સિરામિક્સ (જ્યોતિ ભટ્ટ)
વન્ય પશુ કે વાનર જેવી સ્થિતિ પાર કરી સંસ્કૃતિના પ્રારંભે માનવીએ જે કેટલીક મહત્વની શોધો કરી હતી તેમાં માટીકામ પણ એક હતી. માટીની એક લાક્ષણિકતા એ છે કે તેમાં પાણી મેળવવાથી પોચી બને છે. પોચી થયેલી માટીને અનેક ઘાટ આપી શકાય. આ રીતે બનાવેલ ઘાટને ઊંચા ઉષ્ણતામાને પકવવાથી તે મજબૂત થાય. ત્યારપછી, તે પાણીથી ભીંજાવા છતાં પણ ઓગળતા નથી. જીવન વિકાસના અનેક સોપાનો પછી આજે માટીની ઉપરોક્ત પાયાની લાક્ષણિકતાને આધારે તેના અનેક ઉપયોગો અને તેને અનુરૂપ સ્વરૂપો વિકસ્યા છે.
કળાકારોએ પણ આ માધ્યમ અપનાવ્યું છે. સ્વ-હસ્તે બનાવેલ સ્વરૂપોને તેઓ મુખ્યત્વે બે પ્રકારે પકવે છે. આશરે ૮૦૦ થી ૯૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને નીમ્ભાડા/ભટ્ઠી (kiln)માં પકવેલા માટીના સ્વરૂપો ટેરાકોટા નામે ઓળખાય છે. (ટેરા એટલે ભૂમિ, માટી. અને, કોટા એટલે પકવેલી.) આ રીતે પકવેલ માટીના વાસણમાં પાણી ભરી શકાય. વાસણ ઓગળે નહિ પરંતુ માટીના અણુઓ વચ્ચે ખૂબ જ બારીક જગ્યા રહી જતી હોવાથી વાસણ ભીનું રહે અને બાષ્પીભવનને પરિણામે પાણી ઠંડુ થતું રહે. ભારતમાં પ્રાચીનકાળથી આજ સુધી માટીના વાસણ (માટલાં, કુંભ) બનાવાતા તથા વપરાતા રહ્યા છે. આથી કુંભ બનાવનાર કુંભકાર – કુંભાર કહેવાય છે. ભારતીય જીવનમાં માટીના વાસણોનું સ્થાન એટલું મહત્વનું હતું કે તેના બનાવનારને વિશ્વના સર્જનહાર મનાતા બ્રહ્મા સમાન ગણી ‘પ્રજાપતિ’ નામ પણ અપાયું છે. પ્રાચીન સમયમાં ભારતમાં ટેરાકોટાની મોટી મૂર્તિઓ બનાવાઈ હતી. મથુરા વિસ્તાર માંથી મળેલી આવી મૂર્તિઓને ભારતની ઉત્તમ કલાકૃતિઓમાં સ્થાન આપી શકાય. પશ્ચિમ બંગાળના વિષ્ણુપુરમાં તો સુંદર નકશીકામ અને હજારો મૂર્તિઓ ધરાવતા મોટા મોટા ટેરાકોટા મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. ઈમારતોના બાંધકામ માટે પ્રાચીન સમયથી વપરાતી ઈંટ પણ ટેરાકોટાનો જ પ્રકાર છે.
ઔદ્યોગિક સ્તરે જુદા જુદા અનેક ઉપયોગ માટે તથા અભિવ્યક્તિના માધ્યમ તરીકે કલાકારો વિવિધ પ્રકારની માટીઓના મિશ્રણ કરીને ૧૨૦૦ થી ૧૩૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને પકવીને પણ સ્વરૂપો બનાવે છે. આટલી ઉંચી ગરમીને લીધે માટીના કણો ઓગળીને એકમેકને ચોંટી જાય છે, કણો વચ્ચે જરા પણ જગ્યા રહેતી નથી. આ રીતે પકવેલા સ્વરૂપો પથરા જેવા કડક બની જતા હોવાથી તે ‘સ્ટોનવેર’ કહેવાય છે.
માટીમાં ઓછા વત્તા પ્રમાણમાં ખનીજતત્વો પણ ભળેલા હોય છે. આથી તેનાં રંગ પણ જરા જરા જુદા હોય છે. વળી, કાચું ફળ પાકે ત્યારે રંગ બદલાય છે તેમ માટીનો રંગ પણ પકવવા માટે અપાયેલ ઉષ્ણતાંમાન પ્રમાણે બદલાય છે. કલાકારો પોતે બનાવેલા સ્વરૂપોને મનગમતો રંગ આપવા માટે માટીમાં જરૂરી ખનીજ ઓક્સાઈડ પણ ભેળવે છે. આ પ્રક્રિયા ક્યારેક માટીને ઘાટ આપતા પહેલા કરાય છે. પરંતુ મોટા ભાગે તો અપાયેલ ઘાટને પકવતી વેળાં કે પકવી લીધા પછી કરાય છે. રંગો માટે વપરાતા દ્રવ્યોમાં કાચ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી રેતી (સિલિકા) વપરાય છે. આ કારણે ઘાટ ફરતું કાચ જેવું રંગીન પડ લાગી જાય છે. પકવેલી માટીનો મૂળ રંગ જેમનો તેમ જાળવવો હોય તો રંગ વિનાનો પારદર્શક ગ્લેઝ વપરાય છે. રંગ લગાડવાની આ પ્રક્રિયા ‘ગ્લેઝીંગ’ નામે ઓળખાય છે. ખાવા પીવાના ઉપયોગ માટે બનાવાયેલ પાત્રો વિષાણુમુક્ત રહે તે માટે ગ્લેઝીંગ આવશ્યક ગણાય પરંતુ તે ગ્લેઝનાં દ્રવ્યોમાં સિંદૂર (lead-oxide) કે અન્ય ઝેરી પદાર્થો ન વપરાય તેનું ખાસ ધ્યાન પણ રાખવું પડે. જોકે અન્ય ઉપયોગ માટે બનાવાયેલ કૃતિઓ માટે આવી બાબત નડતી ન હોવાથી વધુ ચમકીલા રંગો લાવી શકાય છે. રંગો માટે બનાવેલ ગ્લેઝ પકવ્યા પહેલા મોટા ભાગે તદ્દન જુદાં અને લગભગ તો રંગ વિહીન કે એક સરખા, મટોડીયા દેખાય છે. પરંતુ, કળાકાર અનુભવ ને આધારે જાણી શકે છે કે પકવ્યા પછી તેનો રંગ કેવો દેખાશે. જો કે, રહસ્યકથા વાંચનારને થતો અનુભવ માટીકામ કરતો કળાકાર- સિરામિસ્ટ – પણ અનુભવે છે,
પકવવા માટે વપરાતી kiln માં બળતણ તરીકે લાકડાં, ગેસ કે વીજળી ઉપયોગમાં લેવાતા હોય તેની અસર પણ રંગોના છેવટનાં સ્વરૂપ પર પડે છે.
રોજ બરોજ વપરાતાં કપ રકાબી જેવાં વાસણો બનાવવા ‘ચીની’ નામે ઓળખાતી માટીનો ઉપયોગ થાય છે. જો કે આ માટી ચીન સિવાય અન્ય ઘણાં પ્રદેશમાં પણ મળે છે. આ માટી વડે બનાવેલ ચીજ વસ્તુઓને પોર્સેલીન કહે છે. આવી ક્રોકરી ઉપરાન્ત બાથરૂમમાં વપરાતા સેનેટરીવેર પણ મોટે ભાગે પોર્સેલીનના હોય છે. પોર્સેલીન ને પકવવા માટે ૧૪૦૦ ડિગ્રી જેટલું ઊંચું ઉષ્ણતામાન જરૂરી છે. પક્વ્યા પછી પણ તેનો રંગ તદ્દન સફેદ રહે છે. જોકે ઔધ્યોગિક સ્તરે આ માધ્યમ વઘુ વપરાય છે અને કોઈ પણ રંગ પણ આપી શકાય છે.
ઉપરોક્ત બાબતોમાં મુખ્યત્વે સિરામિક્સ અંગેની એક માધ્યમ તરીકે થોડી પાયાની માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. બોલાતી લખાતી ભાષા માનવ જીવનમાં અસંખ્ય બાબતો સાથે સંકળાયેલી છે. કવિઓ અને અન્ય સાહિત્યકારો એ જ ભાષાનો ઉપયોગ કરે છે. છતાં, વકીલો, ડોક્ટરો, રાજકારણીઓ તથા વેપારીઓ, અમલદારો ઈત્યાદી લોકો કરતા કવિઓ વડે કરાતી ભાષાની અભિવ્યક્તિ તદ્દન જુદી જ બની રહે છે. તે પ્રમાણે કળાકારો સિરામિક્સનો ઉપયોગ મુખ્યત્વે અભિવ્યક્તિના માધ્યમ તરીકે કરે છે. તેમાં રહેલી અભિવ્યક્તિની શક્યતાઓ વાપરીને પોતાની કૃતિઓ સર્જે છે. તથા સાથો સાથ તેની સીમાઓને વિશાળ બનાવવાનો પ્રયત્ન પણ કરે છે. આને જ કળાક્ષેત્રે સર્જાતા સિરામિક્સનો મુખ્ય તથા અગત્યનો ઉપયોગ કહી શકાય. તેવી કૃતિઓને રાખવા માટે ઘરમાં ટેબલ, દીવાલ કે કબાટ જેવું સ્થાન જરૂરી તો છે પણ કૃતિનાં સર્જકનો હેતુ તેવાં સ્થાનની શોભા વધારવાનો તો હરગીજ નથી હોતો, હોઈ શકે જ નહિ. જેને વાસણો કહી શકાય તેવાં તેમણે બનાવેલા સ્વરૂપોને વાસણ તરીકે પણ ઉપયોગમાં તો લઇ શકાય પરંતુ તેના દ્રશ્ય સ્વરૂપનું મહત્વ ઘણું વધુ હોય છે. તેવાં સ્વરૂપમાં માટીની આગવી લાક્ષણીકતા ઢંકાઈ ન જાય બલ્કે વધુ નીખરી આવે તેનું પણ કળાકારો ખાસ ધ્યાન રાખતા હોય છે. ઔદ્યોગિક સ્તરે બનતા યાંત્રિક વાસણો માટેના માપદંડો ઘણા જુદા તથા મોટા ભાગે આર્થિક બાબતો –લોજીસ્ટીક- સાથે સંકળાયેલા હોય છે. તેના એકધારાપણા- મોનોટોનીથી કંટાળેલા કેટલાક લોકો, કળાકારોએ સ્વહસ્તે બનાવેલ વાસણો ઉપયોગમાં લેવાનું પસંદ કરે છે.
પોતાનાં આગવાં હસ્ત્કુશ્લ્ય; કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાં આતુર કળાકારો આવી કૃતિઓ માત્ર શોભા માટે કે પેટીયું રળવા માટે બનાવતા નથી. તેમજ, જો તેમાં કોઈ ખાસ અર્થને મહત્વ અપાયું ન હોય તો કૃતિને નામ (title) પણ આપતા નથી. આ બાબત શ્રીમતિ જ્યોત્સના ભટ્ટની કૃતિઓ જોનારે પણ યાદ રાખવી જરૂરી છે. જો કે, વ્યક્તિગત સ્તરે જ્યોત્સના ભટ્ટ એવું ઇચ્છતા જણાય છે કે તેમની કૃતિઓને લોકો જો ઘરેલું ઉપયોગમાં પણ લઇ શકે તો સોનામાં સુગંધ ભળ્યા સમાન બને. આ કારણે ફૂલદાની નામ આપી શકાય તેવાં અનેક ઘાટ તે બનાવતા જ રહ્યા છે. રજનીગંધાની લાંબી દાંડલીને અનુરૂપ ઊંચા નળાકાર જેવાં પાત્રોને તે અવારનવાર અનેક સ્વરૂપે બનાવતાં રહ્યા છે. વળી, બરણી કે પાત્ર કહી શકાય તેવાં વિવિધ ઘાટો પણ જ્યોત્સ્નાની પોતાની પસંદગી અને તેવી કૃતિઓની એક લાક્ષણિકતા રહી છે. પંખી, ખિસકોલી કે કોઈ પ્રાણીની યાદ અપાવે તેવાં પોલાં ઘાટને ઢાંકી શકાય તે માટે ઢાંકણ જેવું માથું બનાવે છે. આ ઢાંકણાંને જુદી જુદી સ્થિતિમાં ગોઠવવાથી ઘાટનું સ્વરૂપ પણ બદલાય છે. આથી, વોલ્ટ ડીઝનીની એનિમેશન ફિલ્મોના પ્રખ્યાત નાયકો -મિકી માઉસ, ડોનાલ્ડ ડક તથા બ્રુનો ઈ. જેમ જ્યોત્સનાના એ પાત્રોમાં હાવ ભાવ પણ જોઈ શકાય છે. જ્યોત્સનાની બિલાડીઓએ તેની અન્ય કૃતિઓથી વધુ લોક-ચાહના મેળવી છે. તેનું કારણ કદાચ એ હોય કે, બિલાડીઓમાં માનવીની યાદ આપતા હાવ ભાવ પણ ઉમેરાયા હોય એવું પણ લાગે છે, જોનારાના હૈયામાં વહાલ જન્માવે છે.
મારા કેટલાક મિત્રોએ ઉપરોક્ત લખાણ વાંચ્યા પછી પણ તેમને એક પ્રશ્નનો ઉત્તર મળી શક્યો નથી કે, “કળાકારે બનાવેલ આ પ્રકારના ઘાટનો ઉપયોગ શો હોય છે? આ એક ખૂબ અટપટો પ્રશ્ન છે. બૂટ ચપ્પલનો ખરો ઉપયોગ કાંટા કાંકરાથી પગને રક્ષણ આપવાનો છે. પરંતુ મૂળ ઉપાયોગ જળવાઈ રહે તેનો ખ્યાલ રાખીને બનાવાતી દરેક ડીઝાઈનની કોઈ આગવી ઉપયોગિતા હોતી નથી. બ્રાંડ કે કિંમતનાં આધારે મોંઘા જૂતા પહેરનારનો સામાજિક મોભો પણ વધી શકે. વળી કોઈને લાત મારવા કે કસ્ટમ ચેકિંગ સમયે કોઈ કીમતી ચીઝ સંતાડવામાં પણ કોઈ ક્યારેક બૂટ નો ઉપયોગ કરી શકે, કરતા પણ હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે તો ‘જૂતાર આવિષ્કાર’ શિર્ષક ધરાવતું કાવ્ય પણ રચ્યું હતું. આમ છતાં આવી ઉપયોગિતાને બૂટ બનાવવાનો મૂળ, સાચ્ચો હેતુ ન કહી શકાય. સ્ટોનવેર પ્રકારે બનાવેલ ગોળાકાર પાત્રમાં પુષ્પો કે તેવી અન્ય વસ્તુઓ મૂકી શકાય. ફૂલો મૂકવાને બદલે ચટણી બનાવવા તેનાથી લસણ, કોથમીર, આદુ અને મરચાં વાટી પણ શકાય. પરંતુ આવો ઉપયોગ તદ્દન બેહૂદો ગણાય, કળાકૃતિનું અપમાન જ કહેવાય. સુંદર કળાકૃતિઓ ઉપયોગિતાની તુલનામાં જે સૌન્દર્યાનુભાવ આપેછે તેનું મહત્વ વધુ છે.
કળાકૃરીઓના સર્જકો જાણ્યે કે ક્યારેક અજાણ્યે પણ ‘માધ્યમની આગવી અભિવ્યક્તિ’નું મહત્વ સમજે છે અને કૃતિઓમાં તેને પ્રગટ કરે છે. સ્વહસ્તે કળાકૃતિઓનું સર્જન કરવાની તક જેમણે મળી ન હોય તેવાં પ્રેક્ષકોને આ બાબત પણ ક્યારેક મુંઝવે છે.
આ બાબત સમજવા થોડા દૃષ્ટાંતો ઉપયોગી થવા સંભવ છે. ગુજરાતીઓના દૈનિક આહારમાં રોટલી લગભગ રોજ હોય છે. તેમાંથી મળતાં પૌષ્ટિક તત્વોને તેની મુખ્ય ઉપયોગિતા છે. વેલણ વડે બનાવેલો વર્તુળાકાર તથા શેકાવાને કારણે તેની ઉપર રચાતી બદામી ભાત ઉપરાંત અનાજનો પોતીકો તેમજ તેમાં ઉમેરાયેલ તેલમીઠું ઈ, નાં સ્વાદને માધ્યમની અભિવ્યક્તિ કહી શકાય. તેના જાડાઈ તથા ગોળાઈની અણીશુધ્ધતાને રોટલી બનાવનારનું હસ્તકૌશલ્ય કહેવાય. એક બીજાથી જુદી આ ત્રણેય બાબતો રોટલીમાં એક સાથે સમાયેલી હોય છે. તેની સુગંધ ઉપરાંત સુંદર દેખાવ ભૂખ પણ પ્રદીપ્ત કરે છે જેને મુખ્ય નહિ છતાં અગત્યનું ઉપયોગ પણ માની શકાય.
આ લખાણના પ્રારંભે માનવ વિકાસમાં ફાળો આપેલી મહત્વની શોધોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં ચક્ર-પૈડાનું પણ સ્થાન છે. ચક્ર પર થી બનેલ શબ્દ ચાકડાનું સ્થાન કુંભકારી, કુંભ-કળાકારો માટે તો ખૂબ અગત્યનું છે.
જો કે ચાકડો બનાવ્યા પહેલા પણ માનવીએ માટીના વાસણો બનાવવાનું શીખી લીધું હતું. પાણી મેળવીને પોચી બનાવેલી માટીને હાથ વડે જ જોઈતો ઘાટ અપાતો હતો. આજે પણ પારંપારિક પ્રકારે કામ કરતાં ઘણા કુંભારો ચાકડા વિના જ વાસણો તથા અન્ય સ્વરૂપો બનાવે છે. દક્ષિણ ભારતમાં આયનાર નામનાં દેવને દસ બાર ફૂટ ઊંચા ટેરાકોટા ઘોડાઓ offering તરીકે અર્પણ કરાય છે. સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પાણી માટે ત્રણ – ચાર ફૂટની કોઠીઓ અને અનાજ ભરી રાખવા માટે આઠેક ફૂટ ઊંચા માટીના કોઠલા હાથ વડે બનાવાય છે. નાના, નાજુક અને સુંદર ભૌમિતિક આકારો બનાવવા માટે ચાકડો વધુ ઉપયોગી થાય.
આપણા પ્રાચીન સાહિત્યમાં કહ્યું છે કે અગ્નિનો અનુભવ લેવા શબ્દોને સ્થાને અગ્નિ પાસે જ જવું જોઈએ. સિરામિક્સ માધ્યમમાં થતાં કામનો અનુભવ લેવાનો સર્વોત્તમ ઉપાય તો તેમાં જાતે કામ કરવાનો જ છે. જો કે, આજની પરિસ્થિતિમાં એવી સલાહ આપવી તે વાહિયાત કહેવાય. પરંતુ એક સરળ અને આજે કદાચ દરેકને માટે શક્ય ઉપાય યુટ્યુબમાં આ માધ્યમ અંગે માહિતી આપતા અનેક વિડીયો જોવાનો છે. હાથ ઘડીયા, ચાકડા પર બનાવેલા તથા બિબાઢાળ; રોજ બરોજના વપરાશ માટે કે માત્ર તેના સૌન્દર્યાનુભવ લેવા પ્રાચીન કાળથી માંડી આજ પર્યંત બનાવયેલી અસંખ્ય ચીજ વસ્તુઓ કઈ રીતે બને છે તે જોઈ શકાશે. શબ્દને સમજવા શબ્દ સફળ નીવડે. પણ તે પ્રમાણે દૃશ્ય કળાકૃતિની સમજ આપતો અનુભવ આંખોથી જ લેવો તે સારો ઉપાય છે.
જ્યોતિ ભટ્ટ, (January/૨૦૨૦)
સિરામિક્સ અંગે અનુભવી સુ શ્રી જ્યોતિ ભટ્ટનો માહિતીપૂર્ણ સ રસ લેખ તેમા તેમની આ વાત ખૂબ ગમી.’અગ્નિનો અનુભવ લેવા શબ્દોને સ્થાને અગ્નિ પાસે જ જવું જોઈએ. સિરામિક્સ માધ્યમમાં થતાં કામનો અનુભવ લેવાનો સર્વોત્તમ ઉપાય તો તેમાં જાતે કામ કરવાનો જ છે. જો કે, આજની પરિસ્થિતિમાં એવી સલાહ આપવી તે વાહિયાત કહેવાય. પરંતુ એક સરળ અને આજે કદાચ દરેકને માટે શક્ય ઉપાય યુટ્યુબમાં આ માધ્યમ અંગે માહિતી આપતા અનેક વિડીયો જોવાનો છે’
LikeLike
આંગણું છે એટલે આવનારને વિવિધતા મળે એ જ્રુરુરી છે. તમારી આવી તંદુરસ્તી વચ્ચે પણ વિવિધતામાં વાંધો પડ્યો નથી! અવિનાશને અરજ કે અમને તમારી સેવામાં ક્યારે પણ અડચણ ન ઉભી થાય એ માટે એ સજાગ રહે. ઘન્યવાદ સાથે આભાર.
LikeLike
માટીના માનવીને માટીની કલાકૃતિઓ તેના સ્વરૂપને પામવાનું પણ સાધન બની શકે છે. ખૂબ સરસ માહિતી ઉપલબ્ધ થઇ.
LikeLike