જીવનનો માર્ગ (બેફામ)


  (નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામની આ પંક્તિ ભૂલી ભૂલાય એવી નથી. આજે બેફામની આ અમર રચના આંગણાંના વાચકો માટે રજૂ કરૂં છું.- સંપાદક)

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

-બેફામ

આ ગઝલની છેલ્લી બે પંક્તિઓ તો કહેવત બની ગઈ છે.

 

4 thoughts on “જીવનનો માર્ગ (બેફામ)

  1. સદા બહાર સુંદર રચના
    ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
    એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
    ખૂબ ગમી પંક્તીઓ

    Like

  2. તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
    ખાનગી વાતો બની જાહેર તારે કારણે.
    દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
    ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.
    તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
    એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.
    હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
    થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.
    મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
    જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.
    તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
    વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.
    તું જીવાડે છે ભલે, પણ જો દશા બેફામની,
    કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?
    -બેફામ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s