અનુવાદ – ૧૧ (અશોક વૈષ્ણવ)


૧૧. એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળા  (ભાગ ૧ લો)

 મુશ્કેલી એ છે કે, નવાબ ઑફ પટૌડી,જુ., ગુજરી ગયા ત્યાં સુધી તેમને કઇ રીતે સંબોધન કરવું એ જ મને ખબર નથી પડી. હું તેમના હાથ નીચે સહુથી પહેલી વાર મોઇન-ઉદ-દૌલા સુવર્ણ કપમાં વઝીર સુલ્તાન કૉલ્ટ્સ એકાદશ તરફથી રમ્યો હતો. શાળા અને આંતર-વિશ્વવિદ્યાલયના સ્તરે સારૂં રમતા ખેલાડી વઝીર સુલ્તાન ટીમમાં તરફથી રમતા. એકાદ પ્રથમ કક્ષાના ખેલાડી પણ ટીમમાં હોય. પણ મોટા ભાગે ટીમમાં ભારતની પ્રથમ કક્ષાનાં ક્રિકેટમાં પોતાનું સ્થાન જમાવવા માગતા હોય તેવા યુવા ખેલાડીઓ આ ટીમમાં રહેતા. મારા જેવા કેટલાક તો હજૂ પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમ્યા પણ નહોતા. એટલે અમે બધા જ ભારતની ટેસ્ટ ટીમના કપ્તાન હેઠળ રમવા માટે ખુબ જ ઉસ્તાહીત હતા.

પટૌડીના નવાબ છેલ્લાં બે એક વર્ષથી વઝીર સુલ્તાન ટીમની કપ્તાની સંભાળતા હતા. આમ અમે બહુ ઉત્સાહીત અને ખુશ હતા. મેચની આગલી સાંજે, વઝીર સુલ્તાન ટૉબૅકો કંપનીના અધ્યક્ષ અને મેનેજીંગ ડીરેક્ટરએ એક કૉકટૅલ પાર્ટીનું આયોજન કર્યું હતું. અમારા શ્રેષ્ઠ પોષાક પહેરીને અમે પણ પાર્ટીમાં ગયા હતા, એ આશા સાથે કે અમારા કપ્તાનને પણ કદાચ મળવાનું થઇ જાય. નવાબ થોડી વાર માટે આવ્યા જરૂર, અધ્યક્ષની સાથે ઝટપટ એક પીણું લીધું અને અમે આમારો પરિચય તેમને આપી શકીએ તે પહેલાં તો જતા પણ રહ્યા. સોળ સોળ વર્ષના, સામાજીક રીતે થોડા પછાત, એવા અમે એક ખૂણામાં ટોળું વળીને ઊભા હતા. વઝીર સુલ્તાનના બધા સંચાલકો પણ બીજા ખૂણામાં ઊભા હતા. આમ અમને ટાઇગર સાથે વાત કરવાનો મોકો જ ન મળ્યો.

અમારામાંથી એક બે જણા પટૌડીના નવાબ સાથે પહેલાંને વર્ષે રમી ચૂક્યા હતા, અને અમે બધા હવે દ્વિધામાં હતા કે તેમને શી રીતે સંબોધન કરવું. એમની જોડે પહેલાં રમી ચૂકેલા પણ અમારી કોઇ મદદ કરી શકે તેમ નહોતા. એટલે,ટીમ અંદરોઅંદર ચર્ચામાં પડી ગઇ કે પટૌડીના નવાબને શી  રીતે સંબોધન કરવું.

આખરે અમે નક્કી કર્યું કે, બીજે દિવસે, અમારામાંથી જે સારો દેખાવ કરે – બેટ્સમેન હો તો પચાસ રન કર્યા હોય અને બૉલર હો તો વિકેટ લીધી હોય કે સારો કેચ પકડ્યો હોય – તે વ્યક્તિની જવાબદારી કે તે નવાબને પૂછે કે તેમને સંબોધન શું કરવું.

નવાબ સિક્કો ઉછાળવાની દસ જ મિનિટ પહેલાં આવ્યા અને મસાજ ટેબલ પર બેઠા. એક મસાજ કરનાર આવ્યો અને તેમને મસાજ કરી આપ્યું. અમે બધા હજૂ પ્રસાધન કક્ષમાં એક બાજૂએ, પટૌડીના નવાબ સાથે ક્યારે પરિચય થશે તેની રાહ જોતા ઊભા હતા.એમને કદાચ ખબર પણ નહોતી કે અમે કોણ છીએ, કોણ બૅટ્સમૅન છે અને કોણ બૉલર છે.

અમે ટૉસ હારી ગયા અને અમારે પહેલાં ફિલ્ડીંગ કરવાનું આવ્યું. નસીબ જોગે એક રન-આઉટ થયો , અને તે કરનાર હું હતો. એટલે, આજૂબાજુ ફિલ્ડીંગ કરી રહેલા બધા ખેલાડીઓ ભેગા થઇ ગયા. નવાબ મેદાન પર બેસી ગયા અને તેમના પગરખાંની વાધળી બાંધવા લાગ્યા. તેમની આસપાસ ચાર થી પાંચ ખેલાડીઓ હતા. અચાનક જ મારો તેઓની આંખોસાથે દ્રષ્ટિમેળાપ થઇ ગયો. મેં તો કંઇ ન જાણતા હોવાનો દેખાવ કરતા હોવાનું ચાલુ રાખ્યું. પછી તો, “પૂછ, પૂછ પૂછ..ને”ની કાનાફૂસી પણ થવા લાગી. ગઇકાલે સાંજે નક્કી થયા મુજબ,પૂછવાનો વારો મારો હતો તે નક્કી થઇ ગયું હતું.

મેં પૂરતી હિંમત એકઠી કરી અને પૂછી લીધું,’અમારે તમને શું સંબોધન કરવું? નવાબ સાબ. કપ્તાન, સ્કીપર, પૅટ્સ, ટાઇગર?’ અમે એમને  બીજાં વડે આ પ્રકારનાં નામથી બોલાવાતા સાંભળ્યા હતા. પણ અમે તો છોકરડાઓ હતા. નવાબે વાધળી બાંધવાનું પૂરૂં કર્યું, પૂંઠ ફેરવી અને ચાલ્યા ગયા. લો, અમે તો, ધોયેલા મૂળા જેવા, હતા ત્યાં ને  ત્યાં જ રહી ગયા.

હું તેમને તે પછી ઘણીવાર મળ્યો છું. ભારતીય ટીમમાં આવ્યા પછી મને તેમની સાથે ઘણો સમય ગાળવા મળ્યો છે.પણ હું કદાપિ તેમને કોઇ રીતે સંબોધી નથી શક્યો. એમની જોડે જ્યારે વાત કરવાની તક ઊભી થાય, તેમને કંઇ પણ રીતે સંબોધ્યા સિવાય સીધી જ વાત થતી રહેતી. એટલે એ ભાગ આજે પણ મુશ્કેલ જ રહેશે, જો કે મારે બેગમ સાહિબા, શર્મિલા. સાથે વાત થઇ છે. તે નાદુરસ્ત છે, તેથી આવી નથી શક્યાં. પણ લગભગ બધાં જ તેમને લગતી, ક્રિકેટની કે કોઇ પણ બીજી વાતચીતમાં તેમને ટાઇગર કહીને બોલાવે છે, એટલે, આપ સૌની સંમત્તિથી,  હું પણ તેમને ટાઇગર તરીકે જ સંબોધીશ.

ટાઇગર એક અસાધારણ ક્રિકેટર હતા. એક આંખથી ક્રિકેટ રમતાં રહેવું – પેલા અણીદાર ટુકડાનું આંખમાં ઘુસી જવાને કારણે થયેલી ઇજાના ઘાના ડાઘ નજદીકતથી જોઇ શકાતા હતા – અને લગભગ ૩૦૦૦ (૨૭૯૩) રન કરવા એ બહુ મોટી વાત છે. એટલે કે, બે આંખથી પણ ક્રિકેટ બૉલ જોવામાં ફાંફાં પડે છે, ત્યારે અહીં તો માત્ર એક જ આંખથી રમતા ખેલાડી હતા!

તેઓ તેમની કૅપની ચાંચ તેમની જમણી આંખ પર રાખતા, લગભગ જાણે કે સૂર્યને સમીકરણમાંથી બહાર રાખી, આંખ બંધ કરી અને રમતા. સાવ શિવનારાયણ ચંદરપૌલ જેવડું તો નહી, પણ લગભગ એવડું જ,બે આંખનું પહોળું સ્ટૅન્સ લઇને તેઓ ક્રીઝ લેતા. વિકેટની બન્ને બાજૂએ જે બખુબી શૉટ્સ તેઓ રમી શકતા  તે ખરેખર માનવામાં આવે તેમ નથી.

ટાઇગરની શ્રેષ્ઠ વાત એ હતી કે તેમની બેટીંગ શૈલી અને રમત પ્રત્યેના અભિગમથી તેમણે ભારતીય ક્રિકેટને બંધનમુકત કરી આપ્યું. ત્યાં સુધી ક્રિકેટમાં, રમતનો દોર હાથમાં લેવાને બદલે, જેમ થતું હોય તેમ થવા દેવાતું. ટાઇગરે સમગ્ર અભિગમ અને દ્ર્ષ્ટિકોણને જ બદલી નાખ્યા.તેઓ સ્પીનર્સને રમવા પીચ પર આગળ વધી જતા,અને ઝડપી બૉલર્સને અંદરના ક્ષેત્રમાં રહેલ ફીલ્ડર્સના માથે કુદાવી દેતા. આમ પહેલાં ન થતું.

હા, ભારતે, કર્નલ સી કે નાયડુ અને ક્યાંય પણ શૉટ મારી શકવામાં માહેર એવા એક અને અજોડ લાલા અમરનાથ જેવા બે બહુ જ આક્રમક ખેલાડીઓ સાથે, ૧૯૩૨-૩૩થી, ટૅસ્ટ ક્રિકેટ રમવાનું રમવાનું શરૂ કર્યું. પરંતુ તે પછી ભારતીય ક્રિકેટ, પરિસ્થિતિને સામે ચાલીને બદલવાને બદલે ‘જૈસે થે’ની સ્થિતિ બની રહે તેમ કરતા રહેવાની માનસીક દશામાં સરી પડ્યું હતું.

આપણો ક્રિકેટમાં બેટિંગમાં ઉછેર એવી રીતે કરવામાં આવતો કે જો લાગલગાટ ત્રણ બૉલ મેદાનથી છ ઈંચ ઊંચા રહે તેમ રમ્યા,તો તમારા કૉચ તમને બૅટ બે હાથે ઊંચું પકડીને મેદાનને ચક્કર મારવાની સજા ફટકારી દે. અને એટલે આક્રમણને બદલે સાવધાની નજરમાં રહે તેવી વિચારપધ્ધતિ બની રહેતી હતી. છાતી ખોલીને અને, બૉલરોથી દબાઇ રહેવાને બદલે તેમની સામે  થવાના અભિગમ વડે,ટાઈગરે એ મનોસ્થિતિને જ ધરમૂળથી  બદલી નાખી.

ભારતની ટીમ પર લગભગ બધી ટીમ છવાઈ જતી.પણ ટાઈગરે ટીમને એ માન્યતા અને વિશ્વાસ અપાવ્યો કે આપણે કોઇ પણ ટીમને લડત આપી શકીએ છીએ, સારો દેખાવ કરી શકીએ છીએ અને જીતી પણ શકીએ છીએ. તેમનો એવો આ કરીશ્મા ખરેખર અદ્‍ભૂત હતો. એ એક એવા ક્રિકેટર હતા જેને તમે નજરથી દૂર ન કરી શકો. તેઓ કવર્સમાં ઊભા હોય અને મધ્યમાં કંઇ થઈ રહ્યું હોય, તો પણ આપણું ધ્યાન તો ટાઇગર પટૌડી પર જ રહે. હા, આપણી નજરને એક ખૂણે જે બની રહ્યું હોય તે જોતાં તો હોઇએ, પણ ટાઇગરનું ચુંબકત્વ અનેરૂં જ રહેતું.

એ બહુ દેખાવડા પણ હતા. મારૂં હંમેશ કહેવું રહ્યું છે કે ૧૯૬૦નો દાયકો ભારતીય ક્રિકેટનો એકે બહુ જ ચિત્તાકર્ષક દાયકો રહ્યો છે. તે સમયે આપણાં ક્રિકેટમાં સહુથી વધારે દેખાવડા ક્રિકેટરો મેદાન પર રમતા હતા, અને વળી તેઓ એટલી જ સૌંદર્યવાન યુવતીઓસાથે પ્રણયફાગ પણ ખેલતા હતા. પટૌડી પોતે તે સમયનાં હિંદી ચિત્રપટનાં ખ્યાતનામ નાયિકા, શર્મીલા ટાગોર, સાથે પ્રેમમાં હતા. સલીમ દુર્રાની તો પોતે જ ફિલ્મોમાં કામ કરવાના હતા, જ્યારે બુધિ કુંદરન થોડા નાના અને શ્યામવર્ણ હતા, પણ મેદાન પર, અને બહાર, ચપોચપ, ફૅશનૅબલ પૅન્ટ પહેરતા અને મૉડેલ લલનાઓસાથે દેખાતા રહેતા.

ફરોક એન્જીનીયર પણ અતિસુંદર યુવતીઓથી ઘેરાયેલા જોવા મળતા, મારાં માનવા પ્રમાણે આજે પણ ફરોક પસાર થાય તો બધાંની નજરો તેમને જ જોતી રહે. જો કે તે હવે ‘બધાં’ની તરફ નજર નહીં કરતા હોય! અને મારા પોતાના નાયક – એમ એલ જયસિમ્હા- તેમની આસપાસ તો છોકરીઓનું ટોળું ભમતું જ જોવા મળતું રહેતું

તે સમયે જ્યારે ઇન્દ્રિયો ઉત્તેજીત રહેતી હોય, ત્યારે એમ થાય કે, ‘વાહ! આ રમત તો મજા પડી જાય એવી છે!’ આમ, મારી પેઢી માટે ક્રિકેટ રમવા માટે એ પણ એક આકર્ષણ હતું. આજની પેઢી શું વિચારે છે તે તો મને ખબર નથી – કદાચ આઇપીએલ તેમના ખયાલોમાં રમતું હશે. પણ અમારી પેઢીને તો કોઇ ફિલ્મ સિતારા સાથે ઓળખાણ થાય, કે કોઇ મૉડેલ આપણી જોડે હરવાફરવા આવે, તે આકર્ષણ રહેતું. જો કે, હંમેશાં એવું બનતું નહીં. જો કે આ બાબતે રવિ (શાસ્ત્રી) થોડો વધારે સફળ રહ્યો છે!

ટાઈગર એક ઉત્કૃષ્ટ ફીલ્ડર પણ હતા. મારી દ્રષ્ટિએ, ભારતનાં ક્રિકેટના ઇતિહાસમાં ટાઇગરનું સ્થાન ત્રણ સર્વકાલીન શ્રેષ્ઠ ફીલ્ડરમાં હંમેશાં બની રહેશે. મારી દ્રષ્ટિએ ત્રણ શ્રેષ્ઠ ફિલ્ડરમાં – ખુદ પટૌડી, આપણી સાથે હવે નથી રહ્યા એવા એકનાથ સોલકર અને મોહમ્મદ અઝહરૂદ્દીનની -ગણના કરી શકાય. એ  લોકો ક્યાંય પણ – નજીકનાં કે બહારનાં – ક્ષ્રેત્રરક્ષણમાં મૂકાયા હોય,તેમની કામગીરી ઉત્કૃષ્ટ જ રહી છે. ટાઇગર તો – જૉન્ટી ર્‍હૉડ્સ કે રિકી પૉન્ટીગની જેમ- એક આંખ હોવા છતાં હંમેશાં સ્ટમ્પને પાડી દઇ શકતા હતા.  રન-આઉટની જરા સરખી પણ તક જોવા મળે તો, ટાઇગરે સ્ટમ્પને અચૂક પાડી જ દીધી હોય. આ બહુ મહત્વનું છે. રન-આઉટની તક ન હોય, ત્યારે સ્ટમ્પને તાકી બતાવવામાં કોઇ મજા નથી

1 thought on “અનુવાદ – ૧૧ (અશોક વૈષ્ણવ)

  1. એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળામા મા.સુનિલ ગાવસ્કરનુ સુંદર વ્યક્તવ્ય.પટૌડી અંગે થોડી નવી જાણકારી મળી
    .
    ધન્યવાદ સુંદર અનુવાદ શ્રી અશોક વૈષ્ણવજી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s