રણને પાણીની ઝંખના – ૧ (પૂર્વી મોદી મલકાણ)


અંધારી રાતના ત્રણ પડછાયા..

શિયાળાના અંધકારને ચીરીને મોડી રાત્રીએ ડીમ લાઇટ સાથે વેન બર્ફીલા રસ્તા પરથી ધીમી સ્પીડે દોડી રહી હતી. શિયાળાના દિવસો હતાં સ્નો સારો એવો પડી ગયો હતો અને હજુ પણ પડી જ રહ્યો હતો. ઠંડી અને સ્નો વધી રહ્યાં હતાં અને વધતાં જતાં સ્નોની સાથે રસ્તાઑ પણ લપસણા થઈ રહ્યા હતાં. પરંતુ ભૂમિ પર છવાયેલી આ બરફની ચાદરથી આકર્ષાયેલા અવકાશે રૂપેરી પ્રકાશ અનોખી રીતે ચમકવાનું ચાલુ કરી દીધું હતું. આખી બપોર કલરવ કરી રહેલા બાળકો શાંતિથી સૂઈ ગયા હતાં. ૨૦૦૫ ના સાલનો નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. અમે અમારા પરીવાર સાથે thanks giving કરીને  ન્યુયોર્ક તરફ પાછા ફરી રહ્યાં હતાં. કારમાં મારા બાળકો સાથે દીદીનો પરીવાર હતો. વધતા જતાં અંધારા સાથે દોડતી કારમાં બાળકો આખા દિવસના કલરવ બાદ સૂઈ ચૂક્યા હતાં, અને હું ને દીદી પ્રભુ સ્મરણમાં મગ્ન હતાં. આગળની સીટ પર બેસેલા મારા પતિ અને મારા જીજુ આગળનો માર્ગ શોધવામાં મગ્ન હતાં કારણ કે અમારો એક્ઝિટ પાછળ રહી છૂટી જતાં અમારી કાર એક નાનકડા ટાઉનમાં ખોવાઈ ગઈ હતી. બારીના કાચમાંથી દેખાઈ રહેલું તે ટાઉન વરસી રહેલા સ્નોની અંદર છુપાયેલું હતું. ધુમ્મસ ભરેલ વાતાવરણની  અંદર છૂપાયેલા મુખ્ય રસ્તાઓ બર્ફિલી ઠંડીથી થીજી ગયેલા હતાં. તે ટાઉનમાંથી બહાર નીકળવા માટે મારા પતિ અને મારા જીજુ ઘણો જ પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાં અમારી વેન એક એવા રસ્તા પર ફરી ફરીને આવી જતી હતી કે જ્યાં ઘણા બધા લોકો ખુલ્લા આસમાન નીચે શાંતિથી સૂતેલા હતાં.

આ રસ્તા પર એક સિમેટ્રી આવેલી હતી. અહીંથી બહાર રસ્તો શોધવાનો પ્રયત્ન ચાલુ હતો તે સમયે મારી દીદીની નજર બારીની બહાર પડી ત્યાં એક પ્રકાશ દેખાઈ રહ્યો હતો. અમે બારીના કાચમાંથી એ પ્રકાશ ક્યાંથી આવે છે, કઈ દિશામાંથી આવે છે તે નક્કી કરવા લાગ્યાં પરંતુ તે પ્રકાશ ક્યાંથી આવતો હતો તે નક્કી કરવું મુશ્કેલ હોઈ બે પળ પછી અમે ફરી અમારા પ્રભુચિંતનમાં મગ્ન થઈ ગયાં , કદાચ તે કોઈ પ્રકાશ જ હશે તેમ માનવા માટે આજે પણ હું તૈયાર છું પરંતુ એ પ્રકાશ ફક્ત પ્રકાશ ન હતો તે પ્રકાશની લંબાઈ માણસની સાઇઝની હતી, અને જાણે ત્રણ માણસ એકસાથે ચાલ્યાં જતાં હોય તેવું લાગી રહ્યું હતું. બે પડછાયા નાના અને વચ્ચેનો પડછાયો મોટો હતો પળભર એ કાર પાસેથી ચાલ્યાં જતાં પ્રકાશને જોઈને પલભર માટે દીદી જોઈ રહી પછી તેમણે મારું પણ ધ્યાન તે તરફ દોર્યું. આ પ્રકાશને હું પણ જોવા લાગી. થોડી પળોમાં એ પ્રકાશ નજીક આવતાં જ અમને એવું લાગ્યું કે એ ખરેખર પ્રકાશ નહીં પણ માણસો જ હતાં જેમાં બે બાળકો અને એક પિતા હતાં. તેઓ અમારી કાર પાસેથી નીકળ્યાં અને પલભર માટે અમારી તરફ જોઈ હસ્યાં અને પછી આગળ વધી ગયાં. પ્રભુ સ્મરણ કરી રહેલા અમે વિચારવા લાગ્યાં કે આટલી મોડી રાત્રીએ આ પરીવાર ક્યાં જઈ રહ્યો છે? પછી લાગ્યું કે કદાચ આસપાસમાં જ રહેતા હશે અને ઘર તરફ પાછા વળી રહ્યાં હશે અને તેમાંયે ઘર કદાચ બાજુમાં જ હશે તેથી ચાલીને જઈ રહ્યાં છે. બસ આજ વિચારથી અમે અમારા ચિંતનમાં ફરી મગ્ન બની ગયાં. જ્યારે તેઓ આગળ ગયાં ત્યારે અમે પણ તેઓના તરફ જોઈ રહ્યાં હતાં કારની આગળ જતાં જ એ પરીવાર અમને ફરી માત્ર એક પ્રકાશ રૂપે દેખાયો આ જોઈને હું ને દીદી થોડા અચંભિત થઈ ગયાં. તે દિવસની જેમ આજે પણ અમારા માટે એ ત્રણ લોકો કોઈ પડછાયો છે તેમ માનવું થોડું મુશ્કેલ છે તેથી તેઑ અમારે માટે એક પ્રકાશ હતો કે પરીવાર હતો તે નક્કી કરવા માટે આજે પણ અમે મૂંઝાયેલા છીએ. ( પરંતુ આગળ જતાં અમને જે અનુભવ થયો તે જોતાં લાગે છે કે એ કોઈનો પડછાયો જ હતો જે અમને કંઈક કહેવા માટે આવેલો હતો. )

વારંવાર ધુમ્મસ અને ટાઉનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલી અમારી કાર થોડીવારમાં ફરી એ જ રસ્તા પર આવી પહૂંચી અમે વિચારવા લાગ્યા કે આ રસ્તાની બહાર કેવી રીતે નીકળવું નાની નાની સ્ટ્રીટમાંથી લેફ્ટ રાઇટ ટર્ન લેતાં લેતાં અમારું વારંવાર એ જ રસ્તા પર આવવું શું એ ઇત્તેફાક હતો? ખબર નથી એ અનાયાસ કે ઇત્તેફાક શા માટે થતો હતો, બસ અમારો પ્રયત્ન ચાલુ હતો અને સાથે સાથે સ્નો પણ ચાલું હતો. સ્નોનો પ્રકાશ આસમાનને વધુ ને વધુ બ્રાઇટ કરી રહ્યું હતું. દરેક વાર જ્યારે અમારી કાર એ સ્ટ્રીટમાં ગોળાકારે ઘૂમી રહી હતી ત્યારે અમે જોતાં કે એ પ્રકાશ કાં તો અમારી આગળ હોય, પાછળ હોય અથવા બાજુમાંથી પસાર થતો હોય હું ને દીદી દર વખતે વખતે વિચારતાં રહેતા કે અરે આ પ્રકાશ તો આપણે ત્યાં જોયો હતો ને? અરે આ પ્રકાશ આગળ છે, અરે પાછળ છે કરીને અમે પણ બારીના કાચમાંથી તે પ્રકાશ તરફ જોઈ રહેતાં. વારંવાર તે પ્રકાશ અમને મળતો અને વારંવાર એ પ્રકાશને જોતાં અમે પણ તેનાંથી જાણીતા થવા લાગ્યાં. આખરે લગભગ ૪૫ મિનિટ ગોથા ખાધા બાદ અમને એ ટાઉનમાંથી આગળ વધવાનો મોકો મળ્યો, ને રસ્તો મળ્યો. રસ્તો મળતાં જ અમને થોડી શાંતિ થઈ અને તે પ્રકાશવાળા રસ્તાને પાછળ છોડીને ચાલી નીકળ્યાં.

હવે અમારી કાર ટર્નપાઇક પરથી આગળ દોડી રહી હતી ને તે ટાઉન પાછળ છૂટી ગયું હતું અને સમયનો કાંટો અમને ન્યૂયોર્ક તરફ ધકેલી રહ્યો હતો. અચાનક મારી નજર બારીની બહાર ગઈ ત્યારે જે દ્રશ્ય દેખાયું તે જોઈને હું પળભર માટે અવાચક બની ગઈ, મારું મન એ માનવા તૈયાર જ નહોતું થતું કે હું જે જોઈ રહી છું તે શું છે…….તે શું સાચું છે….? કદાચ તે વખતે મારો મારી આંખ પરથી વિશ્વાસ ઊડી ગયો હતો પરંતુ એ એજ પ્રકાશ હતો જેને અમે પાછળના ટાઉનમાં મૂકીને આવેલાં. મે મારી દીદીનું ધ્યાન દોર્યું અને તેણે પણ જે જોયું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. એ પ્રકાશ અમારી સાથે સાથે દોડી રહ્યો હતો પરંતુ ફર્ક માત્ર એટલો હતો કે તે પ્રકાશ જમીનથી થોડા પગલાં ઉપર હતો આથી એમ કહી શકાય કે તે હવામાં દોડી રહ્યો હતો. હું ને દીદી એ પ્રકાશ તરફ જોઈ જ રહ્યાં હતાં ત્યાં એ પ્રકાશ હવામાં વધુ થોડો ઊંચે ગયો અને હવા સાથે તે વાત કરતો કરતો અમારી દોડતી કાર સાથે આગળ વધવા લાગ્યો. આ દરમ્યાન તે ઘણીવાર હવામાં ઘણો ઊંચે ગયો અને નીચે આવ્યો ઘણી વાર તે ત્રણે પ્રકાશ રૂપી પડછાયા એકબીજાનો હાથ પકડી ગોળ ગોળ ફરતાં, અને ફરી છૂટા પડતાં. જ્યારે તે પ્રકાશ હવામાં જતો ત્યારે કારની અંદરથી હું ને દીદી પણ આશ્ચર્યથી તે પ્રકાશ તરફ જોતાં, ખાસ કરીને અમારું આશ્ચર્ય એટલા માટે પણ હતું કે એ પ્રકાશ જ્યારે હવામાં ઊંચો થતો ત્યારે તેના પગ ન હતાં માત્ર રૂની બનેલી પૂછડી હોય તેવું લાગતું. આ પ્રકાશ અમારી સાથે લગભગ દોઢ કલાક રહ્યો આ દરમ્યાન જ્યારે તે જમીનને સ્પર્શતો ત્યારે તે સામાન્ય માણસની જેમ જ લાંબો પડછાયો હતો અને જમીનથી ઉપર જતાં તે ફરની પૂછડીવાળો બની જતો ને તેને જોતાં અમે વિચારતાં રહેતાં કે આ શું છે? આખરે એક પોઈન્ટ પાસે તે પ્રકાશ અમારી તરફ ફર્યો અને બારીના કાચ પાસે આવ્યો તે ક્ષણે અમને લાગી રહ્યું હતું કે આ શું બારીમાંથી અંદર આવવા પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ બારી તો બંધ છે પરંતુ અમારા વિચારથી પરે રહેલા તે પ્રકાશે જાણે અમારી ગાડીને નાનો ધક્કો મારતા હોય તેવી સંજ્ઞા કરી. તે પ્રકાશની આ સંજ્ઞાથી અજાણ્યાં એવા અમને તો પલભર એમ જ લાગ્યું કે એ પ્રકાશે જાણે તેના બે હાથોમાં આખી અમારી વેનને સમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે હજુ આગળ બેસેલા મારા પતિને હું સૂચિત કરું તેમ વિચારી જ રહી હતી ત્યાં જ અચાનક અમારી વેનમાં કોઈ પ્રકારની ખામી ઊભી થતાં કાર બંધ થવા લાગી તેથી મારા પતિએ રોડની સાઈડ પર કાર ઊભી રાખી દીધી અને વિચારવા લાગ્યાં કે કારમાં અચાનક શું પ્રોબ્લેમ આવ્યો? અમે જરા અવાચક બની જોવા લાગ્યા કે આગળ શું બની રહ્યું છે ત્યાં જ અચાનક કારની બારી પાસે કોઈ આવ્યું અને જીજુને બારીનો ગ્લાસ ખોલવા કહ્યું બારી ખોલતાં જ સામે લાંબો ઓવરકોટ પહેરેલો એક માણસ જોયો જીજુ કંઇ આગળ કહે તે અગાઉ એ માણસે જીજુને કહ્યું કે તમારે તમારો રસ્તો બદલવો પડશે. જીજુએ પૂછ્યું કેમ? તે માણસ કહે કે આગળનો રસ્તો બંધ છે હજુ તેનું બોલવાનું પૂરું થાય તે પહેલા એમ્બ્યુલસ અને પોલીસવેન સાયરન વગાડતી ત્યાંથી પસાર થઈ ગઈ. આ જોઈ જીજુ કારમાંથી ઉતાર્યા અને જે દિશામાં પોલીસવેન ગયેલી તે દિશામાં જોવા લાગ્યાં અને અમે આજુબાજુ જોઈને વિચારવા લાગ્યાં કે પોલીસવેન તો ગઈ પણ આજુબાજુ કોઈ એક્સિડેંટ નથી, કારણ કે દૂર જ્યાં સુધી નજર જતી હતી ત્યાં સુધી ન તો ટ્રાફિક હતો કે ન તો કોઈ એક્સિડેંટ દેખાતું હતું . બસ હતું તો સ્નોના પ્રકાશથી ચમકી રહેલું અંધારું આ જોઈ જીજુ એ માણસને સવાલ પૂછવા માટે પાછા ફર્યા ત્યારે જોયું કે એ માણસ ત્યાં નથી આથી તેઓએ પૂછ્યું કે અરે પેલો માણસ ક્યાં ગયો? પણ તે માણસ ક્યાં ગયો તેની અમને જાણ ન હતી આથી અમે પણ આજુબાજુ જોવા લાગ્યાં પણ કોઈ જ ન દેખાયું આથી જીજુ પણ તે માણસ ક્યાં, કઈ દિશામાં ગયો તે જોવા લાગ્યાં પરંતુ ત્યાં અમે અને અમારી કાર સિવાય કોઈ જ ન હતું, અરે સ્નોમાં પડેલા તેના પગલાની છાપ પણ ન દેખાઈ આથી અમે વિચારવા લાગ્યાં કે એ માણસ કોણ હતો ને ક્યાંથી આવેલો હશે? અને હજુ તો અહીંયા જ હતો એટલી વારમાં ક્યાં ચાલ્યો ગયો વળી અહીં તો કોઈ કાર પણ નથી કે અમારી નજીકથી કોઈ કારને જતાં પણ નથી જોઈ તો તે માણસ આવ્યો ક્યાંથી? આખરે લગભગ ૧૦ મિનિટના વિચારના અંતે અમારા મનને એવું લાગવા લાગ્યું કે અમારે અમારી કારનો રૂટ બદલવો જ જોઈએ અને અમે માર્ગ બદલી કાઢ્યો. અમે કારને રિવર્સ લીધી ત્યારે તે પ્રકાશે અમને રસ્તો આપ્યોં અને જાણે અમને બાય કહ્યું હોય તે રીતે પોતાના પ્રકાશમાંથી એક સાઈડ કાઢી. બસ એક ક્ષણ માટે એ સાઇડનો પ્રકાશ દેખાયો અને ત્યારબાદ તે પ્રકાશ ધીરે ધીરે ઝાંખો થતો જણાયો. રિવર્સમાં અમે અમારા બદલેલા રૂટ સાથે આગળ દોડી ગયાં અને તે ઝાંખો પડેલો પ્રકાશ પાછળ છૂટતો ગયો આગળ વધ્યા બાદ તે પ્રકાશ ક્યાંય દેખાયો નહીં. આગળ વધતાં અમે એક સર્વિસ સ્ટેશન પર હોલ્ટ લીધો ત્યાં જાણવા મળ્યું કે હેવી સ્નોને કારણે એ રૂટ પર બે એક્સિડેંટ થયેલા જેમાં પિતા અને તેના બે બાળકોનું મૃત્યુ થયું છે અને માને બચાવી લેવાઇ છે આ સાંભળી અમે સ્તબ્ધ બની ગયાં અને વિચારવા લાગ્યાં કે શું અમને દેખાયેલ તે પ્રકાશ અથવા પડછાયો કે માણસ શું આજ પરીવારનો હશે? શું આ એક્સિડેંટ અને હેવી સ્નોને કારણે ખરાબ થયેલા રસ્તા વિષે શું અમને માહિતી આપવા આવેલો હશે? એ કોણ હતું ? કોણ હતું એ જે અમને અંધારી રાત્રે મળેલ હતું તે કોણ હતું? વળી ક્યારેક લાગે છે કે તે ટાઉન છોડીને પ્રકાશ અમારી સાથે લગભગ દોઢ કલાક સુધી રહ્યો હતો, શા માટે તે અમારી સાથે હતો? પરંતુ ઘણા સવાલોનાં જવાબ નથી હોતા તે બસ એક પ્રશ્નાર્થ ચિન્હ બનીને યાદોમાં સમાઈ જાય છે. ઘણીવાર હેવી સ્નોવાળી રાત્રી જોઉં છું ત્યારે આ બનાવ યાદ આવી જતાં ફરી પાછો એજ ક્ષણ ને તાજી કરતો ડર મનમાં છવાઈ જાય છે તેથી એ વિષય પર વધુ વાત કરવાનું મે અને દીદીએ બંધ કરી દીધું છે પણ તેમ છતાંયે યાદો પર પહેરા નથી હોતા તેથી મનમાં રહેલો એ પ્રકાશ ક્યારેક પડછાયો બનીને ઝબકી જાય છે.

સોર્સ : સત્ય ઘટના

 પૂર્વી મલકાણ મોદી.યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

 

 

 

 

4 thoughts on “રણને પાણીની ઝંખના – ૧ (પૂર્વી મોદી મલકાણ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s