સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૨ (ડો. ભરત ભગત)


સર્વોદય

        ચોમાસામાં 125” – 150” થી વધુ વરસાદ પડે પરંતું હોળી પછી પીવાનું પાણી ના મળે. વરસાદની સાથે જમીન ઉપરની માટી ધોવાઈ જાય એટલે વર્ષોવર્ષ ખેતીનો પાક ઓછો ઉતરે અને એમાં ય મોટા ભાગની જમીન પથરાળ એટલે એક જ પાક લેવાય. ઘર ? ઘર એટલે વાંસ – વળી અને ગરમાટીની દીવાલો, ઘાસ – ફુસનું છાપરું જેના માથે ઝાડના પાન કે પ્લાસ્ટીકથી બનાવેલી છત ! તોફાની પવન અને ભારે વરસાદમાં બધું સાફ થઈ જાય એટલે દિવસો સુધી પલળતા રહેવાનું. ચારેય બાજુ જંગલ અને આવો વરસાદ એટલે અસંખ્ય માંદગીઓનું સ્વર્ગ. ઘેરઘેર મેલેરીયા, મરડો, કૃમિરોગ, અપોષણ  અને રતાંધળાપણું ! પચાસ વર્ષ પહેલા તો રસ્તાયે નહીં એટલે માંદા માણસને ઝોળીમાં નાંખી, ચાલતા, કહેવાતા ડોકટરના દવાખાને લઈ જવાય અને જો પહોંચી શકાય તો ભગવાનનો પાડ. બાકી જીવતો ગયેલો લાશ થઈને પરત આવે. દાયણ જ ના મળે તો નર્સની વાતનો વિચારેય ક્યાંથી આવે ? કેટલીય માતાઓ પ્રસૂતિ સમયે મૃત્યુ પામે અને એ કદાચ બચે તો બાળક પણ ગુમાવી દે. આવી સ્થિતિમાં માતૃ મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઊંચો જ હોય.          ઘરમાં અનાજ હોય નહીં એટલે ખાવટી ખાય. નસીબદારને જ બે ટંક મળે. ચોખો તો કોઈકે ભાગ્યે જ ભાળ્યો હોય અને ચાખ્યો હોય. એને ખાવા માટે રૂપિયા દસ–પંદર ભેગા કરવા પડે અને જો દિવાળીએ એને ભાત મળે તો એના માટે ઉત્સવ થઈ જાય. અહીંનો માણસ કામચોર નથી એને કામ કરવું છે પણ મળે તો ને ? આજુબાજુ નથી કોઈ હુન્નર નથી કોઈ વ્યવસાય, વર્ષે એક સીઝન ખેતીની એટલે કરે શું ? આ બધામાં ઉમેરાય અંધશ્રધ્ધા, બાધાઓ–માન્યતાઓ–ભૂતભૂવાનું ચલણ, દેશી દારૂની આદત એટલે બાકી શું રહે ? ભણવા કે ભણાવવાનો વિચાર પણ ના આવે કારણકે આવા આદિવાસી વિસ્તારોમાં શાળાનો અભાવ પેઢી દર પેઢીએ જીવન બસ આમ વહયા કરે.” 

          સર્વોદય પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વિક્રમભાઈ સવાઈ 50 વર્ષથી ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં પીંડવળની આ સંસ્થા સાથે જોડાયેલા છે એમણે જોયેલું સઘળું યે અટક્યા વગર બોલી રહ્યાં હતાં અને હું આંખ બંધ કરી, ખુલ્લા કાને તેમના અસ્ખલિત શબ્દોને સાંભળતો હતો. તે સમયે મન ઉપર દુબળો મરવાના વાંકે જીવતો સતત ખાંસતો આદિવાસી પુરૂષ જોતો હતો. માત્ર એક જ સાડીથી બધાં જ અંગોને ઢાંકતી મહિલાઓની વેદના વાંચતો હતો. પરિસ્થિતિથી અજાણ એવાં ભૂલકાંઓને ઝૂંપડાઓની વચ્ચે રમતા નીરખતો હતો. 50 વર્ષ પહેલાંના જંગલો કપાઈને હવે બોડા થઈ રહ્યાં છે. હું ઊંડું વિચારતો હતો. વિક્રમભાઈ તો અટકી ગયા હતાં પરંતું મનથી ત્રસ્ત થયેલો હું હ્રદયમાં કરૂણાથી ઊભરાઈ રહ્યો હતો. શું આ લોકો માટે કંઈ ના થઈ શકે ? એવું વિચારતો હતો ત્યાં મારા મિત્ર અને પાંચ દાયકાથી આ વિસ્તારમાં કામ કરતાં પ્રકાશ શાહે મને પાછો વર્તમાનમાં લાવી મૂક્યો. ભરતભાઈ, તમારું કરુણામય હ્રદય આંખોમાંથી વહી રહ્યું છે એ જોઉં છું પરંતું આ વિસ્તારમાં થયેલા કાર્યને જાણશો ત્યારે દુઃખના આંસું હર્ષના આંસુંમાં પલટાઈ જશે. મેં મારા આંખ અને કાન પ્રકાશભાઈને સોંપી દીધા. સદીઓથી આપણાં સમાજમાં બીજા માટે મરી પરવારનાર માનવીઓની ખોટ નથી. ધરમપુરની આ સ્થિતિ સાંભળી, જોઈ અને દ્રવી ઊઠેલા મુંબઈથી એમ.બી.બી.એસ. થયેલા ડૉ. નવનીતભાઈ 1968માં અહીં આવીને વસ્યાં. 1973માં ગાંધી–વિનોબાના રંગે રંગાયેલા કાન્તાબેન, હરવિલાસબેન અને કાંતિભાઈ જોડાઈ પણ ગયાં. ગાંધીજીએ આ દેશને બે શબ્દો આપ્યાં હતાં. સ્વરાજ અને સર્વોદય. આઝાદી મળી જાય એટલે સ્વરાજ શબ્દનું મૂલ્ય જ નહીં રહે પરંતું સર્વોદય શબ્દ તો હરહંમેશાં માટે મૂલ્યવાન રહેશે. સર્વના ઉદયથી જ સમાજ સક્ષમ બનશે આ ભાવનાથી ભીંજાયેલા આ ચારેય મહાનુભાવોએ ધરમપુરના પીંડવળને પોતાની કાર્યભૂમિ બનાવી. 

          ડૉકટર હોવાના નાતે ડૉ. નવનીતભાઈએ સારવાર અને જાગૃતિનું કામ ઉપાડી લીધું પગે ચાલીને જાય, સાથે ઝોળો ભરી દવાઓ લઈ જાય, બધા જ રોગની સારવાર આપે પરંતું ભૂત-ભૂવાથી ટેવાયેલી પ્રજા એમને જોઈ જંગલમાં ભાગી જાય. પરંતું જેમ જેમ લોકોને લાભ દેખાયો તેમ તેમ વિશ્વાસનું વાવેતર થઈ ગયું. નવનીતભાઈએ ગામે ગામ કેમ્પ કરવા માંડ્યા, સારવારની સાથે સ્વચ્છતા, અંધશ્રધ્ધા વિષેની જાગૃતિ કરવા માંડી અને પછી તો પીંડવળમાં મંછુભાઈ ગાવીતે આપેલી આશ્રમશાળાના મકાનમાં સવારના પાંચથી બપોર સુધી દર્દીઓની લાઈન લાગવા માંડીં. દાયણોને તાલીમ આપી પ્રસૂતાઓની પીડા ઓછી કરી. આજ સુધીમાં લાખ્ખો દર્દીઓ નવનીતભાઈની સેવા લઈ ચૂક્યા છે. મેલેરિયા ઉપર કાબૂ આવ્યો છે. રોગો સામે જાગૃતિ આવી છે. 

અહીં તો આદિવાસી ખાવા માટે નાના મોટા શરાફ પાસે ખાવટી લાવે એણે વર્ષે બે ગણું પરત કરવું પડે. આવી સ્થિતિને નિવારવા કાંતાબેન અને હરવિલાસબેને ભૂખે મરતા આદિવાસીઓ માટે ખાવાને ધાન–અનાજ બેંક શરૂ કરી. ખેડૂત જેટલું લઈ જાય એટલું જ એણે એના ખેતરમાં પાકે ત્યારે પરત આપવાનું. ના કોઈ વ્યાજ કે ના કોઈ શોષણ પછી તો સાવ રાહતના દરે પણ અનાજ વહેંચવા માંડ્યું. આંકડા જોઈને તો ચોંકી જવાય – કુલ 20,650 ટન અનાજ રાહત દરે અપાયું. આજે પણ દરેક કુટુંબને નિયમિત અનાજ અપાય છે. પેલું કહ્યું છે ને કે ભૂખ્યાની ભૂખ ભાગે તો એના આશીર્વાદ અચૂક મળે જે આ સંસ્થાને 25000થી વધુ પરિવારો તરફથી મળતા રહ્યાં છે. 

          કાંતાબેન અને કાંતિભાઈની ખ્વાહીશ હતી કે ધરમપુરના તમામ ઝૂંપડાઓને નળિયાથી છાઈ દેવા. એક પણ ઝૂંપડું પાકા મેંગ્લોરી નળિયા વિનાનું ના રહે. આજે 20 વર્ષમાં અઢી કરોડ નળિયાથી હજારો ઝૂંપડાવાસીઓ ચોમાસામાં ચિંતા વિના સૂઈ શકે છે. કાન્તિભાઈની પ્રબળ ઈચ્છા કે ઘર આંગણે જ આ લોકોને રોજી રોટી મળે એટલે ખાદીકામ શરૂ કર્યું. 1000થી વધુ અંબર ચરખા વહેંચ્યા પૂણીથી લઈ કાપડ વણવાનું ત્યાંજ એટલે કેટલાંયે કુંટુંબો પૂરક રોજીથી જીવનમાં નવી રોશની પામી શક્યા છે. આજે અમે અર્વાચીન અંબર ચરખો બનાવ્યો છે જે સોલર પાવરથી ચાલશે અને કામ કરનાર રોજના રૂપિયા 400 કમાઈ શકશે. પ્રકાશભાઈ અટક્યા કારણકે એમણે સંશોધન કરેલ નવા ચરખાની વાતની મેં એમને યાદ અપાવી. 

          ખડકી કેન્દ્રના સુજાતાબેન કે જેણે યુવાનવયથી જ જાતને સમર્પિત કરી છે તેણે વાતનો દોર આગળ ચલાવ્યો : “અમે બાળકોને પ્રાયમરી શિક્ષણ, તેમની રહેવા–જમવા–કપડાની સગવડ વિના મૂલ્યે આપીએ છીએ જેમાં બંને કેન્દ્રમાં થઈ લગભગ 380 બાળકો ભણી શકે છે. ભણતરની સાથે સંસ્કાર અને સ્થાનિક સંસ્કૃતિને પણ મહત્વ આપીએ છીએ. અગત્યની વાત એ છે કે અમે જળ, જમીન અને જંગલો માટે ખૂબ કામ કરીએ છીએ. 35 ગામોમાં 247 ચેકડેમ બનાવી પાણીની સમસ્યા ઘટાડી છે. ઢાળવાળા 5720 ખેતરોનું લેવલીંગ કરી ખેતીલાયક બનાવી છે ખેતરના પાણી અને માટી વહી ના જાય એ માટે 35 ગામોમાં 12000થી વધુ ખેડૂતોએ પાળા બનાવ્યા અને હવે વર્ષમાં બે પાક લઈ શકે છે. શ્રી પંકજ પટેલની મદદથી 20000 બાંમ્બુ વાવ્યા છે જેમાંથી પૂરક રોજી મળશે. નર્સરીમાં છોડ રોપી દર વર્ષે 50000 ઝાડ વાવી જંગલને જીવીત કરી રહ્યાં છીએ. મેં સ્થાનિક સામાજિક વ્યવસ્થા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંસ્થાના જુના કાર્યકર્તા રમેશ ભોયાએ કહ્યું : “ સાહેબ, દરેક વ્યક્તિની લગ્ન કરવાની ઈચ્છા હોય છે પરંતું પૈસાના અભાવે કરી શક્તો નથી. સ્ત્રી સાથે રહે, બાળકો થાય પણ લગ્ન ના થયા હોય એટલે એને અધૂરપ લાગે. મરતા પહેલાં લગ્ન કરવાની પ્રબળ ઈચ્છા હોય જ એથી અમે સમૂહલગ્નો કરાવીએ જેમાં 200–200 જોડાં હોય – હા – બાપ અને દીકરાના પણ લગ્નો સાથે સાથે થાય. એમને એવું લાગે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી” આવી તો અનેક સામાજિક સમસ્યાઓને હલ કરવા અમે પ્રયત્ન શીલ છીએ. કલ્પેશભાઈ દલાલે ઉમેર્યું : “ આ બધા ઉપરાંત અમે સ્થાનિક નૃત્ય, વારલી પેઈન્ટીંગની તાલીમથી સંસ્કૃતિને સાચવીએ છીએ એટલું જ નહીં પણ આખા દેશમાં પ્રચલિત કરી છીએ.

          આ બધું સાંભળતો હતો ત્યાં છોકરા–છોકરીઓનું વૃંદ મળ્યું જેમાંથી કોઈ ડોકટર, કોઈ એન્જીનીયર, કોઈ લોયર બની ગયા છે. આ સ્કૂલમાંથી ભણીને જ. અને બધા જ ચાર મહાનુભાવોને યાદ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હતાં. સર્વોદય પરિવાર ટ્રસ્ટે જ અમને જીવન બક્ષ્યું છે જે માટે આ ટ્રસ્ટ માટે જે થઇ શકે તે અમે કરીશું એવો ભાવ ખુશીથી વ્યક્ત કરતાં જોઈ મને તાજુબ અને આનંદ થયો.

          સરકારી ગ્રાન્ટ વિના માત્ર દાતાઓ ઉપર નભતી આ સંસ્થા ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી માનવી માટે આશાનું કિરણ છે. 

સંપર્ક : સર્વોદય પરિવાર ટ્રસ્ટ

શ્રી પ્રકાશ શાહ – ૯૮૨૪૦ ૩૪૬૮૦

 

3 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૨ (ડો. ભરત ભગત)

  1. વર્ષોથી પીંડવળ ગામ આ ૪ સેવાભાવી સજ્જનોથી ગુંજતું રહ્યું છે. કોઈ પણ પક્ષની સરકાર હોય, એમને આવા લોકો પાસેથી વોટ લઈને આપવાનું કંઇ સુઝતું નથી.. અને જે સંસ્થામાં કોઈ રાજકિય નેતાને ઉચ્ચ સ્થાને ન બેસાડો ત્યાં સુધી એ સંસ્થાને કોઈ સરકારી સહાય પણ મળવી મુશ્કેલ..

    બહુ સુંદર લેખ છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s