ગીતા મારી સમજ – ૧૫ (પી. કે. દાવડા)


(૧૫) પુરૂષોત્તમ યોગ

આ અધ્યાયને પુરૂષોત્તમયોગ નામ આપવામાં આવ્યું છે. અધ્યાયના પહેલા શ્ર્લોકમાં એક અલૌકીક વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વૃક્ષના મૂળ સૌથી ઉપર છે, એની નીચે શાખાઓ છે, અને સૌથી નીચે પાંદડા છે. આપણે જે વૃક્ષ જોવા ટેવાયલા છીએ એના કરતાં આ ઉંધું લાગે છે. આ વૃક્ષ સાંકેતિક છે. આપણે વંશવૃક્ષ શબ્દ વાપરીએ છીએ, એમાં કૂળનું મૂળ સૌથી ઉપર છે, અને પછી નીચે વંશનો વિસ્તાર થતો જાય છે. આજકાલ મોટી કંપનીઓમાં ચેરમેન કે સી.ઈ.ઓ. સૌથી ઉપર છે, પછી મેનેમેન્ટ અને સૌથી નીચે શેરહોલ્ડરો હોય છે. કદાચ અહીં પણ એવો જ સંકેત છે.

કેટલાક લોકોએ આ વૃક્ષને પીપળા સાથે સરખાવ્યો છે તો કેટલાકે એને વડ સાથે સરખાવ્યો છે. અહીં શાખાઓ નવા મૂળ લે છે એવું વકતવ્ય સાવે છે, એટલે એની વડ સાથેની સરખામણી વધારે યોગ્ય છે.

આમાં મૂળ એટલે પરમાત્મા એવો અર્થ કરી શકાય. શાખાઓ એટલે વેદો, પુરાણો (જેમાં જીવનના ઉચ્ચ નિયમો આપેલા છે), અને પર્ણો એટલે વેદ-પુરાણોના શ્ર્લોકો (છંદો). ગીતાની ખૂબી એ જ છે કે સૌ પોત પોતાની રીતે અર્થ કરી શકે. અહીં તો સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે માત્ર વેદના નિષ્ણાતો જ આ સમજી શકે છે.

આ શ્ર્લોકમાં બીજી બે વાતો સમજાય છે. જેમ જેમ તમે મૂળથી દૂર જાવ છો તેમ તેમ તમારી સત્તા (અને તમારામાં રહેલું સત્ત્વ) ઘટે છે. બીજીવાત, શાખાઓ જમીન તરફ આગળ વધી, જમીનમાં નવા મૂળ નાખી, વિસ્તરે છે. આ વિસ્તાર એટલે મોહ, ઈચ્છા અને એમાંથી જન્મતા વિકારો. સાંસારિક જીવનની જ વાત કરીએ તો રહેવા માટે ઘર જોઈએ, ઘર માટે ફર્નીચર જોઈએ, બાળકો માટે શાળા જોઈએ અને આવી તો અનેક જરૂરિયાતો રોટી, કપડા, મકાનની મૂળભૂત જરૂરિયાતોમાંથી ઉત્પન્ન થાય છે. આ જમીનમાં મૂળ નાખતી શાખાઓનો વિસ્તાર છે. આ શાખાઓ એ જ સંસારવૃક્ષ. આ સંસારવૃક્ષ મૂળવૃક્ષ સાથે જેટલું જોડાયલું રહે, અને ઉપરના મૂળમાંથી પુષ્ટી મેળવે, એટલું સુખ મળે.

આપણે મૂળ વૃક્ષને સમજી શકતા નથી કારણ કે આપણને એની શરૂઆત, મધ્ય કે અંત ક્યાં છે એ જ સમજાતું નથી. આપણે માત્ર એક ડાળ પકડી છે અને માત્ર એને જ જોઈ શકીયે છીયે, જેમ આપણી નજર માત્ર ક્ષિતિજ સુધી જ જોઈ શકે છે. જો આપણે વિમાનમાં બેસીને નજર કરીએ તો ઘણો વધારે વિસ્તાર જોઈ શકીએ છીએ, અને સેટેલાઈટમાંથી જોઈએ તો આખી પૃથ્વીને જોઈ શકીએ છીએ. બસ આ વૃક્ષને જોવા સમજવા આપણા મનની ઉંચાઈની જરૂર છે. મોહ અને ઈચ્છાથી ઉપર ઊઠીને જોવાની જરૂર છે. આ વિશાળ બ્રહ્માન્ડની સરખામણીમાં આપણે કેટલા માપના છીએ, એ સમજાઈ જાય તો ઘણું બધું સમજાઈ જાય. આપણું આ અંગેનું અજ્ઞાન આપણાં દુખનું કારણ છે.

પરમાત્મા જ આ વૃક્ષનું મૂળ છે, એના તરફ મીટ માંડવાની જરૂર છે. માયાના મૂળમાં ખૂંપેલી આ સંસારની ડાળખીઓમાં તો અટવાઈ જવાય. આમાથી છૂટવાનો રસ્તો માયાથી મુક્ત થઈ, જ્ઞાન, કર્મ અને ભક્તિના માર્ગે ચાલવાનો છે. તામસિક વૃતિનો સદંતર ત્યાગ કરી, રાજસિક અને ત્યાંથી સાત્વિક વૃતિ તરફ પ્રવાસ કરવાનો છે. અહીં કહ્યું છે તેમ, આ વૃક્ષને પાર કરી પરમ પદ સુધી પહોંચવા દૃઢ વૈરાગ્ય રૂપી શસ્ત્રનો ઉપયોગ કરી માર્ગ બનાવી, પરમ પદ સુધી પહોંચી શકાય, જ્યાંથી પછી પાછા આવવાનું નથી. જે આદ્યપુરૂષ અનાદી કાળથી આ બ્રહ્માંડ ચલાવે છે, એના હું શરણે આવ્યો છું, એવી વૃતિથી આ પરમ પદની શોધ કરવાની છે.

પરમાત્મા સુધી પહોંચવા પાત્રતા જોઈએ. વ્યક્તિમાં “હું” અને “મારૂં” આ બે વાતોનો નકાર જરૂરી છે. આ નકાર કેળવતાં સમય લાગે, પણ પ્રયત્ન ચાલુ રાખવાથી ધીરે ધીરે આવે. વ્યક્તિ કે વસ્તુના મોહપાસમાંથી મુક્તિ વગર પરમાત્મા સુધી પહોંચવું શક્ય નથી. અહીં પરમાત્માને તમે શાશ્વત શાંતિ કહો, કે બીજું કંઇ પણ નામ આપો, વાત કેદમાંથી છૂટવાની છે. બંધન મુક્તિની છે.

પાંચમા શ્ર્લોકમાં સ્પષ્ટ કહ્યું છે, “અધ્યાત્મ નિત્યા”. આ એક બે દિવસની વાત નથી. કાયમ માટે આ માર્ગે ચાલવાની વાત છે. આના માટે કાયમ જગૃત મન સાથે, સારૂં અને ખરાબ, સુખ અને દુખ, વખાણ અને ટીકા, ગમો અને અણગમો, બસ આ બધાથી પર થવાનું છે. આ બધું તો આવે અને જાય. કશું કાયમી નથી.

છઠ્ઠા શ્ર્લોકમાં લક્ષ્ય શું છે એ સમજાવ્યું છે. શરીરનો મોહ, બુધ્ધિનું અભિમાન અને મનની ચંચળતા આ ત્રણ વસ્તુઓના ત્યાગ ઉપર ધ્યાન કેંદ્રીત કરવાની જરૂર છે, કારણ કે આ બધામાં જ દુખના મૂળ રહેલા છે. આવો માણસ સદેહે સંસારમાં રહીને પણ મુક્તિ અનુભવે છે. એક્વાર ત્યાં પહોંચ્યા પછી ફરી ફરી એની એ સાંસારીક ઝંજાળમાં પડવું પડતું નથી. બસ આ જ મુક્તિ છે.

સાતમાં શ્ર્લોકમાં સમજાવ્યું છે કે પ્રકૃતિના પ્રત્યેક જીવમાં મારો અંશ છે, જેનો અનુભવ આપણે મન અને પાંચ ઈન્દ્રીયો દ્વારા કરી શકીએ છીએ. આઠમાથી અગીયારમા શ્ર્લોકમાં શરીર અને આત્માના સંબંધની વાતો સમજાવી છે, એ હું હજી સુધી સમજી શક્યો નથી. બારમાથી પંદરમા શ્ર્લોકમાં ફરી કહ્યું છે કે એ સૃષ્ટીના પ્રયેક જીવમાં, પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક પ્રક્રીયામાં હું જ છું, એટલે શક્તિ (Energy) છે.

સોળમાં શ્ર્લોકમાં ક્ષ્રર અને અક્ષર વચ્ચેનો ભેદ સમજાવી અને પછી કહે છે કે હું આ બન્નેથી અલગ છું. આનો અર્થ હું એવો કરૂં છું કે જીવ અને નિર્જીવ કરતાં શક્તિ અલગ છે. જીવ અને નિર્જીવ શક્તિના Products છે.

સત્તર, અઢાર અને ઓગણીસમાં શ્ર્લોકમાં પરમાત્મા એટલે શું એ સમજાવ્યું છે. પરમાત્મા ક્ષર અક્ષરની ઉપર છે, એ અવિનાશી છે, દેહ ધારી રીતે ઓવા ઈચ્છો તો એ ઉત્તમ પુરૂષ છે, એ સમગ્ર બ્રહ્માન્ડનું ધારણ અને પોષણ કરે છે. જે જ્ઞાની પુરૂષો મારા સ્વરૂપને સમજે છે, જાણે છે, એ મને પુરુષોત્તમ નામથ જાણે છે.

અંતમાં અર્જૂનને કહે છે, કે મેં તને આ Top Secret કહી દીધી. આ વાત જાણીને માણસ કૃતાર્થ થઈ જાય છે.

(૧૬) દૈવાસુર સંપવિભાગ યોગ

માણસનું મન એ સારા કે નબળા વિચારોનું ઉદભવ સ્થાન છે. જો અર્જુનના મનમાં વિષાદ ન આવ્યો હોત, તો આ ગીતાની રચના થાત જ નહિં. મન ઉપર મનુષ્યનો કાબુ, કે મનુષ્ય ઉપર મનનો કાબુ? જીવનની આ જ એક મોટી મથામણ છે.

૧૬ મા અધ્યાયમાં ગીતા, દૈવી અને આસુરી વૃતિઓ સમજાવે છે. નિર્ભયતા, ચિત્તસુધ્ધિ, જ્ઞાન, યોગમાં નિષ્ઠા, દાન, ઇન્દ્રીયોનો સંયમ, યજ્ઞ, વેદોનું પઠન-મનન, તપ, સરળતા, અહિંસા, સત્ય, ક્રોધનો ત્યાગ, શાંતિ, સન્યાસ, નિંદાનો ત્યાગ, પ્રાણીમાત્ર ઉપર દયા, નિર્વિકારપણું, લોકલાજ, સ્થિરતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, વિદ્રોહનો ત્યાગ, નમ્રતા આ બધા્ની ગણના દૈવી વૃતિઓમાં થાય છે.

અહીં એક પછી એક ૨૬ દૈવી વૃતિઓની યાદી આપી છે. પણ ગીતાના રચનારાની ખુબી જુઓ, સૌથી પ્રથમ સ્થાન નિર્ભયતાને આપ્યું છે. ભયભીત માણસ, સ્વબચાવમાં કંઈક્ને કંઈક આસુરી વૃતિવાળું કામ કરી બેસે. એટલે દૈવી વૃતિઓ માટે નિર્ભય હોવું જરૂરી છે. અને યાદીનો અંત નમ્રતાથી કર્યો છે. દૈવી વૃતિઓવાળો માણસ, પોતાની દૈવી વૃતિઓ માટે અહંકાર રાખે, હું બીજા બધાથી સારો છું એવી તુમાખી રાખે, તો બાકીની દૈવી વૃતિઓ નંદવાઈ જાય છે.

દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, દુખ પહોંચાડે એવી વાણી, અને અજ્ઞાન આ બધી આસુરી વૃતિઓ છે.

દૈવી વૃતિઓ મોક્ષદાયક છે, જ્યારે આસુરી વૃતિઓ બંધનમાં નાખનારી છે. મનુષ્યના બે જ સ્વભાવ છે, દૈવી અને આસુરી. આસુરી સ્વભાવના લોકો પ્રવૃતિ અને નિવૃતિને સમજતા જ નથી. તેમનામાં પવિત્રતાનો અભાવ છે. તેમનામાં આચાર અને સત્યનો અભાવ છે. આવા લોકો જગતને પણ અસત્ય માને છે, ઈશ્વરના અસ્તીત્વનો પણ અસ્વીકાર કરે છે.

આવા વિચારના લોકો, મોટે ભાગે હિંસા અને ઉગ્ર કર્મો કરવાવાળા લોકો છે, અને આ લોકો જગતમાં વિનાશ માટેની પ્રવૃતિઓ કરે છે. આ લોકો, તૃપ્ત ન કરી શકાય એવા કામોની ઈચ્છા કરી, દંભ, માન અને મદથી યુક્ત થઈ, અજ્ઞાનથી, વેદોએ કહેલા કર્મોથી વિરૂધ્ધ કર્મો કરે છે. આવા લોકો, મૃત્યુ સુધી વિષયભોગને પુરૂષાર્થ માનનારા, અને માત્ર ધનસંચયની ઇચ્છાવાળા લોકો હોય છે. આવા લોકો દરેક કુક્રર્મમાં અભિમાન લે છે. પોતે જ પોતાની પ્રશંસા કરે છે. અંતમાં આવા લોકો અધમ ગતિ પ્રાપ્ત કરે છે.

અધ્યાયના અંતમાં ગીતા કર્મ અને અકર્મનો નિર્ણય શાસ્ત્ર મુજબ જ લેવો એવી પ્રબળ સલાહ આપે છે.

અહીં ખરાબ કામોની સમજ વધારે વિસ્તાર પૂર્વક આપવામાં આવી છે. સારા કામો માત્ર ગણાવવામાં આવ્યા છે. મહાભારતમાં પણ કૌરવોની સંખ્યા ૧૦૦ છે, જ્યારે પાંડવો માત્ર પાંચ છે. મનમાં ૧૦૦ ખરાબ વિચારો આવવાનો પ્રયત્ન કરતા હોય, પણ માણસ માત્ર પાંચ સારા વિચારને મજબૂતીથી પકડી રાખીએ, તો ૧૦૦ ખરાબ વિચાર હારી જઈને મનમાંથી નીકળી જશે.

2 thoughts on “ગીતા મારી સમજ – ૧૫ (પી. કે. દાવડા)

 1. ‘ પરમાત્મા એટલે શું એ સમજાવ્યું છે. પરમાત્મા ક્ષર અક્ષરની ઉપર છે, એ અવિનાશી છે, દેહ ધારી રીતે ઓવા ઈચ્છો તો એ ઉત્તમ પુરૂષ છે, એ સમગ્ર બ્રહ્માન્ડનું ધારણ અને પોષણ કરે છે. જે જ્ઞાની પુરૂષો મારા સ્વરૂપને સમજે છે, જાણે છે, એ મને પુરુષોત્તમ નામથી જાણે છે.’ મા પુરુષોતમજીની સ રળસમજુતી
  ……………………………………………………
  “અભયં સત્વ સંશુધ્ધિ , જ્ઞાન યોગ વ્યવસ્થિત: ” એટલે કે તમે સત્વ ગુણની વૃધ્ધિ કરો, શુધ્ધિ રાખો, જ્ઞાન પ્રાપ્ત કરો, યૌગિક જીવન જીવો અને અભય બની જીવન નો આનંદ લો. સર્વે ને અભય અને સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થાય એવી મંગલમય પ્રાર્થના. ‘સ રળસમજુતી અભયને ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રતમા પણ ઉમેર્યું છે
  સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું,
  બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.
  અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં
  એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.
  એક શબ્દમા વેદનોસાર કહો તો
  .
  અભય

  Like

 2. “વ્યક્તિમાં “હું” અને “મારૂં” આ બે વાતોનો નકાર જરૂરી છે. આ નકાર કેળવતાં સમય લાગે, પણ પ્રયત્ન ચાલુ રાખવાથી ધીરે ધીરે આવે. ‘

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s