ભાવિન અધ્યારૂની કટાર – ૧૦


કૌન બનેગા કરોડપતિ : સતરહ સાલ કી કહાની!       

૩ જુલાઈ ૨૦૦૦, સોમવાર. રાત્રે ૯ વાગ્યાનો સમય. ત્યારે સ્ટાર ઓફ ધ મિલેનિયમ કહેવાતા અમિતાભ બચ્ચનનો બ્રાન્ડ ન્યુ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી પર ધૂમ મચાવવા આવી રહ્યો હતો! એ જ રાત્રે જોગાનુજોગ રાત્રે સાડા દસ વાગ્યે એકતા કપૂર યુગ પણ શરુ થઇ રહ્યો હતો કારણકે એ જ રાત થી ઇતિહાસમાં અમર થઇ ગયેલી સાસુ વહુ સિરીયલની પાયોનિયર એવી ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ પણ શરુ થઇ રહી હતી! એક સાથે એક જ દિવસે જાણે નવો ઈતિહાસ લખાઈ રહ્યો હતો. અમિતાભ બચ્ચનની ઉંમર ત્યારે માત્ર ૫૮ વર્ષ, હજુ એમની ફ્રેંચ કટ દાઢી નવી નવી સિક્કો જમાવી રહી હતી! કહો કે એ નવો જ લુક હતો, વાળ ત્યારે બરગન્ડી અને બ્રાઉન જેવા મિક્સ રંગનાં હતા.

યુનાઈટેડ કિંગડમનાં અતિ સફળ ક્વિઝ શો ‘હુ વોન્ટસ ટુ બી મિલિયોનેર?’ નું ઓફિશિયલ હિન્દી વર્ઝન એટલે ‘કૌન બનેગા કરોડપતિ’ શરુ થઇ ચુક્યું હતું. ત્યારે પંદર સવાલો હતા અને જનરલ નોલેજ બેઝ્ડ ક્વિઝ શો જ ભારતમાં પહેલી વાર થવા જઈ રહ્યો હતો! એક કરોડનું પ્રાઈઝ ત્યારે ટોક ઓફ ધ નેશન બનેલું, અને કુશળ ક્વિઝ માસ્ટર રહી ચુકેલા સિદ્ધાર્થ બાસુ પોતે આ શોનાં ડિરેક્ટર હતા! શો શરુ થયો અને બે જ દિવસમાં ત્યારે નવાં નવાં શબ્દ એવા ‘TRP’ નાં તમામ રેકોર્ડ તોડી ટોપ પર પહોંચી ગયા!

એક બાજુ તુલસી-મિહિર ગાથા શરુ થઇ ચુકી હતી અને બીજી બાજુ મહાનાયક એવા વ્હાલા અમિતજી ટીવી પડદે દેશ દુનિયામાં ગુંજી રહ્યા હતા! એ જ પહાડી અવાજ, દર્શકો સાથે સીધી વાત, વચ્ચે વચ્ચે હળવા જોક, ભાગ લેનાર વ્યક્તિ સાથે પર્સનલ વાતો જેવા બધા જ ફેકટર્સ થી KBC રાતોરાત સુપર હિટ શો સાબિત થયો. ત્યાં સુધી કે સવારે સ્કુલ કે કોલેજ જઈએ તો ભણવાનું પછી પણ આગલી રાત્રે આવેલા એપિસોડ વિષે ક્લાસમાં સર વિદ્યાર્થીઓ સાથે વાતો કરવા બેસી જતા!

શરૂઆતમાં ખુબ સહેલા લાગતા સવાલો આગળ જતા સંગીન બનતા જાય, સાથે સાથે જનરલ નોલેજ અને દિમાગની નસો તંગ બનતી જાય! પરિણામ એ આવ્યું કે ઝી ટીવી એ થોડા જ સમયમાં અનુપમ ખેરને લઈને ‘સવાલ દસ કરોડ કા’ ચાલુ કર્યું અને સોની ટીવી એ ત્યારે ગોવિંદા ને લઈને ‘જીતો છપ્પર ફાડ કે’ શરુ કરવું પડ્યું! પણ મજાલ છે કે અમિતજી સામે કોઈ ઝીંક ઝીલી શકે? મનિષા કોઈરાલાનું ગ્લેમર કવોશન્ટ હોવા છતાં આ શો ઉન્ધેમાથે પટકાયો અને થોડા જ મહિનાઓમાં ઘડો લાડવો થઇ ગયો. ગોવિંદા એ કોઈ છાપરું ન ફાડયું અને એ શો પણ થોડા જ મહિનાઓમાં બંધ થઇ ગયો!

પહેલી સિઝન આગળ વધતી ગઈ, અને એક દિવસ આવ્યો જયારે હર્ષવર્ધન નવાથે નામનો એક મરાઠી બ્રિલીયન્ટ યુવા પહેલો કરોડપતિ બન્યો! ચારેકોર રાતોરાત ઉત્તેજના છવાઈ ગઈ અને એ પોતે સ્ટાર બની ગયો! હર્ષવર્ધન આજે તો બે છોકરા નો બાપ બની ગયો છે અને આજે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માં ટોપ પોઝિશન પર છે, પણ આજે પણ હર્ષવર્ધન પહેલા કરોડપતિ તરીકે ભારતમાં બધાને યાદ છે. શો નું  ફોરમેટ અતિ સફળ સાબિત થયું, ધીમે ધીમે રવિવારે સવારે કૌન બનેગા કરોડપતિ જુનિયર પણ શરુ થયું અને સ્કુલનાં બાળકો પણ આવતા થયા!

વચ્ચે થોડા હપ્તાઓ કૌન બનેગા કરોડપતિ-પત્ની પણ શરુ થયેલું અને એને પણ ગજબ પ્રતિભાવ મળેલો! ત્રણ સિઝન સુધીમાં પ્રાઈઝમની બે કરોડ સુધી પહોંચી ગઈ અને ચોથી સિઝન થી અમિતાભ બચ્ચને ફિલ્મો પર ફોકસ કરવું શરુ કર્યું હોઈ, શાહરૂખ ખાન ની એન્ટ્રી થઇ અને શાહરૂખ ખાનની એઝ અ હોસ્ટ શરૂઆત થઇ! પણ ચાર મહિનામાં જ અતિ નબળા રિસ્પોન્સ સાથે વિદાય થઇ ગઈ.

અહીં ગુજરાતમાં જ વસંત પરેશ, સાંઈરામ દવે, જીતુભાઈ દ્વારકાવાળા જેવા ખુબ જાણીતા હાસ્યકારો ની રાતોરાત ‘કરશન/જીતું બનેગા કરોડપતિ’ જેવી પેરોડી કેસેટ્સ પણ નીકળી અને એ પણ ઘરે ઘરે જુવાળ બની ગઈ અને ખુબ હિટ થયેલી! લોકો ચારેકોર બોલચાલની ભાષામાં આજે પણ પ્રશ્ન પૂછે છે? ‘લોક કર દિયા જાયે?’ કે પછી ‘લાઇફ્લાઇન આપો!’ જેવા શબ્દો વાપરે છે.

 

છેલ્લે એવો કયો પ્રોગ્રામ હતો જેની જાર્ગન અને શબ્દો આવી રીતે જીવનમાં વણાઈ ગયેલા? ખૈર, ફોન અ ફ્રેન્ડ હોય કે ૫૦:૫૦ કે પછી ઓડિયન્સ પોલ, KBC ની એક એક વાતોનાં કિસ્સાઓ બન્યા! પ્રાઈઝમની પાંચ કરોડ એ પહોંચી. અમિતજીની એન્ટ્રી પાંચમી સિઝન થી ફરી પડી અને TRP ઉપર ગયા.

જો કે અમારીતો સ્પષ્ટ ફરિયાદ છે કે છઠ્ઠી સિઝન પછી જાણીજોઇને ચેરિટી ફોરમેટમાં પ્રોગ્રામને નાંખી એની વાટ લગાડી દેવામાં આવી! ક્યારેક એસિડ એટેક પીડિત તો ક્યારેક ભૂકંપ ગ્રસ્ત લોકો તો ક્યારેક મા-બાપનો સહારો છીનવાઈ ગયેલા અનાથ લોકોને ૨૫ થી ૫૦ લાખ જેવી માતબર રકમ જીતાડી દેવામાં આવી! સ્વાભાવિક છે કે શો નો ચાર્મ પણ ઓછો થઇ ગયો! પ્રાઈઝ મની પાંચ કરોડ સુધી પહોંચી આજે નવમી સિઝનમાં સાત કરોડ સુધી પહોંચી ગયું છે! ક્યારેક ‘આસ્ક એન એક્સપર્ટ’ લાઈફલાઈનમાં સુમિત અવસ્થી કે નિધિ કુલપતિ જેવા ન્યુઝ એન્કર પણ દેખાતા, તો સચિન તેન્ડુલકર-સાનિયા મિર્ઝા-સ્મૃતિ ઈરાની થી લઈને હમણાં સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં સભ્યો સુધી એક એક સેલેબ્રિટી સાથે રમવાની દર્શકો ને પણ મજા પડી!

કૌન બનેગા કરોડપતિ ચાલુ હોય ત્યારે દરેક ઘરમાં એ જ ચાલે અને શેરીમાં નીકળો તો પડઘા પડે અમિતાભ બચ્ચનનાં અવાજ નાં! ક્યારેક એક થી લઈને બબ્બે કલાક સુધીનાં હપ્તાઓ આવે અને હમણાં જ આવેલા ‘સુપર ૩૦’ થી પ્રખ્યાત એવા શિક્ષક આનંદ કુમાર જેવા હપ્તાઓ જ કૌન બનેગા કરોડપતિની જાન છે! અમિતાભ બચ્ચન પણ એકદમ ડાઉન ટુ અર્થ થઈને લોકો સાથે વાતો કરે, ઇન્વોલ્વ થાય, લોકો ફોન પર રીતસર ગાંડા કાઢે! કોઈ ફ્રેમ આપે તો કોઈ શાલ ઓઢાડે! કોઈ પગે લાગે તો કોઈ ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વિષે રમુજ કરે!

કૌન બનેગા કરોડપતિ આજે ૧૭ વર્ષ પછી પણ અડીખમ છે અને એક આખી પેઢી જન્મીને ટીન એજ માં પ્રવેશી ગઈ! હવે KBC ફરી ફિલ્મ સિટી થી શિફ્ટ થઇ યશરાજ સ્ટુડિયો માં ગયેલું એ ફરી ફિલ્મ સિટી ગોરેગાંવ આવી ગયું છે અને તારક મહેતા કા ઉલટા ચશ્માં નાં સેટ સાથે જ આવેલું છે! અમિતજી જાણે કે હજુ પણ યુવાન છે, એ જ જુસ્સો છે, હવે એ ૭૪ નાં થયા પણ આપણે બસ એમણે જોયે જ રાખીએ, અને મેગાસ્ટારને જોવાની આપણી પણ ભૂખ આજે પણ બરકરાર છે! લોંગ લિવ કૌન બનેગા કરોડપતિ! લોંગ લિવ અમિતજી! પ્રણામ સર! તમારા લીધે આખા ભારતમાં આખી એક પેઢી GK વિષે વિચારી વાંચતી વિચારતી થઇ ગઈ!

ડેઝર્ટ:

નાઈન્ટીઝમાં બાળપણ વિતાવી ચુકેલા લોકો માટે જે સ્થાન મહાભારતનું હતું, એ સ્થાન ૨૦૦૦ની સાલ પછી ‘કૌન બનેગા કરોડપતિ’ એ લીધું હતું! 

3 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર – ૧૦

  1. મેગાસ્ટારને જોવાની આપણી પણ ભૂખ આજે પણ બરકરાર છે! લોંગ લિવ કૌન બનેગા કરોડપતિ! લોંગ લિવ અમિતજી! પ્રણામ સર! તમારા લીધે આખા ભારતમાં આખી એક પેઢી GK વિષે વિચારી વાંચતી વિચારતી થઇ ગઈ!
    અમારા મનની વાત કહી
    ધન્યવાદ

    Like

  2. બહુ સુંદર છણાવટ કરી છે. આજે પણ જેમને સાસુવહુ કે પતિપત્ની-બાપબેટાના ચીતરી ચદે તેવા એપીસોડ ન જોતા હોય તેઓ પણ કેબીસી અને તારક મહેતા જોવાનુ પસદ કરે છે.. અને આ શો આજે પણ વધારે ને વધારે પ્રખ્યાત થતો જાય છે.

    તમારું અવલોકન અને વિવેચન પણ બહુ સરસ છે.

    રહી વાત, સેલીબ્રેટીની. ચેરિટીના નામથી પણ આજે દેશના લોકોને ખબર તો પડે છે કે, દેશમાં છેક છેવાડાના માણસો હોય કે ભયંકર રોગથી પીડાનાર અને સમાજમાં અછુત ગણાતા લોકોની કેવા કેવા લોકો અને સંસ્થાઓ, સરકારી સહાય સાથે કે સરકારી સહાય વિના પણ કેવી અને કેટલી બધી સેવા કરે છે. આ સંસ્થાઓ કે આવા સેવાભાવી લોકો વિષે તમે ક્યાંય અખબાર કે મેગેઝીનોમાં વાંચ્યું છે, જાણ્યું છે…??? તેમને માટે ક્યાંય કોઈ રાજકિય કે સામાજીક ચેરિટી કાર્યક્રમો થયા છે, અરે તમે પોતે આવી કોઈ એકાદી સંસ્થા વિશે પણ વિગતથી જાણો છો…?? કેબીસી આવા લોકોને આ મંચ ઉપર લાવે છે અને ત્યારે કરોડો લોકોને આની જાણ થાય છે. ભલે આ લોકોને માટે સવાલજવાબનું પણ ફીક્સ થયું હશે, પણ, આ પણ એક ઉત્સુક્તા જણાવતો કાર્યક્રમ છે, કે સાડા બાર કમાશે કે ૨૫ લાખ કમાશે… અત્યાર સુધીમાં કોઈ ચેનલે કે કોઈ ટાયલા અને છીછરા કાર્યક્રમના નિર્માતાઓ તેમના કોઈ કાર્યક્રમમાં આવા કોઈ ચેરિટીવાળાને લાવ્યા છે..??

    તમને ઉતારી પાડવાનો મારો કોઇ ઉદ્દેશ નથી. આતો મને જે લાગ્યુંતે લખ્યું છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s