ભાષાને શું વળગે ભૂર – ૩૦ (બાબુ સુથાર)


સંયુક્ત ક્રિયાપદો

ગુજરાતીમાં સંયુક્ત ક્રિયાપદોની સમજ વિશે પણ ઘણી ગૂંચ પ્રવર્તે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ ‘ચાલ્યા કરવું’ જેવાં ક્રિયાપદોને પણ સંયુક્ત ક્રિયાપદ કહે છે તો કેટલાક ‘ચાલી જવું’ જેવાં ક્રિયાપદોને. આ લેખ પૂરતા હું બીજા પ્રકારના, એટલે કે ‘ચાલી જવું’ પ્રકારનાં ક્રિયાપદોને સંયુક્ત ક્રિયાપદ તરીકે ઓળખાવીશ. આ ક્રિયાપદોમાં (૧) ઓછામાં ઓછાં બે ક્રિયાપદો હોય. આપણે પહેલા ક્રિયાપદને V1 અને બીજા ક્રિયાપદને V2 તરીકે ઓળખાવીશું.  (૨) V1ના મૂળને -ઈ પ્રત્યય લાગેલો હોય. કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ પ્રત્યયને ‘કડી પ્રત્યય’ પણ કહે છે. કેમ કે, એ બે ક્રિયાપદોને જોડવાનું કામ કરે છે. અને, (૩) V2ને કાળ/અવસ્થા/વૃત્તિ પ્રત્યયો લાગતા હોય છે.

સપાટી પરથી ખૂબ જ સરળ લાગતાં આ ક્રિયાપદો અનેક સૈદ્ધાન્તિક પ્રશ્નો ઊભાં કરે છે. આપણામાંના ઘણા વાચકોને યાદ હશે કે આપણે આ અગાઉ ક્રિયાપદોની વાત કરતાં કહેલું કે ક્રિયાપદો જે તે વાક્યનાં કર્તા કર્મ નક્કી કરતાં હોય છે. દા.ત. ‘ઊંઘવું’ ક્રિયાપદ લો. જ્યારે આપણે એ ક્રિયાપદ વાપરવું હોય ત્યારે આપણે ‘ઊંઘવું’નો કર્તા નક્કી કરવો પડે. એ કર્તા પણ પાછો સજીવ હોવો જોઈએ. આપણે ‘ટેબલ ઊંઘે છે’ એમ ન કહી શકીએ. જો કે, સર્જનાત્મક કૃતિમાં આપણે એમ કહી શકીએ ખરા. એ જ રીતે, આપણે ‘હું ગુલાબનું ફૂલ ઊંઘું છું’ એમ પણ નહીં કહીએ. કેમ કે, ‘ઊંઘવું’ ક્રિયાપદ અકર્મક છે. એને કર્મ ન જોઈએ. પણ, એની સામે ‘કાપવું’ ક્રિયાપદ લો. એ ક્રિયાપદ કર્તા પણ નક્કી કરે અને કર્મ પણ. એથી જ તો, ‘હું કાપું છું’ વાક્ય પૂરું નથી. એને બદલે આપણે એમ કહેવું પડે કે ‘હું કાગળ કાપું છું’. અહીં પણ અર્થનાં નિયંત્રણો તો પાછાં ખરાં જ. આપણે ‘કાગળ કાતર કાપે છે’ એમ ન કહી શકીએ. એ જ રીતે, ‘હું મેઘધનુષ કાપું છું’ એમ પણ  ન કહી શકીએ.

આમ હોવાથી, આપણા માટે સવાલ એ ઊભો થાય છે કે સંયુક્ત ક્રિયાપદમાંનું કયું ક્રિયાપદ કર્તા, કર્મ નક્કી કરતું હશે? ઉદાહરણ તરીકે ‘રમેશ ઝાડ કાપી આવ્યો’ ક્રિયાપદ લો. એમાં ‘કાપવું’ સકર્મક ક્રિયાપદ છે જ્યારે ‘આવવું’ અકર્મક ક્રિયાપદ છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ‘રમેશ’ને -એ પ્રત્યય લાગ્યો નથી. કેમ કે, ‘આવવું’ ક્રિયાપદ અકર્મક છે. આપણે આ પહેલાં ભૂતકાળની ચર્ચા કરતી વખતે જોયેલું કે પૂર્ણ ભૂતકાળમાં જો ક્રિયાપદ સકર્મક હોય તો કર્તા ergative પ્રત્યય -એ ન લે. એ નિયમ પ્રમાણે અહીં આપણે કહી શકીએ કે ‘આવવું’ ક્રિયાપદ કર્તાનું સ્વરૂપ નક્કી કરે છે. એટલે કે બીજું ક્રિયાપદ, અથવા તો છેલ્લું ક્રિયાપદ, કર્તાનું સ્વરૂપ નક્કી કરે છે.

પણ, થોડુંક ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે અહીં ‘ઝાડ’ કાપવાની વાત છે અને ‘ઝાડ’ તો કર્મ છે. ‘આવવું’ ક્રિયાપદને કર્મની જરૂર ન પડે. પણ, ‘કાપવું’ને કર્મની જરૂર પડે. એનો અર્થ એ થયો કે અહીં ‘કાપવું’ ક્રિયાપદ કર્મના સ્વરૂપને નક્કી કરે છે. આ ખૂબ રસ પડે એવી પ્રક્રિયા છે. આપણે એમ કહી શકીએ કે અહીં બન્ને ક્રિયાપદો કામની વહેંચણી કરી લે છે. પહેલું ક્રિયાપદ જો સકર્મક હોય તો એ કર્મ નથી કરે અને બીજું ક્રિયાપદ હંમેશાં કર્તા જ નક્કી કરે.

આપણે આગળ નોંધ્યું છે એમ ક્રિયાપદ માત્ર કર્તા, કર્મ નક્કી કરે તો હવે સવાલ એ થાય કે અહીં પહેલા ક્રિયાપદની કર્તા નક્કી કરવાની ક્ષમતા કઈ રીતે અને શા માટે છીનવી લેવામાં આવી હશે? આપણે જોઈ શકીએ છીએ કે અહીં પહેલા ક્રિયાપદને -ઈ કડી પ્રત્યય લાગેલો છે. એ પ્રત્યયની જગ્યાએ કાં તો કાળ/અવસ્થા/વૃત્તિના પ્રત્યયો હોઈ શકે કાં તો infinitive -વું હોઈ શકે. સંયુક્ત ક્રિયાપદોમાં એ બેમાંથી એક પણ નથી. પણ એમની જગ્યાએ -ઈ છે. આ હકીકતના આધારે આપણે એમ કહી શકીએ ખરા કે -ઈ પ્રત્યય જે તે ક્રિયાપદને કર્મ નક્કી કરવાની સત્તા આપતો હોય છે? આ એક દાર્શનિક પ્રશ્ન છે. આપણે એમાં ઊંડા નહીં ઊતરીએ. હકીકત એ છે કે સંયુક્ત ક્રિયાપદો અકર્મકતા તથા સકર્મકતાના સંદર્ભમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. આશા રાખીએ કે ક્યારેક ભાષાશાસ્ત્રીઓ આ મુદ્દા પર વધારે પ્રકાશ પાડશે.

હવે આ પ્રકારના ક્રિયાપદોમાંના બીજા ક્રિયાપદ વિશે વિચારો. દાખલા તરીકે, ‘રમેશે નખ કાપી નાખ્યા’ જેવાં વાક્યો લો. અહીં ‘કાપી નાખવું’ સંયુક્ત ક્રિયાપદ છે. આપણે ‘કાપવું’નો અર્થ બરાબર જાણીએ છીએ. પણ, અહીં ‘નાખવું’નો અર્થ ‘કશુંક નાખી દેવું’ એવો નથી થતો. રમેશે અહીં નખ કાપ્યા છે પણ નખ કાપીને ક્યાંક નાખી દીધા છે એમ આપણે ન કહી શકીએ. સ્પષ્ટતા ખાતર આપણે વધુ એક વાક્ય લઈએ: ‘રમેશ એકાએક આવી ચડ્યો’. અહીં ‘આવવું’નો અર્થ સમજી શકાય એમ છે. પણ અહીં ‘ચડવું’નો અર્થ શબ્દકોશ પ્રમાણે તો નથી જ. અહીં રમેશ કશાની ઉપર ચડતો નથી.

ગુજરાતી ભાષામાં આ બીજા ક્રિયાપદની જગ્યાએ વપરાતાં ક્રિયાપદોની સંખ્યા નિશ્ચિત છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ આવાં ક્રિયાપદોને vector verbs તરીકે ઓળખાવતા હોય છે. ગુજરાતીમાં એકબે ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારનાં ક્રિયાપદોને સહાયકારક ક્રિયાપદો તરીકે ઓળખાવ્યાં છે. પણ, હું નથી માનતો કે આ ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદની પરીક્ષામાંથી સફળતાપૂર્વક પસાર થઈ શકે. ભાષાશાસ્ત્રીઓએ વ્યાકરણમૂલક કોટિઓ નક્કી કરવા માટે કેટલાંક પરિક્ષણો વિકસાવ્યાં છે. દાખલા તરીકે, ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદો સ્થાન બદલી શકે. આપણે ‘છે રમેશ આવે અહીં રોજ’ એમ કહી શકીએ. પણ, ‘નાખ્યું ઝાડ રમેશે કાપી’ નહીં કહી શકીએ. એ જ રીતે, વર્તમાનકાળમાં આપણે નકારાત્મક વાક્યો બનાવવા સહાયકારકની જગ્યાએ ‘નથી’ વાપરીએ છીએ. પણ આ પ્રકારનાં સંયુક્ત ક્રિયાપદોમાં વપરાયેલા ‘સહાયકારક’ અર્થાત્, બીજા ક્રમે આવેલા ક્રિયાપદની જગ્યાએ ‘નથી’ ન મૂકી શકીએ. એથી જ તો આપણે, ‘રમેશ ઝાડ કાપી નાખે છે’નું નકારાત્મક બનાવતી વખતે ‘રમેશ ઝાડ કાપી નથી છે’ ન કરી શકીએ. આવાં બીજાં પણ પરિક્ષણો છે. જેમ કે, એક જ વ્યાકરણમૂલક કોટિમાં આવતા શબ્દોને ‘અને’થી જોડી શકાય. જો ‘રમેશે ઝાડ કાપી નાખ્યું’માં ‘નાખ્યું’ સહાયકારક ક્રિયાપદ હોય તો આપણે ‘રમેશે ઝાડ કાપી નાખ્યું અને છે’ એમ કહી શકીએ. પણ, એવાં વાક્યો સ્વીકાર્ય નથી હોતાં.

હરિવલ્લભ ભાયાણી અને ઊર્મિબેન દેસાઈએ આવાં ક્રિયાપદોને અવસ્થાવાચક (aspectual) ક્રિયાપદો કહ્યાં છે. મને લાગે છે કે એ બરાબર છે. કેમ કે આ વર્ગમાં આવતાં ક્રિયાપદો મૂળ ક્રિયા સાથે સંકળાયેલી એક અવસ્થા પ્રગટ કરતાં હોય છે.

સવાલ એ છે કે આ ક્રિયાપદો અવસ્થાવાચક કઈ રીતે બન્યાં હશે? અહીં આપણે બે પારિભાષિક શબ્દો સમજવાની જરૂર છે. એક તે lexical item અને બીજી તે grammatical item. ‘ખાવું’, ‘ટેબલ’, ‘લાલ’ ‘ધીમું’ વગેરે lexical items છે. જ્યારે ‘છે’, ‘હતું’ વગેરે grammatical items છે. ‘રમેશ આવી ચડ્યો’ વાક્યમાં આવતું ‘ચડવું’ ક્રિયાપદ મૂળે તો એક lexical item છે. એ એક ક્રિયાનું સૂચન કરે છે. પણ, ‘રમેશ આવી ચડ્યો’માં આવતું ‘ચડવું’ ક્રિયાપદ ક્રિયા વ્યક્ત નથી કરતું. એ જે તે ક્રિયાનો ‘અવસ્થામૂલક ભાવ’ (aspectual meaning) વ્યક્ત કરે છે.

એનો અર્થ એ થયો કે જ્યારે પણ આપણે ‘રમેશ આવી ચડ્યો’ વાક્ય બોલતા હોઈએ છીએ ત્યારે ‘ચડવું’ ક્રિયાપદનો અવસ્થામૂલક ભાવ વ્યક્ત કરવા વાપરતા હોઈએ છીએ. ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારની પ્રક્રિયાને વ્યાકરણીકરણ (grammaticalization) નામની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી સંયુક્ત ક્રિયાપદોમાં બીજા/છેલ્લા ક્રમે આવતાં ક્રિયાપદોનો વ્યાકરણમૂલક અર્થ હોય છે, શબ્દમૂલક નહીં.

છેલ્લે, એક રસ પડે એવો પ્રશ્ન. આપણે ‘રમેશે ઝાડ કાપી નાખ્યું’ કહી શકીએ પણ ‘રમેશે જન્મી નાખ્યું’ કે ‘રમેશે મરી નાખ્યું’ નથી કહી શકતા. કેમ આમ? ભાષાશાસ્ત્રીઓ શું શક્ય છે એના બદલે ઘણી વાર શું શક્ય નથી એના પર વધારે ભાર મૂકતા હોય છે. અહીં પણ આપણે એ પરંપરાને અનુસર્યા છીએ. એ જ રીતે આપણે ‘રમેશે મરી લીધું’ પણ ન કહી શકીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષાનાં સંયુક્ત ક્રિયાપદોમાં V1 માં ‘મરવું’ અને V2માં ‘લેવું’ સ્વીકાર્ય નથી. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે એ યોગ્ય નથી. અંગ્રેજીમાં આને આપણે compatibility તરીકે ઓળખાવી શકીએ.

આ ચર્ચાને આપણે ટૂંકમાં, આમ મૂકી શકીએ:

૧. ગુજરાતીમાં V1 + V2 પ્રકારનાં સંયુક્ત ક્રિયાપદો છે.

૨. V1ના મૂળને -ઈ કડી પ્રત્યય લાગતો હોય છે.

૩. જો V1 સકર્મક હોય તો એ કર્મ નક્કી કરવાનું કામ કરતો હોય છે. એની સામે, V2 કર્તા નક્કી કરવાનું કામ કરતો હોય છે.

૪. V2 તરીકે કોઈ પણ ક્રિયાપદ ન આવે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનાં ક્રિયાપદોની સંખ્યા નિશ્ચિત છે.

૫. V2 ક્રિયાપદો પહેલાં lexical item હતાં. વ્યાકરણીકરણ પછી અહીં એ grammatical item તરીકે કામ કરતાં હોય છે.

૬. વ્યાકરણીકરણની પ્રક્રિયામાં સૌ પહેલાં જે તે ક્રિયાપદના lexical અર્થની બાદબાકી થઈ જતી હોય છે અને એની જગ્યાએ જે તે ક્રિયાપદનો અવસ્થામૂલક અર્થ જાળવી રાખવામાં આવતો હોય છે.

(૭) V1 + V2માં આવતાં ક્રિયાપદો સુસંગત (compatible) હોવાં જોઈએ

હું માનું છું કે ગુજરાતી સહાયકારક ક્રિયાપદોની પ્રાથમિક સમજ મેળવવા માટે આટલું પૂરતું છે. V2ની જગ્યાએ આવતાં ક્રિયાપદો ક્યારથી અને કઈ રીતે વ્યાકરણમૂલક બનવા લાગ્યાં એ એક ઐતિહાસિક ભાષાશાસ્ત્રનો મુદ્દો છે. દરેક લેખના અંતે આપણે કોઈને કોઈ આશા રાખીએ છીએ એમ અહીં પણ આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આ વિષય પર સંશોધન કરીને ગુજરાતીમાં સંયુક્ત ક્રિયાપદોમાં આવતાં V2નો વિકાસ કઈ રીતે થયો છે.

 

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૦ (બાબુ સુથાર)

  1. મા બાબુ સુથારનો સંયુક્ત ક્રિયાપદો અંગે અભ્યાસપૂર્ણ લેખ ધન્યવાદ
    રાહ
    સંયુક્ત ક્રિયાપદોમાં આવતાં V2નો વિકાસ અંગે માહિતી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s