મારી કલમ, મારા વિચાર – ૨ (પરભુભાઈ મિસ્ત્રી)


આંધળી વફાદારી!

લોકપ્રિય કટારલેખક અને ચિંતક ડૉ. ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની તેમની કટારમાં અહમદ પટેલની વફાદારીનો ઉલ્લેખ કર્યો. 30 જુનના તેમના લેખ ‘શું કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે? હા, એ શક્ય છે અને જરૂરી પણ છે‘ માં લખ્યું છે કે અહમદ પટેલ જેવા નેતા પણ એક રોગથી પીડાય છે. એ રોગનું નામ  ‘વફાદારી‘ છે. આવી વફાદારી પક્ષને નીચે પાડે છે.

વફાદારી એ ગુણ છે. જેનું નમક ખાધું તેનું ભલું કરવું. તેના કલ્યાણ માટે તેનો પક્ષ લેવો. કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો બદલામાં તેને કામ આવવું. ઘોડો અને કૂતરો નમકહલાલ પ્રાણી છે. એ બંને પ્રાણીઓ માનવજાતના મિત્રો છે. એમની કદરરૂપે આ લક્ષણ માણસે પણ અપનાવ્યું છે. કૂતરો જેના આંગણાંમાં બેસે છે તેના ઘરની રખેવાળી કરવાનું કદી નથી ચૂકતો. કૃતજ્ઞતા અને સ્વામીભક્તિનો માનવીના બત્રીસ લક્ષણોમાં સમાવેશ થાય છે.

પોતાના પર ઉપકાર કરનારનું કલ્યાણ કરવું એ એક વાત છે અને આંખ મીંચીને તેની તરફદારી કરવી એ જુદી વાત છે. જેના પ્રત્યે આપણને અત્યંત માન છે અથવા જેના આપણા પર અગણિત ઉપકારો છે એ વ્યક્તિને જરૂર મદદ કરવી જોઈએ. જો એ પ્રકારની મદદથી તેમનું કલ્યાણ થતું હોય અને કોઈને અન્યાય ન થતો હોય તો પોતે નુકસાન વેઠીને પણ મદદ કરવી જોઈએ. પણ આપણી એ વફાદારીના કારણે કોઈ મોટા સમુહને કે સમાજને નુકસાન થતું હોય તો એવી વફાદારી ફેરવિચારણા માગે છે. વફાદારીનો ગુણ ઉપકારકર્તાના અસત્ય- અધર્મ માર્ગ, અન્યાયી વલણ, અંગત સ્વાર્થની પુષ્ટિ માટે તો ન જ વપરાવો જોઈએ. એમાં જ્યારે વિવેક ન જળવાય ત્યારે તે પોતાની મહત્તા ગુમાવે છે. એવો સદગુણ નિંદાપાત્ર બને છે. સત્પુરુષો એવી વફાદારીને અનુમોદન નથી આપતા.

કોંગ્રેસની અને અહમદ પટેલની વાત બાજુ પર રાખીને વિચારીએ તો આવી વફાદારી મહાભારતમાં પિતામહ ભીષ્મે હસ્તિનાપુરની ગાદી પ્રત્યે રાખી હતી. એ જમાનો પ્રતિજ્ઞા ધર્મનો હતો. લીધેલી પ્રતિજ્ઞા કોઈપણ ભોગે પાળવી એ મોટો સદગુણ ગણાતો, પણ એ પ્રતિજ્ઞાધર્મ અને વફાદારીના કારણે જ ધૃતરાષ્ટ્ર અને દૂર્યોધનની સત્તાલાલસાને મોકળું મેદાન મળી ગયું. બહુ પ્રતિષ્ઠા પામેલી પ્રતિજ્ઞા જ પિતામહના ગળાનું હાડકું બની ગઈ. પ્રતિજ્ઞા લેતી વખતે કદાચ એમને કલ્પના પણ ન કરી હોય કે હસ્તિનાપુરની ગાદીએ આવા હરામખોર શાસકો આવશે, કે વારસદારો આટલા નાલાયક પાકશે! વફાદારી હસ્તિનાપુરની પ્રજા માટે હોવી જોઈતી હતી નહિ કે ગાદી પર બિરાજમાન માટે.

ચંડાળ ચોકડીના કારસ્તાનો એક પછી એક ખુલ્લાં પડતાં જાય છે. ભરી સભામાં દૂર્યોધન અપમાન કરતો રહે છે. ધૃતરાષ્ટ્ર પણ ચંડાળચોકડીમાં સામેલ જ છે એ જાણવા છતાં ભીષ્મદાદા કશું જ કરવા સમર્થ નથી. શાંતિપર્વમાં એક જગ્યાએ પિતામહ કબૂલ કરે છે કે કૌરવો નફ્ફટાઈપૂર્વક અધર્મ આચરી રહ્યા છે, મારી સગી આંખે હું એ જોઈ રહ્યો છું, ભર દરબારમાં પુત્રવધૂ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું એ અનાચરણ હું જોતો રહ્યો, પણ એને રોકી ન શક્યો. હું મારી પ્રતિજ્ઞાને કારણે વિવશ હતો. મેં દૂર્યોધનું અન્ન ખાધું અને હું પણ અર્થદાસ બની ગયો છું. માણસની પ્રતિજ્ઞા કે ટેક કે એના કોઈ સદગુણનો જ્યારે અયોગ્ય લોકો ગેરલાભ લે અથવા ઢાલ તરીકે વાપરે તો તેવો સદગુણ અનર્થકારી થઈ પડે છે.

કાયરતા, પીછેહઠ કે યુદ્ધ છોડી ભાગી જવું- એ પરાક્રમી લોકો માટે કલંક ગણાય; પ્રતિજ્ઞાભંગ પણ અવગુણ ગણાય છતાં શ્રી કૃષ્ણ ભગવાને કલંકની પરવા કર્યા વગર હિંમતપૂર્વક કાયરતા અને વચનભંગનો દોષ માથે લીધો છે. જરાસંધે સત્તરમીવાર મથુરાને ઘેરો ઘાલ્યો ત્યારે વૃષ્ણીસંઘે ઠરાવ કર્યો કે જરાસંધને કૃષ્ણ સામે વેર છે; મથુરાની પ્રજા સામે એની કોઈ શત્રુતા નથી. વારંવારના આક્રમણને કારણે રાજ્યનો વિકાસ રૂંધાય છે. મથુરાની પ્રજાના કલ્યાણ માટે કૃષ્ણ બલરામે તાત્કાલિક મથુરા છોડી દેવું જોઈએ. આ ઠરાવ પિતા વસુદેવે વાંચી સંભળાવ્યો. ચોમેર શત્રુની ઘેરાબંધી હોવા છતાં કૃષ્ણે તાત્કાલિક મથુરા છોડી દીધું. જરાસંધના સૈન્યે કૃષ્ણ બલરામનો પિછો કર્યો, પણ મથુરા બચી ગયું. રણ છોડી જવા બદલ કાયરતાનું કલંક લાગશે એની ફિકર ન કરી.

યુદ્ધની ભીષણતા જેઓ સમજે છે તેઓ ક્યારેય યુદ્ધની હિમાયત કરતા નથી. કૃષ્ણ એ વાત સારી પેઠે સમજે છે એટલે હસ્તિનાપુરના દરબારમાં યુદ્ધ ટાળવા એમણે સંધિ પ્રસ્તાવ રજુ કર્યો. કમનસીબે તે ઊડી ગયો. એમનું મન ઈચ્છતું હતું કે કોઈપણ ભોગે યુદ્ધ થતું અટકવું જોઈએ. દૂર્યોધનનો બધો મદાર કર્ણ પર હતો. કર્ણને કોઈપણ રીતે યુદ્ધવિમુખ કરી શકાય તો દૂર્યોધનનો ઉત્સાહ તૂટે. એ કારણસર જ તેમણે હસ્તિનાપુરથી પાછા વળતાં કર્ણને સાથે લીધો અને દૂર્યોધનનો સાથ છોડવા સમજાવ્યો. કર્ણ જ્યારે અસહાય  હતો ત્યારે દૂર્યોધને એને અંગ દેશનો રાજા બનાવી પ્રતિષ્ઠિત કર્યો હતો. એ મિત્રભાવ પાછળ રાજકારણી દૂર્યોધનની ચાલાકી હતી. એ ઉપકારના બદલામાં એણે કર્ણ જેવા મહારથીની વફાદારી ખરીદી લીધી હતી. કર્ણ સારી રીતે જાણતો હતો કે કૌરવ પક્ષે અધર્મ હતો છતાં, વફાદારી દૂર્યોધનને ગીરો મૂકેલી હોવાથી એ અધર્મનો પક્ષ છોડી શક્યો નહિ; ભલે પછી એના કૃત્યને મિત્રધર્મનું રૂપાળું નામ કેમ ન અપાતું હોય. મહાવિનાશક યુદ્ધ ટાળવા કૃષ્ણે દિલ દઈને તમામ પ્રયત્નો કર્યા.

 કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે મહાભારતના યુદ્ધમાં તેઓ હથિયારને હાથ પણ અડાડશે નહિ, ભીષ્મે નક્કી કર્યું કે આજે હું વાસુદેવને હાથમાં હથિયાર પકડાવું તો જ ખરો! રણમેદાનમાં પોતાના પરાક્રમથી ભીષ્મે કાળો કેર વર્તાવ્યો. પાંડવ સૈન્યનો કચ્ચરઘાણ નીકળી રહ્યો હતો. જરાયે થાક્યા વિના એમની સંહારલીલા ચાલી રહી હતી. યુદ્ધનો આજે જ અંત આવી જાય તેમ હતું. એક તરફ અર્જુન, વડીલધર્મનું પાલન કરવા, પિતામહ પર બાણ ચલાવવા પોતાની અસમર્થતા જાહેર કરી ચૂક્યો હતો. છેવટે કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા અને રથના પૈંડાનો ઉપયોગ સુદર્શનચક્રની જેમ કરવા લાગ્યા. પોતાને ખાતર ભગવાનને પ્રતિજ્ઞા તોડતા જોઈને અર્જુન પણ શરમાયો અને એણે ગાંડીવ ચલાવ્યું.

પ્રતિજ્ઞાધર્મથી જ્યારે સમષ્ટિનું અકલ્યાણ થતું હોય ત્યારે વ્યક્તિગત પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર, અપયશ વેઠીને પણ સમષ્ટિના કલ્યાણ માટે એને તોડવી એ જ ધર્મ બની જાય છે. કૃષ્ણે પોતે તો પ્રતિજ્ઞા તોડી જ છે, પણ યુધિષ્ઠિર જેવા સતવાદી પુરુષ પાસે પણ જૂઠું બોલાવડાવ્યું છે! જો તેમ ન કર્યું હોત તો યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા તો જળવાતે, પણ પૃથ્વી પર પ્રલય થતે. દ્રોણાચાર્ય મરણિયા બનીને લડતા હતા. એમનો પ્રકોપ આખી પૃથ્વીને ધ્વસ્ત કરી નાંખે એવો હતો. ધર્મયુદ્ધ જીતવા આડે જો પ્રતિષ્ઠા વિઘ્નરૂપ બનતી હોય તો પ્રતિષ્ઠાને પણ દાવ પર મૂકી દેવી જોઈએ.

મિરઝા રાજે જયસિંહની વાત બહુ ઓછા લોકો જાણે છે. પોતાના અન્નદાતા તરફ વફાદારી દાખવવી, નમકહલાલી રાખવી એ આપણો ગુણ છે. આ કારણે મિરઝા રાજે જયસિંહનો અન્નદાતા ઔરંગઝેબ બને છે. તેણે પોતાની સમશેર અને મસ્તક ઔરંગઝેબને ચરણે ધરી દીધું હતું. એને એ ખબર ન રહી કે એ ભારતીય સંસ્કૃતિને ખેદાનમેદાન કરી રહેલા સુલતાનને મદદ કરીને એ સંસ્કૃતિનો દ્રોહ કરી રહ્યો હતો. જે મૂર્તિભંજક છે, વેદ વિરોધી છે એને ત્યાં એણે પોતાની તમામ શક્તિ ગિરવે મૂકી દીધી હતી. કારણ કે ઔરંગઝેબ એનો અન્નદાતા છે! પણ કોઈ અન્નદાતા ક્યાં સુધી? જ્યાં સુધી એની નોકરી કરે ત્યાં સુધી, એનો પગાર ખાય ત્યાં સુધી. જે ઘડીએ નોકરી છોડી દીધી તે ઘડીથી એ અન્નદાતા મટી ગયો! પણ એટલી વાત એ સમજી શક્યો નહિ.

મિરઝા રાજે મહાન વ્યક્તિત્વ સંપન્ન  માણસ હતો. એક કુશળ સેનાપતિ તરીકે એની ખ્યાતિ છેક મધ્ય એશિયા સુધી પહોંચી હતી. એવા રણધુરંધર મિરઝાને શિવાજીએ કાગળ લખ્યો કે, ‘મિરઝા રાજે, જો તમે અમારી પાસે આવતા હો અને ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલ બનતા હો તો હું તમારો દાસ બનવા તૈયાર છું, મારી તલવાર તમારા ચરણે ધરવા તૈયાર છું, પણ દુ:ખની વાત એ છે કે તમારું કર્તૃત્વ તો વેદો બાળનારને માટે વપરાઈ રહ્યું છે.‘ મિરઝા ન જ આવ્યા.  મિરઝાને એની વફાદારીનો ગર્વ હતો! પણ શિવાજી આગ્રાની જેલમાંથી છટકી ગયા ત્યારે એ જ મિરઝાની વફાદારી પર ઔરંગઝેબે શંકા કરી. બંને એક જ કોમના હોવાથી મિરઝાએ શિવાજીને ભાગવામાં મદદ કરી હોવી જોઈએ! વધારે દુ:ખદ અને આશ્ચર્યજનક વાત તો એ છે કે મિરઝાએ ભરદરબારમાં કહ્યું, ‘જહાંપનાહ! હું મારા ઈષ્ટદેવ એકલિંગજીના સોગંદ ખાઈને કહું છું કે આ ઘટના સાથે  મારો કોઈ સંબંધ નથી. એટલું જ નહિ, હજી પણ તમે ફરમાવતા હો તો હું એને જીવતો પકડીને હાજર કરવા તૈયાર છું. ક્ષત્રિય કુટુંબો સાથે સંબંધથી જોડાવા શિવાજી ઉત્સુક છે એટલે મારા છોકરા માટે શિવાજીની છોકરીનું માગું કરું, લગ્નને માટે વેવાઈ તરીકે ને મારે ત્યાં બોલાવું અને દગો કરીને, એને પકડીને એ પહાડી ઉંદરને તમારા હાથમાં સોંપી દઉં!‘

વફાદારીનો નશો માણસને કેટલી હદ સુધી નીચે લઈ જાય છે, આ બધું જાણ્યા પછી આપણને વફાદારો પ્રત્યેનું માન ઓછું થઈ જાય તેમ છે. ખરેખર, ડૉ. ગુણવંત શાહે અહમદ પટેલની વફાદારીને રોગ ગણાવી તે સર્વથા ઉચિત જ છે. મિરઝા રાજે જયસિંહની ઔરંગઝેબ પ્રત્યે વફાદારી.

1 thought on “મારી કલમ, મારા વિચાર – ૨ (પરભુભાઈ મિસ્ત્રી)

  1. ‘વફાદારીનો નશો માણસને કેટલી હદ સુધી નીચે લઈ જાય છે, આ બધું જાણ્યા પછી આપણને વફાદારો પ્રત્યેનું માન ઓછું થઈ જાય તેમ છે’ ચિંતન કરવા જેવી વાત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s