સત્ય ઘટના ( ડો. શરદ ઠાકર )


લગ્ન નિર્ધારિત થઇ ગયાં હતાં. કંકોતરીઓ વહેંચાઇ ગઇ હતી. ગ્રહશાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા૪ પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા. બધું જ તૈયાર હતું પણ ખાટલે મોટી ખોડ કે ગોર મહારાજ જ ગાયબ હતા. કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઇ હોવાથી આવી નહીં શકાય. યજમાન મોટી મૂંઝવણમાં મુકાઇ ગયા. લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે. વરના પિતા રડમસ થઇ ગયા. હવે શું કરવું?

મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો. માત્ર એટલું જ બોલ્યો, ‘ઘરમાં અબોટિયું કે પીતાંબર છે?’ ફટાફટ વ્યવસ્થા થઇ ગઇ. કોટ, પેન્ટ અને ટાઇ ઊતરી ગયાં. અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણનાં વસ્ત્રો ચડી ગયા. એ યુવાને શુદ્ધ ઉચ્ચાર સાથે અસ્ખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી. બધા ખુશ પણ થઇ ગયા અને સ્તબ્ધ પણ. જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું, ‘આવતીકાલે લગ્ન રાખ્યાં છેને? જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો. મારાથી વધારે સારી રીતે ઉચ્ચારશુદ્ધિ ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે. હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું.’

વરના બાપે કાર્ડમાં નામ વાચ્યું તો મોટી આંખો વધુ મોટી થઇ ગઇ. કાર્ડમાં નામ લખ્યું હતું: ડો. ભાસ્કર યુ. વ્યાસ, એમ.ડી. (પેથોલોજી). કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીદાટ કારમાં બેસીને રવાના થઇ ગયો. વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા, જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા. પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઊઠી.

એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે? ડો. ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે. પિતા વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઇએ છ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશા‌ળામાં પ્રવેશ લીધો. પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા. ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી. પૂજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા શીખ્યા. લઘુરુદ્ર, નવચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, રુદ્રી, સૂર્યનારાયણની સ્તુતિ, વાસ્તુવિધિ, યજ્ઞોપવિત, ગ્રહશાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકો અને મંત્રો એમણે કંઠસ્થ કર્યા. આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું. જો વધારે કશું જ ન શીખ્યા હોત તોપણ આખી જિંદગી એમના ધાણીફૂટ મંત્રોચ્ચારના બળ ઉપર નંબર વન શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઇ શક્યા હોત. પણ તકલીફ એ થઇ કે ભણવામાં પણ એ તેજસ્વી હતા. ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસસી.માં પ્રથમ નંબર લઇ આ‌વ્યા. એ પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું. એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

પાંચ ભાઇઓ અને ચાર બહેનોનો એમનો પરિવાર આર્થિક રીતે દરિદ્ર હતો પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો. એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા. એક દિવસ એમને ખબર મળ્યા કે પ.પૂ. શ્રીસહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે. જેઠાલાલ વ્યાસ તેમના નાનાભાઇ લક્ષ્મીરામને લઇને ચાલતાં ચાલતાં અમદાવાદ પહોંચી ગયા. સાબરમતીમાં સ્નાન કર્યુ. પછી જેઠાલાલભાઇએ મનની શંકા વ્યક્ત કરી, ‘બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે. જો એ સાચું હોય તો આપણને નામથી બોલાવશે નહીંતર હું માનીશ નહીં.’ અબોટિયાં વીંટાળીને બંને ભૂદેવો પૂ. સ્વામીશ્રીના દર્શને ગયા. હજી તો વીસ કદમ દૂર હતા ત્યાં જ પૂ. શ્રી સહજાનંદ સ્વામીએ મોટેથી એમને આવકાર આપ્યો, ‘જેઠાલાલ વ્યાસ, પધારો! લક્ષ્મીરામ વ્યાસ, પધારો!’

ચમત્કારોના ભંડારો નથી હોતા. પુરાવાના પોટલાંઓ નથી હોતાં. એક તિખારો જ પર્યાપ્ત હોય છે. આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આજે પાંચ પાંચ પેઢીથી આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે. વર્તમાન સમયમાં અમદાવાજ જેવા મોટા શહેરમાં બબ્બે પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઇ કન્સલ્ટન્ટ ડોક્ટરને તમે કપાળમાં ચાંદલો કરેલો કલ્પી શકો ખરા! જો ન કલ્પી શકતા હો તો એક વાર ડો. ભાસ્કર વ્યાસને મળી લેજો.

ડો. ભાસ્કરભાઇએ કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે. તબીબી વિશ્વમાં આજકાલ સ્મોકિંગ, ગુટખા અને શરાબપાનનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે ત્યારે ડો. ભાસ્કરભાઇને એક જ પીણાંની આદત છે. એ પીણાંનું નામ છે પાણી. દેશ પરદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જાય છે ત્યારે પણ ચાર-પાંચ દિવસ ચાલે તેટલાં થેપલાં, ખાખરા અને અથાણું સાથે લઇને જાય છે. ફાઇવ સ્ટાર હોટલમાં લક્ઝુરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વૈચ્છિક ત્યાગ કરીને પત્નીએ બનાવી આપેલાં થેપલાં અને છુંદો ખાનારા આ પેથોલોજિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે.

ડો. વ્યાસે ૧૯૭૫માં રીલિફ રોડ ઉપર એક ડોક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી.૧૯૭૬માં એક પ્રખર જ્યોતિષાચાર્ય પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે આ‌વ્યા. ફીની સાથે સાથે ભવિષ્ય વાણી પણ આપતા ગયા, ‘મારી આગાહી યાદ રાખજો. આ ભાગીદારી એક દાયકાની આવરદા નહીં જુએ.’

બરાબર એવું જ બન્યું. નવમા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા. ડો. ભાસ્કરભાઇએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું. પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી. એમના પત્ની ડો. કલ્પનાબહેન ગવર્ન્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતાં. બે દીકરીઓ અને એક દીકરાનો સમૃદ્ધ વસ્તાર હતો. જેટલું ધન કમાઇ શકાય એટલું ઓછું હતું પણ ડોક્ટર વ્યાસે પૈસા કમાવા કરતાં પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું. આપણા દેશમાં ફીને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે? મુસ્લિમ સ્ત્રી-પુરુષો, શાકવાળી બહેનો, ગરીબ મજૂરો, ફૂટપાથ પર ઉછરતાં બાળકો આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિસામો હતો: ડો ભાસ્કર વ્યાસની લેબોરેટરી. ડો. વ્યાસ એમની પાસે ફી તો ન માગે પણ પરીક્ષણો માટે વપરાયેલાં રસાયણોની પડતર કિંમત (૧૦ રૂપિયા) માગે તોપણ આ દેશના છેવાડાના માણસો રડી પડે. ડો. વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દોથી એમની આંખો લૂછી આપે, ‘ચાલશે. એક પૈસો પણ ન આપશો.’ આવી રીતે આજ સુધીમાં ડો. ભાસ્કરભાઇએ ફી લીધા વગર જેમના ઇન્વેસ્ટિગેશન્સ કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા ૧૩ લાખ જેટલી થાય છે અને એમાં કોઇ ધર્મભેદ નથી, જાતિભેદ નથી કે જ્ઞાતિબાદ પણ નથી.

સ્વાભાવિકપણે જ આવા સાત્વિક ડોક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રીતિપાત્ર બની રહે. ૧૯૬૨માં શાહીબાગ ખાતે મંદિર બંધાયું ત્યારથી જ ડો. ભાસ્કર વ્યાસ સંતોની સેવા કરતાં રહ્યા છે. પ.પૂ. શ્રીપ્રમુખસ્વામીજીને ૪૨ વર્ષ સુધી એમણે સેવાઓ આપી. પૂ. યોગીજી મહારાજના દર્શનનો લાભ પણ મેળવ્યો. વાસણાવાળા પૂ. બાપાશ્રી, મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી, પૂ. વ્રજરાયજી મહારાજ, ગાંધીનગરના પૂ. શ્રીસત્યસંકલ્પ સ્વામીજી આ બધાનાં પરીક્ષણો ડો. ભાસ્કરભાઇએ સંપૂર્ણ ધર્મભાવથી કરી આપ્યા છે. કાલુપુર મંદિરના પૂ. આચાર્યશ્રી અને બધા જ સંતો બીમારીના સમયે ડો. ભાસ્કર વ્યાસને જ યાદ કરે. દાઉદી વોરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદ્દીનસાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય ત્યારે કોઇ પણ ઇન્વેસ્ટિગેશન્સની જરૂર પડે તો વહોરાભાઇઓ ડો. ભાસ્કરભાઇને જ બોલાવે.

ડો. ભાસ્કર વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે. આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમણે ૧૨ સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી. અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડોક્ટરોનાં સંતાનો એમના હાથ નીચે તૈયાર થઇને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ૧૯૭૭ માં એમણે વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને મળીને પ્રસ્તાવ મૂક્યો, ‘હું એક સફળ પેથોલોજિસ્ટ હોવા ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું. જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટ્સને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું. બદલામાં મારે એક પણ રૂપિયો જોઇતો નથી.’ આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે? ડો. ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઇ.

પ્રથમ ત્રણ-ચાર દિવસ તો એમને આ અભિયાનમાં નિષ્ફળતા મળી. કપાળમાં ચાંદલાવાળા સાહેબને જોઇને સ્ટુડન્ટ્સ ક્લાસ છોડીને ચાલ્યા ગયા. પણ જે બેસી રહ્યા એ ન્યાલ થઇ ગયા. ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રસરવા લાગ્યો. લાલ ચાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વિતા, અસ્ખલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઇને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊભરાવા લાગ્યા. ડો. વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો. માત્ર ચોક, ડસ્ટર અને દિમાગ. ૧૯૭૭ થી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરાં ૩૦ ‌વર્ષ સુધી એમણે ચાલું રાખ્યું. એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેંકડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતભરમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષાભાડું લઇને એમણે પેપરસેટર તરીકે સેવા આપી છે. એમબીબીએસ અને એમ.ડી.ની પરીક્ષા માટે તેમણે ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ નિભાવી છે. અમદવાદ ઉપરાંત જામનગર, સુરત, વડોદરા અને છેક મુંબઇ સુધીના ડોક્ટરોની પરીક્ષા લઇ આવ્યા છે. આટલું ઓછું હોય તેમ ગુજરાત રાજ્યના રાજ્યપાલના અંગત પેથોલોજિસ્ટ તરીકે છેલ્લાં ૨૨ ‌‌વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે.

આજે ૭૫ વર્ષના આરે પહોંચેલા ડો. ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુ ને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે. આજકાલ નવ ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા ડોક્ટરોના મેળામાં આ એક એવા ડોક્ટર છે, જે ટનબંધ સેવાકાર્યો કર્યા પછી પણ ક્યાંક આડે હાથે મુકાઇ ગયા છે. આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકેને?

 

4 thoughts on “સત્ય ઘટના ( ડો. શરદ ઠાકર )

  1. MANNIYA DAVDA SAHEB. ABHAR FOR DR SHARAD THAKAR LEKH. SO MANY LEKH WRITTEN BY GYNECOLOGIST DR.SHARD THAKR IN SO MANY DIFFERENT MAGAZINE. DHANYAVAD TO BRING ‘DAVDA NU AGNU’ MA. SAMAJ SARA MANSO NI KADAR NATHI KARTO. GOV. PAN SARA MANSO THI DUR BHAGE CHE. GITA NA LEKKH MUJAB ARJUN TU TRU KAM KRE JA FAL NI ASHA VAGAR. TEVI J RITE DR. BHASKER BHAI MAN- AWARD NI ASHA RAKHYA VINA SEVA KARTA RAHYA. BAL SIKSHAN KAM MA AVYU GRAH SHANTI VAKHTE, MEHMAN TRIKE GAYELA ANE KRAMKANDI BRAHAMAN BANI GAYA. DHANYA CHE SHRI. DR. BHASKER BHAI NE. JAI SWAMINARAYAN.

    Like

  2. વ્યવસાયે Ob/gyn ડોક્ટર , સ્વભાવે લેખક અને વકતા ડૉ. શરદ ઠાકર દરેક વાચકના મનમાં રાજ કરે છે. તેઓ સંવેદના અને સત્યઘટનાને ભાવવાહી રીતે વણી લઈને વાર્તા રૂપે આલેખે છે.પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ડો. શરદ ઠાકરના એક ટેલીફોનીક આશ્વાસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ ? કારણ માત્ર એ જ કે તેઓ માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે, દિમાગથી નહિ, દિલથી લખે છે .માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.
    તેમના ૬૪ પુસ્તકો અને કટાર ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ થી જાણીતાં છે.
    તેમણે આલેખેલી આ સત્ય ઘટનાનો અંત-‘આજે ૭૫ વર્ષના આરે પહોંચેલા ડો. ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુ ને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે. આજકાલ નવ ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા ડોક્ટરોના મેળામાં આ એક એવા ડોક્ટર છે, જે ટનબંધ સેવાકાર્યો કર્યા પછી પણ ક્યાંક આડે હાથે મુકાઇ ગયા છે. આપણો સમાજ અને સરકાર એમને પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકેને?’
    વાંચી બન્ને ડૉ.ને સહજ વંદન થાય છે .

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s