લંડનના વિખ્યાત લેન્ડમાર્ક ”
લંડનની બીજા દિવસની અમારી સફર શરુ થઇ દુનિયાના અતિ પ્રખ્યાત મેડમ તુસાઝ વેક્સ મ્યુઝિયમથી .ઇ.સ. ૧૭૭૭માં વોલ્ટરનું પ્રથમ મીણનું પૂતળું બનાવ્યું ત્યારથી શરુ થયેલી અવિરત સાધનાનું ફળ આજે અમારી નજર સામે હતું. મેડમ તુસાદની ફ્રાન્સથી શરુ થયેલી ૩૩ વર્ષની યાત્રા અંતે ૧૮૦૨ લંડન આવીને અટકી હતી. બેકર સ્ટ્રીટ પર આવેલા આ વેક્સ મ્યુઝિયમમાં આબેહૂબ લાગતા પ્રખ્યાત લોકોના મીણનાં પૂતળાં ઉપરાંત ચેમ્બર ઓફ હોરર પણ એટલું જ મોટું આકર્ષણ છે.આ વેક્સ મ્યુઝિયમમાં મેડમ તુસાદના પૂતળાની સાથે દુનિયાભરના અને પ્રખ્યાત લોકોના પૂતળાં મુકાયેલા છે. રોયલ ફેમિલી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો, પાબ્લો પિકાસો,ચાલ્સ ડાર્વિન જેવી હસ્તીની સાથે સ્પોર્ટ્સ પર્સન્સને પણ સ્થાન અપાયું છે. દુનિયાની અનેક દેશની સત્તારુઢ વ્યકિતઓ જેમાં માર્ગરેટ થેચર,ચર્ચિલ, નિકોલસ સારકોઝી, રોનાલ્ડ રેગન,ટોની બ્લેર,બેનઝીર ભુટ્ટો છે તો ગાંધીજી, માર્ટિન કિંગ લ્યુથર જેવા સામાજિક,રાજકીય પરિર્વતન લાવનાર મહાનુભવો પણ છે. અમારા જેવા ભારતીયો માટે અમિતાભ બચ્ચન,ઐશ્વર્યારાય,શાહરુખ ખાન કે સચિન તેંડુલકર સાથે ફોટા પડાવવાની તક હતી તો કેટલાક રસિયાઓ કાયલી મિનોગ અથવા તો મેરીલીન મનરોના ઊડતા ફ્રોકની આસપાસ મંડરાતા હતા.
વેક્સની દુનિયામાંથી આગળ વધીને અમે પ્રવેશ્યા ચેમ્બર ઓફ હોરરમાં જ્યાં ભલભલાની છાતીનાં પાટિયા બેસી જાય અથવા તો હ્રદયના ધબકારા તેજ બની જાય કે આપણે જાતે આપણી ધક-ધક કરતી ધડકન અનુભવીએ તેવા બિહામણા-ખોફનાક માહોલમાં.અહીં ૧૨ વર્ષથી નીચેના બાળકો, સર્ગભા સ્ત્રીઓ અને હ્રદયના દર્દીઓ માટે પ્રવેશ નથી.
મેડમ તુસાદ મ્યુઝિયમ પછી અમે પહોંચ્યા શેરલોક હોમ્સના મ્યુઝિયમમાં. ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના પ્રારંભે એક કાલ્પનિક પાત્ર અસ્તિત્વમાં આવ્યું. જેના પર ૧૮૮૭માં સ્કોટિશ ઓથર અને ફિઝિશિયન સર આર્થર કોનન ડોયલે કરેલા સર્જનનું પ્રકાશન થયું. લંડનના અતિ બાહોશ, સૂક્ષ્મ અવલોકન, તાર્કિક કારણો અને ફોરેન્સિક સ્કિલને લઇને અઘરામાં અઘરા કેસ ઉકેલતા શેરલોક હોમ્સના પાત્રે જોતાજોતામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. બેકર સ્ટ્રિટ ઉપર શેરલોક હોમ્સ રહેતો હોત તો તેનું ઘર, તેની કામગીરી,એના અસબાબ કેવા હોત તેની કલ્પના કરી આ નાનકડું પણ ત્રણ માળનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
રોયલ આલ્બર્ટ હોલ આ નામ કોનાથી અજાણ્યું છે ? તો પછી ‘લોડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ પણ કોણ નથી જાણતું ? ‘હાઇડ પાર્કથી પણ આપણે એટલા જ માહિતગાર છીએ. એક પછી એક આવા પ્રત્યેક સ્થળે અમારી વણથંભી કૂચ ચાલુ જ હતી. લંડનનો જો તમે અઠવાડિયાનો પાસ કઢાવ્યો હોય તો તમે દિવસમાં ગમે ત્યારે,ગમે તેટલી વાર અને ગમે તે સ્થળે આવ-જા કરી શકો અને છતા ચાલવું પણ એટલું જ પડે. આવી કૂચ-કદમ કરી ‘હાઇડ પાર્ક’ પહોંચ્યા. સેન્ટ્રલ લંડનનો સૌથી મોટો આ પાર્ક એક સમયે રોયલ પાર્ક ગણાતો. કેનિંગસ્ટન પાર્ક સાથે જોડાયેલી માર્બલ આર્ચ નજીક આ પાર્ક બે ભાગમાં વહેંચાયેલો છે.
૧૪૨ હેકટર (૩૫૦ એકર) જમીનમાં પથરાયેલો આ પાર્ક આખાય વર્ષ દરમિયાન સવારે પાંચથી મોડી રાત સુધી ખુલ્લો રહે છે. પ્રાચીન ડીયર પાર્ક ગણાતો રોયલ ફેમિલીના પોતાના શિકારના શોખને પોષવા ૧૫૩૬માં બંધાયેલો આ પાર્ક વર્તમાન સમયે ‘સ્પીકર કોર્નર’ તરીકે પ્રખ્યાત છે.
અહીં પ્રજાને પોતાનાં મંતવ્યો પ્રગટ કરવાની પૂરતી મોકળાશ મળે છે, પરંતુ એ શરત સાથે કે જ્યાં સુધી પોલીસ એને કાયદેસર માને.
નાઇટ્સ બ્રિજ ચેલ્સિયા,કેનિંગસ્ટ્ન અને ચેરિંગની વચ્ચેની આ જગ્યા દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિઓની મનપસંદ છે. દુનિયામાં સૌથી વધુ પ્રોપટી ધરાવતા લોકો લંડનના હાર્દ સમી આ જગ્યાએ છે.સાંભળ્યા મુજબ ૨૦૦૬ માં ૪ બેડરુમ ધરાવતા એપાર્ટમેન્ટ ૨૫,૦૦૦,૦૦૦ પાઉન્ડમાં વેચાયા. દુનિયાનું સૌથી મોધું એપાર્ટ્મેન્ટ ૧૦૦,૦૦૦,૦૦૦ પાઉન્ડમાં કતારના પ્રિન્સે ખરીદીયું. બ્રિટનનો સૌથી મોંધામાં મોંધો સ્ટોર ‘હેરોડ્સ’ પણ અહીં છે. મોહમદ અલ ફયાદ કરતાં પણ તેના પુત્ર ડોડી ફયાદને લોકો ડાયેના સ્પેનસરના પ્રેમી તરીકે વધુ ઓળખે છે. તેમની માલિકીનો આ સ્ટોર ‘હેરોડસ’ તો આપણે માત્ર જોવાલાયક સ્થળ તરીકે જ માણવો રહ્યો. લંડનની આ અજાયબ દુનિયાને માણતાં સાંજ ક્યાં ઢળવા આવી તે તો બહાર આવીને ખ્યાલ આવ્યો.
નક્કી કર્યા પ્રમાણે સાંજની અમારી સફર હતી પિકાડેલી સર્કસ, ઓક્સફર્ડ સર્કસ અને લેસ્ટર સ્કવેર તરફ. પિકાડેલી સર્કસ એટલે ફેમસ રોડ જંકશન અને જાણીતી પબ્લિક પ્લેસ. મૂળ લેટિન શબ્દ સર્કસ જેનો સંદર્ભ સર્કલ સાથે જોડાયેલો છે તેવો આ સર્કસ મોટા શોપિંગ મોલ અને એન્ટરટેઇનમેન્ટ એરિયાની અત્યંત નજીક છે. અત્યાર સુધી આપણે પણ ઘણી હિંદી ફિલ્મોમાં જોઇ ચૂક્યા છીએ તેવા વિડીયો ડિસપ્લે અને નિયોન સાઇન બોર્ડવાળા બિલ્ડિંગ એટલે આ પિકાડેલી સર્કસ. કોકોકોલા, ટીડીકે, સાન્યો, મેકડોનાલ્ડ, સેમસંગ જેવા સાઇન બોર્ડ જોતા યાદ આવે કે અરે! આ તો આપણે કેટલીય વાર જોયાં છે ? એ પછી ઓક્સફર્ડ સર્કસ પર ફરી અમે લેસ્ટર સ્કવેર પહોંચયા. લંડનની પશ્વિમે ટ્રફાલગલ સ્કવેરની ઉત્તરે અને પિકાડેલી સર્કસની પૂર્વે આવેલા આ ‘લેસ્ટર સ્કવેર’ની પૂર્વે આવેલા આ ‘લેસ્ટર સ્કવેર’ સિનેમા લેન્ડ (થિયેટર લેન્ડ) તરીકે જાણીતું છે. અહીં સૌથી મોટા સ્ક્રિન અને ૧૬૦૦ સીટની કેપેસિટીવાળું થિયેટર છે. જેમાં મોટાભાગની ફિલ્મોના પ્રિમીયર યોજાય છે. મૂળ રોબર્ટ સિડની નામના ઉમરાવે વિશાળ ધર બાંધી તેનું નામ આપ્યું ‘લેસ્ટર સ્કવેર’ જે સમય જતા ૧૯મી સદીથી મનોરંઅજન માટે જાણીતું બન્યું અને એ વિશાળ ‘લેસ્ટર સ્કવેર’ મ્યુઝિયમના સ્વરુપે પલટાઇ ગયું.લંડનમાં રાતની રંગત જુદી જ લાગતી હતી. દિવસે દેખાતા બિલ્ડિંગો રાતે વધુ આકર્ષક લાગતાં હતાં.
ઓક્સફર્ડ સ્ટ્રિટ ; ત્રીજા દિવસે સવારે અમારી સવારી ઊપડી ઓક્સફર્ડ સ્ટ્રિટ તરફ. પહેલાં જણાવ્યું તેમ અઠવાડિક પાસ હતો એટલે તે વખતના ૨૬ પાઉન્ડની ટીકિટ તો હતી જ, જેમાં આખું લંડન ફરી શકાય તેમ હતું. ઓઇસ્ટર કાર્ડ તરીકે ઓળખાતા આ કાર્ડને દરેક બસ,ટયૂબ અને ટ્રેનમાં વાપરી શકાય. શોપિંગ માટે જાણીતા ઓક્સફર્ડ સ્ટ્રીટ , વેસ્ટમિનસ્ટર સિટીની સૌથી વધુ એટલે કે લગભગ ૩૦૦ જેટલી શોપ ધરાવતી યુરોપની સૌથી બિઝી સ્ટ્રીટ છે. માર્બલ આર્ચથી શરુ થઇ ટોટનહામ કોર્ટ રોડ સુધી પહોંચતી ૧.૫ માઇલ (૨.૪ કિ.મી) લાંબી આ સ્ટ્રિટ પર બ્રાન્ડેડ ફલેગશિપ ધરાવતા સૌથી મોંધા અને અત્યંત ફેશનેબલ સ્ટોર છે. યુ.કે.ની સૌથી જાણીતી ચેઇન ”માકર્સ એન્ડ સ્પેનસર” નો ૧,૭૦,૦૦૦ સ્કવેર ફીટ એરિયા ધરાવતો સૌથી મોટો સ્ટોર અહીં ઓક્સફર્ડ સ્ટ્રીટ અને ઓચાર્ડ સ્ટ્રીટના જંકશન પર છે. અહીં ”માકર્સ એન્ડ સ્પેનસર મારબલ આર્ચ” તરીકે જાણીતા આ સ્ટોર ઉપરાંત જ્હોન લુઇસ, પ્રાઇમાર્ક, હાઉસ ઓફ ફેશન, એચ.એમ.વી, ગેપ, નાઇક, એડિદાસ, જેવા જાણીતા અનેક સ્ટોર છે. હા, આપણે જ્યારે અહીં વિન્ડો શોપિંગ કરતા હોઇએ ત્યારે હિંદી ફિલ્મ સ્ટાર સાવ આપણી બાજુમાં ઊભા રહી સાચુકલું શોપિંગ કરતા હોય તે જોવાનો લાહવો અવશ્ય મળે. આજનો દિવસ હતો મનમાં આવે તેમ મહાલવાનો અને મન થાય ત્યાં ફરવાનો. કોઇ ઉદ્દેશ વગર બસ આજે તો આવી જ રીતે ફરવું હતું એટલે ત્યાંથી પહોંચ્યા લંડનના સૌથી મોટા અને ફાઇનાન્સિયલ સેન્ટર ‘કેનેરી વોફ’ તરફ. યુ.કે.ના સૌથી ઊંચા ત્રણ બિલ્ડિંગ,સૌથી મહત્વની બેંકો, ન્યુઝ મીડિયા અને અગત્યની સર્વિસ ફર્મ ઉપરાંત શોપિંગ ડેસ્ટિનેશન બનેલું ‘કેનરી વોફ’ તો મૂળભૂત દુનિયાનું સૌથી વધુ કાર્યરત ડોક હતું. આશરે ૧૦૦,૦૦૦ જેટલા એમ્પલોઇઝને કાર્યરત રાખતી આ ‘કેનરી વોફ’ની હજુ તો રાત્રી મુલાકાત અમારી બાકી રાખી ત્યાંથી અમે સેન્ટ પોલ ચર્ચ ભણી પ્રયાણ કર્યુ અત્યંત ભવ્ય લાગતા આ ચર્ચમાં રોજિંદી પ્રાર્થનામાં ન જોડાવા છતાંય એક અદ્દ્ભૂત શાંતિ અને ભવ્યતાનો અનુભવ થયો. સામાન્ય રીતે રોયલ ફેમિલીના મહત્વના પ્રસંગો વેસ્ટ મિન્સ્ટર એબીમાં યોજાય છે પરંતુ પ્રિન્સ ચાલ્સ અને લેડી ડાયના સ્પેન્સરની લગ્નવિધિ સેન્ટ પોલ ચર્ચમાં યોજાઇ હતી. વળી પાછા ત્યાંથી ‘કેનરી વોફ’ની રોશન રાત્રી મુલાકાત લઇ પાછા વળ્યા. રાત્રે મોડા સુધી ટ્રેન-ટ્યુબ-બસ સર્વિસ ઉપલબ્ધ હોવાથી પાછા વળવામાં પણ કોઇ ઉપાધી નહોતી.
વળી પાછો એક નવો દિવસ અને નવી સફર. આજે અમારો પ્રોગ્રામ લંડનના ખ્યાતનામ મ્યુઝિયમની મુલાકાતનો હતો. લંડનમાં અને મ્યુઝિયમો છે. સૌથી મઝાની વાત એ છે કે દરેક મ્યુઝિયમની મુલાકાત વિના મૂલ્યે છે. બ્રિટિશ મ્યુઝિયમ,સાયન્સ મ્યુઝિયમ, વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમ, નેચરલ હીસ્ટ્રી મ્યુઝિયમ,નેશનલ મરીન ટાઇમ જેવા મ્યુઝિયમો વિશે લખવા બેસીએ તો પાનાંઓ ભરાય અને બધા જ મ્યુઝિયમ જોવા હોય તો અઠવાડિયાનો સમય પણ જાણે ઓછો પડે.પાછા વળતા લંડનની ‘લિટલ વેનીસ’ નામે ઓળખાતી જગ્યાએ અહીં કેનાલની ફરતે સેન્ટ્રલ લંડનના ઓફિસ બિલ્ડિંગ, લંડન કેનાલ મ્યુઝિયમ,પપેટ થિયેટર જેવાં આકર્ષણો છે.
વળી એક બીજો દિવસ-નવું આકર્ષણ.આજે લંડનના પાર્કનો વારો હતો.રોયલ બોટનિકલ ગાર્ડન, રિજન્ટ્સ પાર્ક, રિચમોન્ડ પાર્ક જેવા તો મહત્વના પાર્ક ઉપરાંત નાના-નાના ગાર્ડન પણ લંડન ને ઘણું સુંદર શહેર બનાવે છે. આટલું ફર્યા પછી લંડનના ગુજરાતને તો બાકી કેવી રીતે રખાય ? વેમ્બલી, એટલે જાણે ભારતનો ગુજરાતનો જ માહોલ લંડનમાં. ગુજરાતી ખાણી-પીણી, અરે સ્ટોરનાં બોર્ડ પણ ગુજરાતીમાં. નિસ્ડન મંદિર,સૌનું જાણીતું વેમ્બલી સ્ટેડિયમ, વેમ્બલિ અરેના, પૂરો એક દિવસ વેમ્બલી ખાતે ફાળવી શકાય.
આલેખન – રાજુલ કૌશક
ફોટો સૌજન્ય – ૠષદ શાહ.
સુ શ્રી રાજુલ કૌશક નું ફરી ફરી માણવાનું મન થાય તેવું -જાણે આમણે જ પ્રવાસ કરતા હોય તેવું આલેખન
મઝા આવી ધન્યવાદ
અને
જો શ્રી–ૠષદ શાહ.ના ફોટા ન હોત તો લેખ અધુરો લાગત
ધન્યવાદ
LikeLiked by 1 person
પ્રતિભાવ માટે આભાર પ્રજ્ઞાજી.
LikeLike