(શ્રી ભાવિનભાઈના આભાર સાથે એમની આ કટાર અહીં પૂરી થાય છે.)
(૧૩) સ્ટાર ક્રોસ્ડ લવર્સ : તમે ક્યારેય હારેલી બાજી રમી છે?
सूफी के सुफे की लौ उठ के कहती है, आतिश ये बुझ के भी जलती ही रहती है
साहिल पे सर रखके दरिया है सोया है, सदियों से बहता है आँखों ने बोया है
तन्हाई ढूँढता है परछाई बुनता है रेशम सी नज़रों को आँखों से सुनता है
ये इश्क है रे ये इश्क है बेखुद सा रहता है यह कैसा सूफी है
जागे तों तबरीज़ी बोले तों रूमी है… – ગુલઝાર
આપણે ગુજરાતીઓ જિંદગીની દરેક બાજીને સલામત રીતે સો ગળણીએ ગાળીને જીવનારી પ્રજા! ફાયનાન્સિયલ પ્લાનિંગ થી ફેમિલી પ્લાનિંગ સુધી દરેક વસ્તુમાં પરફેક્ટ અને પાવરધા ગુજરાતીઓ પ્રેમ કરતા તો હજુ શીખી રહ્યા છે! આ સમાજમાં એક પબ્લિક ઈશ્યુ આવે છે અને પછી પત્નીને ઈશ્યુ થાય છે એટલું જ! લવને અહીં લફરા કહેવામાં આવે છે એટલે જ ચંદ્રકાંત બક્ષી કહેતા કે ગુજરાતી પુરુષો તો ઓફિસમાં સેક્સની અને બેડરૂમમાં ટેક્સની વાતો કરે છે, ડી-માર્ટનો IPO ભરવામાં રસ લેતા પુરુષો એ જ ડી-માર્ટમાં શાકભાજી અને ગ્રોસરી લેવામાં ખાસ ઉત્સાહ નથી બતાવતા. પણ, આપણે આજે વાત કરવી છે સ્ટાર ક્રોસ્ડ લવર્સની!
લેખની શરૂઆતમાં ગુલઝારે ફિલ્મ ‘રંગુન’ માટે લખેલા શબ્દો વાંચજો! વિશાલ ભારદ્વાજ એક વોર ડ્રામા અને લવ સ્ટોરી બનાવતા બનાવતા ફિલ્મનાં અંતભાગે ફારસ બનાવી બેઠા પણ રંગુન ફિલ્મમાં જે વાત હતી એ અગેઇન દુનિયાભરનાં ફિલ્મ સર્જકોનો મનગમતો વિષય ‘સ્ટાર ક્રોસ્ડ લવર્સ’ ની જ હતી.
શરૂઆત થી જ જેનો અંત નક્કી છે એવી એક દાસ્તાન, જેમાં ખબર જ છે કે દુનિયાને આ પ્રેમ મંજુર નથી જ થવાનો! સ્ટાર ક્રોસ્ડ લવર્સ એટલે એવા બે અભાગિયા (?) કે જે સતત ભાગતા છુપાતા ફરે છે પણ સમાજ એને સ્વિકારવાનો જ નથી એ વાતની ખબર હોવા છતાં એ લાગણી અને પ્રેમની જ્યોત સળગતી રહે છે. એકદમ ફિલ્મી સાઉન્ડ કરે છે ને?
હા, તે આ પ્રેક્ટિકલ દુનિયામાં એમ પણ લવ અહીં લગ્ન ગોઠવાઈ જાય પછી જે તે પાત્ર સાથે કરવામાં આવે છે. તુષાર શુક્લ કહે છે એમ કંઈ પૂછી ને થાય પ્રેમ? દરિયાનાં મોજા કંઈ પૂછે છે રેતીને, તને ભીંજાવું ગમશે કે કેમ? કમનસીબ લવ સ્ટોરીઝ અમુમન દંતકથા બની જતી હોય છે! વિલિયમ શેકસપિયરે રોમિયો જુલિયટ થી શરૂઆત કરેલી જ્યાં રોમિયો અને જુલિયટ જાણે જ છે કે એનાં શું હાલ થવાનાં છે, પણ લાગણી તો લાગણી છે…એ ક્યાં કોઈનાં કહ્યામાં રહે છે?
સદનસીબે સમય બદલાયો છે, સમાજ ‘લવ’ ને ‘સ્ટોરી’ ન સમજી ‘રિયાલીટી’ તરીકે ધીમે ધીમે સ્વિકારી રહ્યો છે, પણ શા માટે સ્ટાર ક્રોસ્ડ લવર્સ વિષે લોકોને વાંચવું-જોવું આટલું ગમે છે? હમણાં જ આવેલી અને બહુ ગાજેલી ફિલ્મ ‘લા લા લેન્ડ’ હોય કે કલ્ટ બની ગયેલી ‘ટાઈટેનિક’, બે પ્રેમીઓ બસ એકબીજા માટે બનતું બધું જ કરી છૂટે છે, કેટલીક મોમેન્ટસ આ સમાજની વચ્ચે ચોરી લે છે, એ જાણતા નથી કે મંઝિલે પહોંચવામાં સફળતા મળશે કે કેમ, પણ સફર ખુબસુરત હૈ મંઝિલ સે ભી…
એ વાત યાદ રહે, સ્ટાર ક્રોસ્ડ લવર્સ એ કોઈ વેવલા કે નબળા લોકો નથી જેની મજાક ઉડાવવામાં આવે, સમાજનાં અમુક સિમ્પલ સેટ સ્ટાન્ડર્ડ છે એ તમે ફોલો કરો છો તો કોઈને કંઈ સમસ્યા નથી! ડોક્ટર ડોક્ટરને પરણે, વાણિયાનો દિકરો વાણિયાની દિકરી સાથે લગ્ન કરે તો બધું સેટ છે પણ જ્ઞાતિ કે ધર્મ બદલાયા એટલે સિસ્ટમમાં એરર આવવા લાગે છે! કયામત સે કયામત તક – ઈશકઝાદે – ઈશક અને રામલીલા જેવી ફિલ્મો માત્ર અલગ અલગ જ્ઞાતિઓનાં આધારે આ ભવમાં ભેગા ન થઇ શકેલા સ્ટાર ક્રોસ્ડ લવર્સની વાત હતી પણ ઘણી વાર પરિસ્થિતિ ઓર પેચિદા હોય છે.
‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ માં બે જીવલેણ બિમારીથી પિડાતા યંગસ્ટર્સ વચ્ચે પ્રેમ થાય છે, તો બહુ વખણાયેલી ‘સિલ્વર લાઈનિંગ પ્લેબુક’ માં નિષ્ફળ પરિણામ નક્કી છે એવા એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં એક શિક્ષક પડે છે અને પછડાટ ખાય છે, ‘ધ નોટબુક’ વિષે તો જેટલું લખાય એટલું ઓછું છે, ઈટર્નલ સનશાઈન ઓફ અ સ્પોટલેસ માઈન્ડમાં વળી જીવનની દરેક કડવી યાદોને ઈરેઝ કરીને નવી શરૂઆત કરવાની વાત હતી, કરિયરની મધ્યમાં, અર્લી થર્ટીઝ કે ફોર્ટીઝમાં મિડલ એજ ક્રાઈસિસ આવે, સ્ત્રીઓને જેમ મુડ સ્વિંગ આવે એમ પુરુષોને પણ આ ઉમરમાં નિર્ણયો લેવામાં થાપ ખાય, કેટલીક ઈમોશનલ નીડ્ઝનાં લીધે સતત કશુંક ખૂટતું હોય એવું એને લાગ્યા કરે!
સ્ટારક્રોસ્ડ લવર્સનાં પણ નક્ષત્રો હોય છે, એનું પણ એક તારામંડળ હોય છે! આ ફાસ્ટપેસ યુગમાં બધું ઈન્સ્ટન્ટ છે ત્યારે સ્ટાર ક્રોસ્ડ લવર્સ બનતા પહેલા તો લવ જ લાપતા બન્યો છે! સમય ઓવર કમર્શિયલાઈઝ થઇ ગયો છે અને ત્યારે આવા સ્ટારક્રોસ્ડ લવર્સ પણ પ્રમાણમાં ઓછા દેખાય છે! કરિયર ઓરિયેન્ટેડ યંગસ્ટર્સ હવે H1B વિઝા અને સેલેરી સ્લિપ જોઇને વધુ વિગતમાં પડે છે, સંબંધોનાં ડાયનામિક્સ બદલાઈ ગયા છે, દિલ કરતા ડિલમાં ઇન્વેસ્ટ થાય છે એટલે મામલો ખાસ કંઈ સંગીન નથી બનતો, બધું મેચ ફિક્સિંગની જેમ એકદમ પરફેક્ટ અને ઓન ડોટ હોય છે! અરમાનીનાં શુટ, ફોર બીએચકે બંગલો અને સાઉથ એશિયાનાં દેશોમાં હનિમૂન ટ્રિપ!
ફિલ્મ મેકર્સ ફરી ફરીને કેમ એ જ બીબામાં જઈને પડે છે? કારણકે કદાચ લોકો પેલા પરફેક્ટ મેરેજ નીચે અન્ડર ધ કાર્પેટ કરેલી નિષ્ફળ ગયેલી લવ સ્ટોરીઝને પડદા પર જોઈ પોતાની જાતને એમાં શોધતા ફરે છે! કોઈનાં કોલેજનો ક્રશ, કોઈનો પાંચેક વર્ષ ચાલેલો સંબંધ, કોઈનો છેક છેલ્લી ઘડીએ ‘ના’ માં રિજેક્ટ થયેલો લવ! શહેરની સાથે લાગણીઓ પણ શિફ્ટ થઇ ગઈ હોય એવો ધૂંધળો થઇ ગયેલો પ્રેમ ક્યારેક આ ફિલ્મો અને પુસ્તકોમાં જીવિત થાય અને બધું સામે આવી જાય! મન કસ્તુરી રે, જગ દસ્તુરી રે, બાત હુઈ ન પૂરી રે!
રંગુન ભલે બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ પણ ‘મિસ જુલિયા’ જેવી એક અલ્લડ અને કોઈને પણ ન ગાંઠનારી છોકરી કે જે બાળપણમાં અનાથ હોઈને રૂસિ બિલીમોરિયા નામનાં એક ફિલ્મમેકરે એને કહો કે ખરીદી લીધી છે! સતત એ માલિકી જતાવે છે પણ જુલિયા તો ખળખળ વહેતી નદી છે, એને આ બંધ કુવા માંથી જયારે બહાર ડોકિયું કરવા મળે છે ત્યારે એને મળે છે જમાદાર નવાબ મલિક! નવાબ મલિક સાથે ફિલ્મમાં કહે છે એમ જીવતેજીવ જ પોતાનાં શરીરમાં જ દફન થઇ ગયેલી જુલિયા પોતાની જાતનું પ્રતિબિંબ જુવે છે અને સર્જાય છે નેવર બિફોર લવ સ્ટોરી!
અંત ભલા તો સબ ભલા, એવું ભલે કહેવામાં આવ્યું હોય પણ પ્રેમને સફળતા ન મળે તો લાગણીઓનું નામ કે સરનામું નથી બદલાઈ જતા!
સરસ લખાણ. ” …બધું સામે આવી જાય! મન કસ્તુરી રે, જગ દસ્તુરી રે, બાત હુઈ ન પૂરી રે!”
સરયૂ પરીખ
LikeLike
શ્રી ભાવિનભાઈનો સ્ટાર ક્રોસ્ડ લવર્સ : તમે ક્યારેય હારેલી બાજી રમી છે? મઝાનો લેખ
ये इश्क है रे ये इश्क है बेखुद सा रहता है यह कैसा सूफी है
जागे तों तबरीज़ी बोले तों रूमी है… – ગુલઝાર
વાહ
જીવતેજીવ જ પોતાનાં શરીરમાં જ દફન થઇ ગયેલી જુલિયા પોતાની જાતનું પ્રતિબિંબ જુવે છે અને સર્જાય છે નેવર બિફોર લવ સ્ટોરી! = અનુભવાયેલી વાત !
ભલા તો સબ ભલા, એવું ભલે કહેવામાં આવ્યું હોય પણ પ્રેમને સફળતા ન મળે તો લાગણીઓનું નામ કે સરનામું નથી બદલાઈ જતા! સાચી વાત
LikeLike
“તમે ક્યારેય હારેલી બાજી રમી છે? ” જેવો સવાલ મૂકીને હરેલાને રમતા કરી દે તેવો સરસ લેખ.
LikeLike