આધુનિક કાળમાં જુદા જુદા ડે ઊજવવાની પ્રથા ચાલુ થઈ છે. જેમ કે, ઈન્ટર્નેશનલ મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે વગેરે. એમ જણાય છે કે વરસનો એકેય દિવસ કોઈ ડે વગર ખાલી નથી રહ્યો. આ ડે ઊજવવા પાછળનો આશય એ જ છે કે કોઈ ઉપેક્ષિત ન રહેવું જોઈએ. આપણા જીવનમાં દરેકનું એક વિશિષ્ઠ મહત્ત્વ રહેલું છે તેથી કોઈનો અનાદર ન થવો જોઈએ. વસ્તુની, પ્રાકૃત્તિક તત્ત્વોની, માનવીય સંબંધોની કદર કરતા શીખવું જોઈએ. ડે તો વરસમાં એક જ વાર આવે છે, તેનો અર્થ એ નથી કે તે અમુક વિશિષ્ઠ દિવસે જ તેનું મહિમાગાન કરવાનું છે. આ તો માત્ર સંકેત છે, ઈશારો છે કે એમને ભૂલી ન જતા!.
માનવસ્વભાવની એક ખાસિયત રહી છે કે એકવાર કોઈના વખાણ કરવા લાગે તો તેને આકાશે ચડાવી દે અને વખોડવા લાગે તો તેને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે. એક કાળે સમાજમાં દીકરી સાપનો ભારો ગણાતી. દીકરીને પારકી થાપણ માનવામાં આવતી. દીકરી એટલે જવાબદારી અને દીકરો તો મોટી દોલત! દીકરો કુળદીપક અને કુળનો તારક! એના વગર પિતૃઓનો ઉદ્ધાર નહિ. દીકરીને દૂધ પીતી કરવાના રિવાજ વિષે પણ આપણે સાંભળ્યું કે વાંચ્યું છે. દીકરીની બિનજરૂરી અવગણના અને દીકરાનું અતિશય મહત્ત્વ! ન્યાયની આ અસમતુલા દૂર કરવા કરવા સમાજના બુદ્ધિમાનોએ દીકરીની વિશિષ્ઠતા વર્ણવવા કલમ ચલાવી. દીકરી એટલે તુલસી ક્યારો, દીકરી વહાલનો દરિયો એવી હવા બંધાવા લાગી. માણસ જ્યારે કોઈની પાછળ પડી જાય છે ત્યારે અતિરેક થઈ જાય છે. જે હોય તે બધાં જ ખાઈ પીઈને એક જ સૂરે બોલતાં થઈ જાય છે અને ત્યારે ન્યાયનું પલ્લું વિરુદ્ધ બાજુ નમવા લાગી જાય છે. પરિણામે સમતુલા તો ખોરવેયેલી જ રહે છે. દીકરી જો તુલસી ક્યારો હોય તો દીકરો શું બાવળિયો છે? દીકરી જો વહાલનો દરિયો હોય તો દીકરો શું ઝેરનો દરિયો છે? સવાલ એ ઊભો થાય છે કે જે મળ્યું છે તેનું ગૌરવ કરતાં આપણને આવડતું નથી.
દીકરી અને દીકરો તથા માતા અને પિતા એ બંનેમાં શ્રેષ્ઠ કોણ, એ પ્રશ્ન જ ઊભો ન થવો જોઈએ. સૌનું સન્માન અને સૌની કદર થવી જોઈએ. સૌના પ્રદાનનું વિશિષ્ઠ મહત્ત્વ છે જ. જ્યારે ફ્રેન્ડશીપ ડે ઊજવીએ છીએ ત્યારે આપણે મિત્રને કે સખીને એટલા બધા માથે સ્થાપી દઈએ છીએ કે જાણે આપણા આત્મીય સ્વજનો કરતાં પણ મિત્રના જ ઉપકારો આપણા પર વધારે હોય! ગુરુપૂર્ણિમા અને શિક્ષકદિન વખતે પણ આપણે અતિરેક કરતા આવ્યા છીએ. શિક્ષકની ભૂમિકા પણ ગુરુના જેવી જ છે. આજકાલ લંપટ અને ભોગવાદી ગુરુઓનું પ્રમાણ વધી ગયું છે અને એમના કરતૂતો મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે એટલે એક વખતની શ્રેષ્ઠ અને સન્માન્ય ગુરુપ્રણાલિને ઘસારો લાગ્યો છે. તે જ પરિસ્થિતિ શિક્ષકોની પણ થઈ છે. ચારેકોર ચારિત્ર્યની કટોકટી વર્તાઈ રહી છે. ગુરુ અને શિક્ષકો પ્રત્યે સમજુ લોકોનો વિશ્વાસ અને આદર ઘટી ગયો છે. કેટલીકવાર એવું વાંચવા સાંભળવા મળે છે કે પુસ્તકો જ સાચા ગુરુ છે, પુસ્તકો જ સાચા શિક્ષકો અને પુસ્તકો જ સાચા મિત્રો છે! આપણને જે ગુણોની અપેક્ષા જીવંત મહાનુભાવો પાસે હતી તે તમામ અપેક્ષાઓ સંતોષવાની જવાબદારી આપણે નિર્જીવ એવા પુસ્તકો પર નાંખી દીધી. એનું કારણ એ જ છે કે પુસ્તકો આપણું કોઈ રીતે શોષણ કરતા નથી. પક્ષપાત કરતા નથી. પુસ્તકો આપણી પાસેથી કંઈ માંગતા નથી. કેટલાક લોકો ‘ગુગલ‘ને પણ ગુરુ ગણાવવાની ભૂલ કરતા આવ્યા છે! ‘ગુગલ‘ બિચારું એટલી જ માહિતી આપી શકે જેટલી અને જેવી માહિતી એનામાં ભરવામાં આવી હોય. ગુગલના જવાબથી લોકો ગુંચવાયા હોય એવા દાખલા અનેક છે.
અતિરેક કરવામાં આપણને કોઈ નહિ પહોંચે. ગુરુપૂજન એનો હાથવગો દાખલો છે. ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ સમક્ષ શિષ્યના ગુણ અવગુણો અને સામર્થ્યનો આખો એક્ષ- રે રહેતો. પરસ્પર પ્રેમ અને આદરભાવ રહેતો. ગુરુઓ તેમના શિષ્યોના જીવનઘડતર આડે આવતી તેની ખામી કે મર્યાદા દૂર કરવા હંમેશાં ચિંતિત રહેતા તેથી શિષ્યની નબળાઈને કઠોરતાથી દૂર કરવાની ભૂમિકા ભજવતી વખતે તે સાક્ષાત શિવ સ્વરૂપ હતો. તેનામાં રહેલા સત્વને બહાર લાવવા અને તેને વિકસાવતી વખતે તેની ભૂમિકા બ્રહ્મા જેવી રહેતી. એક માનવબાળમાંથી ખરા મનુષ્યનું સર્જન કરવાનું હોવાથી એને બ્રહ્માની ઉપમા આપવામાં ખોટું નહોતું. અવગુણોને મર્યાદામાં રાખવા અને સદગુણોને સ્નેહથી પોષણ આપતા ગુરુની ભૂમિકા વિષ્ણુની હતી. આટલું મહત્ત્વ ગુરુને મળવું જ જોઈએ તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી, પણ ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ‘ શ્લોકને ઓવરટેઈક કરીને ‘ગુરુ ગોવિંદ દોનોં ખડે‘ સાખીમાં તો ગુરુને ગોવિંદથીયે શ્રેષ્ઠ સિદ્ધ કરવાની કુચેષ્ટા માલમ પડે છે. ગુરુને ભગવાન માનવા પાછળ એક ભાવ છે પણ તેને ભગવાનથી શ્રેષ્ઠ ગણવામાં તો ભગવાનનું જ અપમાન છે.
પુસ્તકની મહત્તા જીવનમાં છે જ, માણસે વિવિધ વિષયો પરના અધિકૃત ગ્રંથો વાંચવા જ જોઈએ. પણ ચેતન અને જડ વચ્ચેનો ભેદ જળવાવો જોઈએ. ચેતન જેટલી ચેતના જગાડી શકે તેટલી જડ નહિ જગાડી શકે. પ્રત્યક્ષ સહવાસને કારણે શિષ્યમાં સુષુપ્ત રહેલા સત્વ અને સ્વત્વ વિષે ગુરુને જે ખબર પડે તે પુસ્તકને ન જ પડે. ગુરુને શિષ્યની બધી બિહેવિયરની જાણ હોય, શિષ્યના જિન્સમાં કઈ સંભાવનાઓ પડેલી છે તેનો અંદાજ હોય અને તેને અનુરૂપ ક્યારે કઈ સલાહનો અમલ કરાવવો કે ક્યારે કઈ સજા કેટલા પ્રમાણમાં કરવી અને તેના કેવાં રિએક્શન આવશે તેની પૂરી ગણતરી હોય. શિષ્યની મૂંઝવણની પળોમાં ગુરુનો માયાળુ હાથ માથા પર ફરે અને જે આશ્વાસન મળે તે પુસ્તકથી નહિ મળે. ગુરુની વહાલભરી નજરથી શિષ્યના અંતરને જે શાંતિ મળે તથા ગુરુની હાજરીમાં એના સત્ચરિત્રના જે કંપનો હકારાત્મક અસરો ઉત્પન્ન કરે તે પુસ્તકોની બાબતમાં શક્ય નથી.
થોડા દિવસો પહેલાં ‘દિવ્ય ભાસ્કર‘ દૈનિકના ચીફ એડિટર રાજ ગોસ્વામીએ તેમની ફેસબુક વૉલ પર એક ટૂંકી પોસ્ટ મૂકી. તેમાં લખવામાં આવ્યું હતું કે ચોપડીઓ વાંચીને કોઈ બદલાયું હોય તેવો કોઈ દાખલો આજસુધીમાં નોંધાયો નથી. આ પોસ્ટને અઢીસો જેટલા વાચકોએ લાઈક કરી અને સો જેટલાએ તેના પર કમેન્ટ લખી. ઘણા લોકોએ અમુક મહાપુરુષોના અવતરણો ટાંકીને પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો કે એમના જીવનમાં પુસ્તકોએ એમનું માર્ગદર્શન કર્યું હતું. પુસ્તકોમાંથી વિચારો મળ્યા અને જીવવાની રીત શીખવા મળી જેને કારણે વિકાસ સાધીને તેમણે ઊંચાઈ પ્રાપ્ત કરી. ગાંધીબાપુ પર રસ્કિનના ‘અન ટુ ધ લાસ્ટ‘ પુસ્તકનો પ્રભાવ પડ્યો અને તેને કારણે સર્વોદય અને અંત્યજોદ્ધારનું આંદોલન મળ્યું. લેનિને કાર્લમાર્ક્સનું દાસ કેપિટલ વાંચ્યું અને રશિયામાં ક્રાંતિ થઈ.
એમ કહી શકાય કે એ મહાપુરુષોના વ્યક્તિત્વમાં એ વિચારોના બીજ સુષુપ્ત અવસ્થામાં પડેલા જ હતા. ભૂમિકા તૈયાર જ હતી અને પુસ્તકમાં વાંચવા મળેલા વિચારો થકી એમની ભાવનાને પોષણ મળ્યું. જે બીજ હતું તે અંકુરિત થયું અને તે વિકસીને છોડ બન્યો. જેને કારણે તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. સામ્યવાદના વિચારો આપનાર અને લખનાર કાર્લ માર્ક્સ કેમ ક્રાંતિ ન કરી શક્યો? લેનિન સિવાય બીજાઓએ પણ કાર્લ માર્ક્સને વાંચ્યા હશે તે જ રીતે ‘અન ટુ ધ લાસ્ટ‘ પુસ્તક પણ ગાંધીજી સિવાય અન્ય કેટલાયે લોકોએ આજસુધીમાં વાંચ્યું હશે, તો તે સૌને સર્વોદયનો વિચાર કેમ ન સ્ફૂર્યો? તેમનું જીવન કેમ નહિ બદલાયું? મહાભારત યુદ્ધના પ્રસંગે યુદ્ધવિમુખ બની ગયેલા અર્જુનને યુદ્ધ કરવા પ્રેરનાર ગીતા વાંચીને ગાંધીજીને અહિંસક સત્યાગ્રહનો વિચાર કેવી રીતે આવ્યો?
હકીકત એ છે કે પોતાની માન્યતાને યથાર્થ ઠેરવવા માટે લોકો પ્રચલિત પુસ્તકનો હવાલો આપતા હોય છે.
ભારતીય સંસ્કૃતિ અગણિત પુસ્તકો વાંચનારને એટલું મહત્ત્વ નથી આપતી જેટલું મહત્ત્વ એ બહુશ્રુતને આપે છે. પુસ્તક વાંચતી વખતે આપણે આપણા પૂર્વગ્રહો અકબંધ રાખીને વાંચીએ છીએ. જે વાત આપણી માન્યતાથી વિરુદ્ધ હોય અથવા ઓછું મૂલ્ય આંકતી હોય તે વાત વાંચવાનું આપણે ટાળીએ છીએ અને સમર્થન પ્રાપ્ત મુદ્દાઓને આપણે હાઈલાઈટ કરીએ છીએ. વળી, વાંચનાર જે વાંચે છે તેનો અર્થ તે પોતાની બુદ્ધિમર્યાદામાં રહીને સમજે છે. વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં બધા લોકો વિચારી શકતા નથી. એનાથી ઊલટું, સાંભળતી વખતે વક્તાના અણગમતા કે આપણી માન્યતા વિરુદ્ધના અર્થઘટનો પણ આપણે ફરજિયાત સાંભળવા પડે છે. આ અર્થમાં સાંભળવું એ તપ છે જ્યારે વાંચવું એ એક લહાવો છે!
પુસ્તકો પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય તો પણ માણસને સુધારવાની જવાબદારી તેના પર નાખી શકાય તેમ નથી. માણસ ક્યારે બદલાય? આવશ્યકતા હોય તો બદલાય, બદલાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ રહ્યો ન હોય ત્યારે બદલાવું પડે એ તેની મજબૂરી છે. એ તેનો બદલાવ ન કહી શકાય કારણ કે, પરિસ્થિતિ બદલાતાં જ કૂતરાની પૂંછડી ફરીથી વાંકી થઈ જાય. બદલાવાનું બીજું કારણ છે કોઈનો ઉત્કટ પ્રેમ. માણસ પ્રેમવશ થઈ આનાકાની કર્યા વગર સ્વેચ્છાએ પોતાના જીવનમાં બદલાવ લાવે છે કારણ કે પોતાના પ્રિયના અંતરમાં તેણે પોતાનું સ્થાન અંકિત કરવું છે.
પુસ્તકો આપણને માહિતી આપી શકે; પિતા, મિત્ર કે ગુરુની માફક સમયસર આપણી પાસે આવીને હૂંફ, આશ્વાસન, માર્ગદર્શન કે મમતાભર્યો ઠપકો ન આપી શકે. વ્યક્તિના જીવન પરિવર્તન કે સમાજના પરિવર્તન માટે પુસ્તકો નાકામ સિદ્ધ થતાં જાય છે એ વિષે કોઈ શંકા રહેતી નથી.
1 thought on “મારી કલમ, મારા વિચાર – ૪ (પરભુભાઈ મિસ્ત્રી)”
‘ વ્યક્તિના જીવન પરિવર્તન કે સમાજના પરિવર્તન માટે પુસ્તકો નાકામ સિદ્ધ થતાં જાય છે એ વિષે કોઈ શંકા રહેતી નથી.’ વિષે વિચારવમળે…સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે, આથી કેટલાક કિસાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે
‘ વ્યક્તિના જીવન પરિવર્તન કે સમાજના પરિવર્તન માટે પુસ્તકો નાકામ સિદ્ધ થતાં જાય છે એ વિષે કોઈ શંકા રહેતી નથી.’ વિષે વિચારવમળે…સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે, આથી કેટલાક કિસાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે
LikeLike