકે છે.

            આવા જ એક શ્રેષ્ઠ કાર્યનો ૧૯૮૧માં જન્મ થયો ચુનીલાલ ઓધવજીભાઈ શાહના જીવનમાં. તેમની પત્નીને ગંભીર માંદગી માટે ભાવનગરની સર તખ્તસિંહ હોસ્પીટલમાં દાખલ કર્યા. પહેલો દિવસ તો બેચેની અને તણાવથી ભરેલો રહ્યો પરંતું બીજા દિવસે પત્નીને સારું લાગ્યું એટલે એમની નજરે પડ્યા દૂર દૂરથી આવતાં અસંખ્ય  ગરીબ દર્દીઓ અને તેમના સગાઓ. દર્દીઓને તો સરકારી હોસ્પીટલમાંથી જમવાનું મળતું પરંતું સગાનું શું ? એમણે જોયું કે આ બધાં બે – ત્રણ દિવસ જુના કડક થઇ ગયેલા રોટલા અને ડુંગળી ખાઈ રહ્યાં હતાં. આ જોયું એટલે અંતરમાં ઉચાટ થયો. હ્રદય કરુણાથી ઉભરાઈ ગયું અને કંઇક કરવું એવો મનોમન નિર્ણય કર્યો. પેહલું કામ એમણે એ કર્યું કે પોતાના ઘરેથી જ પાંચ – પાંચ ટીફીન મંગાવવા માંડ્યા અને કમ સે કમ પાંચ દર્દીઓના સગાને સરખું ભોજન આપી શક્યા. પત્નીને રજા મળી પરંતું રોજ પાંચ ટીફીન મોકલવાનો એમનો શિરસ્તો યથાવત રહ્યો.

           સારા કામની સુવાસને પ્રસરતા વાર લગતી નથી એમ અહીં પણ થયું. ચુનીભાઈના મિત્રોએ આ સેવામાં ભાગીદારી નોંધાવી. થોડાં જ મહિનાના વ્યક્તિગત પ્રયોગને કાયમી અને મોટા પાયે ઉપાડી લેવા બધાએ ભેગા મળી ૧૯૮૧ના વર્ષમાં ‘ભાવનગર સદ્દવિચાર સેવા સમિતિ’ની સ્થાપના કરી દીધી. શરૂઆત બે  રૂ. ૧૫૦૦ના નાના દાનથી થઇ અને ટીફીન વહેંચવાની સંખ્યા પણ ઓછી હતી એટલે મુશ્કેલી વિના બધું ચાલતું રહ્યું. એ સમયના ટ્રસ્ટીઓએ જનમાનસમાં એક એવી ચળવળ ઉભી કરી કે લોકો સામેથી આવે અને પોતે પોતાના ઘરથી ટીફીન આપવા માટે નામ નોંધાવે. કામ વધ્યું, ટીફીન જમનાર અને આપનાર બંનેની સંખ્યા વધી એટલે ટ્રસ્ટીઓએ વ્યવસાયિક અને વ્યવહારિક રીતે કાર્ય કરી શકાય તેવી કુનેહથી કામ ગોઠવ્યું.

         એમણે જોયું કે ભોજનનો ખર્ચ નથી પરંતું સંકલન માટે પેઈડ અને સ્વૈચ્છિક કાર્યકર્તાઓની જરૂર છે. શહેરની મધ્યમાં એક ઓફીસ જ ઊભી કરી દીધી જેમાં ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ નિયમિત પોતાની જવાબદારી અદા કરે. શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટ કે જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી સવાર અને સાંજે ત્રણ ત્રણ કલાક આ કામગીરી માટે સમર્પિત થયા હતા તે આજે વધુ કલાકો ફાળવી આ સેવાયજ્ઞમાં સામેલ છે. આવા જ ટ્રસ્ટીઓ પ્રમોદભાઈ જાદવજી, સંદીપભાઈ, મહેન્દ્રભાઈ, મહીપતભાઈ દસકાઓથી સ્વૈછિક સેવા આપે છે.

          ટીફીન એકત્રિત કરવા ભાવનગરના સાત વિભાગ પાડી દીધા અને દરેક વિભાગ માટે એક પગારદાર વ્યક્તિની નિમણુંક કરી દીધી જે ૨૪ કલાક પહેલાં પરિવારમાં ખાલી ટીફીન મૂકી આવે અને બીજા દિવસે ભરેલું ટીફીન ઓફિસે લઇ આવે. સવાર સાંજ આ જ પધ્ધતિ અને દર્દીઓના સગા ઓફિસેથી ટીફીન લઇ જાય. બધોજ રોકોર્ડ રખાય જેમાં દર્દીનું નામ, કેસ નંબર, ઘરનું સરનામું અને આવક પણ જાણી લેવાય. કોઈને ના નહીં પરંતું યોગ્ય માણસ રહી ના જાય એની સાવચેતી. આમ તો આ સેવા ગૌણ લાગે ને ? એમાંય મોટા મોટા ટ્રસ્ટોની વિશાળ કામગીરી પાસે આનો શો હિસાબ એવું અનુભવાય પણ આજે આ સંસ્થા રોજ પાંચસો ટીફીન પહોંચાડે છે અને કાયમી ટીફીનદાતાની સંખ્યા સત્તરહજાર ઉપર પહોંચી છે. દરેક પરિવારે મહીને એક જ દિવસ અને એ પણ એક ટંક આપવાનું એટલે કોઈ ને ભાર ના લાગે. પરિવારો એમ સમજે કે અમે બ્રહ્મભોજન કરાવીએ છીએ એટલે ટીફીનની સાથે સંસ્થા માટે પાંચ રૂપિયાની દક્ષિણા પણ આપે. આ દક્ષિણા અને બીજા નાના મોટા દાનોથી સંસ્થાનો વહીવટીય ખર્ચ આસાનીથી નીકળી જાય છે. એક નાની શરૂઆત આજે આડત્રીસ વર્ષોથી ચાલતી જ નહીં પરંતું વિકસતી રહી છે. હવે લાગે છે ને કે આ કામ ક્યાંય નાનું નથી રહ્યું?

      ચુનીલાલભાઈ તો ચાલ્યા ગયાં પણ ટ્રસ્ટે સતત પાંખો પ્રસરાવી અનેક કાર્યો ઉમેર્યા છે. સવારે રોજ દોઢસો વ્યક્તિઓને વિનામૂલ્યે નાસ્તો પહોંચાડાય છે. મનુભાઈ ગાંઠીયાવાળા અઠવાડિયામાં બે દિવસ બધાને ગાંઠીયા પહોંચાડે છે અને દવે મીઠાઈવાળા અઠવાડિયે એક વખત નાસ્તા સાથે મીઠાઈ પણ આપે છે.

       આ છે ભોજન સાથેની ભાવભક્તિ અને એમાં ઉમેરાયું છે નિ:શુલ્ક દવા વિતરણનું કાર્ય તથા મોઘાં એક્સ-રે કે લેબોરેટરીના ટેસ્ટમાં મદદ, એક કરોડના ખર્ચે હોસ્પીટલમાં બાળકો માટેના વોર્ડ અને દર્દીઓ માટે તમામ પ્રકારની સેવાઓ નિયમિતપણે ઉમેરાતી રહી છે. એમણે જોયું કે કેન્સર, ડાયાલીસીસ કે થેલેસીમીયાના દર્દીઓને લાંબી કે કાયમી મોંઘી સારવાર, હોસ્પીટલના ધક્કા અને એ માટે મુસાફરીનો ખર્ચ મોટી સમસ્યારૂપ હોય છે. આ જોયા પછી આ ટ્રસ્ટે આ રોગના દર્દીઓ માટે પણ દવાઓ વિનામૂલ્યે આપવાનું કાર્ય ઉપાડ્યું છે. ‘ભાવનગર સદ્દવિચાર સેવા સમિતિની’ આ કાર્યવાહી આખા પંથકમાં બેનમૂન છે.

             સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની. આ ટ્રસ્ટીઓએ વિનોબા ભાવેના શબ્દો માથે ચઢાવ્યા છે. ૩૦ લાખનો વાર્ષિક ખર્ચ સમાજમાંથી મળતો જ રહ્યો છે અને સેવા વિકસતી જ રહી છે. રાજેન્દ્રભાઈ અને બધાં જ ટ્રસ્ટીઓ પોતાના પરિવાર, વ્યવસાય કે આનંદ પ્રમોદ છોડી ગરીબો સાથે એકરૂપ થવા હરહંમેશ પ્રયત્નશીલ રહ્યાં છે. હજ્જારો લાભાર્થીઓના આશીર્વાદ મેળવવા સહુ સદ્દભાગી બન્યા છે.

              રાજેન્દ્રભાઈ એક પ્રસંગ બહુ જ ભાવુક થઈને વર્ણવવા માંડ્યા : “ઉનાળાની એક ભરબપોરે, ભાવનગરના અંતરિયાળ ગામની એક શહેરથી અજાણી, અબુધ અને ગરીબ વિધવા દવાની ચિઠ્ઠી લઇ મારી પાસે આવી. અમારી ઓફીસ અને દવાની દુકાન બંધ થઇ ગઈ હતી અને હું નીકળતો હતો તે સમયે જ તે આવી પહોંચી. ખિસ્સામાં માત્ર દસ રૂપિયા અને દવાઓનું લાંબુ લીસ્ટ. એની આંખોમાં લાચારી જોઈ મારું હ્રદય કંપી ઉઠ્યું. સ્ટાફને સૂચન કરી, ખાસ એના માટે જ દુકાન ખોલી, દવા અપાવી. એ ઘડીએ એના ચહેરા ઉપર પ્રકટતા ભાવ અને હૈયામાંથી નીકળેલા આશીર્વચનો સાંભળી હું ધન્ય થઇ ગયો. એ આશિર્વાદ આજે પણ મને ઉંમરની અસર અનુભવ્યા વિના કલાકો સુધી કાર્ય કરવાની શક્તિ આપે છે.”

     સામાન્ય લાગતા, ખરેખર સામાન્ય નથી, એવા કાર્યો જ આપણાં સમાજને સંસ્કૃત રાખી શકે છે અને એટલે જ ‘ભાવનગર સદ્દવિચાર સેવા સમિતિ’ જેવી સંસ્થાઓને હું આપણા સમાજની મૂડી કહું છું. આ મૂડી સાચવવા જેવી છે.

            પ્લેટોએ એક સુંદર વાક્ય આપણને ભેટ આપ્યું છે. એ કહે છે સમગ્ર સૃષ્ટિ  વિચારોની બનેલી છે. વિચાર અમર છે, વિચાર મરતો નથી. અહીં પણ સ્વ. ચુનીલાલભાઈને આવેલો વિચાર ચાર દાયકાથી શ્રેષ્ઠ કામમાં પરિવર્તન પામ્યો છે.

6 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૦ (ડો. ભરત ભગત)

 1. ૧૯૫૯ જાન્યુઆરી ૨ એ ચિ પરેશનો જન્મ સર તખ્તસિંહ હોસ્પીટલમા થયો હતો.ત્યારે પણ આવી સ્થિતી હશે જ અમને તેનો ખ્યાલ આવ્યો.આજે આટલું સરસ કામ અંગે જાણી આનંદ થયો સેવા કાર્યમા સેવા આપતા સૌને સસ્નેહ નમન

  Like

 2. અમે ભાવનગર રહેલા એટલે આ કામ પ્રત્યક્ષ જોયેલું અને ટીફીન મોકલતા તેનો આનંદ છે. પુણ્ય કાર્યની નોંધ લેવાય તે પણ સરસ વાત.

  Like

 3. જેમ જેમ આ અહેવાલ વાંચતી ગઈ તેમ તેમ આશ્ચર્ય અને આનંદનાં ભાવાશ્રુઓ આંખમાં આવી ગયાં! કેવું સુંદર માનવતાનું કાર્ય !! અને આવું કાર્ય પ્રકાશમાં લાવવા બદલ આપને અભિનંદન !

  Like

 4. આટલું સરસ કામ ભાવનગરમાં વર્ષોથી થઈ રહ્યું છે એ જાણી કાર્યકર્તાઓ માટે અહોભાવ થાય છે. એક વાત તો સાચી, પૈસા તો માંગો તો ઓછાવત્ત્ત્તા મળી પણ રહે, પણ, કામ કરનાર માણસો કહો કે વોલંટીયર કહો, એજ મળવા મુશ્કેલ છે. આ સદવિચાર સેવા ટ્રુસ્ટ્ને આવા સેવાભાવી કાર્યકર્તાઓ મલી ગયા એ સંસ્થાનું સદભાગ્ય છે.

  મોટા ભાગની હોસ્પિટલની આજુબાજુ પુરુ ભોજન આપે તેવી હોટલો ભાગ્યેજ હોય અથવા તો બહુ ઓછી હોય છે. એટલે આવી ટીફીન સર્વિસ એક બહુ ઉપયોગી સેવા છે. બહુ સુંદર કાર્ય છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s