શેખાદમ આબુવાલા


શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા એટલે “શેખાદમ”આબુવાલા. કવિ, નવલકથાકાર, પત્રકાર અને રેડિયો કલાકાર અને ઉદઘોષક, એ બધું એક જ માણસમાં હતું અને એ માણસ એટલે શેખાદમ.

એમ.એ. સુધી ભણેલા, ગુજરાતી, હીંદી, ઉર્દુ, અંગ્રેજી અને જર્મન ભાષાના માહેર. “વોઈસ ઓફ જર્મની” નામના ભારતના રેડિયો વિભાગમાં હીંદી-ઉર્દુ ભાષાની સર્વિસના નિયામક, ૩૦ થી ૩૫ પુસ્તકોના સર્જક, અને મુશાયરાના સરતાજ એટલે શેખાદમ. શેખાદમે ગુજરાતી સાહિત્યને માલામાલ કરી દીધું. સરળ બોલચાલની ભાષામાં લખાયલી એમની રંગદર્શી ગઝલો મને ખૂબ ગમે છે. શેખાદમની ગઝલોમાં આદમનો દમ છે (પી. કે. દાવડા)

અહીં એમની એક ગઝલ અને થોડા ખૂબ જાણીતા મુકતકો રજૂ કરું છું.

(૧)

આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી…

એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી…

રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી…

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી…

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી…

બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી…

બુદ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી…

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી…

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી…

કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી…

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઊઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી…

મુક્તકો

(૧)

તમે પણ છો અતિ સુંદર અદાઓ પણ રૂપાળી છે
તમારા રૂપનો ચળકાટ આંખોની દીવાળી છે.

અમે કીધાં નથી દર્શન કેવળ સાંભળ્યું જ છે વર્ણન
અમારી આંખ કરતાં કાન કેવા ભાગ્યશાળી છે

(૨)

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

(૩)

તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે
છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

(૪)

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

(૫)

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

(૬)

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

(૭)

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

(૮)

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

(૯)

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

(૧૦)

ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશે
ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે
હું પાપ ના કરું એ ખરું પણ જરી વિચાર
ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે

(બધા મુક્તક શેખાદમ આબુવાલાના)

રજૂઆતઃ પી. કે. દાવડા

2 thoughts on “શેખાદમ આબુવાલા

 1. રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
  ’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
  જનાબ શેખાદમ આબુવાલાની બધી જ રચનાઓ ગમે એવી છે. પણ આ રચના અદભુત છે !
  .

  દમકતો ને ચમકતો…
  અફલાતુન શેર
  એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?
  .

  અમને નાખો જિંદગીની આગમાં…
  ખૂબ સ રસ
  જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી !
  આ દેશને માટે હિંસા….
  શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.
  .
  પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s