ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)


(૧૨) શક્તિપૂજક ચારણો

ચારણો શક્તિપૂજક છે. જગતજનની ભગવતી સતીએ ચારણોને વચન આપેલું કે ‘તમે સ્મરણ કરશો તો હું રક્ષાર્થે આવીશ અને ચારણકુળમાં અવતાર લઈશ.’ આ વાતની પૂર્ણ પ્રતીતિ થાય એ રીતે આજપર્યંત ચારણકુળમાં આઈપરંપરા જળવાયેલી છે. ભક્તકવિ દુલા કાગે તો આ સંદર્ભે એક કાવ્યમાં કહ્યું છે કેઃ

ભાન બેભાનમાં માત ! તુજને રટ્યા;

વિસારી બાપનું નામ દીધું;

ચારણોએ જન્મથઈ પક્ષપાતી બની,

શરણ જનનઈ તણું એક લીધું રે…

ચારણકુળમાં અનેક આઈઓએ અંશાવતારી તરીકે માનવદેહ ધર્યો છે અથવા એમ કહો કે એમણે પોતાની ઉત્તમ કરણિ અને ઉજ્જ્વળ ચારિત્ર્ય દ્વારા માનવદેહને દેવત્વ અપાવ્યું છે. મૂળ તો પૂજા ગુણની થાય છે, એમના પરોપકારી અને માનવતાવાદી આદર્શોને કારણે સમાજે તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવીને તેમની પૂજા-અર્ચના-વંદના કરી છે. આ સંદર્ભે અહી આઈશ્રી આવડ, આઈશ્રી ખોડિયાર, આઈશ્રી વરુડી, આઈશ્રી કરણી, આઈશ્રી રાજલ, આઈશ્રી ચાંપાબાઈ, આઈશ્રી નાગબાઈ, આઈશ્રી બૂટ, બલ્લાળ અને બેચરાજી, આઈશ્રી જેતબાઈ, આઈશ્રી જીવણી અને આઈશ્રી કામબાઈ ઈત્યાદિ વિશે વાત કરી શકાય.

ચારણ આઈઓ વિશે વાત કરાતાં જયમલ્લ પરમારે કહ્યું છે કે, ‘ધર્મરક્ષા કાજે સૌથી વધુ ઝૂઝ્યાં છે ચારણ આઇઓ. મહાન ગણાતાં રાજ્યો સામે, બળવાન ગણાતા સત્તધીશો સામે અને અન્યાયના પ્રત્યેક પ્રસંગે પણ આ ચારણ્સંતોનો ઇતિહાસ ઘણો મહાન છે. એમની ભક્તિ સદાય અપાર્થિવ રહેતી આવેલી. એમાંથી ચમત્કારોનાં પડળૉ દૂર કરીને કોઈકે ચારણઆઈઓની આત્મસાધનાનો મહાન ઇતિહાસ આપવો ઘટે.’

મધ્યકાળે અનેક વિદેશીઓ અને વિધર્મીઓએ વાયવ્ય સરહદેથી આક્રમણો કર્યા છે, તેની સામે એક હજાર વર્ષ સુધી અભેદ્ય દીવાલ ખડી કરીને ભારતીય સંસ્કૃતિ અને ક્ષાત્રત્વના જતનાર્થે રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ટકાવવા ચારણ આઈઓએ ભરપૂર પ્રયાસો કર્યા છે. આઠમી-નવમી સદીમાં સિંધમાં સુમરાઓનો અત્યાચાર વધી ગયો ત્યારે આઈ આવડે સમાજને સંગઠિત કરીને સુમરાઓને પરાસ્ત કર્યા. આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ દુહામાં મળે છે.

નરપતિની કફૠ નજરથી કોપી તું મહાકાળી;

સુમરા હાથથી સિંધના રાજને ખોવરાવ્યા ખપરાળી.

આઈ આવડ માતાજીમાં બાલ્યાવસ્થાથી જ દ્રઢ શ્રધ્ધા અને ભક્તિનો સુભગ સમન્વય જોવા મળતો. તેમાં પણ ઊગતા સૂરજને થંભાવી દીધાની મોટિફજન્ય લોકમાન્યતા એટલી દૃઢ થઈ ગઈ છે કે આજે પણ ચારણો આઈનું સ્મરણ કરાતાં કહે છે કેઃ

આવડ તારી આણ, લાજાળુ લોપે નહીં;

ભરે ન ડગલું ભાણ, કરમી ક્શ્યપરાઉત.

આઈશ્રી આવડનાં અનેક મંદિરો પશ્ચિમ રાજસ્થાનમાં છે ત્યાં તે તેમડારાય, ડુંગરેચી, ચાલકનેચી તનોટરાય તરીકે પૂજાય છે. ભગવતી પ્રત્યેની અતુટ અખંડ શ્રધ્ધાનું પ્રત્યક્ષ પ્રમાણ તો જેસમેરથી ૧૨૩ કિંઈ. દૂર આવેલું તનોટરાયનું મંદિર છે. ભારત-પાકિસ્તાનની લડાઈ વખતે રણ વિસ્તારમાં ઘેરાઈ ગયેલા ભારતીય સૈનિકોએ છેવટે ભગવતીના મંદિરમાં શરણ લીધું. પાકિસ્તાનીઓએ તોપગોળાની વર્ષા કરી પણ મંદિરની કાંકરી નખારી, બધા બોમ્બ નિષ્ફળ ગયા અને સૈનિકો બચી ગયા, એ પછીથી  આ મંદિરની સેવા-પૂજા અને અન્નક્ષેત્રની જવાબદારી સૈનિકો સંભાળે છે. એટલું જ નહીં, આ ઘટનાની ગવાહીરૂપે ફૂટ્યા વગરના તોપગોળા આજે પણ ત્યાં પ્રદર્શનમાં રાખેલા જોવા મળે છે.

આઇશ્રી આવડનાં નાનાં બહેન આઈશ્રી ખોડિયારે અત્યાચારી રાજવીને પરાસ્ત કરીને અ ધરા પર ગોહિલોને શાસન સોંયું હોવાથી તેઓ આઈ ખોડિયારની પૂજા કરે છે. રા’નવઘણ પર ભગવતીની કૃપા થવાથી તેમના વંશજો પણ આઈને પૂજે છે.

આમ ચારણોમાં આઈઓનું મહાતમ્ય આજે પણ એટલું જ છે. ચારણોને સમાજે દેવીપુત્ર-સરસ્વતીપુત્રનું બિરુદ આપ્યું ચે. ભગવતિ શારદાએ ચારણોની જીભ ઉપર આસન જમાવ્યું છે. ચારણે રાજસભામાં કે લોકસભામાં કંઠ, કહેણી, કવિતા અને કરણીના સુભગ સમન્વયથી લોકોનાં દિલ ડોલાવ્યાં છે, તેમની વૃત્તિઓને હલકી વાતો દ્વારા બહેકાવવાને બદલે તેમણે સાંસ્કૃતિક જીવન મૂલ્યોનું જતન કર્યું છે. સતીની ચારિતત્ર્યશીલતાને, વીરોની વીરતાને, દાનવિરોની દાતારીને, સંતોની સાધનાને અને જીવમાત્રની કુળપરાંપરાને ચારણોએ સરાજાહેર સરાહી ચ. એ વખતે તેને નાત-જાત, અમીર-ગરીબ, મિત્ર-દુશ્મન, ધર્મ કે સંપ્રદાય અને પશુ-પ્રાણીના ભેદ નડ્યા નથી.

1 thought on “ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)

  1. આજે પણ ચારણો આઈનું સ્મરણ કરાતાં કહે છે કેઃ
    આવડ તારી આણ, લાજાળુ લોપે નહીં;
    ભરે ન ડગલું ભાણ, કરમી ક્શ્યપરાઉત. ચારણે રાજસભામાં કે લોકસભામાં કંઠ, કહેણી, કવિતા અને કરણીના સુભગ સમન્વયથી લોકોનાં દિલ ડોલાવ્યાં છે, તેમની વૃત્તિઓને હલકી વાતો દ્વારા બહેકાવવાને બદલે તેમણે સાંસ્કૃતિક જીવન મૂલ્યોનું જતન કર્યું છે.ધન્ય ધન્ય શક્તિપૂજક ચારણોને
    વંદન

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s