ભાષાને શું વળગે ભૂર – ૨૯ (બાબુ સુથાર)


અસ્તિત્વવાચક અને સહાયકારક ક્રિયાપદો

(૧) ‘રમેશ શિક્ષક છે’ અને (૨) ‘રમેશ ઊંઘે છે’માં આવતા ‘છે’ અનુક્રમે અસ્તિત્વવાચક ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ તરીકે કામ છે. (૧)માં ‘છે’ ઉદ્દેશ્ય (‘રમેશ’) અને વિધેયને (‘શિક્ષક’ને) જોડે છે; જ્યારે (૨)માં ‘છે’ મૂળ ક્રિયાપદ ‘ઊંઘવું’ને સહાય કરે છે. પહેલા પ્રકારના ‘છે’ને અંગ્રેજીમાં copula કહે છે, જ્યારે બીજા પ્રકારના ‘છે’ને auxiliary verb કહે છે. કેટલાક લોકો આ પ્રકારનાં ક્રિયાપદોને helping verb પણ કહે છે. ગુજરાતીમાં નરસિંહરાવે આ પ્રકારનાં ક્રિયાપદો માટે ‘ઉપક્રિયાપદ’ સંજ્ઞા પણ વાપરી છે. આપણે copulaને ‘અસ્તિત્વવાચક ક્રિયાપદ’ અને auxiliary verbને ‘સહાયકારક ક્રિયાપદ’ કહીશું.

અસ્તિત્વવાચક ક્રિયાપદો:

આ પ્રકારનાં ક્રિયાપદો ઉદ્દેશ્ય અને વિધેયને જોડતાં હોય છે. એટલું જ નહીં, એ ઉદ્દેશ્ય અને વિધેયની વચ્ચે સમાનતાનો સંબંધ પણ પ્રગટ કરતાં હોય છે. દાખલા તરીકે (૩) ‘રમેશ શિક્ષક છે’ વાક્યમાં ‘રમેશ’ અને ‘શિક્ષક’ વચ્ચે સમાનતાનો સંબંધ છે. બન્ને એક જ છે.

જો કે, આ પ્રકારનાં ક્રિયાપદો હંમેશાં આ જ પ્રકારની સમાનતા પ્રગટ કરતાં નથી. ગુજરાતીમાં એ ત્રણ પ્રકારની સમાનતા પ્રગટ કરે છે. દાખલા તરીકે, (૪) ‘ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે’ વાક્ય લો. એમાં ઉદ્દેશ્ય ‘ગાંધીનગર’ અને વિધેય ‘ગુજરાતનું પાટનગર’ બન્ને વચ્ચેનો સંબંધ બરાબરીનો છે. આપણે ‘ગાંધીનગર’ = ‘ગુજરાતનું પાટનગર’ એમ કહી શકીએ. એટલું જ નહીં, આપણે (૫) ‘ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે’ એમ પણ કહી શકીએ.

એ જ રીતે, (૬) ‘માણસ સામાજિક પ્રાણી છે’ જેવાં વાક્યો લો. અહીં પણ ઉદ્દેશ્ય ‘માણસ’ અને વિધેય ‘સામાજિક પ્રાણી’ વચ્ચે સમાનતાનો સંબંધ છે. પણ, વિધેય, અર્થાત્, ‘સામાજિક પ્રાણી’ એક વર્ગ છે અને ઉદ્દેશ્ય ‘માણસ’ એ વર્ગનો એક પેટા વર્ગ છે. અંગ્રેજીમાં આપણે આ સંબંધને class inclusionનો સંબંધ કહી શકીએ.

હવે (૭) ‘રમેશ શિક્ષક છે’ વાક્ય લો. આ વાક્યમાં ઉદ્દેશ્ય ‘રમેશ’ વિધેય ‘શિક્ષક’ નામના એક વર્ગનો એક સભ્ય છે. આપણે એને class membership કહી શકીએ.

આ ઉપરાંત પણ બીજા પ્રકારના સંબંધો હોઈ શકે. તપાસ કરવી પડે. કહેવાય છે કે ફિલસૂફ બન્ટ્રાર્ડ રસેલે આવા અસ્તિત્વવાચક ક્રિયાપદના અનેક અર્થથી કંટાળીને કહેલું કે ગણિત અને વિજ્ઞાનમાં રોજબરોજની ભાષા કામ ન લાગે. એમના માટે આપણે નવી ભાષા શોધવી પડે જેમાં દરેક શબ્દનો કેવળ એક અને એક જ અર્થ પ્રગટ થતો હોય.

અસ્તિત્વવાચક ક્રિયાપદોનું વાક્યતંત્ર પણ રસ પડે એવું છે. આ પ્રકારની વાક્યરચનાઓમાં વિધેયમાં નામ આવી શકે. જેમ કે, (૮) ‘રમેશ શિક્ષક છે’. અથવા તો, વિશેષણ આવી શકે. જેમ કે, (૯) ‘રમેશ ઊંચો છે’. અને એ જ રીતે, નામયોગીપદ સાથે પણ આવી શકે. જેમ કે, (૧૦) ‘રમેશ ઝાડ પર છે.’

ગુજરાતીમાં આ પ્રકારનાં ક્રિયાપદો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જોવા મળે છે. આપણામાંના ઘણાએ આવાં વાક્યો સાંભળ્યાં હશે: (૧૧) ‘રમેશ હોંશિયાર હતો, છે અને હશે’. અથવા તો (૧૨) ‘હું પ્રામણિક છું, હતો અને હોઈશ’. એનો અર્થ એ થયો કે આપણી પાસે ત્રણ અસ્તિત્વવાચક ક્રિયાપદો છે: છ્-, હ- અને હો- અને નીચે આપેલા કોઠાઓમાં બતાવ્યું છે એમ આમાંનાં વર્તમાન અને ભવિષ્યકાળનાં ક્રિયાપદો પુરુષ અને વચનના જ્યારે ભૂતકાળનાં ક્રિયાપદો વચન અને લિંગના પ્રત્યયો લે છે. જો કે, ભવિષ્યકાળમાં ‘હો’નો ‘હ’ કેમ થયો છે એ પણ એક અભ્યાસનો વિષય છે. પંડિતયુગની અને એ પૂર્વે સુધારક યુગની ભાષામાં પણ આપણને ઘણી વાર ‘હશે’ કે ‘હશો’ને બદલે ‘હોશે’ અને ‘હોશો’ વપરાયેલો જોવા મળશે.

વર્તમાનકાળ (કોઠો: ૧)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

છું

છીએ

બીજો પુરુષ

છે

છો

ત્રીજો પુરુષ

છે

છે

          ભવિષ્યકાળ (કોઠો: ૨)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હોઈશ

હોઈશું

બીજો પુરુષ

હશે

હશો

ત્રીજો પુરુષ

હશે

હશે

          ભૂતકાળ (ચાલુ) (કોઠો: ૩)

એકવચન

બહુવચન

પુલ્લિંગ

હતો

હતા

સ્ત્રીલિંગ

હતી

હતી

નપુસંકલિંગ

હતું

હતાં

          આ ક્રિયાપદો, આપણે આગળ નોંધ્યું છે એમ, જ્યારે અસ્તિત્વવાચક ક્રિયાપદો તરીકે કામ કરતાં હોય છે ત્યારે કોઈ ક્રિયાપદો સાથે નથી આવતાં.  એ સ્વતંત્ર રીતે કામ કરતાં હોય છે. એ કાં તો નામ, કાં તો વિશેષણ, કાં તો નામયોગી પદ સાથે આવી શકે. અર્થાત્, (૧૩) ‘હું શિક્ષક હતો’ અને (૧૪) ‘હું શિક્ષક હોઈશ’ જેવાં વાક્યોમાં આવતા ‘હતો’ અને ‘હોઈશ’ અસ્તિત્વવાચક ક્રિયાપદો છે પણ (૧૫) ‘હું ચાલતો હતો’ અને (૧૬) ‘હું કાલે અત્યારે અમદાવાદમાં ફરતો હોઈશ’ જેવાં વાક્યોમાં આવતાં ‘હતો’ અને ‘હોઈશ’ અસ્તિત્વવાચક નથી. આપણા મોટા ભાગના વિદ્વાનો (૧૬) અને (૧૭)માં આવતા ‘હતો’ અને ‘હોઈશ’ને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખાવે છે. જો કે, (૧૭)માં આવતું ‘હોઈશ’ ક્રિયાપદ અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે છે કે વૃત્તિવાચક (mood) ક્રિયાપદ તરીકે એ એક પ્રશ્ન છે. આ વિશે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું.

સહાયકારક ક્રિયાપદો:

 

ગુજરાતીમાં કેટલાં સહાયકારી ક્રિયાપદો છે એ વિશે વિદ્વાનો એકમત નથી. કેટલાક છ્-, હ- અને હો- એમ ત્રણ સહાયકારી ક્રિયાપદોની વાત કરે છે તો કેટલાક છ્- અને હ- એમ બે સહાયકારી ક્રિયાપદોની વાત કરે છે. હું માનું છું કે ગુજરાતીમાં ‘છ્-’ અને ‘હ-’ એમ બે સહાયકારી ક્રિયાપદો છે. આમાંનું ‘છ્-’ વર્તમાનકાળમાં વપરાય છે જ્યારે ‘હ-’ ચાલુ ભૂતકાળમાં. આ બન્ને ક્રિયાપદો, આગળ નોંધ્યું છે એમ, મુખ્ય ક્રિયાપદ પછી આવતાં હોય છે. જેમ કે, (૧૮) ‘રમેશ કેરી ખાય છે’ અને (૧૯) ‘રમેશ કેરી ખાતો હતો’. આપણે, (૨૦) ‘છે રમેશ ખાય કેરી’ કે (૨૧) ‘હતો રમેશ ખાતો કેરી’ નહીં બોલીએ. પણ, (૨૨) ‘ખાય છે કેરી રમેશ’ કે (૨૩) ‘ખાતો હતો કેરી રમેશ’ બોલી શકીએ. જો કે, એનો અર્થ એવો પણ નથી કરવાનો કે ‘છ્-’ અને ‘હ-’નું વર્તન બધી જ રીતે એકસમાન છે. દાખલા તરીકે, વર્તમાનકાળમાં નકારાત્મક વાક્ય બનાવવા આપણે સહાયકારક ક્રિયાપદની જગ્યાએ ‘નથી’ મૂકતા હોઈએ છીએ. જેમ કે, (૨૪) ‘રમેશ કેરી ખાતો નથી’. પણ, ભૂતકાળમાં આપણે એમ નથી કરતા. જો આપણે ભૂતકાળમાં પણ એમ કરીશું તો વર્તમાનના જેવી જ વાક્યરચના બનાવીશું. અને જો એમ થાય તો આ બન્ને કાળમાં નકારાત્મક વાક્યો એકસરખાં બની જાય. એથી ભૂતકાળમાં આપણે સહાયકારકની જગ્યાએ નકારાત્મક ‘ન’ નથી મૂકતા. એને બદલે આપણે ‘ન’ મોટે ભાગે તો સહાયકારક ક્રિયાપદના પહેલાં મૂકતા હોઈએ છીએ. જેમ કે, (૨૫) ‘રમેશ કેરી ખાતો ન હતો’.

          આ ક્રિયાપદો પણ, આપણે આગળ નોંધ્યું છે એમ, વર્તમાનકાળમાં પુરુષ અને વચન પ્રમાણે અને ભૂતકાળમાં લિંગ અને વચન પ્રમાણે બદલાતાં હોય છે ( જુઓ કોઠો:૧ અને કોઠો:૩).

          મુખ્ય ક્રિયાપદો અને અસ્તિત્વવાચક તથા સહાયકારક ક્રિયાપદો કઈ રીતે એકબીજાથી જુદાં પડે છે એ પણ એક અભ્યાસનો વિષય છે. આપણે જોયું કે અસ્તિત્વવાચક ક્રિયાપદો ક્યારેક બીજાં ક્રિયાપદો સાથે વપરાતાં નથી પણ સહાયકારક ક્રિયાપદો હંમેશાં મુખ્ય ક્રિયાપદોની સાથે જ વપરાતાં હોય છે. આ બન્ને પ્રકારનાં ક્રિયાપદોનો ઉપયોગ સંપૂર્ણપણે ફરજિયાત નથી. દા.ત. આ કથન લો: “એક રાજા. એને બે રાણી. એક માનીતી. બીજી અણમાનીતી. માનીતીને સંતાન નહીં. અણમાનીતીને દીકરો. દેવ જેવો. રૂપરૂપનો અંબાર.” અહીં અસ્તિત્વાચક ક્રિયાપદ પડતું મૂક્યું છે. તો પણ વાક્યો ખોટાં નથી. મધ્યકાલીન ગુજરાતીમાં પણ આવાં કથનો મળી આવે છે. ભાષાના કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે આવાં ક્રિયાપદો પાછળથી વિકસ્યાં હોવાં જોઈએ. એ જ રીતે, સહાયકારક ક્રિયાપદો પણ. દા.ત. “રમેશ રોજ સવારે છ વાગે ઊઠે. દાતણપાણી કરે. નાહી લે. પછી…”માં પણ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ક્યારે અસ્તિત્વવાચક/સહાયકારક ક્રિયાપદો ન વાપરીએ તો ચાલે અને એના કારણે વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો હોય છે કે નહીં એ સાચે એક તપાસનો વિષય છે. આ બન્ને પ્રકારનાં ક્રિયાપદો વચ્ચે હજી બીજો એક મહત્ત્વનો ફરક છે. એ છે દ્વિરુક્તિનો. આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાતાં ક્રિયાપદોની દ્વિરુક્તિ કરી શકીએ. જેમ કે, (૨૬) ‘રમેશ દોડતો દોડતો નિશાળે જાય છે’. પણ, આપણે ‘છે’નો એ રીતે ઉપયોગ ન કરી શકીએ. બરાબર એમ જ, સહાયકારક ક્રિયાપદો મુખ્ય ક્રિયાપદોની જેમ non-finite વ્યવસ્થામાં પણ ભાગ લેતાં નથી હોતાં. જો કે, ઘણા ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ ‘હોવું’ ક્રિયાપદનાં ઉદાહરણો આપ્યાં છે. પણ, હું સમજું છું ત્યાં સુધી ‘હોવું’ના ‘હો-’ અને ‘હોઈશ’ના ‘હો-’ વચ્ચે એક પાયાનો ભેદ છે. ‘હોવું’ એક lexical item છે, જ્યારે ‘હો-‘ (હોઈશ-નો) એક grammatical item છે. એવી તમામ શક્યતાઓ છે કે ‘હોઈશ’ જેવાં ક્રિયાપદો grammaticalizationની પ્રક્રિયાને કારણે વિકસ્યાં હોય.

          છેક ૧૯૧૨માં Meiller નામના એક ભાષાશાસ્ત્રીએ એક પ્રશ્ન પૂછેલો કે શું અસ્તિત્વવાચક ક્રિયાપદો સાચે જ સહાયકારક ક્રિયાપદો છે? આજે આટલાં વરસો પછી પણ આપણી પાસે આ પ્રશ્નનો કોઈ નિશ્ચિત કહી શકાય એવો જવાબ નથી. એટલું જ નહીં, ઘણા ભાષાશાસ્ત્રીઓ કહે છે કે સહાયકારક ક્રિયાપદો એક જમાનામાં અસ્તિત્વવાચક હશે અને એમાંથી સહાયકારક ક્રિયાપદો વિકસ્યાં હશે. ગુજરાતી ભાષામાં ખરેખર શું બન્યું હશે એ પ્રશ્નનો જવાબ તો ઐતિહાસિક ભાષાશાસ્ત્રી જ આપી શકે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૨૯ (બાબુ સુથાર)

  1. શ્રી બાબુ સુથારનો અસ્તિત્વવાચક અને સહાયકારક ક્રિયાપદો અંગે સુંદર લેખ…
    ઘણું સમજાયું…કેટલુક ન સમજાયું
    ‘ઘણા ભાષાશાસ્ત્રીઓ કહે છે કે સહાયકારક ક્રિયાપદો એક જમાનામાં અસ્તિત્વવાચક હશે અને એમાંથી સહાયકારક ક્રિયાપદો વિકસ્યાં હશે. ગુજરાતી ભાષામાં ખરેખર શું બન્યું હશે એ પ્રશ્નનો જવાબ તો ઐતિહાસિક ભાષાશાસ્ત્રી જ આપી શકે.’ ? સો વર્ષ ઉપરાંતનો દાંતરડા જેવો પ્રશ્નના ‘રાઝને રાઝ જ રહેવા દઇએ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s