ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૨ (સંપાદન – પી. કે. દાવડા)


(ગઈ પોસ્ટમાં તમે મેં તૈયાર કરેલો જ્યોત્સનાબહેનનો પરિચય વાંચ્યો. આજની પોસ્ટમાં જે પરિચય છે તે એક મોટાગજાના સિરામિક નિષ્ણાત શમ્પા શાહ દ્વારા, મૂળ હિન્દીમાં લખવામાં આવ્યો છે, અને જાણીતા સામયિકમાં છપાઈ ચૂક્યો છે. શ્રી જ્યોતિ ભટ્ટની વિનંતીને માન આપીને અને શમ્પા શાહની મંજૂરીથી એ લેખનું શ્રી  પીયૂષ ઠક્કરે    ગુજરાતી ભાષાંતર કરી આપ્યું છે. આવા અમૂલ્ય લેખને આંગણાં માટે ઉપલબ્ધ કરાવી આપવા બદલ હું લાગતા વળગતા સર્વ જનોનો આભાર માનું છું – સંપાદક)

આત્મીયતા અને નિરાંતનાં નિરનિરાળાં શિલ્પો

શમ્પા શાહ

હિન્દીમાંથી ગુજરાતી અનુવાદઃ પીયૂષ ઠક્કર

દેશના લબ્ધપ્રતિષ્ઠ સિરામિક કલાકારોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતાં શ્રીમતી જ્યોત્સ્ના ભટ્ટ (જન્મ ૬ માર્ચ ૧૯૪૦) પોતાના કામ વિશે વાત કરતાં એક વાત પર ખાસ ભાર મૂકે છે કે એમની બનાવેલી વસ્તુઓ મૂળે તો વપરાશ માટે એટલે કે ઉપયોગમાં લેવા માટે હોય છે. જ્યોત્સ્ના ભટ્ટના કામથી હું છેલ્લા બે દાયકાથી પરિચિત છું. અને એટલે જ એમના આ કથને મને ખાસી અચરજમાં નાખી દીધી. એ વાત સાચી કે વચગાળામાં ક્યારેક તેઓ રોજબરોજના ઉપયોગની વસ્તુઓ પણ બનાવતાં રહ્યાં છે. પણ મૂળે તો એમણે બનાવેલી કૃતિઓ ‘ઉપયોગ’ કે ‘વપરાશ’ શબ્દના સામાન્યપણે સમજમાં આવતા અર્થના માળખામાં બરાબર બેસતી જણાતી નથી. જોકે જ્યોત્સ્ના ભટ્ટે પોતાના કામ સંબંધે જો આ વાત એકાધિક વાર કહી હોય અને ભાર દઈને કહી હોય તો આ વાતનું ખાસ કંઈક મહત્ત્વ તો હોવું જ જોઈએ. એક વિકલ્પ તો એ જ હોઈ શકે કે આપણે એમને જ એમના આ કથનનો ખુલાસો આપવાનો આગ્રહ કરીએ. પણ એમનાં કામ તેમજ વ્યક્તિત્વ બન્નેથી પરિચિત હોવાને નાતે હું સારી રીતે જાણું છું કે તેઓ ‘થોડામાં ઘણું’ કહેવાને ટેવાયેલાં છે. પોતાના કામમાં અતિરેક કે વેડફાટ એમને જરાય પસંદ નથી. વેડફાટનો અહીં અર્થ એ થાય કે જ્યાં એક રંગ વડે કે માત્ર એક રેખા વડે પ્રભાવ ઉત્પન્ન કરી શકાતો હોય ત્યાં બે કે બેથી વધારે રંગો અથવા રેખાઓ મૂકવાના મોહમાં તેઓ ક્યારેય પડતાં નથી. શક્ય છે કે આ વાતની ચોખવટમાં પણ તેઓ ચાર શબ્દોથી વધારેનો ઉપયોગ ન કરે. એટલે જ આ વાતના ભીતરી ભેદને મારે મારી પોતાની રીતે જ ખોલવો પડશે. બીજી એક વાત એ પણ છે જે મને સ્વતંત્રરૂપે આ ગૂંચને ઉકેલવાને ઉશ્કેરે છે. એક કલાકારે રચેલી કૃતિ જ્યારે જે ક્ષણે દર્શકની સમ્મુખ આવે છે તે જ ક્ષણે કલાકારનો એના પરનો એકાધિકાર ખતમ થઈ જાય છે. એ કૃતિ હવે દર્શકની નજરે આમ જોઈએ તો ફરીને ઉદ્‌ઘાટિત અથવા તો પ્રકાશિત થાય છે. દર્શક એ કૃતિમાંથી શું પામે છે એની એકાધિક શક્યતાઓ એ કૃતિમાં વિદ્યમાન તો હોય જ છે પણ બધીયે પહેલેથી પ્રકટ નથી હોતી. એક અર્થમાં દર્શક પણ એ કૃતિનો સર્જક બની શકે છે. એને સર્જક ન ગણો તો પણ કૃતિને અલગ અલગ દૃષ્ટિકોણથી પ્રકાશિત કરનાર તો ગણી જ શકો. કૃતિના આ વર્તમાન ઉદાહરણમાં એક વાત એ પણ છે કે હું જ્યોત્સ્ના ભટ્ટની કૃતિઓની નિરપેક્ષ સહૃદયી દર્શક પણ છું અને હું પોતે સિરામિક કલાકાર હોવાના નાતે ‘કૃતિના ઉપયોગીપણા’ની વાતે મને એમાં નિકટતાથી જોડાયેલી પણ અનુભવું છું.

જો હું જ્યોત્સ્ના ભટ્ટના કામની ‘ઉપયોગિતા’ મારા પોતાના પૂરતી તપાસવાનો પ્રયાસ કરું છું તો મને તો એ નિશ્ચિતપણે ખૂબ જ ઉપયોગી જણાય છે. એમની કૃતિઓની આસપાસ નિરાંત પથરાયેલી  હોય છે જેની સીધી અસર આપણી ઉપર પડે છે. દિવસે દિવસે વધતી જતી ભાગદોડની વચ્ચે આ તુષ્ટિની બિછાત ખૂબ જ રાહત અને શાતા આપનાર હોય છે. સમયની ધડધડાટ કરતી ઝડપી ટ્રેનની ગતિ વિરૂદ્ધ અહીં સંધ્યાટાણે મંથર ગતિમાં પાછી વળતી ગાયોની નિરાંત જોવા મળે છે. કાચબા અને સસલાની સ્પર્ધાની વાર્તા અહીં એટલે જ તો સાંભરી આવે છે. કહેવાનો આશય એ કે જ્યોત્સ્ના ભટ્ટની કૃતિ જો ઓરડામાં હાજર હોય તો એ વિચક્ષણ રીતે તમારા સ્નાયુતંત્રને આરામ આપે છે, હળવાશ આપે છે. હું એમની કૃતિઓની આ ખૂબીને જ એમની કૃતિની અદ્‌ભુત ‘ઉપયોગિતા’ ગણું છું.

જ્યોત્સ્ના ભટ્ટને કામ કરતાં જોવાં એ પણ એક લહાવો છેઃ માટીની તૈયારીથી માંડીને ચાકડા ઉપર નાનામાં નાના આકારને રચવાથી લઈને—એટલે કે કોક ઘાટ બનાવવો એને સુકવવો, એને અપેક્ષિત રંગરૂપ આપવો અને ભઠ્ઠીમાં એને પકવવા સુધીની ક્રિયા એમના માટે અત્યંત ગંભીર અને જવાબદારીભર્યું કાર્ય છે. આખીયે પ્રક્રિયા દરમ્યાન માટીનું અને એના વડે રચાયેલી કૃતિઓનું તેઓ જાણે શિશુ હોય એમ અત્યંત કુમાશથી જતન કરે છે. જેમ ઘોડીયામાં નિરાંતે સૂતા બાળકને મા વારંવાર આવીને જોઈ લે છે કે ક્યાંક એ જાગી તો નથી ગયું ને, એમ જ જ્યોત્સ્ના પણ વારંવાર એ કૃતિની અસપાસ જઈ, એને અડકી, એને પસવારી, એને પરિષ્કૃત કરે છે. પોતાની કૃતિ સાથેનો જે આ ઊંડો પોતાપણાનો અનુબંધ છે તે એમનાં બધાંય કામોમાં ઝળકે છે. એ જ કારણે કદાચ એમના કામમાં એક ખાસ પ્રકારની ક્ષણભંગુરતા, એક અગમ્ય નજાકત પણ છે. સિરામિકનાં અન્ય એક વરિષ્ઠ કલાકાર શ્રીમતી ઇરા ચૌધરીએ જ્યોત્સ્ના ભટ્ટના કામ વિશે લખ્યું છેઃ ‘ભડકીલાપણાનો નિતાંત અભાવ અને કરકસરપૂર્વકની અભિવ્યક્તિ જ્યોત્સ્નાના કામની એક વિશેષતા છે અને જેનો એમના વ્યક્તિત્વ સાથે પણ સુમેળ છે.’

મને લાગે છે કે એમના કામનું જે સહજ અને સંકોચશીલ સૌંદર્ય છે તે ક્યાંક ને ક્યાંક એમની પોતાની જાત સાથેના અને એમની કૃતિઓ સાથેના સંબંધની જ પ્રતિછાયા છે.

સિરામિકના માધ્યમમાં એક અજાયબ અંતર્વિરોધ અંતર્નિહિત રહેલો છેઃ જે ભીની માટી અત્યંત લચીલી, સંવેદનશીલ અને કોમળ સ્વભાવની હોય છે તે જ માટી પછી ઊંચા તાપમાન પર પકવવાથી સાવ લચક વિનાની અને કઠોર થઈ જાય છે. જ્યારે કોઈ કલાકાર પથ્થર કે લોખંડને લઈ કામ કરે છે ત્યારે એ પહેલેથી જ એના કઠોરતાને એની વિશેષતા ગણીને જ ચાલે છે, જ્યારે માટીમાં બનેલી કૃતિ એના ઘડતર દરમ્યાન રૂપાંતરિત થતી હોય છે. એ દેખીતું જ છે કે જે કલાકારોએ આ માધ્યમની પસંદગી કરી હોય છે એમણે રૂપાંતરણની આ અનિવાર્ય પ્રક્રિયાને જાણી-સમજીને આ માધ્યમની પસંદગી કરી હોય છે. જોકે આ જ માધ્યમની કલાકાર હોવાને કારણે હું જાણું છું કે અમારામાંથી ઘણાએ આ માધ્યમને એની લચક અને કોમળતા, પોતાના શ્વાસ, તેમજ હળવા આછા સ્પર્શને નોંધવાની, પોતાની ક્ષમતાથી મુગ્ધ થઈને પસંદ કર્યું હોય છે. ઘડવાની પ્રક્રિયા તો ઠીક છે પરંતુ અગ્નિમાંથી પકવેલી કૃતિને બહાર કાઢવાની ક્ષણે જ્યોત્સ્ના ભટ્ટ જેવા કલાકારને ફિકર તો એ હોય છે કે હવે એમાં માટીની એ વિશેષતા કે જેને એમણે ખૂબ જ જતનથી અને ધીરજ સાથે રૂપાકાર ઘડવા માટે સાધી હતી તે પૂરેપૂરી વિલુપ્ત તો નહીં થઈ જાય ને? માટીની મૃદુ, લવચીક તાસીરને માટીને પકવ્યા પછી પણ જાળવી રાખવી એ જ્યોત્સ્ના ભટ્ટના કામની બીજી મોટી વિશેષતા છે.

ટેરાકોટા એટલે કે સાધારણ લાલ માટી જેમાં કુંભાર ઘડા વગેરે બનાવે છે તે પકવ્યા પછી પણ એવી કઠ્ઠણ નથી હોતી જેવી કે ઊંચા તાપમાન પર પકવેલી ખાસ માટી થઈ જાય. પોતાની સિરામિક કૃતિઓની સપાટી ચમકદાર રંગોના સ્તરોથી ઢાંક્યા વગર પણ તેઓ જે સંવેદનશીલતા સાથે એમાં કામ કરે છે જેને કારણે એમના કામમાં માટીની તાજપ પણ અક્ષુણ્ણ જળવાયેલી રહે છે. પુષ્પોની તાજપની જેવી જ કુંભાર વડે ચાકડા પર ઘડાયેલાં કોડિયાં કે દીવડાંની તાજપ હોય છે જે છબીકારોનો પણ પ્રિય વિષય થઈ પડે છે. માટીમાં કામ કરતા હોઈએ ત્યારે એની તાજપને લાંબે સુધી કે પછી પ્રક્રિયાના અંત સુધી જાળવી રાખવી સરળ નથી હોતી. અધ્યાપક તરીકે ઘણા લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને આ માધ્યમમાં જ્યોત્સ્નાબહેને પારંગત કર્યાં છે. અધ્યાપકને નાતે જે એક વાત તેઓ વારંવાર પોતાના વિદ્યાર્થીઓને કહેતાં હોય છે તે છે, ‘માટી સાથે ઝઘડો ન કરો’. ઝઘડાનો અર્થ અહીં એ છે કે માટી સાથે તમે એ રીતે વ્યવહાર ન કરો કે એની તાજપ ખોવાઈ જાય અને એ નિસ્તેજ થઈ જાય. કુંભારનાં કોડિયાંમાં તાજગી એટલે હોય છે કે એના હાથે સહેજ પણ અસમંજસમાં પડ્યા વિના માત્ર થોડીક પળોમાં તેને ઘડ્યું હોય છે. એનાં સધાયેલાં આંગળાંની છાપ કોડિયાંના અંદર-બહારની સપાટી પર જોઈ શકાય છે. અર્થાત જ્યારે લાંબે સુધી એક જ આકાર પર કામ થાય ત્યારે ઘણીવાર માટી કંઈક વધારે નરમ તો કંઈક વધારે સુકાઈ જાય અને એની સપાટી પર એક કરતાં ઘણી વધારે છાપો અંકિત થાય. આને પરિણામે એની તાજપ નષ્ટ થવાનો ભય રહે છે. જોકે આધુનિક કલાકાર આમ તો પોતાને સંકુલમાં સંકુલ રૂપાકારોમાં અભિવ્યક્ત કરતા હોય છે, જેને બનાવવામાં થોડી મિનિટો નહીં પણ દિવસોના દિવસો લાગી જતા હોય છે. એમના માટે માટીના આ નૈસર્ગિક ગુણને સાચવી રાખવાનું સરળ નથી હોતું. એમ કહેવાય છે કે ફિલ્મ એની રચનાપ્રક્રિયા દરમ્યાન કંઈ કેટલીય વાર મરે છે ને અંતે સંપાદકના ટેબલ પર પુનર્જીવિત થાય છે. સિરામિક કલામાં મોટાભાગે આમ જ બનતું હોય છે. રચના પ્રક્રિયામાં કેટલીયવાર નિસ્તેજ, નિષ્પ્રાણ થઈને એણે પુનઃ પુનઃ જીવિત થવાનું હોય છે. ઊંચા તાપમાનની ભઠ્ઠીમાં, અગ્નિપરીક્ષામાંથી પસાર થતાં જો માટીની એ મૂળ તાજપનો એક અંશ પણ બચાવી શકાય તો કલાકારની એ મોટી સફળતા ગણાય. જ્યોત્સ્નાબહેનના કામની એક મોટી વિશેષતા માટીની આ તાજપને પૂરેપૂરી જાળવવામાં છે, જે એમનાં ફૂલોવાળાં અને અન્ય શ્રેણીનાં કામોમાં અનુભવી શકાય છે.

જ્યોત્સ્નાબહેનને વડોદરા કલા-વિદ્યાલયમાં શંખો ચૌધરી, કે. જી. સુબ્રહ્મણ્યન અને વાસવ કુમાર બરૂઆ તેમજ અમેરિકામાં બ્રુકલિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલના જોલિયન હૉપસ્ટેડ (Jolyen Hofstead) જેવા વિખ્યાત કલાકારો તથા પૂના કાકા (પૂનાભાઈ ખીમાભાઈ) જેવા પારંપરિક કુંભારોના સાન્નિધ્યમાં આ માટીકામ શીખવાનો અવસર મળ્યો. દેશના પારંપરિક કુંભારોના કામ સાથે પણ તેઓ નિકટતા અનુભવે છે. બની શકે કે માટીની તાજપને અક્ષુણ્ણ રાખવાનો જાદુઈ નુસખો એમને આપણા કુંભારો પાસેથી જ મળ્યો હોય.

માટી એવું તો લવચિક માધ્યમ છે કે એમાં કંઈ પણ ઉમેરણ કરો તો એ ઉમેરણની એંધાણી કે સાંધાને દૂર કરી શકાય. દાખલા તરીકે કોઈ પ્રાણીનો હાથ કે પગ, આંખ એના શરીર પર એ રીતે મૂકી શકાય કે કરેલા સાંધાની ખબર પણ ન પડે. એટલે કે સાંધાની રેખાને પણ ભૂંસી શકાય છે. જ્યોત્સ્ના ભટ્ટના કામને જોતાં જણાય કે તેઓ મોટાભાગે આ જોડાણની રેખા કે એંધાણીને ઘણું ખરું અડકવાનું પસંદ નથી કરતાં. અલગ અલગ અંગોના એ સંયોજનને સ્પષ્ટપણે દર્શાવતી રેખાઓને તેઓ કાંતો એમને એમ રહેવા દે છે અથવા તો એમને ઉપસાવીને રજૂ કરવાનું પસંદ કરે છે. આ સાંધાની રેખાઓને નષ્ટ કર્યા વિના એને યથાવત અને સુરેખ રાખવાના કારણે પણ એમના કામમાં તાજગીનો અનુભવ થાય છે. રેખાઓને આ રીતે જાળવવાના એમના આ અભિગમ બાબત હું ઘણીવાર વિચાર કરતી હતી પણ એ પાછળના કારણની જાણ મને એમની એક વાતમાંથી હમણાં જ થઈ. એમણે કહ્યું કે બાળપણમાં એમને ઓરીગેમી એટલે કે કાગળને વાળીને, કાપીને આકારો રચવાનો શોખ હતો, જે આજ દિન સુધી એવો ને એવો છે. કાગળના કરકરા ને તીણા વળાંકોની ન હટાવી શકાતી રેખાઓ પ્રત્યેનો એમનો મોહ એમના માટીના કામોમાં પણ જળવાયો  છે. પરંતુ કાગળની એકવિધતા અહીં માટીની ગોળાઈ અને માંસલતા પામીને સજીવન થઈ જાય છે. જ્યોત્સ્ના ભટ્ટને કામની પ્રેરણા પ્રકૃતિના છંદમય રૂપમાંથી મળી છે. એમના ગુરુ કે જી સુબ્રહ્મણ્યન એમના કામને ‘પ્રકૃતિના છંદના ઉત્સવ’ રૂપે ઓળખાવ્યું છે. આપણા સમયના એક બીજાં મહત્ત્વનાં સિરામિક કલાકાર માધવી સુબ્રહ્મણ્યમે જ્યોત્સ્નાના કામની તુલના ‘સાંગીતિક લયબદ્ધતા’ સાથે કરી છે.

જ્યોત્સ્ના ભટ્ટે લાંબા સમય સુધી (૧૯૭૧–૨૦૦૨) વડોદરાની કલાશાળામાં અધ્યાપનકાર્ય પણ કર્યું. એમના માર્ગદર્શનમાં માટીના કામની બારીકીઓથી પરિચિત થયેલા કેટલાય વિદ્યાર્થીઓ આજે દેશના નીવડેલા નામાંકિત પ્રતિષ્ઠિત કલાકારો તરીકે જાણીતા છે. એટલે સુધી કે એમના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીની એક બીજી આખી પેઢી તૈયાર થઈ ચૂકી છે. જોકે મજાની વાત તો એ છે કે ખુદ જ્યોત્સ્ના ભટ્ટનો માટી પ્રત્યેનો અભિગમ આજે પણ એક વિદ્યાર્થી જેવો જ છે. કંઈક નવું જાણવાની, જોવાની ઉત્સુકતા અને પોતાના કામને લઈને અનુભવાતી અનિશ્ચિતતા, સંકોચનો ભાવ, પોતાની કૃતિઓને ભઠ્ઠીમાં પકવવાની પ્રક્રિયાને લઈને થતી ગભરામણ આ માધ્યમમાં આવેલા નવા વિદ્યાર્થી જેવી છે. એમ કહી શકાય કે જ્યોત્સ્ના ભટ્ટ પાછલાં પાંચ–છ દાયકાથી સિરામિક માધ્યમનાં વિદ્યાર્થી અને વિશેષજ્ઞ અધ્યાપક બન્ને છે. આવો સંકોચ અને ગભરામણનો ભાવ એમની કમજોરી નથી બલકે એમની ભીતરનો એ સ્રોત છે જે એમને માટીમાં કામ કરવાની અપાર સંભાવના પ્રત્યે લગાતાર ઉત્સુક અને જાગરૂક રાખે છે. આ જ સ્રોત એમની આંખોમાં ‘બધુંયે જોઈ લીધું’ ને ‘જાણી લીધું’ના ભાવનું જાળું નથી નાખવા દેતો. એ એમને સતત આ માધ્યમમાં નવી શક્યતાઓ તપાસવાને પ્રેરિત કરે છે. આજકાલ તેઓ માટી અને કાચના મિશ્રણનો પ્રયોગ કરી રહ્યાં છે. નિશ્ચિતપણે આ બન્ને માધ્યમોની સમાનતા અને વિલક્ષણતાનો સંગમ આપણને એમનાં આવનારાં કામોમાં જોવાં મળશે.

પ્રત્યેક માધ્યમની પોતાની સીમાઓ અને સીમારેખાઓ હોય છે. એક કલાકાર આ સીમાઓથી બંધાયેલો હોવા છતાં પોતાના કામ દ્વારા એનું અતિક્રમણ સાધતો હોય છે. આ સીમાઓને એ વિસ્તારે પણ છે. જ્યોત્સ્ના ભટ્ટ અને એમના શિષ્યોની મંડળી માટીના આ પ્રાચીનતમ માધ્યમને હજીયે કેટલી વધુ ઊંચાઈ પર લઈ જશે એની સીમા હજી અંકાઈ નથી. જ્યોત્સ્ના ભટ્ટનો માટી પ્રત્યેનો ઉત્સાહ અને અનુરાગ આજે પણ એવો ને એવો તાજગીભર્યો છે. એમાં હજીયે અશેષ શક્યતાઓ અંકુરિત થઈ રહી છે.

આ અનુવાદ સંમાર્જિત કરી આપવા બદલ હું કવિ–અનુવાદક શ્રી રમણીક સોમેશ્વરનો આભારી છું.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

મૂળ લેખનું શીર્ષક: आत्मीयता और इत्मीनान का शिल्प

સૌજન્યઃ कलादीर्घा / KALA DIRGHA, પુસ્તક ૧૪, સળંગ અંક ૨૭, ઑક્ટોબર ૨૦૧૩, પૃ ૧૬–૧૯

ગુજરાતી અનુવાદ માટે સૌજન્ય: ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુસ્તક ૮૨, અંક ૨, એપ્રિલ–જૂન ૨૦૧૭, પૃ. ૪૯ – ૫૩

શમ્પા શાહ

લેખિકાનું સરનામું:

શમ્પા શાહ

એમ–૪, નિરાલા નગર, ભદભદા રોડ, ભોપાલ ૪૬૨ ૦૦૩

મો.  ૯૧ ૯૪ ૨૪૪ ૪૦૫૭૫

ઈમેલ: shampasha@gmail.com

2 thoughts on “ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૨ (સંપાદન – પી. કે. દાવડા)

  1. . માટી પ્રત્યેનો ઉત્સાહ અને અનુરાગ આજે પણ એવો ને એવો તાજગીભર્યો છે. એમાં હજીયે અશેષ શક્યતાઓ અંકુરિત થઈ રહી છે.તેવા સુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટને વંદન

    Like

  2. કલા જીવન ધ્યેય બને ત્યારે સાર્થકતાનો અનુભવ અને કૃતાર્થતા મળે એ આ લેખ સરસ રીતે સૂચવે છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s