સફરની સ્મૃતિના સથવારે -૩ (રાજુલ કૌશિક)


ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો

સ્કોટલેન્ડ કોન્વોલ- વેલ્સ –

લંડન પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે પણ એક્વાર લંડનની બહાર નીકળો એટલે ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે.

લંડનની બહાર નીકળતા જ નજર નાખો ત્યાં અઢળક વેરાયેલું સૌંદર્ય છે. અમારો પ્રવાસ હવે આવા હરિત-પ્રાકૃતિક નયનરમ્ય પ્રદેશો વચ્ચે શરુ થતો હતો. શરુઆત કરી અમે લંડનથી લગભગ ૩૫૦ માઇલના અંતરે આવેલા એકસ્ટ્રીમ સાઉથ-વેસ્ટ પર કોનવોલથી. કહેવાય છે .”ધરતીનો છેડો ઘર” પણ ધરતીના આવા જ એક છેડા પર તમે આવીને ઊભા હો અને જેનુ નામ પણ ‘લેન્ડસ એન્ડ’ અપાયું હોય,સામે નજરની લંબાઇ પણ ટૂંકી પડે એવો અફાટ સાગર લહેરાતો હોય ત્યારે?

 કોનવોલ પહોંચીને અમે આ ‘લેન્ડ્સ એન્ડ’ તરીકે ઓળખાતી જગ્યાએ પહોંચ્યા ત્યારે વાતાવરણે અચાનક પલટો લીધો. સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ગાઢું આવરણ આવી ગયું .સાગર કિનારે ઊભા છીએ કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાઇ રહ્યા છીએ એ ભેદ કળવો પણ મુશ્કેલ હતો. સાગરનો ઘુઘવતો અવાજ,પવનની થપાટો, હવાના સૂસવાટાના અજબ સંમિશ્રણ વચ્ચે “ખામોશી ” ફિલ્મનુ ગીત યાદ આવી ગયુ. “સિર્ફ એહસાસ હૈ યે રૂહસે મેહસુસ કરો”–પરંતુ બીજા દિવસની સવારે ખુલ્લા નિરભ્ર આકાશ વચ્ચે લહેરાતો એ આટલાંટિક સાગર, નિલવર્ણા આકાશથી સહેજ વધુ ઘેરા પાણીની વચ્ચે દીવાદાંડી, લાકડાંની પેનલથી બાંધેલુ ઘોડાઓને ફરવા ચરવાનું મેદાન,ખડકો સાથે અફળાતા મોંજાં અને એથી વિશષ એક સાઇન બોર્ડ પર મૂકેલો ન્યૂયોર્કની દિશા સૂચવતો એરો રોમાંચિત કરી ગયો. કારણકે એટલાંટિક સમૂહની પેલે પાર ૩૧૪૭ માઇલે ન્યૂયોર્કનાએ લોંગ આઇલેન્ડના ‘મોન્ટાક પોઇન્ટ’ પર તો હજુ હમણાં યુ.કે આવતા પહેલાં જ તો અમે ઊભા હતા. કેવો યોગાનુયોગ?તે દિવસે ત્યાંના કેટલાક આકર્ષણો જેમકે ‘ડૉ,હુ અપ કલોઝ’, ‘રિટર્ન ટુ ધ લાસ્ટ લાબરીન’, ‘એર રેસ્કુય’ જેવા પ્રોગ્રામો જોવાનો પણ લાભ મળ્યો. 

કોનવોલથી પાછા વળતા વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે જાણીતા રોમન શૈલીથી બંધાયેલા ‘બાથ’ તરફ પ્રયાણ કર્યું. ‘યુનેસ્કો દ્વારા માન્ય આ હેરિટેજ સિટીમાં બાથ એલી,જેન ઓસ્ટીન મ્યુઝીયમ,રોયલ ક્રીસન્ટ આર્ટ ગેલેરી ઉપરાંત સાંજના સમયે ડાઉન ટાઉન બાથના રસ્તા પર લાઇવ સંગીતને માણવાની પણ એક ઓર મજા છે. બાથ આર્કિટેકચરલ કન્સ્ટ્રક્શનનો અત્યંત સુંદર નમૂનો છે. જેને એની સિટી ટુર લેવાથી આરામથી જોઇ શકાય છે. લંડનથી ઊપડતી ટુરમાં એક સાથે બાથ, સ્ટોનેજ અને વિન્ડસર કેસલનો સમાવેશ હોય છે સ્ટોનેજ એટલે પ્રાગઐતિહાસિક સ્મારક. આર્કિયોલોજીની માન્યતા પ્રમાણે ખુલ્લી જગ્યામાં ઊભા કરાયેલા પ્રતિકાત્મક્ સ્મારક લગભગ ૨૫૦૦ બીસીના સમયના છે. 

વિન્ડસર કેસલઃ રાજાશાહી ઠાઠની આલબેલ સમો વિન્ડસર કેસલ લગભગ૯૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. ખાનગી વાસ ઉપરાંત ઓફિસ એમ બંને રીતે મહત્વ ધરાવતા આ કેસલમાં રોયલ ફેમિલી રજાઓમાં એટલે કે માર્ચ-એપ્રિલ અથવા શનિ-રવિમાં સમય વિતાવે છે. આ શાહી પરિવારના રોકાણ દરમિયાન ‘ચેઇન્જિંગ ઓફ ગાર્ડસ સેરેમનીની બેન્ડ સાથેની પરેડ એટલી જ ઠાઠમાઠવાળી હોય તે સ્વાભાવિક છે. 

લંડન પાછા ફર્યા પછી હવે અમારું પ્રયાણ હતું લંડનથી ઉત્તરે વેલ્સઃ તરફ.

અદ્દ્ભૂત લેન્ડસ્કેપ ધરાવતા વેલ્સનો એન્જલ્સી કોસ્ટલ એરિયા લગભગ ૧૨૫ માઇલ જેટલો એરિયા કવર કરે છે.’Area Outstanding Nature Beaty ‘ નો એવોર્ડ મળ્યો છે. મિનાઇ બ્રિજ,ગ્રીનવુડ ફોરેસ્ટ પાર્ક,કેસલ, અદ્દ્ભૂત બીચ ઉપરાંત સૌથી મોટા રિસોર્ટ લેન્ડુડ્નોની મુલાકાતમાં ધ્યાન ખેંચે તેવી વાત એ હતી કે આધુનિક સ્પર્શ હોવા ઉપરાંત અહીં વિકટોરિયલ-એડવર્ડીયન સમયની ભવ્યતા અને લાલિત્ય અકબંધ જળવાયું છે. સૌથી વધારે મજા આવી ‘સ્નોડોનીયા’ પર અહીં એક નાનકડી ટ્રેનમાં બેસી ૩૦૦૦ ફિટની ઊંચાઇએ જવાનો ત્યાં હલકા ધુમ્મસ વચ્ચે ઊભા રહી નીચે દેખાતા પેનોરમિક દ્દશ્ય, ખળભળ વહેતાં ઝરણાંને જોવાનો અદ્દભુત લહાવો મળે છે. ટ્રેકિંગ કરીને આવતા જતા લોકોને તો વળી કુદરતને સાવ નજીકથી માણવાનો લાભ મળે. વેલ્સના મુખ્ય શહેર કાર્ડિફનો કાર્ડિફ કેસલ,કાર્ડિફ બે અને થોડીક ઊંચાઇએથી દેખાતા સ્વચ્છ બીચને માણતા વેલ્સથી પાછા ફર્યા વળી લંડન તરફ. લંડન એકાદ દિવસનો પોરો ખાઇ હવે અમે નીકળ્યા અમારી સૌથી લાંબી અને અનેકવિધતાઓ ભરી સ્કોટલેન્ડની સફરે.

લંડનથી ઉત્ત્રરે ૩૨ માઇલે (૫૧ કી.મી) આવેલા લ્યુટન થઇ બર્મિગહામ અમારું પ્રથમ રોકાણ હતું. બ્રિટનના બીજા નંબરે આવતા આ શહેરને-the Workshop Of The World’-City Of Thousand Trade’ પણ કહે છે. બાર્બર ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સ,સેન્ટ ફીલીપ કેથેડ્રલ,બર્મિગહામ બિઝનેઝ ડિસ્ટ્રિક્ટ,સેન્ટ્રલ  લાઇબ્રેરી,ટાઉનહોલ,મ્યુઝિયમ,આર્ટ ગેલેરી અને બર્મિગહામ કેનલ જોઇ જ્યારે લીકિ હિલ્સ પર પહોંચ્યા ત્યારે ત્યાંની ઊંચાઇએથી લીલીછમ વનરાજી વચ્ચે બર્મિગહામ અત્યંત સોહામણુ લાગતુ હતુ. બર્મિંગહામનો સીમ્ફની હોલ એના અદ્દભૂત ધ્વનિશ્રવણ ક્ષમતા માટે એના અત્યંત આકર્ષક ઓડિટોરિયમ માટે તો જોવો જ રહ્યો.

લિવરપુલઃ બ્રિટનના એક સમયના સૌથી મોટા અને અગત્યના પોર્ટ કહેવાતા લિવરપુલમાં અમને એક ગ્રેજ્યુએશન સેરેમનીમાં હાજર રહેવાનો મોકો મળ્યો.૧૦૦ વર્ષ જૂની લિવરપૂલ યુનિવર્સિટીના આ ફંકશનનો દબદબો- શાન બાન જોવાનો આ અનેરો અવસર હતો. લિવરપુલ સિટી સેન્ટર,આલ્બર્ટ ડોક,મ્યુઝિયમ ,મેટ્રોપોલિટન કેથેડ્રલ બિટલ્સ સ્ટોરી એક્ઝિબિશન ઓર્નામેન્ટલ ગેટ ઓફ ચાયના ટાઉન જોવાની તો મજા જ આવે પણ સિટી સેન્ટરના એક મોલમાં એક ચોકલેટની શોપની  એ ચોકલેટ ફાઉન્ટન પણ આજે યાદ છે. 

માન્ચેટરઃ એક સમય હતો જ્યારે કાપડની મિલોથી ધમધમતું અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું. એટલે માન્ચેસ્ટરને જોવાની ઉત્સુક્તા  તો હોય જ ને? ૧૮મી સદીનું માન્ચેસ્ટર ટેક્ષટાઇલ મેન્યુફેકચરિંગ અને પ્રોડકશન માટે જાણીતું હતું. આજના પ્રગતિશીલ યુગના માન્ચેસ્ટરની ભાત જરા અનોખી લાગે. જો કે અહીંના ટાઉનહોલની મુલાકાતે એની જૂની અતિ કાર્યશીલતાનો આભાસ આપી દીધો. માન્ચેસ્ટરની સેન્ટ્રલ લાઇબ્રેરી પિકાડેલી ગાર્ડન પર ક્વીન વિકટોરીયાનું સ્માર્ક,મ્યુઝિયમ,આર્ટ ગેલેરીની મુલાકાત પછી અમે આગળ વધ્યા સ્કોટલેન્ડ તરફ. આ પ્રવાસ થકી વચ્ચે આવતા તમામ નૈસર્ગિક સ્થળો વચ્ચેથી પસાર થવાનો જે અદ્દભૂત અનુભવ થયો તે તો અવર્ણનીય છે. ખોબલે નહીં પણ જાણે સૂંડલે સૂંડલે સૌદર્ય અહીં વેરાયું છે.

લેક ડિસ્ટ્રિક્ટ એટલે ૧૬ જેટલા લેક વચ્ચે આવેલું ડિસ્ટ્રિક્ટ. લેક વિન્ડર મિયર પાસે કાર પાર્ક કરી એની સિટી ટુર લઇ અમે ઉપડયા એ મનોહર ભૂમિને માણવા.૬ પાઉન્ડમાં ટિકિટ લઇ કોઇ પણ ડબલ ડેકર અને તે પણ ઉપરથી ખુલ્લી એવી બસમાં બેસી, જ્યાં મન થાય ત્યાં ઊતરી મનભાવન પોઇન્ટ પર સમય પસાર કરી પાછળ આવતી બીજી કોઇ પણ બસમાં બેસી આગળ જવાની સવલિયતે આ ટુરને માણવાની મજા બેવડી કરી નાખી અને એમાંય વચ્ચે વરસતો  ઝરમર વરસાદ! નિસર્ગને મન ભરીને માણવાની આ તો શરુઆત હતી .લેક ડિસ્ટ્રિક્ટના લેક વિન્ડરમિયર પછી પહોંચ્યા અને  ત્યાંથી લેક લોમોન્ડ તરફ. અહીં લેક ક્રુઝ લઇ લેકની વચ્ચે ફરતા ફરતા તેની આસપાસની ઘટાટોપ હરિયાળીએ આંખ-મનને ટાઢક આપી તેનો આસ્વાદ લીધો. જેમ આગળ વધીએ તેમ નવી જગ્યા નવિનતા જોવા મળતી. સાવ જૂના સમયની યાદ આપતું કોઇ ઓલ્ડ સીટી  હોય, રસ્તામાં આવતા વોટર ફોલ ,નાના ગામમાં પણ નજરે પડતા સ્મારકો, ફોર્ટ અગસ્તસનો સ્વિંબ્રિજ પસાર કરી આગળ વધતા હવે શરૂ થતુ હતુ લૉક નેસ. અહીં સ્થાનિક ભાષામાં લેક ને લૉક કહે છે. આ લૉક ( લેક ) નેસ લગભગ ૬૦ માઇલ સુધી તમને સાથ આપે. લોકવાયકા એવી છે કે આ લેક માં લોકો ને ક્યારેક ડ્રેગન ( વિશાળ કાય  જળચર પ્રાણી )નજરે પડે છે. રાત્રે ઇન્વરનેસ પહોંચી ટ્રાવેલ લોજમાં રાત્રી રોકાણ કર્યુ. ચારેબાજુ લીલાછમ પહાડો વચ્ચે ઘેરાયેલા આ ઇનવરનેસને જ્યારે સવારે ઉઠીને જોયું ત્યારે એમ થાય કે ક્યાંથી આવ્યુ હશે આટલું કુદરતી સૌંદર્ય ?

આગળ વધતા એક નવી દુનિયા નજરે પડી. અહીંથી શરૂ થતી હતી ડિસ્ટલરીની દુનિયા.  દુનિયાનો શ્રેષ્ઠ શિવાઝ રિગલ નામે ઓળખાતો આસવ અહીં બને છે. અહીંનુ પાણી અને આસવને વર્ષૉ સુધી સાચવી રાખવા વપરાતા બેરલનું કોઇ ચોક્ક્સ પ્રકારનું લાકડું અહીંના  વાઇનને વિશિષ્ઠ બનાવે છે.

સ્કોટ્લેન્ડ પહોંચતા સૌથી પહેલું કુતુહલ તો એમના પારંપારિક ચેક્સના સ્કર્ટમાં ફરતા સ્કોટીશ લોકોને જોવાનું હતુ. પ્રસંગોપાત બેગપાઇપર સાથે જોવા મળતા લોકો તો ક્યાંય જોવા મળ્યા નહીં. એટલું જ નહીં પણ આ પરંપરાગત પહેરવેશને પણ તિલાંજલી આપી દેવાઇ હોય એવુ લાગ્યુ. આર્ટસ ,કોમર્સ સાહિત્ય , સાયન્સ, ફીલોસોફી, આર્કિટેક જેવા ક્ષેત્રના ઘણા પ્રખ્યાત લોકો સ્કોટલેન્ડ્થી ઉદય પામ્યા છે.

ડીનબરા ,ગ્લાસગો જેવા શહેરો એટલે અતિ ભવ્ય ઇતિહાસ ધરાવતા અને આજના આધુનિક  સમય સાથે તાલમેલ  ધરવતા શહેરો. એડીનબરા ઐતિહાસિક કેસલ પરથી આજના નવા શહેરને નિહાળૉ તો પ્રાચીન કાંસ્ય યુગથી માંડીને આજ સુધીના ઇતિહાસે કેટલી કરવટ બદલી હશે તે જાણવાની જરૂર ઇંતેજારી થાય. સ્કોટલેન્ડ્નો ઇતિહાસ, મધ્ય યુગની છાંટ ,આધુનિકતાનો સ્પર્શ, એની વન્ય સૃષ્ટિ , નૈસર્ગિક વૈભવ સંસ્ક્રુતિ  વગેરે માણીને પાછા ફરતા હતા ત્યારે છેલ્લી ક્ષણો સુધી એ લીલાંછમ પ્રાક્રુતિક વાતાવરણને અપલક માણવાનો મોહ છુટતો નહોતો. 

આલેખન – રાજુલ કૌશિક.

ફોટો સૌજન્ય – ૠષદ શાહ.

 

1 thought on “સફરની સ્મૃતિના સથવારે -૩ (રાજુલ કૌશિક)

  1. આલેખન સુ શ્રી રાજુલ કૌશિકનુ આલેખ અને ફોટો શ્રી ૠષદ શાહના ‘ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો સ્કોટલેન્ડ કોન્વોલ- વેલ્સ –’બે વાર માણી આંખ બંધ કરી “સિર્ફ એહસાસ હૈ યે રૂહસે મેહસુસ કરો”…પ્રમાણે અનુભવ્યુ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s